Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 9

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 9

09 June, 2019 11:32 AM IST |
નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 9

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


બન્ને જણ દૂરના સગા બની બાપદાદાની વેચેલી જમીનનો ભાગ આપવાનું બહાનું કાઢીને પૈસા આપે છે. સંજયની પત્ની તેમનાથી અભિભૂત થઈ તેમને પોતાના ઘરે લઈ જાય છે. આ તરફ ડૉ. વાસુદેવ હાથમાં કોઈ કાગળ લઈને આવે છે.

હવે આગળ...



તમે કયા પ્રકારના માણસ છો? આ શું?


ડૉ. વાસુદેવ ગુસ્સામાં હતા કે પછી સ્તબ્ધ એની ખબર સંજયને ન પડી. તેણે સામે પ્રશ્ન પૂછ્યો કે શું છે આ?

નાક પરથી સરકી જતાં ચશ્માંને ફરી પાછાં યથાસ્થાને ગોઠવતાં-ગોઠવતાં ડૉ. વાસુદેવ એકશ્વાસે બોલ્યા...


આ શું છે? આ... આ... છેને ચમત્કાર છે... આ એ પ્રૂફ છે જે કહે છે કે તમે માણસ નથી, પણ સીધા ભગવાનના ઘરેથી આવેલી આઇટમ છો બૉસ...

સંજયના મનમાં ફાળ પડી કે આ લોકોને કઈ રીતે ખબર પડી! તેણે તૂટક અવાજે પૂછ્યું કે તમને કેવી રીતે?...

હજી તો તે કશું વધારે પૂછે એ પહેલાં બેડની બાજુમાં પડેલી ચૅર ખસેડતાં ડૉ. વાસુદેવ બોલ્યા, ‘આ મેડિકલ જગતનું સૌથી મોટું મિરૅકલ છે. એક તો આટલા લાંબા સમય સુધી કોઈનું હાર્ટ બંધ રહ્યું હોય અને પછી ચાલુ થયું હોય એ શક્ય બન્યું નથી અને ઉપરથી તમારા એક પણ રિપોર્ટ ઍબ્નૉર્મલ નથી, બધા જ રિપોર્ટ નૉર્મલ... આ કોઈ ભગવાનના ખાસ માણસ હોય તેની સાથે જ થાય. તમારા પર ઠાકોરજીની કૃપા છે હોં...

ભગવાનનો ખાસ માણસ એ શબ્દ સાંભળતાંની સાથે સંજયના ચહેરા પર સ્મિત આવ્યું. મનોમન તેણે વિચાર્યું કે ભગવાનનો માણસ તો નહીં, પણ આ ભગવાનનો દોસ્ત ચોક્કસ હોઈશ અને અચાનક કશું યાદ આવતાં તેણે કહ્યું કે જો મારા સઘળા રિપોર્ટ નૉર્મલ હોય તો શું હું ઘરે જઈ શકું?

આવા વિસ્મયભર્યા કેસને પોતે સૉલ્વ કર્યાનો ઉત્સાહ ડૉક્ટરના ચહેરા પર સ્માઇલ બનીને છલકતો હતો. સંજયનો ખભો થાબડતાં તેમણે કહ્યું કે અહીં ગમી ગયું હોય તો રહો, બાકી નખમાં પણ રોગ ન હોય એવા નીરોગીને દવા કરવાનું અમને આવડતું નથી.

સંજયને અચાનક યાદ આવ્યું. તેણે પૂછ્યું, સર મારું બિલિંગ? ઍક્ચ્યુઅલી મારી માંદગીનું બિલ મારા પ્રોડ્યુસરસાહેબ આપવાના હતા...એટલે...

અરે આપી દીધું. તમારું સઘળું બિલ ભરાઈ ગયું. ડૉક્ટરની પાછળ ઊભા રહેલા હૉસ્પિટલના મૅનેજરે ખૂબ ઉત્સાહથી કહ્યું.

સંજયને અચરજ થયું. પ્રોડ્યુસર સારો માણસ છે, પણ કોઈ પણ જાતનાં કાગળ પર સાઇન કરાવ્યા વગર આ રીતે કઈ રીતે પેમેન્ટ થઈ શકે...

મૅનેજરે આગળ આવીને ડિસ્ચાર્જ સમરી અને ગેટ-પાસ આપવાની સાથે-સાથે એક બુકે આપ્યું જેના ઉપર ‘થૅન્ક યુ’નું કાર્ડ પણ હતું. સંજયે પૂછ્યું, આ શા માટે?

હૉસ્પિટલના મૅનેજરે ખુશ થઈને કહ્યું કે આ તો ખાસ તમારા મોટા ભાઈ ઈશ્વરભાઈ માટે છે.

સંજયને તાળો મળ્યો. તેણે પૂછ્યું કે શું ઈશ્વરભાઈએ મારી દવાના પૈસા આપ્યા?

અરે ગજબના છે તમારા મોટા ભાઈ. તમારું બિલ ચૂકવવા તેઓ મારી ઑફિસમાં આવ્યા. નૉર્મલી અમારી પ્રોસીજર હોવાથી જો તમે અમારી સર્વિસથી ખુશ હો તો હૉસ્પિટલની વિવિધ સેવાઓમાં ડોનેશન આપવાનો રિક્વેસ્ટ-લેટર બિલની સાથે આપ્યો. લેટર પર નજર પણ પૂરી નાખી નહીં અને લગભગ ૧૦ લાખ રૂપિયા આમ રોકડા મારા ટેબલ પર મૂકી દીધા અને પાછી શરત પણ કરી...

શરત! પણ શેની? સંજયને થયું કે ભગવાને આ શું શરૂ કર્યું?

એ જ કે ગરીબ અને જરૂરિયાતવાળા દરદીઓને જ્યાં જરૂર પડે ત્યાં આ પૈસા વાપરવા અને હા, એમાંથી કોઈ મંદિર બનાવવાનું વિચારતા હો તો આમાંથી એક પણ રૂપિયો એમાં ન લેશો. હું તો સરપ્રાઇઝ્ડ થઈ ગયેલો. મોટી હૉસ્પિટલોમાં દરદીઓના સગા દરદીઓની હેલ્થ સારી રહે એ માટે પ્રેયર કરી શકે એ માટે મંદિર હોય એ કૉમન છે અને હમણાં બે દિવસ પહેલાં જ રિસેપ્શનની બાજુમાં એક મંદિર તૈયાર કરવાનું અમે નક્કી કર્યું હતું. એટલે આઇ થોટ કે આ પૈસા એ માટે જ ઠાકોરજીએ મોકલ્યા... પણ પેલા ભાઈને તો જાણે સઘળી ખબર હોય એમ સટાક દઈને કહી દીધું કે મંદિર માટે નહીં વાપરવાના બોલો... ડૉ. વાસુદેવ ટેવ મુજબ એકશ્વાસે બોલી ગયા. તેમના મતે સંજય અને ઘડીમાં ૧૦ લાખ રૂપિયાનું દાન કરનાર તેમના ભાઈ બન્ને આ દુનિયાથી તદ્દન જુદા જ લોકો હતા. બસ ખાલી કોઈ માણસ ભગવાનનું મંદિર બનાવવાની ના પાડે એ સહેજ તેમની ધાર્મિક વૃત્તિને ન ગમ્યું.

સંજયે આખરે સૌનો આભાર માન્યો અને હૉસ્પિટલમાંથી ઉતાવળે બહાર નીકળ્યો, કારણ કે હવે તેને એ જાણવાની ઇચ્છા હતી કે ભગવાન અને લક્ષ્મીજી સાથે તેની પત્ની શું કરતી હશે?

હજી તો હૉસ્પિટલની બહાર નીકળી અને રિક્ષા બોલાવે ત્યાં તો અડધી બાંયનું જાંબલી ખમીશ અને માથે લાલ હેલ્મેટ પહેરેલા ઈશ્વરભાઈ ગગનવાસી પીળા સ્કૂટર પર આવીને તેની સામે ઊભા રહ્યા અને પછી કહે, ચાલો...

તેમને જોતાંની સાથે જ સંજયે શરૂ કર્યું, જુઓ આપણી ચૅલેન્જવાળી વાત અલગ હતી અને આ બધી અલગ છે. શું માંડ્યું છે તમે, એક તરફ મારી પત્ની અને બીજી તરફ હૉસ્પિટલ... બૉસ હું મફત અને બિનમહેનતનો પૈસો લેવાનો નથી. આ... આ... આટલા બધા રૂપિયા હું તમને ચૂકવીશ કેવી રીતે? કંઈક તો સમજો... મેં તમને આ માટે નહોતા બોલાવ્યા...

ભગવાન તેની ખુમારી અને સચ્ચાઈ જોઈને મલકી રહ્યા હતા... સંજયને થયું કે ભગવાન સાથે આ રીતે થોડી વાત થાય? એટલે તે હાથ જોડીને સૉરી કહેવા જતો હતો ત્યાં તો ભગવાને તેના હાથ પકડ્યા અને ઇશારાથી સ્કૂટર પર બેસવા કહ્યું.

તે કશું જ બોલ્યા વગર પાછળ બેઠો. ભગવાને સ્કૂટર ચલાવતાં-ચલાવતાં બોલવાનું શરૂ કર્યું.

સૂકા મેવામાં આલુ આવે છે... ખાધું છે કદી?

હા...

તને ખબર છે દરેક આલુના બીને તોડોને તો એમાંથી નાનકડી પણ મીઠી બદામ નીકળે.

હા...

ધંધાની ભાષામાં એને બાયપ્રોડક્ટ કહેવાય... તમે આલુ ઘરમાં લાવો એટલે એની સાથે-સાથે બદામ પણ ઘરમાં આવે જ. એના જુદા દામ ચૂકવવાના ન હોય. એમ આ બધા પૈસા જેને માટે તું આટલી બધી ચિંતા કરે છે... એ બાયપ્રોડક્ટ છે. તેં સ્વયં લક્ષ્મી અને નારાયણને બોલાવ્યા છે એટલે પૈસો તો બાયપ્રોડક્ટ તરીકે આવશે જને... એટલે એનું ચુકવણું ન હોય... લક્ષ્મીજી મારાં ઘરવાળાં છે તું તારે જલસા કરને...

એટલે તમે એમનેમ જ આપવાના એમને?

ના કશું એમનેમ મળતું જ નથી. આખું ગણિત ગોઠવેલું છે. ક્યાંક તારા કે તારી પત્નીનાં સંચિત કર્મ કે પુણ્ય હશે જેના બદલામાં પેલા પાંચ લાખ તમને મળ્યા અને એવી જ રીતે ડૉ. વાસુદેવ ઘણા ગરીબ દરદીઓની સારવાર કરે છે અને પૈસા પણ નથી લેતા એટલે એના ફળસ્વરૂપે એની હૉસ્પિટલને મળે છે... કર્યા વગર હું કોઈને કંઈ આપતો નથી.

અને પેલી મંદિર નહીં બનાવવાવાળી વાત કેમ? મંદિર બનાવવું તો સારી વાત છેને?

મંદિરની વ્યાખ્યા શું છે એ સમજ્યા વગર મંદિર બનાવવામાં મારો વિરોધ છે... હવે તું જ વિચાર કે મારે ક્યાં તમારી જોડે કશું લેવુંદેવું છે, તો પણ દાનપેટી મંદિરમાં જ કેમ હોય છે? આ સમગ્ર વિશ્વ તથા એમાં રહેલું ધાન મેં જ તો ઉત્પન્ન કર્યું છે છતાં મને અન્નકૂટ કેમ ધરાવવામાં આવે છે?

ના સૉરી પ્રભુ, પણ અમને એમ શીખવાડવામાં આવ્યું છે કે દાન એ પુણ્ય છે એટલે દાન કરવામાં આવે છે... અને અન્નકૂટ અને પ્રસાદ તો ભક્તોને વહાલો છે.

અફકોર્સ, પણ દાન યોગ્ય રીતે, યોગ્ય જગ્યાએ અને યોગ્ય વ્યક્તિને થાય તો એ દાન છે, નહીં તો દેખાડો. મંદિરમાં દાનપેટીનો મૂળ હેતુ મંદિરનો ખર્ચો કાઢવો કે પછી પૂજારીની આવક માટે હોઈ શકે અને એમાં કશું જ ખોટું નથી, પણ આ જ મંદિરમાં દાન કરતો માણસ આંગણે આવેલા કોઈ ભિક્ષુકને દાન એટલી જ છૂટથી કરે છે ખરો? જ્યાં સુધી મંદિરમાં કરાતું દાન મને ખુશ કરવા અને મારી પાસેથી અઢળક આશીર્વાદ મેળવવાની અપેક્ષાથી થતું રહેશે એ દાનનો કોઈ જ અર્થ નથી... દાનનો હેતુ કોઈ પણ પ્રકારની વળતરની અપેક્ષા વગરનો હોવો જોઈએ... મારું કમ્પ્યુટર સુપર સોનિકથી પણ વધારે ફાસ્ટ છે. જેને જ્યાં જેટલું અને જેવી રીતે દાન કર્યું હશે તેને એટલું અને એવું તથા એવી રીતનું ફળ હું આપીશ જ... એટલે સમજ્યા વગર દાન કરીને ખુશ રહેનારા પર હું કદી ખુશ રહેતો નથી, સમજ્યો? સ્કૂટરની બ્રેક મારીને છેલ્લો શબ્દ ભગવાને પાછળ સંજય તરફ જોઈને પૂછ્યો?

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 8

થોડું-થોડું સંજય ઈશ્વરની વાત સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

હજી બહુ સમય આપણે સાથે છીએ, સમજાવીશ... જા અંદર જા, ભગવાને ઘર તરફ ઇશારો કર્યો...

વાત-વાતમાં ઘર આવી ગયું એનું ભાન સંજયને ન રહ્યું.

સંજય અંદર ગયો, પણ અંદર જતાં જ તેની આંખો પહોળી થઈ ગઈ...

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2019 11:32 AM IST | | નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK