ઓ. પી. નૈયરની જેમ જ અચાનક મારી મુલાકાત માધુરી જોગળેકર સાથે થઈ

Published: 23rd November, 2014 06:43 IST

૧૯૯૭માં ઓ. પી. નૈયર નાખવાપરિવાર સાથે થાણેમાં રહેવા આવ્યા એ પહેલાં તેઓ ૧૯૮૯થી વિરારમાં માધુરી જોગળેકર સાથે રહેતા હતા. મેં તેમના વિશે સાંભળ્યું હતું, પણ ઓ. પી. નૈયર સાથેની મુલાકાતો દરમ્યાન અમારી વચ્ચે આ વાતનો ઉલ્લેખ નહોતો થયો.


વો જબ યાદ આએ - રજની મહેતા

ઓ. પી. નૈયરે મારી સાથેની વાતચીતમાં એક વખત મને કહ્યું હતું, ‘મહેતાસાબ, મૈંને આપસે કઈ ઐસી બાતેં કરી જો મૈંને આજ તક બહુત કમ લોગોં સે કહી હૈં. આપ જાનતે હો ક્યૂં? વો ઇસ લિએ કિ આપને કભી મેરી નિજી ઝિંદગી કે બારે મેં કોઈ સવાલ નહીં કિયા. આપ સચ્ચે સંગીતપ્રેમી હો જિસકો સંગીતકાર કે સંગીત સે પ્યાર હૈ, ઉસકી નિજી ઝિંદગી સે નહીં.’

મારું એવું માનવું છે કે કલાકારની અંગત જિંદગી એ તેની મૂડી છે. આપણને તેની કલાકૃતિઓ, તેના સર્જન પર હક રાખવાનો અધિકાર છે. એટલે કોઈ પણ સારી-નરસી ટિપ્પણીઓ કરવી હોય તો તેના સર્જનાત્મક પાસા પર કરવી જોઈએ. ઘણી વખત એવું બનતું હોય કે મીઠાઈ ખૂબ ભાવતી હોય, પણ કંદોઈ સાથે અણબનાવ હોય ત્યારે આપણે તેની મીઠાઈની ટીકા કરતા હોઈએ છીએ.

ઓ. પી. નૈયર સાથેની મારી મુલાકાત કેવા સંજોગોમાં થઈ એ મેં આ પહેલાં વિગતવાર લખ્યું જ છે. એ ઘટના ઓચિંતી જ બની હતી. એવું જ કંઈક માધુરી જોગળેકરની બાબતમાં બન્યું.

૨૦૧૪ના જૂનમાં અમે થોડા સંગીતપ્રેમી મિત્રો પરિવાર સાથે દેવલાલી ગયા હતા. ૧૫ દિવસ સુધી સવાર-સાંજ સંગીતની મહેફિલ જામતી અને એ જ અમારો ઉદ્દેશ હતો. એ સમયે નવસારીથી આવેલા મારા મિત્ર કિરીટ ભટ્ટ સાથે ઓ. પી. નૈયરની કૉલમની વાત થઈ ત્યારે તેમણે કહ્યું, ‘હું પણ વર્ષો પહેલાં નવસારીમાં ઓ. પી. નૈયરને મળ્યો છું.’

મને નવાઈ લાગી, ‘ઓ. પી. નૈયર નવસારીમાં કોને ઘેર આવ્યા હતા?’

જવાબ મળ્યો, ‘માધુરી જોગળેકરને ત્યાં.’

હજી હું કંઈ બોલું એ પહેલાં આગળ કહ્યું, ‘માધુરી જોગળેકર તો મારાં ગુરુ છે અને હું તેમની પાસે સંગીત શીખું છું.’

આને કહેવાય લૉટરી લાગી. ઓ. પી. નૈયર વિશેની વાતો લખતાં મનમાં એક-બે વખત વિચાર આવ્યો હતો કે માધુરી જોગળેકર સાથે મુલાકાત થાય તો ઘણી જાણકારી મળે. પણ મેં એ વિશે વધુ પ્રયત્નો નહોતા કર્યા. અને એ દિવસે અચાનક આ ઘટના બની.

મેં કિરીટભાઈને પૂછ્યુ, ‘મારે તેમને મળવું છે. તેઓ ઓ. પી. નૈયર વિશે મારી સાથે વાતો કરશે?’

જવાબ મળ્યો, ‘હમણાં તેઓ મુંબઈ છે. અવારનવાર નવસારી આવે છે. હું હમણાં જ તમારી સાથે ફોન પર વાત કરાવું છું, તમે જ પૂછી લો.’

અને તરત તેમણે માધુરી જોગળેકર સાથે મારી ઓળખાણ આપીને વાત કરાવી અને ખૂબ જ સહજતાથી તેમણે મને કહ્યું, ‘મેં આજ સુધી આ બાબતે કોઈની સાથે વાતો નથી કરી. પણ તમારી સાથે વાત કર્યા બાદ મને લાગે છે કે હું મારા જીવનની આ વાતો શૅર કરીશ અને મને ભરોસો છે કે તમે એને સાચા દૃષ્ટિકોણથી સમજશો.’

મુંબઈ આવીને હું માધુરી જોગળેકરને પાર્લામાં તેમના ઘેર મળ્યો જ્યાં તેઓ હવે શ્રીમતી માધુરી હેમંત શાહના સ્વરૂપે રહે છે.

માધુરી જોગળેકરનું વ્યક્તિત્વ પણ ઓ. પી. નૈયર જેવું જ પ્રભાવશાળી છે. ઊજળો વાન, નિખાલસ સ્મિત અને ઉચ્ચ મધ્યમવર્ગીય સન્નારી અને છતાંય જાજરમાન એવાં ગૃહિણીએ લગભગ બે કલાક મારી સાથે દિલ ખોલીને વાત કરી. અમે પહેલી જ વાર મળ્યાં હતાં છતાં તેમણે જે મોકળાશથી વાત કરી એની મને નવાઈ લાગી ત્યારે તેમણે એટલું જ કહ્યું, ‘રજનીભાઈ, તમારી સાથે વાતો કરતાં મને હળવાશ અનુભવાય છે. ફરી પાછી એ સ્મૃતિઓ જેમાં ઘણા ચઢાવ-ઉતાર છે એ તાજી થઈ અને જે કંઈ થયું એનો મને કોઈ અફસોસ નથી. અને કોણ જાણે કેમ, તમારી સાથે વાત કરું છું ત્યારે મને ડર નથી લાગતો કે તમે આ વાતોને મારી-મચડીને રજૂ કરશો.’

તેમની સહજતા અને સરળતા મને તથા મારા પરિવારને વધુ સ્પર્શી, જ્યારે મારા આમંત્રણને માન આપી તેઓ મારા ઘેર પણ આવ્યાં. એ સમયે અમે ઓ. પી. નૈયર માટેના એક ટૉક-શોની પણ પરિકલ્પના કરી જેમાં નાખવાપરિવાર, માધુરી જોગળેકર, યશવંત તપાસે અને મશહૂર અરેન્જર કેરસી લૉર્ડ પણ ઉપસ્થિત હતા. સંકેતના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં આ દરેકે તેમના નૈયરસાહેબ સાથેનાં સંસ્મરણો તાજાં કર્યા અને તેમને સાચી સ્વરાંજલિ આપી.

દરેક સ્ત્રી જ્યારે પ્રેમ કરે છે ત્યારે તેની ઇચ્છા હોય છે કે તે જે પુરુષને પ્રેમ કરે છે તેના જીવનની છેલ્લી સ્ત્રી હોય, મારા પછી બીજી કોઈ નહીં. અને પુરુષની ઇચ્છા એવી હોય છે કે તે એ સ્ત્રીના જીવનનો પ્રથમ પુરુષ હોય, તેની પહેલાં બીજો કોઈ ન હોય.

આવતા રવિવારથી ઓ. પી. નૈયરના અંતિમ પ્રેમ અને માધુરી જોગળેકરના પ્રથમ પ્રેમની વાતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK