અદાલતો ભળતી બાબતોમાં જ સમય વેડફે એ ચિંતાનો વિષય

Published: 26th August, 2012 09:09 IST

\સામાન્ય માણસને વર્ષો સુધી ન્યાય ન આપી શકાતો હોય ત્યારે કોટોર્ એનો ટાઇમ અને શક્તિ અધિકારક્ષેત્રના બહારના કામમાં ખર્ચતી હોય એ અનુચિત

શોરબકોર અને અતિરેકના આ યુગમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સરોશ કાપડિયા મિતભાષી અને વિવેકી છે. તેઓ મોકો મળે છે ત્યારે વારંવાર દેશની અદાલતોના જજોનો સલાહ આપે છે કે તેમણે બંધારણની અને કાયદાની મર્યાદામાં રહીને ન્યાય તોળવો જોઈએ. ચુકાદા લખતી વખતે તેમણે ન્યાયદાન માટે જેટલી જરૂરી હોય એટલી જ અને એ પણ કાયદાકીય ભાષાનો જ ઉપયોગ કરવો જોઈએ. અદાલતી ખટલાઓ જજસાહેબોની બહુશ્રુતતા સાબિત કરવાનો અવસર નથી. આજકાલ જજો જે રીતે પોતાના અધિકારક્ષેત્રને વિસ્તારી રહ્યા છે એનાથી મુખ્ય ન્યાયમૂર્તિ ચિંતિત લાગે છે. ૧૫ ઑગસ્ટે સર્વોચ્ચ અદાલતના પરિસરમાં ધ્વજવંદન કર્યા પછી કરેલા પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે અદાલતની મર્યાદા અને જજોનું ઉત્તરદાયિત્વ નક્કી કરનારો ખરડો સંસદમાં આવી રહ્યો છે. તેમણે સરકારને ચેતવણી આપી હતી કે બાથ વૉટર સાથે બેબીને ફેંકી દેવાની ભૂલ ન કરી બેસતા. બીજા શબ્દોમાં કહીએ તો અદાલતોના અધિકારક્ષેત્ર પર તરાપ મારવાની સરકાર ભૂલ ન કરે એવી તેમણે ચેતવણી આપી છે.

ગયા અઠવાડિયે મુંબઈની વડી અદાલતના સાર્ધશતાબ્દી મહોત્સવ નિમિત્તે વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ અને મુખ્ય ન્યાયમૂર્તિ સરોશ કાપડિયા એક મંચ પર સાથે હતા. બન્ને વિવેકી અને મિતભાષી છે અને બન્નેએ લોકતાંત્રિક સંસ્થાઓએ પોતપોતાની મર્યાદા જાળવવી જોઈએ એવી હિમાયત કરી હતી. મર્યાદાલોપ એ આ યુગની સૌથી મોટી બીમારી છે અને

જે-તે લોકશાહી સંસ્થાઓનું નેતૃત્વ કરતા વિવેકીજનો આ વાત જાણે છે. એ પછી પણ જ્યારે ધાર્યું પરિણામ નથી આવતું ત્યારે કેટલાક લોકોએ કાન આમળવાનું કામ પણ કરવું પડતું હોય છે. મુંબઈની વડી અદાલતની સાર્ધશતાબ્દી નિમિત્તે યોજાયેલા વ્યાખ્યાનમાં બોલતાં ટી. આર. અંધ્યારુજિનાએ જજોના કાન આમળવાનું કામ કર્યું છે.

મુંબઈની વડી અદાલતમાં મહારાષ્ટ્ર રાજ્યના ઍડ્વોકેટ જનરલ રહી ચૂકેલા અંધ્યારુજિના કાયદાની ઊંડી સમજ, વિવેક અને નખશિખ પ્રામાણિકતા માટે જાણીતા હોમી સિરવાઈના શિષ્ય છે. અંધ્યારુજિના ૧૯૯૬-’૯૮નાં વર્ષોમાં ભારત સરકારના સૉલિસિટર જનરલ રહી ચૂક્યા છે. તેમણે ‘જુડિશ્યલ ઍક્ટિવિઝમ ઍન્ડ કૉન્સ્ટિટ્યુશનલ ડેમોક્રેસી ઇન ઇન્ડિયા’, ‘જજિઝ ઍન્ડ જુડિશ્યલ અકાઉન્ટેબિલિટી’ અને ‘કેશવાનંદ ભારતી કેસ - અનટોલ્ડ સ્ટોરી ઑફ સ્ટ્રગલ ફૉર સુપ્રીમસી બાય સુપ્રીમ કોર્ટ ઍન્ડ પાર્લમેન્ટ’ એમ ત્રણ પુસ્તકો લખ્યાં છે. તેઓ ન્યાયતંત્રના જેટલા મોટા બચાવકર્તા છે એટલા મોટા આલોચક પણ છે.

મુંબઈની વડી અદાલતમાં તેમણે અદાલતોના કાન આમળતાં કહ્યું હતું કે અદાલતો એની મર્યાદા અતિક્રમી રહી છે જે ક્ષેત્ર દેખીતી રીતે સરકાર (એક્ઝિક્યુટિવ)ના અને વિધાનમંડળ (લેજિસ્લેટિવ)નાં છે એમાં અદાલતો ચંચુપાત કરે એ જુડિશ્યલ ઍક્ટિવિઝમ (અદાલતની સક્રિયતાનું) ઉતાવળું અને ઉતાવળને કારણે જોવા મળતું વિકૃત સ્વરૂપ છે. સરકારી અને સંસદીય કામકાજોનું મૅનેજમેન્ટ અને સુપરવિઝન કરવાનું કામ અદાલતોનું નથી. એક તરફ સામાન્ય માણસને વર્ષો સુધી ન્યાય ન આપી શકાતો હોય અને બીજી તરફ અદાલતો એનો સમય અને શક્તિ એના અધિકારક્ષેત્રના બહારના કામમાં ખર્ચતી હોય એ ઉચિત નથી. ભારતનું ન્યાયતંત્ર એવું છે જેમાં સામાન્ય માણસને આમ પણ ન્યાય મળતો નથી. લાખો કેસ વિવિધ અદાલતોમાં ચુકાદાની રાહ જોતા પડ્યા છે અને સાધારણ નાગરિકને દાયકાઓ સુધી ન્યાય મેળવવા રાહ જોવી પડે છે. દાદાએ કરેલા કેસને પૌત્રે આગળ ચલાવવો પડતો હોય ત્યારે અદાલતો ભળતી બાબતોમાં સમય વેડફતી હોય એ ચિંતાની બાબત છે.

૧૯૭૯માં પહેલી વાર અદાલતોએ સામે ચાલીને સામાન્ય માણસ સુધી ન્યાયને પહોંચાડવાની કોશિશ કરી હતી અને એ સાથે જુડિશ્યલ ઍક્ટિવિઝમ અને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઇએલ - જાહેર હિતની યાચિકા)નો યુગ શરૂ થયો હતો. એ સમયે સર્વોચ્ચ અદાલતમાં વકીલાત કરતાં કપિલા હિંગોરાની નામનાં વકીલબાનુએ બિહારના કાચા કેદીઓ વિશેના લેખો તરફ સર્વોચ્ચ અદાલતનું ધ્યાન દોર્યું હતું અને ન્યાયમૂર્તિ પી. એન. ભગવતીએ કપિલા હિંગોરાનીની રજૂઆતને પિટિશન તરીકે દાખલ કરી દીધી હતી. બિહારની જેલમાં ૨૮,૦૦૦થી વધુ કાચા કેદીઓ દાયકાઓથી સબડતા હતા અને એમાંના મોટા ભાગનાઓની સામે તો આરોપનામાં પણ દાખલ કરવામાં નહોતાં આવ્યાં. સર્વોચ્ચ અદાલતની સક્રિયતાને કારણે હજારો કાચા કેદીઓને માત્ર બિહારમાં જ નહીં, દેશભરમાં ન્યાય મળ્યો હતો. ન્યાયને ન્યાયવાંછુ સુધી પહોંચાડવાની ભારતીય અદાલતોની આવી અદ્ભુત પહેલની દુનિયાભરમાં સરાહના થઈ હતી. સરાહના કરનારાઓમાં બ્રિટિશ અદાલતના ન્યાયમૂર્તિ લૉર્ડ હેરી વુલ્ફ અને ઑસ્ટ્રેલિયાના ન્યાયમૂર્તિ માઇકલ કિરબીનો સમાવેશ થાય છે. તેમણે ભારતની અદાલતોની આ પહેલને અંગ્રેજીમાં યુનિક ઇનિશ્યેટિવ તરીકે ઓળખાવી હતી.

ખેર, એ પછી હંમેશાં બને છે એમ જાહેર હિતની યાચિકા અને અદાલતોની સક્રિયતામાં અતિરેક થવા માંડ્યો હતો. કેટલાક લોકો ન્યાયની પ્રક્રિયામાં અડચણો ઊભી કરવાના ઇરાદાથી અને કેટલાક સરકારી નિર્ણયોને ખોરંભે પાડવાના ઇરાદાથી જાહેર હિતના નામે અદાલતોનો દુરુપયોગ કરતા હતા. કેટલાક વળી પ્રસિદ્ધિ મેળવવા માટે પીઆઇએલનો ઉપયોગ કરવા લાગ્યા હતા, જેને કારણે પીઆઇએલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની જગ્યાએ પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન તરીકે ઓળખવા લાગી હતી. કેટલાક જજો પણ જનહિતના અતિ ઉત્સાહમાં કાચા અને અવ્યવહારુ ચુકાદા આપવા લાગ્યા હતા. વિડંબના જુઓ, ભારતમાં જુડિશ્યલ ઍક્ટિવિઝમની શરૂઆત ઉપર કહ્યું એમ બિહારના કાચા કેદીઓના કેસથી થઈ હતી. જાણીતા પત્રકાર અરુણ શૌરીની અથાક મહેનતનું એ પરિણામ હતું. આગળ જતાં આ જ અરુણ શૌરીને જુડિશ્યલ ઍક્ટિવિઝનના નામે જજોમાં જોવા મળતા અતિ ઉત્સાહ, કાયદા વિશેનું અજ્ઞાન અને સાચી નિસ્બતના અભાવની ટીકા કરવાનો વખત આવ્યો હતો. ‘ર્કોટ્સ ઍન્ડ ધેર જજમેન્ટ્સ’ નામનું પુસ્તક આ વિષયમાં રસ લેનારાઓએ વાંચવું જોઈએ.

પીઆઇએલવાળો જુડિશ્યલ ઍક્ટિવિઝનનો પહેલો દોર હજી તો પૂરો નહોતો થયો ત્યાં દાયકા પહેલાં જુડિશ્યલ ઍક્ટિવિઝનનો બીજો દોર શરૂ થયો હતો અને અત્યારે એ એની ચરમસીમાએ છે. પોલીસે ટ્રાફિકનું નિયમન કેમ કરવું જોઈએ એની સલાહ અદાલત આપે છે. જજસાહેબ ચુકાદો આપ્યા પછી અટકતા નથી, તેમની સલાહ મુજબ ટ્રાફિકનું નિયમન થઈ રહ્યું છે કે નહીં એના પર નજર પણ રાખે છે. જાહેર સ્થળોએ કાર પાર્ક કરવા દેવી જોઈએ કે નહીં અને કરવા દેવામાં આવે તો કેટલો ચાર્જ લેવો એ અદાલતો નક્કી કરવા લાગી છે. ટી. આર. અંધ્યારુજિનાએ અદાલતોના આવા હાસ્યાસ્પદ અકારણ અને અવ્યવહારુ હસ્તક્ષેપના સંખ્યાબંધ દાખલાઓ આપ્યા છે. પંજાબમાં ગોડાઉનમાં સડતા ઘઉં કઈ રીતે સરકારે ઉપભોક્તા સુધી પહોંચાડવા જોઈએ એ સમજાવતો ચુકાદો જ્યારે સર્વોચ્ચ અદાલતે આ વર્ષના પ્રારંભમાં આપ્યો ત્યારે વડા પ્રધાને કહેવું પડ્યું હતું કે અદાલત એની મર્યાદા અતિક્રમી રહી છે. સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રના બહારનો આવો એક બીજો

આદેશ દેશની નદીઓને જોડવાને લગતો આપ્યો હતો. આ બન્ને ચુકાદા સર્વોચ્ચ અદાલતે આપ્યા હતા.

સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી અનધિકૃત હસ્તક્ષેપની બીમારી

અનધિકૃત હસ્તક્ષેપ કરવાની બીમારી સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી છે એટલે વડા પ્રધાને મર્યાદામાં રહેવાની સલાહ આપવી પડે છે. જજો અવ્યવહારુ અને હાસ્યાસ્પદ ચુકાદા આપવા માંડ્યા છે એટલે દેશના મુખ્ય ન્યાયમૂર્તિએ વખતોવખત જજોને વિવેક અને સંયમની સલાહ આપવી પડે છે. અદાલતોની સક્રિયતા તો સામાન્ય માણસના હિતમાં અપેક્ષિત હતી. આજે અદાલતોની સક્રિયતા ઊંધા પાટે ચડી ગઈ છે, જેને કારણે અદાલતો પાસે સામ્ાાન્ય માણસને ન્યાય આપનારા ખટલા ચલાવવા માટે સમય જ નથી. અદાલતોના હોવાપણા સામે જ, એની પ્રાસંગિકતા સામે જ જ્યારે સંકટ ઊભું થાય ત્યારે ટી. આર. અંધ્યારુજિના જેવા સંનિષ્ઠ ધારાશાસ્ત્રીએ ઊહાપોહ કરવો પડે છે. સિવિલ સોસાયટી સહિત તમામ લોકતાંત્રિક સંસ્થાઓ અતિરેકના કારણે તૂટી પડે એ ચિંતાની બાબત છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK