Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સરદાર - ધ ગેમ-ચેન્જર : પ્રકરણ 36

સરદાર - ધ ગેમ-ચેન્જર : પ્રકરણ 36

28 April, 2019 02:04 PM IST | મુંબઈ
ગીતા માણેક

સરદાર - ધ ગેમ-ચેન્જર : પ્રકરણ 36

સરદાર પટેલ

સરદાર પટેલ


ગાંધીજીની ચિતાની આગ ધીમી પડી રહી હતી. ચંદનકાષ્ઠની સુગંધ વાતાવરણમાં ફેલાઈ ચૂકી હતી. બુઝાઈ રહેલી ચિતામાંથી કાળો ધુમાડો હવામાં ઉપર તરફ ગતિ કરતો સરદાર જોઈ રહ્યા. શું આ કાષ્ઠના ટુકડા જાણતા હશે કે તેઓ જેમની સાથે સળગી ગયા એ દેહ ભલે પંચમહાભૂતનો હતો, પણ એમાં જે ચેતના હતી એ સામાન્ય નહોતી. એ મુઠ્ઠી હાડકાંના માળખામાં એક એવી ચિનગારી હતી જેણે આખા દેશની કરોડોની જનતામાં સ્વમાનની, આઝાદીની ઝંખનાનો દીવો પ્રગટાવ્યો હતો. એ દીપકની તેજ રોશનીનો તાપ બ્રિટિશ શાસન જીરવી નહોતું શક્યું અને એણે અહીંથી ઉચાળા ભરવા પડ્યા હતા. ગાંધીજીના એ પ્રખર પ્રકાશને પારખીને એ તેજને સરદારે પોતાની જાત સમર્પી દીધી હતી. બાપુ પરનો તેમનો વિશ્વાસ અટલ હતો, અતૂટ હતો.

એ રાતે ચિતાની અિગ્ન શમી ગયા પછી સરદાર પોતાના બંગલે પાછા ફર્યા. નાહીને બહાર આવ્યા ત્યારે મણિબહેન થાળી તૈયાર કરીને રાહ જોઈ રહ્યાં હતાં. ખાવાની ઇચ્છા નહોતી, પણ અન્નનો અનાદર કરવાનું તેમના સંસ્કારમાં નહોતું. થાળીમાં પીરસેલી ખીચડીના બે-ચાર કોળિયા ચૂપચાપ ગળે ઉતારી રહેલા સરદારને જોઈને મણિબહેનને લાગ્યું કે એક જ દિવસમાં જાણે તેમના બાપુ અચાનક વૃદ્ધ થઈ ગયા હતા.



જમીને હાથ ધોઈ સરદારે પથારીમાં લંબાવ્યું. વીતી ગયેલાં વર્ષોની ઘટનાઓ માનસપટ પર ચલચિત્રની માફક ચાલતી રહી. બાપુથી પોતે છ વર્ષ જ નાના હતા એટલે એક અર્થમાં તેમના હમઉમ્ર જ કહી શકાય. એટલે જ તો યમના ઘરે સાથે જઈશું એવું નક્કી થયું હતું, પણ બાપુ અધરસ્તે જ સાથ છોડી ગયા. સંસારમાંથી રસ તો ક્યારનોય સુકાઈ ગયો હતો, પણ હવે બાપુની ગેરહાજરીમાં કોઈ અર્થ જ જણાતો નહોતો. બાપુ જીવિત હતા ત્યારે જ જાહેર જીવનમાંથી નિવૃત્ત થવાનું વિચારી લીધું હતું. આમ પણ જવાહરને પોતાનાથી અભાવ થવા માંડ્યો હતો એ તેમને દેખાઈ રહ્યું હતું. જવાહર સાથે વિખવાદનાં કારણો વધવા માંડ્યાં હતાં. કેટલીક વાર તો અપમાનિત થયાની લાગણી પણ થતી હતી. બાપુ પાસે પોતાને મુસ્લિમવિરોધી ઠરાવવાના બેસુમાર પ્રયાસો પણ જવાહરે કર્યા હતા.


હજુ પચીસેક દિવસ પહેલાં જ લખનૌમાં પોતે આપેલા ભાષણ પર જવાહરલાલ નેહરુ આણિ મંડળીએ અકારણ વિવાદ સજ્ર્યો હતો. પાકિસ્તાને કાશ્મીર પર કરેલા હુમલાને તમે (મુસલમાનોએ) શા માટે નથી વખોડ્યો? તમે બે ઘોડા પર સવારી ન કરી શકો. એકને પસંદ કરો. જેઓ પાકિસ્તાન જવા માગતા હોય તેઓ ત્યાં જઈને આરામથી રહી શકે છે. આ ભાષણમાંના ફક્ત મુસલમાનો વિશેના શબ્દોને જ બાપુ સુધી પહોંચડાવામાં આવ્યા હતા. શું એ હકીકત નહોતી કે ઑક્ટોબર, ૧૯૪૭માં પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે હિન્દુસ્તાનમાં વસતા મોટા ભાગના મુસલમાનોએ એની સામે એક હરફ પણ ઉચ્ચાર્યો નહોતો. આ જ મુસલમાનો હવે એવું કહેવા માંડ્યા હતા કે ભારતમાં અમને અન્યાય થાય છે. મુસલમાનોની આવી નીતિને શા માટે ચલાવી લેવી જોઈએ? જેમ મુસલમાનોની ટીકા કરી હતી એમ આરએસએસને પણ વખોડ્યો જ હતોને? અમે આરએસએસ કે અન્ય કોઈ પણ કોમવાદી સંસ્થાને એવી છૂટ નહીં આપીએ કે તેઓ એવાં કૃત્યો કરે જેનાથી દેશ પાછળ ધકેલાઈ જાય અને વિખેરાઈ જાય કે ગુલામીની રાહ પર ચાલ્યો જાય. હું સૈનિક છું અને એક કાળે મેં સશક્ત બળો સામે લડત આપી છે. મને લાગશે કે દેશના હિત માટે હજુ આવી લડાઈની જરૂરત છે તો હું મારા સગા દીકરા સામે લડવામાં પણ પાછો નહીં પડું. છતાં જવાહરે બાપુ પાસે પોતે મુસ્લિમવિરોધી છે એવું ચિત્ર રજૂ કર્યું અને બાપુએ એ માની લીધું?

અજમેરની ઘટનાએ તો મન સાવ ખાટું કરી નાખ્યું. વાત આમ તો સાવ મામૂલી કહી શકાય એવી હતી. પોતાની પાસે જે અહેવાલ આવ્યો હતો એ પ્રમાણે ૧૪મી ડિસેમ્બરે એક હિન્દુ પોલીસ હવાલદારની અંતિમયાત્રા જઈ રહી હતી. આ હવાલદારની લાશ મુસ્લિમ વિસ્તારમાંથી મળી હતી. હિન્દુઓ ઇચ્છતા હતા કે હવાલદારની લાશને દરગાહ પાસેથી લઈ જવામાં આવે. નવા બજારમાં ઉશ્કેરાયેલા હિન્દુઓએ લૂંટફાટ કરી. એના પગલે મુસલમાનો પણ મેદાનમાં આવ્યા અને અજમેરના નવા બજાર વિસ્તારમાં રમખાણો શરૂ થયાં. દસ લોકો મૃત્યુ પામ્યા અને ૮ લોકો ઘાયલ થયા. મિલિટરી આવી અને ટોળાં પર ફાયરિંગ કર્યું.


રાજસ્થાનની મુલાકાતે જતા જવાહર અજમેર થઈને જવાના હતા, પણ સંજોગવશાત્ ન જઈ શક્યા. એટલે જ તો આખી ઘટનાનો તલસ્પર્શી અહેવાલ તેમને મોકલી આપ્યો હતો. લોકોના મનમાં આશંકા હતી કે દરગાહને નુકસાન પહોંચાડવામાં આવશે. ગૃહપ્રધાન તરીકે મેં જાહેર નિવેદન પણ કર્યું હતું કે દરગાહમાં શ્રદ્ધા ધરાવતા દરેક મુસલમાનને હું ખાતરી આપું છું કે એની સુરક્ષા માટેનાં જરૂરી એ તમામ પગલાં લેવાયાં છે. આ ઐતિહાસિક શહેરની શાંતિ અને સામાન્ય સ્થિતિ ફરી સ્થપાશે, પરંતુ મારી આ ખાતરી જવાહર માટે પૂરતી નહોતી. કદાચ હવે તેમને મારા પર ભરોસો રહ્યો નહોતો. એટલે જ તો પોતાના અંગત સચિવ એચ.વી.આર. ઐયંગરને સ્થિતિનો ક્યાસ મેળવવા અજમેર મોકલ્યા. બાપુને મેં કહ્યું હતું કે આનાથી હું ખૂબ દુભાયો હતો. એટલે જ ૨૩મી ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ મેં જવાહરને પત્ર લખ્યો.

પ્રિય જવાહરલાલ,

મને નવાઈ લાગી છે. હકીકતમાં આઘાત લાગ્યો છે એવું કહેવું વધુ યોગ્ય ગણાશે કે તમે આયંગરને અજમેર મોકલ્યા. મેં તમને અજમેરની સ્થિતિથી અગાઉ જ પૂર્ણપણે વાકેફ કર્યા હતા... મેં પ્રેસને પણ એ જ દિવસે વિગતવાર અહેવાલ આપ્યો હતો... આ સંજોગોમાં આયંગરની મુલાકાત એ જ સૂચવે છે કે કાં તો તમને સ્વતંત્ર અહેવાલ જોઈતો હતો અથવા તો મેં પરિસ્થિતિ જે રીતે સંભાળી (હૅન્ડલ કરી) એનાથી તમને અસંતોષ હતો. અગર તમને સ્વતંત્રપણે અહેવાલ જોઈતો જ હતો તો તમે તમારા અંગત સચિવને બદલે કોઈ અન્ય પ્રધાનને મોકલી શક્યા હોત... જો તમને પરિસ્થિતિ સામે વાંધો હતો તો તમારે મને સીધું જણાવવું જોઈતું હતું... આ પ્રકારની મુલાકાત આખરી હશે એવી આશા રાખું છું.

તમારો

વલ્લભભાઈ પટેલ

આનો જવાબ આપતાં જવાહર સાવ છેલ્લી પાયરીએ બેસી ગયો.

પ્રિય વલ્લભભાઈ,

...અજમેરમાં જે બન્યું એની અસર આપણી નીતિઓ પર સારી અથવા માઠી થઈ શકી હોત. એટલા માટે જ મારે અજમેરની મુલાકાત લેવી હતી, પણ મારા ભત્રીજાના અચાનક મૃત્યુને લીધે મારે એ રદ રાખવી પડી. હું જઈ શકું એમ નહોતો એટલે મેં ઐયંગરને મોકલી આપ્યા. મને લાગ્યું કે આ સંજોગોમાં મારે અંગત રીતે હસ્તક્ષેપ કરવો જોઈએ... એક મહત્વનો પ્રશ્ન અહીં ઉપસ્થિતિ થાય છે કે - શું મારે કોઈ પગલાં લેવાં હોય તો એનો મને અધિકાર નથી? આવું ફક્ત મારા માટે નહીં, પણ દુનિયાના કોઈ પણ વડા પ્રધાન માટે અસંભવ છે... હું દિલગીર છું કે જે કંઈ બન્યું એનાથી તમને દુ:ખ પહોંચ્યું છે. જે ઘટનાઓ બની છે અને આપણા બન્ને વચ્ચે જે મતભેદ થયા છે એનાથી મને તકલીફ થઈ રહી છે. એવું લાગી રહ્યું છે કે આપણા બન્નેના અભિગમ બિલકુલ અલગ-અલગ છે. ભલે આપણને એકબીજા તરફ ગમે તેટલો આદર હોય... જો મારે વડા પ્રધાન તરીકે કાર્ય કરતાં રહેવાનું હોય તો મારી સ્વતંત્રતા પર કોઈ પ્રકારનાં બંધન ન હોઈ શકે... નહીં તો પછી હું નિવૃત્ત થઈ જાઉં. હું કોઈ ઉતાવળિયાં પગલાં લેવા નથી માગતો. ન તો તમે એવું કંઈ કરો એમ ઇચ્છું છું... જો તમારે કે મારે સરકારમાંથી રાજીનામું આપવાનું આવે તો એ ગરિમાપૂર્ણ હોવું જોઈએ એવું મને લાગે છે. મારા પક્ષે હું રાજીનામું આપી અને રાજીખુશીથી તમારા હાથમાં દોરીસંચાર સોંપવા તૈયાર છું.

તમારો

જવાહરલાલ.

વડા પ્રધાન તરીકે સ્વાતંત્ર્યની વાત કરતા જવાહરે જેનો અખત્યાર પોતાની પાસે હતો એવા દેશી રાજ્ય ખાતાની ઉપરવટ જઈને કાશ્મીરનો મામલો પોતાના હસ્તક લઈ લીધો હતો. વડા પ્રધાન હોવું એટલે પોતાની મુનસફી મુજબ વર્તવું? આવો અર્થ તો નથી જ ને! કાશ્મીરના શેખ અબદુલ્લાને દેશની તિજોરીમાંથી ૨૦ લાખની લોન આપવાનો નિર્ણય એ કોઈને પૂછ્યાગાછ્યા વિના કઈ રીતે લઈ શકે?

ગઈ કાલે સાંજે આ બધી જ હકીકતો અને વિગતો બાપુને જણાવી હતી. જો હું જવાહરને આડો આવતો હોઉં તો ખસી જવા તૈયાર છું, પણ જે સત્ય છે એ કહ્યા વિના હું નહીં રહી શકું. પટેલનો દીકરો છું અને તડ ને ફડ કરવાનો મારો સ્વભાવ હંમેશાં રહ્યો છે. કૂટનીતિ હું પણ જાણું છું, પણ પોતાનાઓ સાથે જ રાજકારણ રમવાની મને ફાવટ નથી. હવે આમ પણ મારી તબિયત મને સાથ નથી આપી રહી. બાપુ, મને જવાબદારીઓમાંથી મુક્ત કરો. બાપુને હાથ જોડીને વિનવણી કરી હતી, પણ બાપુએ વચન લઈ લીધું હતું કે ‘તમારે રાજીનામું આપવાનું નથી. જવાહરને તમારા ટેકાની જરૂર છે. જે કંઈ ગેરસમજણ હશે એ દૂર કરીશું. હું, તમે અને જવાહર બેસીને આનો ઉકેલ લાવીશું.’

આ પણ વાંચો : સરદાર - ધ ગેમ-ચેન્જર - પ્રકરણ ૩૫

બાપુ, તમે ભલે વાયદો પાળ્યા વિના ચાલ્યા ગયા, પણ હું તમને આપેલું વચન નિભાવીશ. આ ર્જીણ થઈ ગયેલા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી દેશના હિતમાં કામ કરતો રહીશ. એના માટે મારે કોઈ સામે યુદ્ધે ચડવું પડે તો પણ અચકાઈશ નહીં. બાપુ, તમારા આર્શીવાદ મારા પર સતત વરસાવતા રહેજો કહીને શારીરિક અને માનસિક રીતે થાકી ગયેલા સરદારે ઊંઘવા માટે આંખો મીંચી દીધી.

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2019 02:04 PM IST | મુંબઈ | ગીતા માણેક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK