વિશ્વનો સૌથી મોટો ઍટલસ અને એની કિંમત છે છપ્પન લાખ રૂપિયા

Published: 29th July, 2012 05:54 IST

    આજે ગૂગલ અર્થ અને ઇન્ટરનેટ પર વિશ્વના ખૂણેખૂણાના નકશાઓ એક જ ક્લિક સાથે ઉપલબ્ધ થાય છે,


atlas-bigરેકૉર્ડ મેકર

આજે ગૂગલ અર્થ અને ઇન્ટરનેટ પર વિશ્વના ખૂણેખૂણાના નકશાઓ એક જ ક્લિક સાથે ઉપલબ્ધ થાય છે, પરંતુ એ પહેલાં દરિયો ખૂંદવા નીકળતા અને ભોમિયા વિના ડુંગરા ભમવા નીકળતા સાહસિકો માટે દિશાશોધન માટે સૌથી શ્રેષ્ઠ સાધન હતું ઍટલસ યાની કિ નકશાપોથી. સૈકાઓ સુધી વિવિધ પ્રદેશોના રાજકીય અને ભૌગોલિક નકશાઓનું સંકલન ધરાવતા ઍટલસે પ્રવાસીઓના બેસ્ટ ફ્રેન્ડ તરીકેની ગરજ સારી છે, પરંતુ આજના ઇન્ટરનેટ-યુગમાં કાગળ પર છપાયેલા ઍટલસની કોઈને ગરજ રહી નથી ત્યારે આવા ઍટલસ તરફ લોકોને ખેંચી લાવવા માટે કોઈ તુક્કા અજમાવવા પડે છે. આવો જ એક વિક્રમસર્જક તુક્કો એટલે િવશ્વનો સૌથી મોટો ઍટલસ. ગયા મહિને લંડનની બ્રિટિશ લાઇબ્રેરી ખાતે પાંચ-પચીસ નહીં બલ્કે બસો કિલો વજન ધરાવતા અર્થ પ્લૅટિનમ નામના ઍટલસનું લોકાર્પણ થયું. આ દળદાર ઍટલસ જોઈને ગિનેસ વલ્ર્ડ રેકૉર્ડ્સે પણ એને ‘બિગેસ્ટ ઍટલસ ઑફ ધ વલ્ર્ડ’ તરીકેનું સર્ટિફિકેટ ફાડી આપ્યું છે.

નકશો બનાવવાની કળાને કાર્ટોગ્રાફી કહે છે. એ કાર્ટોગ્રાફીનો આ ‘અર્થ પ્લૅટિનમ ઍટલસ’ બેજોડ નૂમનો છે. છ બાય સાડાચાર ફૂટનું કદ ધરાવતા આ ઍટલસમાં વિશ્વના ૧૦૦થી પણ વધુ ચુનંદા કાર્ટોગ્રાફર્સ (નકશો તૈયાર કરનાર નિષ્ણાતો), જિયોગ્રાફર્સ અને ફોટોગ્રાફર્સની મદદ લેવામાં આવી છે. મૂળ ઑસ્ટ્રેલિયાના સિડનીસ્થિત મિલેનિયમ હાઉસ નામના પ્રકાશકે આ ઍટલસનું પ્રકાશન કર્યું છે. ઍક્ચ્યુઅલી, આ એમના દ્વારા તૈયાર થયેલો સૌથી જાયન્ટ સાઇઝનો ઍટલસ છે. આનાથી ક્રમશ: નાની સાઇઝના પરંતુ ભવ્યતામાં જરાય ઊતરતા નહીં એવા બે ‘અર્થ બ્લુ’ અને ‘અર્થ ગોલ્ડ’ નામના ઍટલસ પણ આ પ્રકાશન-કંપનીએ તૈયાર કર્યા છે.

જો તમારી હાઇટ અમિતાભ બચ્ચન જેટલી ન હોય અને તમે આ ઍટલસની બાજુમાં ઊભા રહો તો એ ઍટલસ તમારા કરતાં ઊંચો જ લાગવાનો! એના સંચાલકો મજાકમાં કહે છે કે આ ઍટલસનું એક આખું પેજ તમારે એના પર આઇપૅડ મૂકીને ભરી દેવું હોય તો પચાસ આઇપૅડ જોઈએ! સ્વાભાવિક છે કે આવાં તોતિંગ સર્જન લિમિટેડ એડિશન જ હોવાનાં એટલે આ અર્થ પ્લૅટિનમ ઍટલસની પણ આખા વિશ્વમાં ગણીને માત્ર ૩૧ નકલ જ તૈયાર કરવામાં આવશે. એટલું જ નહીં, દરેક ઍટલસને એક યુનિક નંબર પણ આપવામાં આવશે. આ હડિમદસ્તા જેવી નકશાપોથી (આમ તો એની સાઇઝ જોતાં એને પોથી નહીં બલ્કે પોથો કહેવું જોઈએ!)ને સાવધાનીથી ઊંચકવા માટે ઍટલીસ્ટ છ માણસોની જરૂર પડે છે. કુલ ૧૨૮ પાનાં ધરાવતા આ ઍટલસમાં ૪૫થી વધુ નકશા છે અને એ સિવાયનાં પાનાંમાં અફલાતૂન સૅટેલાઇટ ઇમેજિસ અને વિશ્વનાં વિવિધ સ્થળોની આબેહૂબ તસવીરો અપાઈ છે. આવું બેનમૂન સર્જન થતું હોય એટલે એને લગતી વિગતો પણ એવી જ અદ્ભુત હોવાનીને. જેમ કે આ ઍટલસ ઇટલીમાં છપાયો છે અને હૉન્ગકૉન્ગમાં એનું બુક-બાઇન્ડિંગ થયું છે. એટલું જ નહીં, આ ઍટલસની દરેકેદરેક કૉપી બનાવવા માટે ૧૨૦ કારીગરોએ એના પર કામ કર્યું છે. એમાં છપાયેલી તસવીરો કેવી જબરદસ્ત હશે એનો ખ્યાલ એ વાત પરથી જ આવી જાય છે કે અમુક-અમુક તસવીરો તૈયાર કરવા માટે હજારો સૅટેલાઇટ ઇમેજિસને એકબીજા સાથે જોડવામાં આવી છે!

આ ઍટલસનો ઉલ્લેખ કરવાનું એટલા માટે પણ મહત્વનું બની જાય છે કારણ કે આના જેવો તોસ્તાન ઍટલસ છેલ્લે ૧૬૬૦માં ‘નેકલ ઍટલસ’ના નામે તૈયાર કરવામાં આવ્યો હતો જેને કિંગ ચાલ્ર્સ બીજાના સત્તારોહણ પ્રસંગે ભેટ ધરવામાં આવેલો. એ જ ઍટલસ ઈસવીસન ૧૮૨૦માં કિંગ જ્યૉર્જ ત્રીજાના મૅપ-કલેક્શનના ભાગરૂપે બ્રિટિશ લાઇબ્રેરીને અર્પણ કરવામાં આવ્યો હતો. જોકે એ ઍટલસ પણ અત્યારના અર્થ પ્લૅટિનમ કરતાં ત્રીસ સેન્ટિમીટર એટલે કે એક ફૂટ નાનો હતો. આ પ્રકાશન-સંસ્થાના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે કાર્ટોગ્રાફી અત્યારે મરણપથારીએ પડેલી કલા છે એટલે આગામી ત્રણસો કે ચારસો વર્ષ સુધી આના જેટલો વિશાળ કદ ધરાવતો બીજો ઍટલસ કોઈ બનાવશે એ વાતમાં માલ નથી.

અત્યારે આ ઍટલસ વેચવા માટે એની પ્રકાશન-સંસ્થા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને માલેતુજાર સંગ્રાહકો સાથે વાતચીતો ચલાવી રહી છે ત્યારે આપણને સવાલ એ થાય કે ધારો કે કોઈને આ ઍટલસ ખરીદવાની ઇચ્છા થાય તો તેણે ખિસ્સામાંથી કેટલા રૂપિયા ઢીલા કરવા પડે? તો જરા ગળું ખોંખારીને સાંભળી લો કે એની છાપેલી કિંમત છે એક લાખ ડૉલર યાની કે ઍટલીસ્ટ છપ્પન લાખ રૂપિયા ઓન્લી! બોલો છે ખરીદવામાં ઇન્ટરેસ્ટ?!  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK