વરસાદની સીઝનમાં હંમેશાં હાથવગાં રાખવા જેવાં કેટલાંક ઉપયોગી ચૂર્ણો

Published: 26th August, 2012 09:04 IST

વર્ષાઋતુમાં જાતજાતના રોગોનો ઉપદ્રવ થવાની શક્યતા રહે છે. મોટા ભાગે એમાં પેટના, વાયુના અને ચામડીના રોગો થવાની વિશેષ સંભાવના રહેલી છે. આ પ્રકારનાં રોગોમાં પ્રારંભિક અવસ્થામાં જ ઘરગથ્થુ સારવારરૂપે આ ચૂર્ણો બધાને ઉપયોગી થશે.


monsoon-churnaઆયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી

 

વર્ષાઋતુમાં જાતજાતના રોગોનો ઉપદ્રવ થવાની શક્યતા રહે છે. મોટા ભાગે એમાં પેટના, વાયુના અને ચામડીના રોગો થવાની વિશેષ સંભાવના રહેલી છે. આ પ્રકારનાં રોગોમાં પ્રારંભિક અવસ્થામાં જ ઘરગથ્થુ સારવારરૂપે આ ચૂર્ણો બધાને ઉપયોગી થશે.

૧. હિંગાષ્ટક ચૂર્ણ

આ ચૂર્ણ ખૂબ જ પ્રચિલત છે. ગૅસ અને પાચનની સમસ્યામાં આ ચૂર્ણ એકદમ અક્સીર છે, પરંતુ હિંગ, સિંધવ જેવાં અગત્યનાં દ્રવ્યો બનાવટી અને ભેળસેળવાળાં આવતાં હોવાને કારણે એ લીધા પછી પણ ઘણી વાર ધાર્યું પરિણામ નથી મળતું. આ ચૂર્ણથી ઝડપી અને સારું પરિણામ મેળવવું હોય તો આ બધાં જ દ્રવ્યો સાચાં તેમ જ શુદ્ધ કરેલાં હોય એવો આગ્રહ રાખવો. સૂંઠ, કાળાં મરી, લીંડીપીપર, સિંધવ, અજમો, જીરું, શાહજીરું અને સંચળ આ બધાં જ ઔષધ દ્રવ્યો સમભાગે લેવાં અને એમાં એના આઠમા ભાગની સારી અને શુદ્ધ કરેલી હિંગનું ચૂર્ણ મેળવવું.

હિંગની શુદ્ધિ હિંગને બમણા ઘીમાં સાંતળીને કરવી.

ક્યારે લેવાય? : આ ચૂર્ણ કાચની બરણીમાં ભરી રાખવું અને ગૅસ, ગોળો, પેટનો દુખાવો, આફરો, ઍપેન્ડિસાઇટિસ, અરુચિ, મંદાગ્નિ જેવાં દરદોમાં રોજ સવાર, બપોર અને સાંજે એક-એક ચમચી તાજી બનાવેલી છાશ સાથે લેવી. જો આ રીતે ન લઈ શકાય તો જમતી વખતે શરૂઆતમાં જ ઘી-ભાત સાથે મેળવીને લેવું. આનાથી ચોમાસામાં થતા પેટના રોગો સામે રોગપ્રતિકારક શક્તિવધે છે.

૨. બિલ્વાદિ ચૂર્ણ

બિલ્વાદિ ચૂર્ણ માર્કેટમાં સહેલાઈથી ઉપલબ્ધ છે અને જો ઘરે બનાવવું હોય તો કાચા બીલાંનો ગર્ભ, જાયફળ, જાવંત્રી, ખસખસ, લીંડીપીપર, જાંબુની છાલ, આંબાની છાલ, જેઠીમધ, સુગંધીવર્ણો, ધાણાજીરું, સૂંઠ - આ દ્રવ્યો સમાન ભાગે લેવાં. એમાં સમાન ભાગે સાકરનું ચૂર્ણ ઉમેરવું અને વસ્ત્રગાળ કરી ભેજ ન લાગે એ રીતે કાચની બરણીમાં ભરવું. આ ચૂર્ણનો ઉપયોગ બેથી પાંચ ગ્રામ પ્રતિમાત્રાના પ્રમાણે કરી શકાય છે.

ક્યારે લેવું? : ચોમાસામાં ઝાડાગ્રહણી (સંગ્રહણી) અને અર્જીણનું આક્રમણ સૌથી વધુ હોય છે ત્યારે સૂંઠ નાખીને ઉકાળેલું પાણી, વઘારેલી છાશ, દાડમ, દહીં-ભાત, છાશ-ભાત જેવા પથ્યકર આહાર ઉપર રહીને દિવસમાં ત્રણ-ચાર વખત એક-એક ચમચી બિલ્વાદિ ચૂર્ણ છાશ અથવા બકરીના તાજા દૂધ સાથે લેવામાં આવે તો ખૂબ જ ફાયદાકારક બને છે.

૩. મંજિષ્ઠાદિ ચૂર્ણ

મંજિષ્ઠા, હરડે, ગુલાબનાં ફૂલ અને નસોતરનું સમાન ભાગે ચૂર્ણ કરીને મેળવો. એ બધાં જ ચૂર્ણથી અડધા ભાગે મીંઢી આવળનું ચૂર્ણ મેળવવું. આ ચૂર્ણમાં એનાથી બમણા માપે સાકરનું ચૂર્ણ ઉમેરવું. એટલે મંજિષ્ઠાદિ ચૂર્ણ તૈયાર થાય. ચામડીનાં તમામ રોગોમાં આ મંજિષ્ઠાદિ ચૂર્ણ અસરકારક છે. સફેદ કોઢમાં પણ આ ચૂર્ણ ઉપયોગી બને છે.

ક્યારે લેવું? : ચોમાસામાં નવું પાણી, નવાં ધાન, નવો ખોરાક, ભેજ, ચેપ અને કબજિયાતને કારણે ચોમાસામાં ચામડીના રોગો, ખંજવાળ, ખસ, ખરજવું, ગૂમડાં, દાદર વગેરે પણ વ્યાપક બને છે. એમાં દહીં, દૂધ, ગોળ, કેળાં, તલ, તળેલું વગેરેનો ત્યાગ કરી મોળા મગ અને મોળી રોટલીના આહાર ઉપર રહી કેવળ આ મંજિષ્ઠાદિ ચૂર્ણ એક-એક ચમચી સવારે, રાત્રે બે-ત્રણ મહિના લેવાથી ઘણો લાભ થાય છે

મીંઢી આવળને કારણે પેટમાં આંકડી આવતી હોય તેણે ચૂર્ણ બનાવતી વખતે એનું પ્રમાણ ઓછું લેવું અથવા ન લેવું.

૪. ત્રિફળા ચૂર્ણ

પાચનને લગતી કોઈ પણ પ્રકારની તકલીફની શરૂઆત લાગે ત્યારે સૌથી પહેલાં પેટ સાફ રાખવાની જરૂર પડે. એટલે હરડે, બહેડાં અને આમળાંના મિશ્રણથી બનતું ત્રિફળા ચૂર્ણ હાથવગું રાખવું જોઈએ. આ ચૂર્ણ તૈયાર પણ મળે છે ને તમે જરૂરિયાત પ્રમાણે ત્રણ ચીજોનું મિશ્રણ જાતે કરીને પણ બનાવી શકો છો.

ક્યારે લેવું? : કબજિયાતની તકલીફ રહેતી હોય તો રાતે સૂતાં પહેલાં એક ચમચી હૂંફાળા પાણી સાથે લેવું.   

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK