પત્નીનું ફિગર આકર્ષક ન હોવાથી કામેચ્છા મંદ રહે છે તો શું કરવું?

Published: 4th August, 2012 18:50 IST

હમણાં એક યુવાનને તેની કથિત શિશ્નોત્થાનની સમસ્યા માટે ચેક કરવાનો પ્રસંગ આવ્યો. તે યુવાન નૉર્મલ હતો, પણ તેની સમસ્યા એ હતી કે તેના વડીલોએ તેને તેની ઇચ્છા વગર એક સારા ઘરની કન્યા સાથે પરણાવી દીધો હતો.

fet-sexતન-મન ને સંવનન - ડૉ. મુકુલ ચોકસી

હમણાં એક યુવાનને તેની કથિત શિશ્નોત્થાનની સમસ્યા માટે ચેક કરવાનો પ્રસંગ આવ્યો. તે યુવાન નૉર્મલ હતો, પણ તેની સમસ્યા એ હતી કે તેના વડીલોએ તેને તેની ઇચ્છા વગર એક સારા ઘરની કન્યા સાથે પરણાવી દીધો હતો. છોકરી ભણેલી-ગણેલી, કામગરી, સુશીલ અને સંસ્કારી હતી. તે કદરૂપી પણ નહોતી, પરંતુ કોણ જાણે કેમ યુવકને તેની દેહલતા આકર્ષક નહોતી લાગતી. આથી યુવક લગ્નના એક વર્ષ પછી પણ પત્નીથી શરીરસંબંધની બાબતમાં અળગો જ રહેતો હતો. બન્ને વચ્ચે કોઈ લડાઈ-ઝઘડા કે કજિયા-કંકાસ નહોતા, પરંતુ બેડરૂમમાં તેઓ વચ્ચે કોઈ કામવ્યવહાર સર્જાતો નહોતો. છેવટે કંટાળીને છોકરી પિયર પાછી જતી રહી અને પિયરિયાંઓને લાગ્યું કે જમાઈ કદાચ નપુંસક યા શિશ્નોત્થાનની ખામીવાળો હશે એટલે તેમણે તબીબી અભિપ્રાય લેવાનું નક્કી કર્યું.

છોકરાના મનની વાત આટલી જ હતી. તેને પત્ની ગમતી હતી, પણ વ્યક્તિ તરીકે અને મિત્ર તરીકે. છોકરાને પત્નીમાં કામાકર્ષણ જાગતું નહોતું. તે નિખાલસતાથી કબૂલ કરતો હતો કે ‘સાહેબ, મારી તો શરૂઆતથી જ ઇચ્છા નહોતી, પણ મારાં મા-બાપ માન્યાં નહીં. હવે તમે મને કોઈ એવી દવા આપો કે મને મારી પત્ની પ્રત્યે કામરસ જાગૃત થાય.’

અલબત્ત, આવી કોઈ દવા ક્યાંય, ક્યારેય બની નથી. એમ છતાં મુદ્દો એ ઊભો થાય છે કે વિશ્વમાં આવા અગણિત માનવીઓ મોજૂદ છે જેમને તેમના શય્યાસાથી પ્રત્યે કામભાવ જાગતો નથી અને એ પણ તેમની કથિત શારીરિક અનાકર્ષકતાને લીધે. આવા માનવીઓનું શું કરવું? આમાંના મોટા ભાગના (અથવા કદાચ બધા જ) પુરુષો છે અને તેમાંના કેટલાક લગ્નેતર સંબંધો પણ નથી રાખતા. આ લોકોનું શું કરવું? આવા પત્નીના શરીરસૌષ્ઠવ, કમનીયતા અને દેહાકર્ષકતાથી વંચિત અનેક પુરુષો હશે. સમાજમાં ઘણી સ્ત્રીઓ સ્થૂળકાય, કદરૂપી, કેવળ હાડચામ ધરાવતી, અતિપાતળી, બરછટ, દાઢી-મૂછ તથા રુવાંટીસભર પુરુષ જેવી લાગતી, અલ્પસ્તન ધરાવતી, શારીરિક રીતે અક્ષમ, ડિસફિગર્ડ, અંગોપાંગની જન્મજાત ખોડખાંપણ ધરાવતી, શ્યામવર્ણી, શરીર પર કરચલીઓ, ડાઘ યા સફેદ કે કાળાં ધબ્બાં ધરાવતી, ચહેરે-મહોરે અણગમો યા જુગુપ્સાપ્રેરક હોય છે. વળી ઘણી સ્ત્રીઓ વૃદ્ધાવસ્થાને લીધે લબડી પડેલી ત્વચા યા ચરબીના થરના થર ધરાવતી હોય છે. શું આ તમામ સ્ત્રીઓ કેવળ ચિત્તાકર્ષક ન હોવાને લીધે શય્યાસુખ કે પાર્ટનરના શરીરસહવાસની અધિકારી ન બની શકે? પ્રશ્ન પેચીદો અને અતિસંકુલ છે. આ ઉપરાંત એવા પણ અનેક પુરુષો છે જેમની જીવનસંગિનીઓનાં ફિગર તેમને આકર્ષક નથી લાગતાં. બાકી ઑબ્જેક્ટિવલી એવી કોઈ ખામીવાળા કે આકર્ષણ જન્માવનારા નથી હોતા. ઉપરાંત કાળક્રમે દરેક આકર્ષક સ્ત્રી તેનું યૌવન, તેનો ચાર્મ, તેની કમનીયતા ગુમાવે જ છે. તો શું તેમના પતિદેવો પોતાની કામભૂખ ગુમાવી બેસે છે?

આ વિષય ઝાઝો મનોવિજ્ઞાનનો તથા થોડો ફિલોસૉફીનો છે. વાસ્તવમાં પાર્ટનર પ્રત્યેની પુરુષોની કામુકતા આંશિક રીતે પાર્ટનરના દેહસૌંદર્ય પર આધાર રાખતી હોય છે, જેથી કમનીય દેહલાલિત્ય પ્રત્યે પુરુષ સાહજિક રીતે આકર્ષાય છે અને સ્ત્રીમાં કમનીયતાનો અભાવ પુરુષની કામશક્તિમાં ઘટાડો કરે છે. આ જ કારણે તો સ્ત્રીઓ જીવનભર પોતાનું ફિગર, દેહસૌષ્ઠવ તથા રમણીયતા જાળવવા સભાન અને સજાગ રહેતી હોય છે. આ જ કારણે તો ફૅશન, ડ્રેસિંગ, મેક-અપ, મેકઓવર, સ્લિમિંગ, બ્યુટી-મેઇન્ટેનન્સ તથા બ્યુટી ઓરિયેન્ટેડ કૉસ્મેટોલૉજીની આખેઆખી ઇન્ડસ્ટ્રી જોરદાર રીતે ફૂલેફાલે છે. આજે સ્ત્રીઓમાં ચુસ્ત, પાતળા, સેક્સી તથા વેલફિગર્ડ દેખાવાનો મહિમા અને ક્રેઝ છે તે પણ આ જ કારણે હશે. જોકે સ્ત્રીની દેહાકર્ષકતાને લીધે પુરુષમાં કામવાસના પ્રદીપ્ત થાય છે એ વાત આંશિક સત્ય છે; કેમ કે જાતીય આવેગો વાતચીત, સ્પર્શ, શ્રવણ વગેરેથીયે ઉદ્ભવે છે. ઘણી વાર કામાવેગો કશાય બાહ્ય આલંબન વગર, કેવળ આંતરમનમાંથી યા પરિકલ્પનાઓથીયે મુખરિત થતા હોય છે. આવા સંજોગોમાં પાર્ટનરનું શરીરસૌષ્ઠવ ગૌણ બની જાય છે. વળી અપાર લગાવ, ઇમોશનલ ઇન્ટિમસી, તીવþ પ્રેમાવેગ, માનસિક નિકટતા વગેરે પણ પ્રેમાચારને અંતે કામાચાર સુધી લઈ જઈ શકે છે. આમ દેહાકર્ષણ સિવાયનાં અસંખ્ય પરિબળો પુરુષના ચિત્તમાં કામભાવ પ્રગટાવી શકે છે. ઘણા કામાવેગો આઉટ ઑફ નથિંગ પ્રગટતા હોય છે. એ સાઇક્લિકલ બાયોલૉજિકલ, હૉર્મોનલ ઇન્ફ્યુઅન્સના ભાગરૂપ હોઈ શકે છે.

વળી પોતાના જીવનસાથી પ્રત્યે કામાભિમુખ હોવું કે નહીં એ બાબત તારુણ્યપ્રવેશ વખતે સેક્સ બાબતે તેની કેવી માનસિકતા ઘડાઈ છે એનાં પર પણ ખાસ્સો એવો આધાર રાખે છે. પ્યુબર્ટી એજ દરમ્યાન ઘડાતી આ માનસિકતા સમજવા જેવો વિષય છે. છોકરો જ્યારે તરુણવયમાં પ્રવેશે છે ત્યારે તેના મનમાં જાતીય આવેગો અંકુરિત થવા માંડે છે. એ વખતે તેણે જોયેલી, અનુભવેલી, કલ્પેલી વિજાતીય પાત્રોની દેહાકૃતિઓ તેના મનમાં એક ઇમેજિનરી ફિગર રચે છે. આ ફિગર તેને ઉત્તેજિત કરે છે. પછી આવા ફિગરનું દૃશ્ય યા કલ્પન તેને વારંવાર ઉત્તેજિત કરતાં રહે છે અને તેના મનમાં એક પૅટર્ન ફિક્સ થઈ જાય છે. ભવિષ્યમાં તેની પાર્ટનરની શોધમાં પણ આ તારુણ્યપ્રવેશ વખતનું કામોત્તેજક ફિગર તેના મનમાં સક્રિય હોય છે જેની આસપાસનું ફિગર ધરાવતી વ્યક્તિને તે કામસાથી તરીકે પસંદ કરે છે. અહીં મહત્વની બાબત એ છે કે મોટા ભાગના પુરુષો પોતાની આ તરુણવયે અનકૉન્શિયસલી રચેલા આઇડિયલ ઇમેજિનરી ફિગરની જરૂરિયાતમાં સમય જતાં મોટાં ઍડ્જસ્ટમેન્ટ કરી શકતા હોય છે. બીમારી, ઢળતી ઉંમર, ઇમોશનલ અટૅચમેન્ટ, જીવનના તબક્કા આ બધા તેની ફિગર પ્રત્યેની લાલસાને શેપ આપીને વ્યવહારયોગ્ય બનાવે છે જે કારણોસર અનાકર્ષક સ્ત્રીઓને પણ તેમના પ્રત્યે દેહાસક્ત થનાર શય્યાસાથી મળી રહે છે. શોષિત વર્ગની, રુગ્ણ, બહિષ્કૃત, વૃદ્ધ, અણગમાપ્રેરક, કુપોષિત સ્ત્રીઓને પણ તેમના સોશ્યલ સ્ટેટસ, ઇમોશનલ બૉન્ડિંગ, રોલ-પ્લેઇંગ અને શારીરિક જરૂરિયાતને કારણે યોગ્ય સાથીઓનો દેહસંગ પ્રાપ્ત થઈ શકતો હોય છે.

ચહેરા પર દાઝી જવાને લીધે થયેલા સ્કાર, ત્વચાના રોગો, ડાઘા તથા ચાઠાંઓ, વાંકાચૂકા દાંત, હોઠ, નાક તથા આંખો વગેરેને લીધે દેહાકર્ષકતા ગુમાવી ચૂકેલી સ્ત્રીઓના સેક્સ-પાર્ટનર્સ કોઈક ચોક્કસ ઇમોશનલ જરૂરિયાત આધારિત પૅટર્ન વિકસાવીને તેમની સેક્સલાઇફને પ્રજ્વલિત રાખી શકતા હોય છે.

વાસ્તવમાં કેટલાક પુરુષો દેહાકર્ષણથી પર થઈ શકતા હોય છે. કોઈક આધ્યાત્મિક વિકાસ યા દાર્શનિક ઉન્નતિ તેમને કેવળ દેહલાલિત્યથી સર્જાતા કામાકર્ષણથી દૂર લઈ જઈ અટૅચમેન્ટ, સહવાસ, પારસ્પરિક લગાવ વગેરેથી જન્મતા દેહાકર્ષણ તરફ દોરી જતો હોય છે. વાંચન, જીવન પ્રત્યેનો અભિગમ, વૈચારિક પુખ્તતા, ફિલોસૉફિકલ મૅચ્યોરિટી વગેરેને પરિણામે કેટલાક પુરુષો દૈહિક આકર્ષણના દુન્યવી નિયમોથી ઊફરા જઈ પાર્ટનર જે છે, જેવી છે તેને સ્વીકારી આનંદથી કામજીવન માણી શકતા હોય છે. તેઓ શરીરના વળાંકો અને અંગઉપાંગોની પુષ્ટતાથી આગળ વધીને મેન્ટલ ટ્યુનિંગ દ્વારા પણ એ જ આહ્લાદક ઊપસાવી શકતા હોય છે.

પોતાની પત્નીની કમનીયતા પર અતિ આસક્ત એવા એક યુવાને મને એક વાર પૂછ્યું હતું, ‘આજથી ત્રીસ-ચાલીસ વર્ષ પછી જ્યારે મારી પત્નીની કાયાનાં કામણ આવાં આકર્ષક ન રહેશે ત્યારે હું શું કરીશ? કઈ રીતે ઉત્તેજિત થઈ શકીશ?’

તે યુવાને અત્યારથી કામાસક્ત થવા માટેનાં અન્ય ઉપકરણો જેવાં કે માનસિક નિકટતા, શાબ્દિક કામવ્યવહાર, સ્વૈરકલ્પનાવિહાર, પારસ્પરિક ઉત્કટ અભિવ્યક્તિઓ વગેરેની ટેવો પાડવી જોઈએ જેથી તેની કામેચ્છા કેવળ દેહાકર્ષણથી જ જાગૃત થતી હોય એવું ન બને; પણ દેહથી આગળ જવા માટે માઇન્ડનું એસ્થેટિક્સ પણ યોગ્ય હોવું જોઈએ. એ માટેનું સાઇકોલૉજિકલ સૉફિસ્ટિકેશનવાળું સૉફ્ટવેર બધાના મગજમાં ઉપલબ્ધ નથી હોતું, જેથી આકર્ષક પાર્ટનરની અનુપસ્થિતિમાં ઘણા તેમનું સેક્સ્યુઅલ ઍક્ટિવિટિઝમ ગુમાવી દે છે.

અનાકર્ષક પાર્ટનર સાથેના સંબંધમાંથી કામતૃપ્તિ મેળવવા યોગ્ય ફૅન્ટસી, કામવૈવિધ્યપૂર્ણ વ્યવહારો, ઇરૉટિક વાતાવરણ, ઉત્તેજક સામગ્રી વગેરેનો યોગ્ય ઉપયોગ કરવો હિતાવહ છે.  

ગેરમાન્યતા

પતિને ઉત્થાન ન થાય એનો અર્થ એ કે તેને પત્ની ગમતી નથી અને અન્ય કોઈ ગમે છે

હકીકત

આવું ક્યારેક બની શકે છે, પરંતુ ઘણી વાર શિશ્નોત્થાન ન થવા પાછળ અન્ય શારીરિક કે માનસિક કારણો કે બીમારી જવાબદાર હોઈ શકે છે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK