રાજકારણીઓને માત કરવા રાજકારણમાં કૂદી પડવું એ અણ્ણા હઝારેની નરી મૂર્ખાઈ

Published: 4th August, 2012 19:13 IST

જાના થા જપાન, પહોંચ ગએ ચીન જેવી થઈ તેમની હાલત : દસ દિવસ પછીયે ચળવળને ધારેલી સફળતા ન મળવાથી એને સમેટીને રાજકીય પક્ષની સ્થાપનાની કરી જાહેરાત : અણ્ણાના આઠ મહિનામાં આ ચોથા ઉપવાસમાં જનલોકપાલનો ખરડો હાંસિયામાં હતો

anna-partyનો નૉન્સેન્સ - રમેશ ઓઝા

એક ટીવીચૅનલ પર અણ્ણા-આંદોલન પરની ચર્ચામાં ભાગ લેતાં ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના સલાહકાર તંત્રી દિલીપ પાડગાંવકરે કહ્યું હતું કે ડાબો હાથ શું કરે છે એની જમણા હાથને જાણ ન હોય એ સફળ રાજનીતિ કહેવાય; પરંતુ જમણો હાથ શું કરે છે એની જમણા હાથને જ જાણ ન હોય એને રણનીતિ ન કહેવાય, એને કુહડગીરી કહેવાય. ટીમ અણ્ણાના ત્રણ સભ્યો દસ દિવસ પહેલાં દિલ્હીમાં જંતરમંતર ખાતે ઉપવાસ પર બેઠા ત્યારે એ લોકઆંદોલન હતું. દસ દિવસ પછી આંદોલનને જ્યારે ધારેલી સફળતા ન મળી ત્યારે ટીમ અણ્ણાએ આંદોલન સમેટી લઈને શેતરંજી સંકેલતાં-સંકેલતાં રાજકીય પક્ષની જાહેરાત કરી દીધી. જવું હતું ક્યાંક અને પહોંચી ગયા ક્યાંક.

તેમની બે માગણી હતી. તેમની મુખ્ય માગણી એ હતી કે જેમની સામે તેમણે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે એવા ૧૪ કેન્દ્રીય પ્રધાનો સામે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિંગ દ્વારા તપાસ થવી જોઈએ અને આમાં વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનો પણ સમાવેશ છે. જેના માટે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનની રચના કરવામાં આવી છે અને જેના માટે અણ્ણા હઝારે આઠ મહિનામાં ત્રણ વખત ઉપવાસ કરી ચૂક્યા છે એ લોકપાલનો ખરડો આ ચોથી વારના ઉપવાસમાં હાંસિયામાં હતો. તેમની દલીલ એવી છે કે જ્યાં સુધી ૧૪ ભ્રષ્ટ પ્રધાનો સરકારમાં બેઠા છે ત્યાં સુધી લોકજનપાલનો ખરડો પસાર નહીં થઈ શકે.

આંદોલન શરૂ થયું એની પૂર્વસંધ્યા સુધી રાજકીય પક્ષ રચવાની વાત નહોતી. ચૂંટણીમાં શું વલણ લેવું એ વિશે જ ટીમ અણ્ણા કોઈ નર્ણિય પર નહોતી આવી. ચૂંટણીમેદાનમાં ચોક્કસ ભૂમિકા ભજવવાની બાબતે તેમની વચ્ચે મતભેદ હતા અને આજે પણ છે. હરિયાણામાં હિસ્સારની પેટાચૂંટણી વખતે અને ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી વખતે તેમની વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા હતા. ટીમ અણ્ણાનાં એક સભ્ય મેધા પાટકરે પક્ષની જાહેરાત થયા પછી ટીમ અણ્ણાને સલાહ આપી છે કે રાજકીય પક્ષ સ્થાપતાં પહેલાં સો વાર વિચાર કરજો. ટૂંકમાં, તેમની પ્રાથમિકતા લોકઆંદોલનની હતી અને તેઓ પોતાને દબાવ જૂથ (પ્રેશર ગ્રુપ) તરીકે જોતા હતા. જો આંદોલનને ગયા વર્ષના ઑગસ્ટ મહિના જેવી સફળતા મળી હોત તો તેઓ આંદોલન અને દબાવ જૂથની ભૂમિકામાં રાજી હતા.

તેમના દુર્ભાગ્યે આંદોલન નિષ્ફળ થયું અને સરકારે તેમ જ અન્ય રાજકીય પક્ષોએ એની નોંધ લેવાનું છોડી દીધું હતું ત્યારે ઉપેક્ષાથી પીડિત આંદોલનકારીઓ આબરૂ બચાવવાની શોધમાં હતા. ૨૩ મહાનુભાવોએ તેમને ઉપવાસ  છોડવાની અને અન્ય વિકલ્પ ઢંઢોળવાની સલાહ આપી હતી. ટીમ અણ્ણાએ ૨૩ મહાનુભાવોની અપીલને માન આપીને નમþતાપૂર્વક આંદોલન સમેટી લેવું જોઈતું હતું અને તેમની સલાહને ધ્યાનમાં લઈને વિકલ્પની તલાશ શરૂ કરવી જોઈતી હતી. જેટલું હોમવર્ક વધારે, જેટલી સલાહ-મસલત વધારે, જેટલો સંવાદ વધારે, જેટલું મંથન વધારે એટલું પરિણામ સારું આવે.

ગાંધીજી બે આંદોલન વચ્ચેનો સમય આના માટે વાપરતા અને એમાં કેટલીક વાર વરસો ખર્ચતા. ગાંધીજીના મનમાં શું ચાલી રહ્યું છે એની દૈનિક જાણકારી લોકોને મળતી. ચર્વણાચર્વણની આટલી ચીવટ ભાગ્યે જ જોવા મળશે. અહીં એવું બન્યું કે અણ્ણા હઝારેને ૨૩ મહાનુભાવોની ચિઠ્ઠી મળી એના બે-અઢી કલાકમાં તેમણે વિકલ્પની ખોજ કરવાની જગ્યાએ ચૂંટણીમાં ભાગ લેવાની જાહેરાત કરી દીધી હતી.

જો તેમનો ઇરાદો પહેલેથી જ સંસદીય રાજકારણમાં ઊતરવાનો હોય તો એનું સ્વાગત કરવું જોઈએ, કારણ કે વ્યવસ્થા સુધારવા માટે સત્તાનું રાજકારણ પણ એક અસરકારક વિકલ્પ છે. પ્રતિનિધિગૃહમાં બહુમતી મેળવ્યા પછી તમે ઇચ્છો એવા કાયદા ઘડી શકો છો અને સ્વચ્છ શાસન આપી શકો છો, પણ ટીમ અણ્ણાએ પક્ષ રચવાની જાહેરાત જો હતાશાથી પ્રેરાઈને કરી હશે કે મિયાં કી ટંગડી ઊંચી રાખવાના ઇરાદાથી કરી હશે તો તેઓ ફરી એક વાર ફસાવાના છે. રાજકીય પક્ષ લાંબી યોજનાના ભાગરૂપે રચવામાં આવતો હોય તો એ આવકાર્ય છે, પરંતુ રાજકારણીઓએ ઘેરી લીધા એટલે તેમને માત કરવા રાજકારણના અખાડામાં કૂદી પડવું એ નરી મૂર્ખાઈ છે.

ભારતમાં પક્ષીય રાજકારણનું સ્વરૂપ અલગ છે. એની કેટલીક ખૂબીઓ અને ખામીઓ છે. એ શું છે એની વાત આવતા અઠવાડિયે કરીશું. દરમ્યાન છાશવારના ઉપવાસોનો અંત આવ્યો એ માટે રાહત અનુભવીએ.    

નિષ્ફળતાનાં કારણો સમજવાં જરૂરી

ભારતમાં સત્તાના રાજકારણને સ્વચ્છ બનાવવાના ઇરાદાથી ઘણા લોકો રાજકીય પક્ષ કે મોરચો રચવાના પ્રયોગ કરી ચૂક્યા છે. જયપ્રકાશ નારાયણે દેશભરમાં લોકસમિતિઓ રચીને લોકઉમેદવાર ઊભા રાખવાનો એક માર્ગ બતાવ્યો છે. આજે ૩૫ વર્ષ પછી સર્વોદયવાળાઓ હજી સુધી એક લોકઉમેદવારને ચૂંટાવીને લોકસભામાં કે વિધાનસભામાં મોકલી શક્યા નથી. એક વખત તો ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધીને લોકઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવ્યા હતા અને તેમણે ડિપોઝિટ ગુમાવી હતી. અણ્ણા હઝારેને સલાહ આપનારા યોગેન્દ્ર યાદવ અને ડૉ. લોહિયાના બીજા કેટલાક અનુયાયીઓએ મળીને સમાજવાદી જનપરિષદ નામનો પક્ષ રચ્યો છે. બે દાયકાની મહેનત પછી એ પક્ષ એક પણ ચૂંટણીમાં એક પણ ઉમેદવારને જિતાડી શક્યો નથી. છેલ્લા ચાર દાયકા દરમ્યાન થયેલા આવા નિષ્ફળ પ્રયોગના બીજા ડઝન દાખલાઓ ટાંકી શકાય એમ છે. મહત્વની વાત એ છે કે વધુ એક નિષ્ફળ પ્રયોગ કરવાની જગ્યાએ ટીમ અણ્ણાએ સૌથી પહેલાં તો આગલા પ્રયોગોની નિષ્ફળતાનાં કારણો સમજવા જોઈએ, પરંતુ એ ચર્વણાચર્વણનો પ્રદેશ છે જે અણ્ણા હઝારે અને તેમની ટીમને ફાવતો નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK