પ્લેન કરતા ક્યાંય ઉપર જઈને છલાંગ, જીગરવાલા

Published: 4th August, 2012 19:07 IST

  પ્લેન ઊડે છે એના કરતાં ડબલ-ટ્રિપલ ઊંચાઈએથી, જ્યાંનું ટેમ્પરેચર ૮૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊકળતું હોય છે ત્યાંથી ઑસ્ટ્રિયાના  ફેલિક્સ બૉમગાર્ટનરે છલાંગ લગાવીને સમગ્ર વિશ્વના લોકોના શ્વાસ થંભાવી દીધા

જગદીશચંદ્ર ભટ્ટ

પૃથ્વીના પટ પર ઘણા માણસો જાત-જાતનાં કરતબ, સાહસ અને હેરતઅંગેજ કાર્યો કરતા હોય છે. કોઈક સાહસિક વિશ્વના સૌથી મોટા અને ધસમસતા નાયગરા જળધોધ પરથી પાતળા તાર પર ચાલવાનો જીવસટોસટનો પ્રયોગ કરે છે તો અમુક હિંમતબાજ સમુદ્રના તળિયે જઈને ત્યાંની અજીબોગરીબ જીવસૃષ્ટિની ફિલ્મ ઉતારવાનું સાહસ કરે છે. જોકે ૨૦૧૨ની ૨૫ જુલાઈએ ઑસ્ટ્રિયાના ફેલિક્સ બૉમગાર્ટનર નામના સાહસવીરે તો અધ્ધર આકાશમાંથી ૨૯ કિલોમીટરની ઊંચાઈએથી વિરાટ છલાંગ લગાવીને જગતઆખાને ચોંકાવી દીધું છે. અરે, ફેલિક્સની ઇચ્છા તો આકાશમાંથી હજી પણ વધુ ઊંચાઈએથી કૂદકો મારવાની છે. ફેલિક્સ બૉમગાર્ટનરનું આવું જીવસટોસટનું આકાશી સાહસ વિશ્વના હજારો લોકોએ ટીવી પર નિહાળ્યું ત્યારે સૌના શ્વાસ બે ઘડી થંભી ગયા હતા. ફેલિક્સ બૉમગાર્ટનર પૅરૅશૂટની મદદથી ન્યુ મેક્સિકોના રોઝવેલ નજીકના રણપ્રદેશમાં સલામત રીતે ઊતર્યો હતો.

જોકે ફેલિક્સ બૉમગાર્ટનરનું આવું જબરદસ્ત પણ ભારોભાર જોખમી સાહસ જોઈને કે આ સમાચાર વાંચીને સામાન્ય માનવીને જરૂર એવા સવાલ થાય કે કોઈ જીવતોજાગતો માણસ ગગનમાંથી ૨૯ કિલોમીટરની ઊંચાઈએથી પૃથ્વી પર છલાંગ મારે ત્યારે ત્યાં અફાટ આકાશનું વાતાવરણ ખરેખર કેવું હોય? પૃથ્વીથી આટલી બધી ઊંચાઈએ આકાશમાંનાં દૃશ્યો કેવાં હોય? તો માણસના શરીરને કોઈ અસર થાય ખરી અને થાય તો કેવી થાય અને આવા સાહસવીરે તેની સલામતી માટે કેવી-કેવી કાળજી રાખવી પડે?

ઑસ્ટ્રિયાના ફેલિક્સ બૉમગાર્ટનરે ૨૦૧૨ની ૨૫ જુલાઈએ જે વિરાટ આકાશી છલાંગ લગાવી એની રસપ્રદ અને યાદગાર વિગતો જાણવા જેવી છે.

ફેલિક્સે આકાશમાંથી ખરેખર ૨૮.૯૬ કિલોમીટરના અંતરેથી (૧૮ માઇલ અથવા ૯૬,૬૪૦ ફૂટ) પૃથ્વી પર કૂદકો માર્યો હતો. સામાન્ય રીતે કોઈ પણ ઇન્ટરનૅશનલ ફ્લાઇટ આકાશમાં ૩૦થી ૪૫ હજાર ફૂટની ઊંચાઈએ ઊડતી હોય છે, પરંતુ ફેલિક્સ તો આના કરતાં ક્યાંય વધુ અંતરે ગયો હતો.

flexi1આમ તો ૪૩ વર્ષનો આ ઑસ્ટ્રિયન ઘણા સમયથી તેના આ અદ્ભુત સાહસ માટે તૈયારી કરી રહ્યો હતો. ચિંતાજનક બાબત એ હોય છે કે પૃથ્વી પર કોઈ સાહસ કરવું અને અધ્ધર ગગનમાં જઈને આવો જોખમી પ્રયોગ કરવો એમાં ભારોભાર ફરક હોય છે. એનું કારણ એ છે કે પૃથ્વી પર તો કોઈ મદદ કે સહાય પણ મળે, પરંતુ પૃથ્વીથી ઉપર હજારો ફૂટના અંતરે તો આવું સાહસ કરનારી વ્યક્તિ સાવ જ એકલીઅટૂલી હોય. એટલે સાહસિકે તેની સંપૂર્ણ સલામતી માટે જરૂરી બધી જ આગોતરી વ્યવસ્થા કરવી પડે. આ તમામ સાવચેતી રાખીને સમુદ્રની સપાટીથી ૯૬ હજાર ફૂટની ઊંચાઈએ જવા ફેલિક્સે એક વિશાળ કદના બલૂનનો ઉપયોગ કર્યો હતો. એ બલૂન હિલિયમ ગૅસની મદદથી આકાશમાં આટલી ઊંચાઈએ પહોંચ્યું હતું. આમ પણ હિલિયમ ગૅસ વજનમાં ઘણો હલકો હોવાથી બલૂનમાં ભરીને બહુ સરળતાથી અધ્ધર હવામાં જઈ શકાય છે. ઉપરાંત ફેલિક્સ મેક્સિકોના રોઝવેલ નામના સ્થળેથી બલૂનમાં એક ખાસ પ્રકારની બનાવેલી બહુ મજબૂત કૅપ્સ્યુલમાં બેસીને સાવ એકલો આકાશમાં ગયો હતો. રોઝવેલથી બલૂનમાં ઊડીને આકાશમાં છેક ૯૬,૬૪૦ ફૂટની અધધધ ઊંચાઈએ પહોંચતાં ફેલિક્સને બરાબર દોઢ કલાકનો સમય થયો હતો. ફેલિક્સ તેની સાથે ખાસ તો અવકાશયાત્રીઓ પહેરે છે એવો વિશિષ્ટ પ્રકારનો ફુલ-પ્રેશર સૂટ અને પૅરૅશૂટ પણ લઈ ગયો હતો. આ જ ફુલ-પ્રેશર સૂટ પહેરીને અને પૅરૅશૂટની મદદથી તેણે ગગનમાંથી પૃથ્વી તરફ છલાંગ લગાવી હતી. સૌથી મહત્વની જરૂરિયાતરૂપે ફેલિક્સ તેની સાથે ઑક્સિજનનો પૂરતો જથ્થો પણ લઈ ગયો હતો.

flexi2ખગોળશાસ્ત્રના નિયમ મુજબ આકાશના બે હિસ્સા હોય છે. એક નજીકનો અને બીજો દૂરનો. નજીકનો હિસ્સો એટલે પૃથ્વી ફરતેનું વાયુમંડળ, ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર . હવે વાયુમંડળ એટલે કે વાતાવરણ પૃથ્વીથી ૩૦થી ૪૦ કિલોમીટરના હિસ્સામાં હોય. આટલા ઝોનમાં હવાનું પડ હોય. જોકે આટલી ઊંચાઈએ હવા અત્યંત પાતળી હોય અને હવામાંના ઑક્સિજનનું પ્રમાણ ઘણું ઓછું હોય. પરિણામે ૩૦થી ૪૦ કિલોમીટરની ઊંચાઈએ કોઈ પણ માણસ, પશુ-પંખીને કે બૅક્ટેરિયાને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડે અને જીવ જોખમમાં મુકાઈ જાય.

હવે ફેલિકસે આકાશમાંથી લગભગ ૨૯ કિલોમીટરના જે અંતરથી પૃથ્વી પર છલાંગ મારી હતી એ અંતરના હિસ્સાને ખગોળશાસ્ત્રની ભાષામાં સ્ટ્રૅટસ્ફિયર કહેવાય છે. જોકે ન માની શકાય એવી બાબત એ છે કે આ સ્ટ્રૅટસ્ફિયરના ઝોનમાં ટેમ્પરેચર ૮૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊકળતું હોય છે. જરા કલ્પના કરો કે કોઈ માનવી આટલા બળબળતા તાપમાનમાં જીવતો રહી શકે ખરો? ગગનમાં જાણે કે અãગ્નની વિરાટ ભઠ્ઠી હોય એવું લાગે. આ જ મહત્વની બાબતને ધ્યાનમાં રાખીને ફેલિક્સ બૉમગાર્ટનર તેની સાથે સ્પેશ્યલ ટેક્નૉલૉજીથી બનાવેલો ફુલ-પ્રેશર સૂટ લઈ ગયો હતો. જોકે આ જ ઝોનથી ઉપરના ભાગમાં ઓઝોન વાયુનો પટ્ટો હોય છે. આ જ ઓઝોન વાયુને કારણે આપણે સૌ જીવી શકીએ છીએ, નહીં તો સૂર્યનાં અતિ હાનિકારક અલ્ટ્રાવાયલેટ કિરણોથી પૃથ્વી પરની સમસ્ત જીવસૃષ્ટિ ખતમ થઈ ગઈ હોત.

ફેલિક્સે તેના બલૂનમાંથી આકાશના સ્ટ્રૅટસ્ફિયરના ઝોનમાંથી પૃથ્વી પર હનુમાનકૂદકો માર્યો ત્યારે એકદમ શરૂઆતના તબક્કે રોકડી ત્રણ મિનિટ અને ૪૮ સેકન્ડ સુધી તે પોતે અફાટ આકાશમાં હતો. એટલે કે આ ત્રણ મિનિટ ૪૮ સેકન્ડ સુધી ફેલિક્સે પૅરૅશૂટ પહેર્યું નહોતું. જરા વિચારો કે ફેલિક્સને એ તબક્કે કેવો ભયાનક અનુભવ થયો હશે? પૃથ્વી પર સલામત રીતે ઊતર્યા પછી ખુદ ફેલિક્સે કહ્યું હતું કે ‘મેં મારા બલૂનમાંથી ખુલ્લા, અનંત અને અગોચર લાગતા આકાશમાં છલાંગ મારી ત્યારે ત્રણ મિનિટ અને ૪૮ સેકન્ડમાં તો હું ૯૦,૦૦૦ ફૂટના લેવલે આવી ગયો હતો, કારણ કે હું એક કલાકના ૫૩૬ માઇલ (પ્રતિ કલાકના ૮૬૨ કિલોમીટર)ની જબરી સ્પીડે પૃથ્વી ભણી આવી રહ્યો હતો. એટલે કે મેં ફક્ત આટલા થોડા સમયમાં જ ૬૦૦૦ ફૂટનું અંતર કાપી લીધું હતું. જોકે ત્યાર પછી મેં તરત જ મારું પૅરૅશૂટ ઓપન કર્યું હતું.’

જબરા હિંમતબાજ અને નીડર ફેલિક્સે આ મહાસાહસ પછી વધુ ઉત્સાહથી કહ્યું હતું કે ‘હવે બહુ નજીકના ભવિષ્યમાં મારી ઇચ્છા આકાશની ૨૩ માઇલ-૧,૨૫૦૦૦ ફૂટ-ની વધુ ઊંચાઈએથી છલાંગ લગાવીને નવો વલ્ર્ડ રેકૉર્ડ કરવાની છે. હું આટલી અધધધ ઊંચાઈએથી પૃથ્વી તરફ આવું ત્યારે મારા શરીરની ગતિ સાઉન્ડ (અવાજ)ની સ્પીડ કરતાં પણ વધુ હોય એવી મારી ઇચ્છા છે. એટલે કે હું ગગનમાંથી સુપરસોનિકની ઝડપે પૃથ્વી પર આવવા ઇચ્છું છું.’

૧૯૬૦માં જો કિટિન્જર નામના ઍરફોર્સના રિટાયર્ડ પાઇલટે અધ્ધર આકાશમાંથી ૧૯.૫ માઇલ (૧,૦૨,૮૦૦ ફૂટ)ની ઊંચાઈએથી કૂદકો માર્યો હતો, જે રેકૉર્ડ હજી યથાવત્ છે. જોકે ફેલિક્સને આ રેકૉર્ડ કોઈ પણ રીતે પોતાના નામે કરવો છે.        

flexi3ગગનમાં આટલી બધી ઊંચાઈએ માનવશરીર પર કેવી અસર થાય?

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ (ટીઆઇએફઆર)ના સિનિયર ખગોળશાસ્ત્રી ડો. મયંક વાહિયા બહુ મહત્વનો મુદ્દો સમજાવતાં Sunday સરતાજને કહે છે, ‘અધ્ધર આકાશમાં ૨૮થી ૨૯ કિલોમીટરની ઊંચાઈએ હવા અત્યંત પાતળી હોય. વળી તાપમાન પણ અતિ ધગધગતું એટલે કે ૮૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય. આવા ભારે જોખમી વાતાવરણમાં કોઈ પણ માનવી, પશુ કે પક્ષી પૂરતા રક્ષણ વગર થોડીક ક્ષણો માટે પણ રહે તો તેનું શરીર ફુગ્ગાની જેમ ફાટી જાય; કારણ કે આટલી ઊંચાઈએ માનવશરીરમાંની અને આકાશમાંની હવાના દબાણ વચ્ચે બહુ મોટી અસમતુલા સર્જાય. ગગનમાં ૨૯ કિલોમીટરના પટ્ટામાં હવા બહુ પાતળી હોવાથી માનવશરીરમાંની હવા ચામડી ફાડીને બહાર નીકળી જાય અને માણસ ઘડીના છઠ્ઠા ભાગમાં મૃત્યુ પામે. આ જ જોખમી બાબતને ધ્યાનમાં રાખીને અવકાશયાત્રીઓ ફુલ-પ્રેશર સૂટ પહેરીને અંતરીક્ષમાં જાય છે. આપણે પૃથ્વી પર સંપૂર્ણ સલામત રીતે જીવી શકીએ છીએ એનું મૂળ કારણ એ છે કે આપણી આજુબાજુની હવાનું દબાણ અને આપણા શરીરમાંની હવાનું દબાણ એકસરખું હોય છે. જોકે ફેલિક્સ ૨૯ કિલોમીટરની આકાશી ઊંચાઈએથી પૅરૅશૂટની મદદથી પૃથ્વી સુધી આવ્યો હોવાથી તેની નીચે તરફ આવવાની સ્પીડ પ્રમાણમાં ઘણી ઓછી હોવાથી તેને ગુરુત્વાકર્ષણની ઇફેક્ટ બહુ ઓછી થઈ હોય, વાતાવરણના ઘર્ષણની અસર પણ ઘણી ઓછી થઈ હોય. એક ખાસ વાત. સમાનવ અવકાશયાન અંતરીક્ષમાંથી પૃથ્વી તરફ આવે ત્યારે એની ઝડપ હજારો કિલોમીટરની હોવાથી સ્પેસક્રાફ્ટ વાતાવરણમાં પ્રવેશે ત્યારે અતિ-અતિ ઘર્ષણ થાય. સાથોસાથ યાનમાંના અવકાશયાત્રીઓની બૉડી પર પણ ગુરુત્વાકર્ષણની જબરી ઇફેક્ટ થાય. જોકે આ જોખમ ધ્યાનમાં રાખીને જ અવકાશયાનનું માળખું અત્યંત મજબૂત ધાતુનું હોય છે.

ફેલિક્સ બૉમગાર્ટનર કોણ છે?

ફેલિક્સ બોમગાર્ટનરનો જન્મ ૧૯૬૯ની ૨૦ એપ્રિલે ઑસ્ટ્રિયાના સાલ્ઝબર્ગ નામના શહેરમાં થયો હતો. બચપણથી જ સાહસિક વૃત્તિના ફેલિક્સે સમય જતાં ઑસ્ટ્રિયાના લશ્કરમાં પૅરૅશૂટ-જમ્પર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. જોકે એક તબક્કકે ફેલિક્સે મિલિટરીમાંથી રાજીનામું આપીને તેના પૅરૅશૂટ જમ્પના શોખને આગળ વધાર્યો. ફેલિક્સે ૧૯૯૯માં મલેશિયાના ક્વાલા લમ્પુરના પેટ્રોનાસ ટાવર પરથી પૅરૅશૂટ-જમ્પ મારીને વલ્ર્ડ રેકૉર્ડ કર્યો. ૨૦૦૩માં ફેલિક્સ પહેલી જ વખત કાર્બન ફાઇબર વિંગ પહેરીને ઇંગ્લિશ ચૅનલ પરથી સ્કાય-ડાઇવિંગ કરનારો વિશ્વનો પ્રથમ માનવી બન્યો. છેલ્લે ૨૦૧૨ની ૧૫ માર્ચે ફેલિક્સ બૉમગાર્ટનરે આકાશમાંથી ૭૧,૫૮૧ ફૂટની ઊંચાઈએથી પૅરૅશૂટ-જમ્પ માર્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK