Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > પોલ્ટુમાંથી પ્રેસિડન્ટ બની ગયેલા પ્રણવ મુખરજીને થોડાક હજી ઓળખીએ

પોલ્ટુમાંથી પ્રેસિડન્ટ બની ગયેલા પ્રણવ મુખરજીને થોડાક હજી ઓળખીએ

29 July, 2012 06:30 AM IST |

પોલ્ટુમાંથી પ્રેસિડન્ટ બની ગયેલા પ્રણવ મુખરજીને થોડાક હજી ઓળખીએ

પોલ્ટુમાંથી પ્રેસિડન્ટ બની ગયેલા પ્રણવ મુખરજીને થોડાક હજી ઓળખીએ


pranabda-identyસેજલ પટેલ

ભારતના ઇતિહાસમાં રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે આ પહેલાં ક્યારેય ન થઈ હોય એટલી રાજકીય ઊથલપાથલો પછી આખરે તેરમા રાષ્ટ્રપતિ તરીકે બંગાળીબાબુ પ્રણવ મુખરજી ચૂંટાઈ આવ્યા અને પદારૂઢ થઈ ગયા છે. ૧૯૬૯માં ઇન્દિરા ગાંધીના વડપણ હેઠળની ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસથી તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી અને ગજબની રાજકીય કુનેહને કારણે કારકિર્દીની શરૂઆતમાં જ જબરદસ્ત પ્રગતિ કરીને ૧૯૭૩માં ઇન્દિરા ગાંધીની સરકારમાં કૅબિનેટ મિનિસ્ટરનું સ્થાન મેળવી લીધું એટલું જ નહીં, ૧૯૮૨માં પહેલી વાર ફાઇનૅન્સ મિનિસ્ટર પણ બન્યા.



રાજકારણમાં પ્રવેશ્યા એનાં ૪૩ વરસ પછી પ્રણવદા ભારતના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારે હજી પણ તેમના જન્મસ્થળ મિરાતી ગામમાં તો તેઓ પોલ્ટુદા તરીકે જ ફેમસ છે. પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટાં એવાં ૮૨ વરસનાં બહેન અન્નપૂર્ણા બૅનરજી હજી મિરાતી ગામ પાસેના કિરનહાર ગામમાં જ વસે છે. તેમના ખબરઅંતર પૂછવા માટે હજીયે પ્રણવદા તેમને નિયમિત ફોન કરે છે.


પ્રણવને મિરાતી ગામની પ્રાઇમરી સ્કૂલમાં ભણવા જવાનું ખૂબ કઠતું હતું. મમ્મી ધમકાવે, મારે, ખાવા ન આપે તો પણ તે સ્કૂલ જવા તૈયાર નહોતા થતા. ભણીશ નહીં તો શું કરીશ એવું મા ગુસ્સે થઈને પૂછતી તો તેઓ કહેતા, ‘પૂજારી બની જઈશ.’ પ્રાઇમરી સ્કૂલ પછી સ્થિતિ સાવ જ બદલાઈ ગઈ. ગામમાં માધ્યમિક સ્કૂલ નહોતી એટલે સાત કિલોમીટર દૂર કિરનહાર ગામમાં ભણવા જવું પડતું. પાતળી આર્થિક સ્થિતિને કારણે પ્રણવદા રોજ સાત કિલોમીટર ચાલીને આવતા-જતા. રસ્તામાં સુકાયેલું વેરાન નાળું આવતું હતું, જે ચોમાસામાં છલકાઈ જતું ત્યારે એમાં રીતસર તરીને સ્કૂલમાં જવું પડતું. ગમેએટલી અગવડો છતાં તેમણે કદી સ્કૂલમાં જવાની આનાકાની નહોતી કરી કે કંટાળો દર્શાવ્યો નહોતો. આજની જેમ બાળપણમાં પણ તેમના માટે કોઈ પણ સમસ્યા ક્યારેય મોટી નહોતી. સ્કૂલની ફૂટબૉલ ટીમમાં તેઓ ડિફેન્ડર હતા. સ્કૂલમાંથી તેમને ફૂટબૉલ આપવામાં આવ્યો હતો, પણ એમાં હવા ભરવા માટેનો પમ્પ નહોતો ત્યારે પોલ્ટુદા નજીકની સાઇકલ રિપેરિંગવાળાની દુકાનેથી એક સાંકડી પાઇપ, વાઇસર અને હવા ભરવાનો પમ્પ લઈ આવ્યા ને એનાથી ફૂટબૉલ ફુલાવી દીધો. તેમનાં આવાં ઈઝી સૉલ્યુશન્સ જોઈને તેમનાં મમ્મી રાજલક્ષ્મી મુખરજીની ઇચ્છા હતી કે તેમનો આ દીકરો સાયન્ટિસ્ટ બને. ભલે પ્રણવદા કદાચ વિજ્ઞાનની ગુથ્થીઓ સુલઝાવનારા સાયન્ટિસ્ટ ન બની શક્યા, પણ રાજકારણની આંટીઘૂંટીઓને ઉકેલવાની જબરી હથોટી તેમણે કેળવી લીધી.

pranabda-identy1રાજકારણ પ્રત્યેનો ઝુકાવ તેમને બાળપણથી જ મળ્યો. પિતાજી ક્રાન્તિકારી હોવાથી મુખરજી પરિવાર બ્રિટિશરોની નજરે ચડેલો રહેતો. ક્રાન્તિકારીઓ તરફથી અગત્યના દસ્તાવેજો અને ચીજો ઘરે છુપાડવામાં આવતાં. તેમના પિતાજી એ દસ્તાવેજો માટલામાં ભરીને જમીનમાં દાટી દેતા. પ્રણવ છ-સાત વરસના હતા ત્યારે બ્રિટિશરો અવારનવાર પિતાજીને પકડીને જેલમાં લઈ જતા. આવા સમય માટે પિતાજીએ બાળકોને માનસિક રીતે તૈયાર કરી રાખેલાં અને શીખવેલું કે તલાશી લેવા આવનાર ઑફિસર ઘરમાં પ્રવેશે એ પહેલાં તેની તલાશી લઈ લેવી જેથી તેઓ સાથે લાવેલા દસ્તાવેજો આપણા ઘરમાંથી મળી આવ્યા હોવાની ખોટી વાત ઊપજાવી ન શકે. ૧૯૪૨માં ‘હિન્દ છોડો’ આંદોલન દરમ્યાન પિતાજીને સૈનિકો પકડીને લઈ ગયા અને એ પછી બ્રિટિશ સૈનિકો ઘરની તલાશી લેવા આવ્યા. એ વખતે સાત વર્ષના બાળપ્રણવ ઘરની બારસાખ પર ઊભા રહી ગયા અને પિતાજીએ શીખવેલું એમ જ વચ્ચોવચ ઊભા રહીને પહેલાં તેમની તલાશી લેવાની માગણી કરી. બ્રિટિશ ઑફિસરથી ખડખડાટ હસી પડાયું ને તેણે બાળકને પૂછ્યું કે હજી દોઢ ફૂટનો છે ને તું છ ફૂટના ઑફિસરને તપાસશે? તો તેમણે નિદોર્ષતાથી કહ્યું કે તમે મને તેડી લો એટલે હું તમને તપાસી લઈશ. ખરેખર ઑફિસરની તપાસ કર્યા પછી જ તેમણે તેને ઘરમાં આવવા દીધો. ઘરની તલાશી લીધા પછી ઑફિસરો જતા હતા ત્યારે તેમણે ઑફિસરોને રોક્યા અને કહ્યું કે મારા પિતાજી કહે છે કે આંગણે આવેલો અતિથિ કદી ભૂખ્યો ન જવો જોઈએ એટલે અમારી સાથે થોડુંક જમીને જાઓ. બાળહઠ કરી ઑફિસરને જમાડીને જ તેમણે મોકલ્યો. આ પ્રસંગમાં બાળપ્રણવની નીડરતા, નિર્દોષતા, ભારતીય મૂલ્યોનું ઊંડાણ એમ સઘળું સંયોજન જોવા મળે છે.


ટીનેજમાં જ તેમનામાં નેતૃત્વ અને વાક્છટાના અંશો દેખાવા લાગેલા. કિરનહાર શિવચંદ્ર હાઈ સ્કૂલમાં તેઓ સાતમા ધોરણમાં ભણતા હતા ત્યારે ભારતને હજી નવી-નવી આઝાદી મળી હતી. તેમની આ સ્કૂલની હાલત એકદમ ખસ્તા હતી. બારી-બારણાંઓ નહોતાં, ઠેર-ઠેરથી પ્લાસ્ટર ઊખડી ગયેલું અને ઉપરથી છત ગળતી હતી. એક વાર તેમની સ્કૂલના ઇન્સ્પેક્શન માટે કોઈ મોટા પ્રધાન આવવાના હતા ત્યારે સ્કૂલના હેડમાસ્તરે નવમા કે દસમાના વિદ્યાર્થીઓને પોતાની સ્કૂલને પ્રાથમિક સુવિધાઓની કેટલી જરૂરિયાત છે એની રજૂઆત તેમની સામે કરવા માટે જણાવેલું. જોકે મોટા વિદ્યાર્થીઓમાંથી કોઈ તૈયાર ન થયું; પણ સાતમામાં ભણતા પ્રણવ રેડી થઈ ગયા એટલું જ નહીં, જ્યારે પ્રધાન આવ્યા ત્યારે તેમને પોતાની સ્કૂલના વિકાસ માટે શાની-શાની જરૂરિયાત છે એ વિશેનું પાંચ મિનિટનું ભાષણ પણ આપી દીધું. ધારદાર સ્પીચ અને સંવેદનશીલ રજૂઆતને પગલે પેલા પ્રધાને સ્કૂલની ડિમાન્ડ મંજૂર કરીને બિલ્ડિંગનું રિનોવેશન કરાવી આપવાની તૈયારી બતાવી અને સાથે ભવિષ્ય પણ ભાખેલું કે આ છોકરો મોટો થઈને જરૂર નેતા બનશે.

વિરોધપ્રદર્શન કરીને સચ્ચાઈ માટે લડવામાં પણ તેઓ પાછા નહોતા પડતા. આવું જ કંઈક તેઓ નવમા ધોરણમાં ભણતા હતા ત્યારે બન્યું. એક દિવસ સવારે તેમના વર્ગના વિદ્યાર્થીઓ પોતાના ક્લાસમાં આવ્યા ત્યારે ઘણુંબધું ફર્નિચર, બોર્ડ, ટેબલ વગેરે તૂટેલું અને વિખેરાયેલું પડેલું. વિદ્યાર્થીઓએ ભેગા થઈને ટીચરને અને હેડમાસ્તરને વાત કરી. જોકે હેડમાસ્તર તો આ બધું જોઈને ગુસ્સે થઈ ગયા અને ઊલટાનું તમામ વિદ્યાર્થીઓ પર જ આ બધું સમું કરાવવાનો દંડ ઠોકી દીધો. જોકે એ સમયે પ્રણવ જ આગળ આવ્યા અને ખોટો દંડ નહીં ભરવાની જીદ પકડીને બેઠા. તેમણે બધા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા અને જ્યાં સુધી આ દંડ પાછો નહીં લેવામાં આવે ત્યાં સુધી તેઓ વિરોધપ્રદર્શન કરીને વર્ગની બહાર જ બેસી રહેશે એમ જણાવ્યું. લગભગ આખો દિવસ વર્ગની બહાર બેસી રહ્યા પછી સાંજે હેડમાસ્તર આવ્યા અને પ્રણવે વિદ્યાર્થીઓ વતી તેમની સાથે સુલેહ કરી.

pranabda-identy2ઇતિહાસ અને પૉલિટિકલ સાયન્સ એમ બેવડા વિષયો સાથે ગ્રૅજ્યુએટ થયા પછી તેમણે કાયદાની ડિગ્રી મેળવી. કરીઅરની શરૂઆતમાં કલકત્તામાં પોસ્ટ અને ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટમાં અપર ડિવિઝન ક્લર્ક તરીકે કામ કર્યું. એ પહેલાં તેમણે થોડોક સમય હાવરાની કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યું અને એ જ સમયગાળા દરમ્યાન બંગાળી પબ્લિકેશન ‘દેશેર ડાક’માં જર્નલિસ્ટ પણ બન્યા.

જોકે આ બધામાં તેમને ખાસ રસ પડતો નહોતો. પિતાજી એ વખતના પશ્ચિમ બંગાળની જિલ્લા કૉન્ગ્રેસના અધ્યક્ષ હતા. તેમની સાથે રહીને તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું. જોકે પિતાજીએ આઝાદીની ચળવળમાં પોતાનો ફાળો આપ્યો હતો એની સરખામણીએ તેમને આઝાદી પછી ક્યારેય નવાજવામાં નહોતા આવ્યા એને કારણે પિતાજી થોડાક વિક્ષુબ્ધ હતા. એવા સમયે પ્રણવે પિતાજીને અને રાજનીતિને સંભાળી લીધા. એ પછી ઇન્દિરા ગાંધી સાથેના ઘનિષ્ઠ સંબંધો અને ઝપાટાબંધ પ્રગતિને પગલે ૧૯૮૨માં તેમને ફાઇનૅન્સ મિનિસ્ટર બનાવવામાં આવ્યા ત્યારે તેમના પિતાજીએ પૂછેલું, ‘બેટા, તને ખબર છે એક નાણાપ્રધાનનું કામ અને જવાબદારીઓ શું હોય?’

ત્યારે પ્રણવદાએ ચહેરા પર સ્મિત સાથે કહેલું, ‘અત્યારે ખબર નથી, પણ કામ કરતાં-કરતાં શીખી જઈશ. મા આપણા ઘરને કઈ રીતે ચલાવે છે એ મેં સારી રીતે જોયું છે. બસ, એટલો જ ફરક છે કે મારે દેશ ચલાવતાં શીખવાનું છે.’

બાવીસ વરસની ઉંમરે તેમનાં લગ્ન શુભ્રા સાથે થયેલાં. બે દીકરાઓ અભિજિત અને ઇન્દ્રજિત તેમ જ દીકરી શર્મિષ્ઠા એમ ત્રણ સંતાનો થયાં. રાજકીય કરીઅરમાં વ્યસ્ત રહેતા હોવાથી સંતાનોને વધુ સમય નહોતા આપી શકતા, પણ સંતાનોમાં મૂલ્યોનું જતન થાય એ માટે તેઓ સતત જાગરુક હતા. નાણાપ્રધાનનાં સંતાનો હોય એટલે નાણાંની તો શું કમી પડે એવું જો કોઈ ધારતું હોય તો ઘરમાં સાવ ઊલટું જ હતું. થોડા સમય પહેલાં એક અંગ્રેજી સામયિકને આપેલા ઇન્ટરવ્યુમાં દીકરી શર્મિષ્ઠાએ કહેલું, ‘પિતાજી પાસેથી પૈસા કઢાવવા એ સૌથી અઘરો ટાસ્ક હતો. મને તો લાગે છે કે ઇકૉનૉમી અને બજેટિંગની ટ્રેઇનિંગ તેમને અમારા પર પ્રયોગ કરીને જ શીખવા મળી છે. તેમની પાસેથી કોઈ વસ્તુ માટેના પૈસા કઢાવવાનું ખૂબ અઘરું છે. પૈસા માટે અમારા બન્ને વચ્ચે જે ચર્ચા કે દલીલો થાય એ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. હું ગમેએમ કરીને થોડાક વધુ પૈસા કઢાવવાની કોશિશમાં હોઉં છું. હું ખૂબ મોટી ડિમાન્ડ લઈને તેમની પાસે જાઉં. તેમને મનાવું, ફોસલાવું, વિનવણી કરું, ધમકી આપું, બાર્ગેઇનિંગ કરું અને અંતે ઘણી વાટાઘાટો પછી તેઓ કોઈ એક રકમ આપવા તૈયાર થાય. હકીકતમાં મેં જે માગણી મૂકી હોય એના ચારથી પાંચ ટકા જેટલી જ એ રકમ હોય. જોકે એ પછી તો હું પણ સમજી ગયેલી કે મારે જે જોઈએ છે એ માટે પહેલેથી કેટલાની માગણી મૂકવી! દરેક વખતે હું તેમની પાસેથી પૈસા સેરવી લઉં એ પછી તેઓ મને ચોર, ડાકુ, શસ્ત્રપાણિ (હથિયારધારી ગૅન્ગસ્ટર) કહે!’

pranabda-identy3અત્યાર સુધી રાજનૈતિક ઊથલપાથલોમાં કૉન્ગ્રેસ માટે પ્રણવ હંમેશાં પ્રૉબ્લેમ-સૉલ્વર બની રહ્યા હતા. લોકોને અને રાજકીય પરિસ્થિતિઓને ટૅકલ કરવાની જબરી કુનેહ માટે તેમની કથ્થક ડાન્સર દીકરી શર્મિષ્ઠાને નવાઈ નથી લાગતી. તેનું કહેવું ‘પાર્લમેન્ટની અંધાધૂંધીને મૅનેજ કરીને એકમત પર લાવવાની તાલીમ પણ કદાચ તેમને અમારા પરિવારમાંથી જ મળી હશે, કેમ કે અમારા પરિવારમાં બધાનાં મંતવ્યો જુદાં-જુદાં હોય છે ને અમારે ત્યાં પણ પ્યૉર લોકશાહી જ ચાલે છે. દેશમાં પાવરફુલ ગણાતા પપ્પાને ઘરમાં એ પાવર વાપરવા ખાસ મળતો નથી. જોકે કેટલાક વણલખ્યા નિયમો છે જે અમારે પરિવારના સભ્યો સાથે અને બહાર પણ પાળવાના હોય છે. ક્યારેય પપ્પાની પોઝિશનનો પાવર વાપરીને કંઈક એક્સ્ટ્રા મેળવવાની અમે કદી હિંમત નથી કરતાં.’

પ્રણવ અને તેમનાં પત્ની શુભ્રાએ ક્યારેય સંતાનોને ઉપદેશ આપીને આ બધું શીખવ્યું નથી. જીવનના દરેક તબક્કે સંતાનો સમજી શકે એ રીતે તેમને જીવનનાં મૂલ્યો અને પાવરનો ખોટો ઉપયોગ નહીં કરતાં શીખવ્યું છે. દીકરી શર્મિષ્ઠા બારમા ધોરણમાં હતી ત્યારે ડાન્સર તરીકેની ઓળખ ઊભી થઈ રહી હતી. એ સમયે તેણે ભણવા પર ધ્યાન આપવાનું ઘટાડી નાખ્યું અને માત્ર ડાન્સના શોમાં જ વ્યસ્ત રહેવા લાગેલી. શુભ્રાની ખૂબ સમજાવટ પણ દીકરીએ સાંભળી-ન સાંભળી કરી દીધી. પ્રણવ એ વખતે ફાઇનૅન્સ મિનિસ્ટર હતા એટલે સંતાનો પાછળ પૂરતું ધ્યાન આપી શકતા નહોતા. છતાં પરીક્ષાને થોડાક મહિનાઓ જ બાકી હતા ત્યારે પ્રણવે દીકરીને પાસે બેસાડીને ઠંડકથી કહ્યું, ‘જો બેટા, તારે નથી ભણવું તો વાંધો નથી; પણ જો સારા માર્ક્સ ન આવ્યા તો પછી સારી કૉલેજમાં ઍડ્મિશન લેવા માટે મારી કોઈ મદદ મળશે એવી આશા રાખીશ નહીં.’

પપ્પાના આવા ઠંડા વલણથી દીકરીનો ઈગો હર્ટ થયો. તેણે પોતાના માક્ર્સના આધારે સારી કૉલેજમાં ઍડ્મિશન મેળવવાની ગાંઠ વાળી ને ખરેખર એમ થયું પણ ખરું. પ્રણવ તેમની દીકરી શર્મિષ્ઠા સાથે ખૂબ ઇમોશનલ બૉન્ડ ધરાવે છે. અત્યંત વ્યસ્ત શેડ્યુલમાંથી થોડોક સમય કાઢીને તેઓ અવારનવાર ડાયરી પણ લખે છે. જોકે એ કોઈને બતાવતા નથી.

દીકરા અભિજિતની કરીઅર બાબતે પણ તેમણે કદી કોઈ આગ્રહો રાખ્યા નહોતા અને એટલે હજી એક વરસ પહેલાં સુધી અભિજિત મુખરજીએ રાજકારણ તરફ નજર નહોતી કરી. કૉપોર્રેટ સેક્ટરમાં કામ કર્યા પછી છેક ૨૦૧૧માં અભિજિતે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય લીધો ત્યારે પ્રણવે તેને આવકાયોર્. હાલમાં તેઓ પશ્ચિમબંગના નાલહાટીમાં વિધાનસભ્ય છે. હવે ઝાંઝીબારની લોકસભાની જે બેઠક પરથી પ્રણવ ૨૦૦૪ અને ૨૦૦૯માં એમ બે-બે વાર ચૂંટાઈ આવ્યા હતા એ ખાલી પડેલી બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવે છે. જોકે કૉન્ગ્રેસે હજી કોઈ નિર્ણય લીધો નથી.

મિરાતી ગામનો ઉદ્ધાર

પ્રણવદાએ મિરાતી ગામ પાસેની નદી પર ડૅમ બાંધવા માટે પાંચ કરોડ રૂપિયાનું બજેટ પણ મંજૂર કરાવ્યું છે. હાલમાં ત્યાં રોડ, લાઇટ, નહેરો, ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થાઓ છે. એ બધું જ પ્રણવદાને આભારી હોવાથી તેઓ પ્રેસિડન્ટ બન્યા ત્યારે માત્ર કૉન્ગ્રેસ જ નહીં, તેમના ગામવાસીઓ પણ એટલા જ ખુશખુશાલ છે.

રાજકારણમાં ગમેએટલા વ્યસ્ત હોય, દર વર્ષે દુર્ગાપૂજામાં ચાર દિવસ તેઓ પોતાના ગામમાં જવાનું ચૂકતા નથી.

નંબર ૧૩ સાથેની લેણાદેણી

આમ તો આ નંબર અપશુકનિયાળ ગણાય છે, પણ પ્રણવદાના જીવનમાં એનું અનેરું મહત્વ છે.

તેમનાં લગ્ન ૧૯૫૭ની ૧૩ જુલાઈએ થયેલાં.

તેઓ તાલકટોરા રોડ પર ૧૩ નંબરના બંગલામાં રહે છે.

પહેલી વાર લોકસભાની ચૂંટણીમાં ૨૦૦૪ની ૧૩ મેએ ચૂંટાયા હતા.

પાર્લમેન્ટમાં તેમની ઑફિસ ૧૩ નંબરના રૂમમાં હતી.

તેમને પ્રેસિડન્ટના ઉમેદવાર તરીકે ૧૩ જૂને જાહેર કરવામાં આવેલા.

તેઓ ભારતના ૧૩મા રાષ્ટ્રપતિ બન્યા છે.

પ્pranabda-identy4રણવ મુખરજીમાં ઉમેરો  

રાષ્ટ્રપતિપદે ચૂંટાઈ આવ્યા પછી પ્રણવ મુખરજીનાં પત્ની અને દેશનાં ફસ્ર્ટ લેડી શુભ્રા મુખરજીએ મિડિયાને આપેલી મુલાકાતમાં તેમના જીવનની રસપ્રદ વાતો કરી હતી. ફસ્ર્ટ લેડી બનવા બદલ કેવું લાગે છે એવું પૂછતાં શુભ્રા મુખરજીએ અસ્સલ બંગાળી સ્ટાઇલમાં ‘ભાલો લાગછે’ (સારું લાગે છે) કહ્યું હતું. આ ખાસ પ્રસંગની ઉજવણી વિશે તેમણે કહેલું, ‘અમે આજકાલના લવી-ડવી કપલ જેવાં નથી. તેઓ ક્યારેય પ્રેમની લાગણી ખૂલીને વ્યક્ત કરતા નથી. તેઓ રોજ સ્નાન કર્યા પછી મારા કપાળ પર સ્પર્શ કરીને કંઈક મંત્રો બોલે છે ને એ જ તેમની પ્રેમ વ્યક્ત કરવાની રીત છે. રાષ્ટ્રપતિ થયા પછી પણ એ દિવસે સવારે તેમણે આ જ રીત નિભાવી હતી.’

આ મુલાકાતમાં રાઝની વાત ખોલતાં શુભ્રા મુખરજીએ કહેલું કે અમારાં લગ્નને ૫૫ વરસ થશે, પરંતુ એક પણ દિવસ અમારી વચ્ચે ઝઘડો નથી થયો. શુભ્રા મુખરજી શાસ્ત્રીય સંગીતનાં ખૂબ સારાં ગાયક છે. તેમને ઇન્દિરા ગાંધી સાથે પણ સારું બનતું હતું ને તેઓ સંગીત, પેઇન્ટિંગ્સ અને પુસ્તકો વિશે ઘણી ચર્ચા કરતાં. ઇન્દિરાજી પર તેમણે એક પુસ્તક પણ લખ્યું છે.

૩૪૦ ઓરડા ધરાવતા રાષ્ટ્રપતિભવનમાં શિફ્ટ થતાં પહેલાં તેમને પોતાના તાનપૂરા અને હામોર્નિયમનું શિફ્ટિંગ બરાબર થાય એની અને ભગવાનનું મંદિર ક્યાં રાખવું એની ચિંતા થતી હતી.

પંચાવન વર્ષનું લગ્નજીવન

રાષ્ટ્રપતિપદે ચૂંટાઈ આવ્યા પછી પ્રણવ મુખરજીનાં પત્ની અને દેશનાં ફસ્ર્ટ લેડી શુભ્રા મુખરજીએ મિડિયાને આપેલી મુલાકાતમાં તેમના જીવનની રસપ્રદ વાતો કરી હતી. ફસ્ર્ટ લેડી બનવા બદલ કેવું લાગે છે એવું પૂછતાં શુભ્રા મુખરજીએ અસ્સલ બંગાળી સ્ટાઇલમાં ‘ભાલો લાગછે’ (સારું લાગે છે) કહ્યું હતું. આ ખાસ પ્રસંગની ઉજવણી વિશે તેમણે કહેલું, ‘અમે આજકાલના લવી-ડવી કપલ જેવાં નથી. તેઓ ક્યારેય પ્રેમની લાગણી ખૂલીને વ્યક્ત કરતા નથી. તેઓ રોજ સ્નાન કર્યા પછી મારા કપાળ પર સ્પર્શ કરીને કંઈક મંત્રો બોલે છે ને એ જ તેમની પ્રેમ વ્યક્ત કરવાની રીત છે. રાષ્ટ્રપતિ થયા પછી પણ એ દિવસે સવારે તેમણે આ જ રીત નિભાવી હતી.’

આ મુલાકાતમાં રાઝની વાત ખોલતાં શુભ્રા મુખરજીએ કહેલું કે અમારાં લગ્નને પંચાવન વરસ થશે, પરંતુ એક પણ દિવસ અમારી વચ્ચે ઝઘડો નથી થયો. શુભ્રા મુખરજી શાસ્ત્રીય સંગીતનાં ખૂબ સારાં ગાયક છે. તેમને ઇન્દિરા ગાંધી સાથે પણ સારું બનતું હતું ને તેઓ સંગીત, પેઇન્ટિંગ્સ અને પુસ્તકો વિશે ઘણી ચર્ચા કરતાં. ઇન્દિરાજી પર તેમણે એક પુસ્તક પણ લખ્યું છે.

૩૪૦ ઓરડા ધરાવતા રાષ્ટ્રપતિભવનમાં શિફ્ટ થતાં પહેલાં તેમને પોતાના તાનપૂરા અને હામોર્નિયમનું શિફ્ટિંગ બરાબર થાય એની અને ભગવાનનું મંદિર ક્યાં રાખવું એની ચિંતા થતી હતી.

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2012 06:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK