કૌન બનેગા હેમિંગ્વે કા હમશકલ?

Published: 4th August, 2012 18:53 IST

લોકપ્રિય અમેરિકન સાહિત્યકાર અર્નેસ્ટ હેમિંગ્વેની યાદમાં દર વર્ષે તેમના બેસ્ટ ડુપ્લિકેટની સ્પર્ધા યોજાય છે. આ સ્પર્ધામાં એવા સ્પર્ધકો આવે છે કે ખુદ હેમિંગ્વે પણ જો એમાં ભાગ લે તો કદાચ ત્રીજા નંબરે આવે

hemingweyઆર્યન મહેતા

જો તમને અંગ્રેજી સાહિત્ય વાંચવામાં રસ હશે તો અમેરિકન સાહિત્યકાર-પત્રકાર અર્નેસ્ટ હેમિંગ્વેનું નામ સાંભળ્યું હશે. ‘ધી ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ તથા ‘ફેરવેલ ટુ આમ્ર્સ’ નામની ક્લાસિક નૉવેલ્સથી સૌથી વધુ જાણીતા હેમિંગ્વે માત્ર ટેબલ-ખુરસીમાં બેસીને વાર્તાઓ લખવામાં નહોતા માનતા. તેમને સ્પૉટ પર જઈને, પરિસ્થિતિનો જાતઅનુભવ લઈને લખવામાં જ થ્રિલ અનુભવાતી. આનું જબરદસ્ત ઉદાહરણ એ છે કે યુદ્ધનો પ્રત્યક્ષ અનુભવ લેવા માટે તેઓ પહેલા વિશ્વયુદ્ધ વખતે ઍમ્બ્યુલન્સના ડ્રાઇવર બનીને યુદ્ધમોરચે ધસી ગયા હતા. ફિશિંગનો શોખ તેમને એવો કે મસમોટી મર્લિન પ્રકારની માછલીઓનો શિકાર કરતા. બુલફાઇટિંગના તો તેઓ એટલા દીવાના થઈ ગયેલા કે બુલફાઇટિંગના પિયર એવા સ્પેન પહોંચી ગયેલા અને ત્યાંથી તેમણે વિખ્યાત ‘લાઇફ’ મૅગેઝિન માટે મસમોટો આર્ટિકલ લખીને મોકલેલો. ૧૯૬૧માં શ્રીજીચરણ પામેલા અતિ લોકપ્રિય લેખક એવા અર્નેસ્ટ હેમિંગ્વે વિશે તો એટલીબધી રસપ્રદ વાતો છે કે એનાં ગાડાં ભરીએ તોય ખૂટે નહીં. લેકિન કિન્તુ પરંતુ બંધુ, આપણે અત્યારે આ હેમિંગ્વેદાદાની પારાયણ શા માટે માંડી છે? તો જનાબ એ એટલા માટે કે આ ઝિંદાદિલ લેખકની યાદમાં દર વર્ષે અર્નેસ્ટ હેમિંગ્વેના જન્મદિવસે પાંચ દિવસનો હેમિંગ્વે ડેઝ ઉત્સવ ઊજવવામાં આવે છે અને આ વર્ષનો આ હેમિંગ્વે ઉત્સવ તાજેતરમાં જ ઊજવાઈ ગયો. હેમિંગ્વેના જીવન સાથે જોડાયેલી ઘણીબધી બાબતોને આ પાંચ દિવસ દરમ્યાન અનોખી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ બધી ધમાલમસ્તી થાય છે ફ્લોરિડામાં, જ્યાં હેમિંગ્વે દોઢ-બે દાયકા જેટલો સમય રહેલા તે કી વેસ્ટ ખાતે.

અચ્છા, પણ આ હેમિંગ્વે ડેઝ ઉત્સવમાં થાય છે શું? અહીં અર્નેસ્ટ હેમિંગ્વેના ઘરને એક લીલાછમ મ્યુઝિયમમાં તબદીલ કરવામાં આવ્યું છે અને હેમિંગ્વે જે રીતે વાપરતા એ જ સ્થિતિમાં એને સાચવવામાં આવ્યું છે. આ દિવસો દરમ્યાન હેમિંગ્વેના દુર્લભ ફોટોગ્રાફ્સ અને અન્ય વસ્તુઓને ખાસ પ્રદર્શિત કરવામાં આવે છે અને એની ગાઇડેડ ટૂર યોજાય છે. પ્રવાસીઓમાં આ ઘરની પૉપ્યુલરિટી એવી છે કે ખુદ સંખ્યાબંધ ગર્લફ્રેન્ડ્સ ધરાવતા અને ત્રણ-ત્રણ વખત લગ્ન કરનારા હેમિંગ્વેના ઘરમાં જુવાનિયાઓ ખાસ લગ્ન કરવા આવે છે.

ફિશિંગના શોખીન હેમિંગ્વેએ પોતાની ‘ધી ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ નૉવેલમાં એક વૃદ્ધ માછીમાર અને તેની જાળમાં સપડાયેલી મર્લિન માછલી વચ્ચેના સંઘર્ષનું અદ્ભુત વર્ણન કર્યું છે. એની યાદમાં હેમિંગ્વે ઉત્સવમાં આ મર્લિન અને અન્ય માછલીઓ પકડવાની સ્પર્ધાનું આયોજન થાય છે. એનું ઇનામ રખાય છે અધધધ પચાસ હજાર ડૉલર!

આ ઉપરાંત આ પાંચ દિવસ દરમ્યાન અહીં હેમિંગ્વેના જીવન અને તેમની રચનાઓ પર લખાયેલાં નાટકોનું મંચન, હેમિંગ્વે શૉર્ટ સ્ટોરી કૉમ્પિટિશન આર્મ રેસલિંગ (પંજા લડાવવાની) ચૅમ્પિયનશિપ, પૈડાંવાળો લાકડાનો બુલ (બળદ) બનાવીને એના પર સવાર થવાની સ્પર્ધા, મ્યુઝિકલ બૅન્ડ્સ વગેરે ઉપરાંત આ આખી ચર્ચા જેને કારણે માંડી છે એવી સ્પર્ધા યાની કિ ‘પાપા હેમિંગ્વે લુક અલાઇક કૉમ્પિટિશન’.

hemingwey1છેલ્લાં બત્રીસ વર્ષથી નિયમિત રીતે અહીં અર્નેસ્ટ હેમિંગ્વેના સૌથી સારા ડુપ્લિકેટ બનવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે આ પાંચ દિવસોમાં અહીં આવીએ તો જાણે બે-પાંચ નહીં બલ્કે ૧૪૦ જેટલા અર્નેસ્ટ હેમિંગ્વે ઊતરી આવ્યા હોય એવું લાગે. ‘પાપા હેમિંગ્વે’ના હુલામણા નામે જાણીતા હેમિંગ્વેના જેવી જ સફેદ દાઢી, સફેદ વાળ અને તેમના જેવાં કપડાં પહેરીને હટ્ટાકટ્ટા ખમતીધર દાદાજીઓ ‘હુંય કંઈ હેમિંગ્વેથી કમ નથી’ બોલતા અહીં ફરતા જોવા મળે છે.

આખા હેમિંગ્વે ડેઝ ફેસ્ટિવલનું સૌથી મોટું આકર્ષણ આ ઇવેન્ટ જ હોય છે અને એટલે જ એમાં સૌથી વધુ ભીડ હોય છે. મજાની વાત એ છે કે હેમિંગ્વેના ડુપ્લિકેટ બનવાની આ સ્પર્ધામાં નર્ણિાયકો તરીકે અગાઉની સ્પર્ધાના વિજેતાઓ જ બેઠા હોય છે. મતલબ કે ભાગ લેનારા પણ હેમિંગ્વે અને એમાંથી કોણ બેસ્ટ છે એ નક્કી કરનારા પણ હેમિંગ્વે! નજરે જોઈએ તો આપણી આંખો પર વિશ્વાસ ન આવે એવું દૃશ્ય હોય છે એ!

આ સફેદ દાઢીધારી ડુપ્લિકેટ હેમિંગ્વેઓને આઠ-આઠની ટુકડીઓમાં સ્ટેજ પર બોલાવવામાં આવે છે. પરિચયવિધિ પછી દરેક સ્પર્ધકને પોતાના હેમિંગ્વે-કનેક્શન વિશે બોલવા માટે પંદર સેકન્ડ અપાય છે. રમૂજની છોળો ઉડાડતી અને ગુરુ અને શુક્રવારે તબક્કાવાર યોજાતી આ આખી સ્પર્ધાને અંતે ફાઇનલિસ્ટ્સ નક્કી થાય છે જે શનિવારે ફાઇનલ મુકાબલામાં જીતવા માટે દાઢી-ચોટીનું જોર લગાવી દે છે. ફાઇનલ મુકાબલામાં વિજેતા થનારને એ વર્ષના ‘પાપા’ (જેમ કે આ વર્ષે ‘પાપા ૨૦૧૨’)નું બિરુદ આપવામાં આવે છે. ઘણાબધા હેમિંગ્વે પોતાની પત્નીઓને પણ સાથે લાવે છે જે ‘મમા’ તરીકે ઓળખાય છે. આ મમાઓ પોતાના ‘પાપા’ને પ્રમોટ કરતી દેખાય છે. જ્યારે દરિયાકિનારાના આ કી વેસ્ટ શહેરની ગલીઓમાંથી જ જથ્થાબંધ હેમિંગ્વે ડુપ્લિકેટની સવારી પસાર થાય ત્યારે જે પ્રકારનું દૃશ્ય સર્જાય એ વર્ણવવા માટે શબ્દો જડવા મુશ્કેલ છે.

આ સ્પર્ધામાં ભાગ લેતા મોટા ભાગના બુઢ્ઢાઓને ખબર હોય છે કે પોતે જીતવાના નથી, પણ હેમિંગ્વે પ્રત્યેનો પ્રેમ અને તેના જેવી થોડીઘણી લાગતી શકલ તેમને અહીં ખેંચી લાવે છે, પરંતુ તેમની સેન્સ ઑફ હ્યુમર ગજબ હોય છે. આ વખતે પોતાના પરિચય વખતે એક ડુપ્લિકેટ હેમિંગ્વે સ્પર્ધકે પોતાની ઓળખાણ આપતાં કહેલું, ‘અર્નેસ્ટ હેમિંગ્વેની જેમ જ હું અચ્છો શિકારી છું. હું પણ રોજ ફિશિંગ કરવા જાઉં છું. હા, હું તેમની જેમ સારો લેખક નથી, પરંતુ મને પણ દારૂ પીવો ખૂબ ગમે છે. હવે તમે જ કહો, ચારમાંથી ત્રણ ક્વૉલિટી મૅચ કરે તો તે સારો સ્કોર ન કહેવાય?!’

આ વર્ષે નૉર્થ કૅરોલિના રાજ્યના ગ્રેગ ફૉસેટ નામના ૬૪ વર્ષના ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર ભાઈ આ સ્પર્ધા જીત્યા. મજાની વાત એ છે કે તે છેલ્લાં દસ વર્ષથી આ સ્પર્ધા જીતવાનો પ્રયત્ન કરતા હતા તે છેક આ વર્ષે તેમનો મેળ પડ્યો.

અહીં એક વિચાર એવો આવે છે કે આપણા ભારતમાં પણ સંખ્યાબંધ ખમતીધર લેખકો થઈ ગયા. તો તેમની યાદમાં પણ આવી ઝિંદાદિલ સ્પર્ધાનું આયોજન ન કરી શકાય? સોચ લો ઠાકુર!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK