સરદાર - ધ ગેમ-ચેન્જર : પ્રકરણ 37

Published: May 05, 2019, 12:45 IST | ગીતા માણેક | મુંબઈ

લોહી રેડ્યા વિના હિન્દુસ્તાનને છિન્નભિન્ન થતા રોકવાનો જંગ આલેખતી ડૉક્યુ-નૉવેલ

સરદાર
સરદાર

‘હૈદરાબાદમાં કેવી સ્થિતિ છે?’ સરદારે હૈદરાબાદમાં હિન્દુસ્તાનના એજન્ટ તરીકે નિયુક્ત થયેલા અને કાર્ય કરી રહેલા કનૈયાલાલ મુનશી પાસેથી પરિસ્થિતિનો ક્યાસ મેળવવા માટે પૂછ્યું. ગાંધીજીના મૃત્યુ બાદ હૈદરાબાદની નિઝામ કૉલેજમાં યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં રઝાકારોએ તોફાન મચાવ્યું હતું અને સભાને વિખેરાઈ જવું પડ્યું હતું એ અહેવાલ સરદાર સુધી પહોંચ્યા હતા. નિઝામની છત્રછાયા હેઠળ રઝાકારોની હિંમત વધતી જઈ રહી હતી અને તેઓ બેફામપણે હિન્દુઓ પર કાળો કેર વર્તાવી રહ્યા હતા.

આમ તો કનૈયાલાલ મુનશી સરદારને અનેક વખતા મળ્યા હતા. બાપુના કરુણ મૃત્યુ બાદ અંતિમક્રિયા અને સમાધિસ્થળ શોધવાની જવાબદારી પણ મુનશી પર જ હતી. એ સમયે પણ સરદાર સાથે વ્યવસ્થા અને અન્ય બાબતો વિશે વાતચીત થતી રહી હતી, પરંતુ મુનશીને લાગ્યું કે અગાઉના સરદાર અને અત્યારના સરદારમાં જાણે બહુ મોટું અંતર પડી ગયું હતું. ગાંધીજીની કરપીણ હત્યા બાદ રાષ્ટ્ર આખું શોકમાં ગરક હતું, પણ સરદાર જાણે એક ક્ષણ પણ વેડફવા નહોતા માગતા. એવું લાગતું હતું જાણે બાપુએ જેની જવાબદારી સોંપી હતી એ અને હાથ પર લીધેલાં તમામ કાર્યો‍ તેમને ઝડપથી પૂરાં કરવા હતાં. હૈદરાબાદનું વિલીનીકરણ એમાં અગ્રતાક્રમે હતું. આમ તો રોજબરોજનાં વહીવટી કાર્યોમાં ગાંધીજીની કોઈ દખલ નહોતી તેમ છતાં કોણ જાણે કેમ, અત્યારે ગાંધીજીની ગેરહાજરીનો ખાલીપો સરદારની ઑફિસમાં પણ વર્તાઈ રહ્યો હોય એવું મુનશીએ અનુભવ્યું.

‘વાટાઘાટો ચાલતી રહે છે, પણ એ બધું પાણી વલોવવા જેવું છે.’ મુનશીએ એક જ વાક્યમાં વાસ્તવિકતાનો ચિતાર આપી દીધો.

‘તેમ છતાં આપણે પાણી વલોવતાં રહેવું પડશે. એ છાશ નથી અને એમાંથી માખણ નહીં નીકળે એની સાબિતી આપણે આપવી પડશેને!’ સરદાર એક નિ:fવાસ સાથે બોલ્યા, ‘જોકે એ પણ હકીકત છે કે આપણે આજીવન પાણી વલોવવાની નિરર્થક પ્રવૃત્તિ કરતાં બેસી ન રહી શકીએ. ૩૧મી માર્ચ સુધી વાટાઘાટ અને સમજાવટથી સમાધાનનો પ્રયાસ ચાલુ રાખો. આવતી કાલે કોઈ એવું આળ ન મૂકી શકે કે આકરાં પગલાં લેતાં પહેલાં આપણે તેમને વાતચીતથી ઉકેલ લાવવાની તક નહોતી આપી.’

‘આમ પણ ઑક્ટોબર, ૧૯૪૮ના તો સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટની મુદત પૂરી થશે.’ મુનશીએ યાદ દેવડાવ્યું.

‘એટલી બધી રાહ આપણે નથી જોવી. હૈદરાબાદનું ગાડું ફસાયું છે અને હવે એને બહાર કાઢવું જ પડશે. જૂનમાં વરસાદ પડે એ પહેલાં જ મામલો પતવો જોઈએ, કારણ કે એક વાર વરસાદ શરૂ થયા બાદ કોઈ પણ લશ્કરી કાર્યવાહી કરવામાં આપણને મુશ્કેલી નડશે.’ હૈદરાબાદમાં વાટાઘાટોથી ઉકેલ નહીં આવે, લશ્કરી કાર્યવાહી કરવી જ પડશે એ અંગે સરદારના મનમાં સહેજ પણ આશંકા નહોતી એ વાત પણ મુનશીના ધ્યાન બહાર ન ગઈ. જૂન પહેલાં જ ઉકેલ લાવવા પાછળના સરદારના ગણિત પર તેઓ મનોમન આફરીન પોકારી ગયા. જોકે શબ્દોમાં તેમની પ્રશંસા કરવાનું મુનશીએ ટાYયું, કારણ કે તેઓ જાણતા હતા કે આવાં વખાણ સરદારને ગમ્યાં ન હોત.

ગાંધીજીનાં અસ્થિ દેશભરની પવિત્ર નદીઓમાં વિસર્જિત કરવાનો નિર્ણય લેવાયો હતો. ગંગા, યમુના અને અન્ય નદીઓ તેમ જ નદીઓના સંગમમાં અસ્થિવિસર્જન થઈ રહ્યું હતું. હૈદરાબાદમાંના કાલેશ્વરમ ખાતેના ગોદાવરી અને પ્રાણહિતા નદીના સંગમમાં પણ અસ્થિવિસર્જન કરવાની વિનવણી કનૈયાલાલ મુનશીએ કરી હતી. ગાંધીજીનાં અસ્થિનો એક હિસ્સો લાલ કપડાથી વીંટળાયેલા કળશમાં તેમને સુપરત કરાયો હતો. વહેલી સવારે સૂર્યોદય સમયે હૈદરાબાદના કૉંગ્રેસીઓ, ગાંધીજીના ચાહકો, ભક્તો અને સામાન્ય માનવીઓ મોટી સંખ્યામાં કાલેશ્વરમ ખાતે એકઠા થયા હતા. કનૈયાલાલ મુનશીએ ભારે હૈયે અસ્થિકળશ પર બાંધેલું લાલ રંગનું કપડું ખોલ્યું. ખૂબ જ ધીરેથી અને કોમળતાથી એ કળશમાંનાં ગાંધીજીનાં અસ્થિ અને ચિતાની મુઠ્ઠીભર રાખને નદીમાં વહાવી. કનૈયાલાલ મુનશીની આંખમાંથી આસુંની ધારા વહી. એ મહામાનવના બચેલા અંશોને સંગમમાં વહાવી, હાથ જોડી, આંખ બંધ કરીને તેમણે મનોમન પ્રાર્થના કરી.

‘બાપુ, તમારા આગ્રહથી જ હૈદરાબાદના એજન્ટ તરીકેની જવાબદારી માથે લીધી હતી. હવે તમે જ શક્તિ આપજો કે હું એ પાર પાડી શકું.’ અને ત્યાર પછી બુલંદ અવાજે મહાત્મા ગાંધી અમર રહે, ગાંધી બાપુ કી જય કહ્યું ત્યારે ભેગી થયેલી મેદનીએ એનો પ્રતિઘોષ કર્યો.

અસ્થિવિસર્જન બાદ તરત જ કનૈયાલાલ મુનશી હૈદરાબાદના નવા નિમાયેલા દીવાન લાયક અલીને મળ્યા. વાટાઘાટનો નવો દોર ચાલુ થયો, પણ ઘાંચીના બળદની જેમ વાત તો ફરી-ફરીને ત્યાં જ આવીને અટકી જતી હતી. પાણી વલોવાતું જઈ રહ્યું હતું અને એમાંથી પરપોટા સિવાય કંઈ બહાર આવતું નહોતું. એ પરપોટાઓ ઘડીના છઠ્ઠા ભાગમાં ફૂટી જતા હતા.

વાટાઘાટોના આ દોરના ભાગરૂપે જ હૈદરાબાદથી દીવાન લાયક અલી અને વૉલ્ટર મોન્કટન સહિતનું એક ડેલિગેશન માર્ચ મહિનાની શરૂઆતમાં માઉન્ટબેટનને મળવા આવ્યું. નિઝામનું આ ડેલિગેશન હંમેશની મુજબ એક જ હઠ પકડીને બેઠું હતું કે કોઈ પણ સંજોગોમાં હૈદરાબાદ ભારતમાં વિલીન નહીં જ થાય. આ ડેલિગેશનને જ્યારે સરદારે પ્રસ્તાવ આપ્યો કે જો વિલીનીકરણ ન કરવા માગતા હો તો નિઝામ પોતે ચૂંટણીનું આયોજન કરીને લોકશાહી ઢબે સરકારની રચના કરે, પરંતુ આ પ્રસ્તાવને પણ ફગાવી દેવામાં આવ્યો. નિઝામ કે તેમના મળતિયાઓ જાણતા હતા કે હૈદરાબાદમાં બહુમતી પ્રજા હિન્દુ હોવાને કારણે લોકશાહી ઢબે સરકાર રચવાનો વારો આવે તો હિન્દુઓની બહુમતી ધરાવતી સરકાર આવે. તેઓ હૈદરાબાદ પર મુસ્લિમોનું જ વર્ચસ ઇચ્છતા હતા. મેનન અને સરદારે જ્યારે હૈદરાબાદમાં રઝાકારો દ્વારા હિન્દુઓ પર થતા અત્યાચારોની વાત કરી ત્યારે લાયક અલી સાવ નામક્કર જઈને બોલ્યા, ‘હૈદરાબાદ મેં ઐસા કુછ હૈ હી નહીં. હિઝ એક્ઝાલ્ટેડ હાઇનેસ નિઝામ સરકાર મેં હિન્દુ બિલકુલ મહેફૂઝ હૈ. રઝાકાર હિન્દુઓ પર જુલ્મ ગુજારતે હૈ ઐસી સારી બાતેં સરાસર ગલત હૈ. મીડિયા ઐસી બેફુજૂલ અફવા ફૈલાતી રહતી હૈં.’

ફરી એક વાર ડિલિગેશન સાથેની વાતોમાંથી કશોય નિષ્કર્ષ ન નીકળ્યો. ડેલિગેશન રવાના થયું. ત્યાર બાદ સરદારે મેનન અને મુનશી સાથે એક મીટિંગ યોજી.

‘એક તરફ ડેલિગેશન મોકલીને આપણી સાથે વાટાઘાટો કરવાનું નાટક કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ તેઓ એ રીતે વર્તી રહ્યા છે જાણે કે તેઓ એક સ્વતંત્ર દેશ હોય. પર્શિયા, ઇજિપ્ત, ઇંગ્લૅન્ડ, અમેરિકા અને કૅનેડા સાથે તેમણે વેપારધંધો કરવાની શરૂઆત કરવા માંડી છે. મારી પાસે એવી નક્કર માહિતી છે કે તેમણે એક એજન્ટને ચિક્કાર પૈસા આપીને ઇંગ્લૅન્ડ મોકલ્યો છે.’ મેનને પોતાની પાસે હતી એ બધી જ માહિતી સરદાર સામે રજૂ કરી.

હૈદરાબાદમાં ભારતીય નાણું એટલે કે રૂપિયો તો ચાલતો જ નથી. હવે તેમણે શીંગદાણાની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. કનૈયાલાલ મુનશી તો હૈદરાબાદમાં અડિંગો જમાવીને બેઠા હતા એટલે ત્યાંની બધી જ ગતિવિધિઓ પર તેમની નજર હતી. હૈદરાબાદમાં મગફળીનો મબલક પાક થતો હતો. એની ભારતમાં નિકાસ ન કરીને કનડવાનું પણ શરૂ થયું હતું.

‘નિઝામ અને તેમના સાથીદારો હવે બધી જ હદ વળોટી રહ્યા છે એ હું જાણું છું. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ નિઝામે તાતા ઍન્ડ સન્સ લિમિટેડ ખરીદવાની કોશિશ કરી હતી. ડેક્કન ઍરવેઝમાં ૭૧ ટકા શૅર્સ નિઝામના અને બાકીના તાતા ઍન્ડ સન્સના છે. આ સોદો પડી ભાંગ્યો છે, નહીં તો ડેક્કન ઍરવેઝ પર તેમનો સંપૂર્ણ કાબૂ હોત.’ સરદારે ચોંકાવનારી માહિતી આપી.

થોડી વાર કોઈ કશું બોલ્યું નહીં. સરદાર ખુરશી પરથી ઊભા થઈને કૅબિનમાં આંટા મારતા રહ્યા. મેનન અને મુનશી બન્ને જાણતા હતા કે જ્યારે સરદાર કોઈ મહત્વનો નિર્ણય લેવાની પ્રક્રિયામાં હોય ત્યારે આ રીતે પાછળ હાથ રાખીને એક તરફથી બીજી તરફ ચાલતા રહેતા.

‘તમે બન્ને એક નોંધ તૈયાર કરો.’ સરદાર આવીને ખુરશીમાં ગોઠવાયા. કનૈયાલાલ મુનશી અને મેનન સંપૂર્ણ એકાગ્રતાથી સરદારની વાત સાંભળતા રહ્યા.

‘સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટમાં જે શરતો છે એમાંની કઈ શરતોનું નિઝામ દ્વારા ઉલ્લંઘન થયું છે, કઈ શરતોને તોડવામાં આવી છે એ બધાની એક યાદી બનાવો. એમાં રઝાકારોનાં કરતૂતોનું પણ વિગતવાર વર્ણન કરો. જ્યાં-જ્યાં શક્ય હોય ત્યાં-ત્યાં અખબારોના અહેવાલો કે અન્ય જે પુરાવાઓ ઉપલબ્ધ હોય એ જોડો. આ નોંધ દીવાન લાયક અલીને મોકલો. તેમને સ્પષ્ટપણે કહો કે તમારે રઝાકાર પર પ્રતિબંધ મૂકવો જ પડશે. રાબેતા મુજબ લાયક અલી આનો સ્વીકાર નહીં જ કરે. એકવાર સત્તાવાર રીતે તે રઝાકાર પર પ્રતિબંધ નહીં મૂકવાની વાત કરશે એટલે આપણે હૈદરાબાદને સીલ કરી દઈશું, જેથી આસપાસના વિસ્તારોમાં તેઓ હિંસા ફેલાવી ન શકે. જો હૈદરાબાદને આ રીતે સીલ કરવામાં આવે તો એનાં લશ્કરી દૃષ્ટિએ શું પરિણામો આવી શકે અને એ સંજોગોમાં આપણે કેવાં પગલાં લેવાં પડે એ અંગે દેશી રાજ્ય ખાતાના લશ્કરી સલાહકાર મેજર જનરલ હિંમતસિંહ સાથે વાતચીત કરી લો. એક વાર આ આખો અહેવાલ તૈયાર થઈ જાય પછી એ માઉન્ટબેટન સામે સ્પષ્ટપણે રજૂ કરો.’ ઝીણામાં ઝીણી બાબતો આ બન્નેએ સમજી લીધા બાદ મેનન અને કનૈયાલાલ મુનશી રવાના થવા માટે ઊભા થયા ત્યારે સરદારે તેમના લોખંડી અને મક્કમ અવાજે કહ્યું, ‘હૈદરાબાદને આપણે પૂરતો સમય આપ્યો છે. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.’

જોકે સરદારના આ સંકલ્પની પૂર્તિમાં હજુ એક બહુ મોટું વિઘ્ન આવવાનું હતું, જેનાથી તેઓ સદંતર અજાણ હતા.

(ક્રમશ:)

‘સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટમાં જે શરતો છે એમાંની કઈ શરતોનું નિઝામ દ્વારા ઉલ્લંઘન થયું છે, કઈ શરતોને તોડવામાં આવી છે એ બધાની એક યાદી બનાવો. એમાં રઝાકારોનાં કરતૂતોનું પણ વિગતવાર વર્ણન કરો. જ્યાં-જ્યાં શક્ય હોય ત્યાં-ત્યાં અખબારોના અહેવાલો કે અન્ય જે પુરાવાઓ ઉપલબ્ધ હોય એ જોડો. આ નોંધ દીવાન લાયક અલીને મોકલો. તેમને સ્પષ્ટપણે કહો કે તમારે રઝાકાર પર પ્રતિબંધ મૂકવો જ પડશે. રાબેતા મુજબ લાયક અલી આનો સ્વીકાર નહીં જ કરે. એકવાર સત્તાવાર રીતે તે રઝાકાર પર પ્રતિબંધ નહીં મૂકવાની વાત કરશે એટલે આપણે હૈદરાબાદને સીલ કરી દઈશું, જેથી આસપાસના વિસ્તારોમાં તેઓ હિંસા ફેલાવી ન શકે. જો હૈદરાબાદને આ રીતે સીલ કરવામાં આવે તો એનાં લશ્કરી દૃષ્ટિએ શું પરિણામો આવી શકે અને એ સંજોગોમાં આપણે કેવાં પગલાં લેવાં પડે એ અંગે દેશી રાજ્ય ખાતાના લશ્કરી સલાહકાર મેજર જનરલ હિંમતસિંહ સાથે વાતચીત કરી લો. એક વાર આ આખો અહેવાલ તૈયાર થઈ જાય પછી એ માઉન્ટબેટન સામે સ્પષ્ટપણે રજૂ કરો.’

આ પણ વાંચો : સરદાર - ધ ગેમ-ચેન્જર : પ્રકરણ 36

પોતાની કરતૂતોમાંથી બાઝ ન આવેલા નિઝામ વિરૂદ્ધ સરદારે કનૈયાલાલ મુનશી અને મેનનને કહેલો ઍક્શન-પ્લાન.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK