Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 6

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 6

19 May, 2019 11:52 AM IST | મુંબઈ
નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 6

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


ગતાંક-

ઈશ્વરને ધરતી ઉપર આવવાની ચૅલેન્જ આપીને આવેલા સંજય સંતુરામ જોશી હૉસ્પિટલના ઑપરેશન થિયેટરમાં આંખો ખોલે છે ત્યારે તેને ખબર પડે છે કે એ સઘળું તો સ્વપ્ન હતું. પોતે સ્વપ્નમાં પણ ઈશ્વરની સામે નીડર રહી સત્ય કહી શક્યો એનો તેને આનંદ થાય છે. હૉસ્પિટલની રૂમમાંથી તે જુએ છે તો એક ડૉક્ટરનું પાકીટ પડી જાય છે અને એક ગરીબ દેખાતો માણસ તેમાંથી પૈસા લઈ એ બગીચામાં ફેંકે છે. શોધ કરવાવાળાઓને એ પાકીટ બગીચાના માળી પાસેથી મળે છે. તે લોકો તેને મારવા લાગે છે. આ તરફ તેને બચાવવા સંજય નર્સ બોલાવવા બેલ વગાડે છે અને ત્યારે તેની સામે સ્વયં ભગવાન જનાદર્‍ન એક સામાન્ય માણસ બની ઊભા હોય છે.



હવે આગળ...


અચરજ, અચંબો, અજાયબી, નવાઈ કે પછી વિસ્મય એ સઘળું આખરે તો અણધારી ઘટતી ઘટનાઓનો મનમાં ઊઠતો પ્રતિભાવ જ હોય છે.  અચરજ રોજ કોઈ વૈજ્ઞાનિકને નવી શોધ કરવાનું કારણ આપે છે. સવારે નિયમિત ઊગતો સૂર્ય અનિયમિત વ્યક્તિને અચંબો આપે છે... કરોડોના ખર્ચે બનાવેલો મહેલ ૨૦ રૂપિયાની ટિકિટ લઈને એમાં ફરનારને અજાયબી આપે છે... બે રૂપિયાનો પ્રસાદ ધરાવી બે લાખની લૉટરી માગતો ભક્ત પૂજારીને નવાઈ આપે છે... અને ૧૦૮ વાનગીનો અન્નકૂટ રોજ સૂકી રોટલી ખાતા મજૂરના દીકરાને વિસ્મય આપે છે. 

સંજય સંતુરામ જોશી અત્યારે આજ આર્યની ચરમસીમા ઉપર હતો... જે ઘટનાને એક સરસ મજાનું સ્વપ્ન માનીને તે બેઠો હતો એ ખરેખર સત્ય હતું. એ જ સરસ મજાની સૌમ્યતાના સરનામા જેવી સ્માઇલ... જેને જોતાંની સાથે સઘળું ભૂલી જઈએ એવી સુંદર આંખો અને પર્સનાલિટીમાં કોઈક અજીબનું આકર્ષણ...


જે ઈશ્વરને શેષનાગ ઉપર લક્ષ્મીજી અને સૌ દેવોની સાથે જોયા પછી પણ સહેજેય વિચલિત થયા વગર જે કહેવું હતું એ કહી દીધું હતું એ જ ઈશ્વર અત્યારે પોતાના વચન પ્રમાણે તેની સામે એક સામાન્ય માણસ બનીને ઊભા હતા ત્યારે સંજયની આંખો પહોળી થઈ ગઈ હતી. શું બોલવું એનો તેને ખ્યાલ સુધ્ધાં પણ ન રહ્યો. અણધારી આવી પડેલી આનંદની ક્ષણો પણ આવી જ હોય છે. એમાં રહેલો લખલૂટ આનંદ ભરી ભરીને પી શકાય તેમ હોવા છતાં પણ એ આનંદ ખરેખર મારા જીવનમાં આવ્યો છે કે નહીં તેમ સમજી ન શકતા મોટા ભાગના લોકો તેની ખરી મજા લેવાનું ચૂકી જાય છે.

જેટલું આર્ય તેને પોતાની જાતને યમપુરીમાં જોઈને નહોતું થયું એટલું તેને અત્યારે થઈ રહ્યું હતું.

તેની આંખો પહોળી અને મોં ખુલ્લું રહી ગયું હતું.

પાછળથી નર્સ રૂમની અંદર દાખલ થઈ. આ સાથે જ અચાનક ઈશ્વરે પોતાનો જમણો હાથ આગળ કરતાં કહ્યું, ‘હલ્લો! હું ઈશ્વરભાઈ લક્ષ્મીપ્રસાદ ગગનવાસી... સંજયભાઈ, ઘડિયાળ જોઈ લો... વચન પ્રમાણે તમારે ત્યાં તમે કહ્યું હતું એ મુજબ જ...’

નર્સને જોતાંની સાથે જ થોડી સ્વસ્થતા કેળવી સંજયે પોતના ઉપર કાબૂ કરીને એક જોરદાર સ્માઇલ સાથે તેમની સાથે હાથ મેળવ્યો... જાણે તેમને અડતાંની સાથે જ એક અજીબની સ્ફૂર્તિ તેણે અનુભવી... આંખોને બે વાર પટપટાવી તેણે ઈશ્વરનો પોતાની ચૅલેન્જ સ્વીકારી ધરતી ઉપર આવવા બદલ આભાર માન્યો.

પણ આ તરફ પોતાને ઈશ્વરભાઈ લક્ષ્મીપ્રસાદ ગગનવાસી કહેતા માણસને જોઈને નર્સે બબડાટ ચાલુ કર્યો...

‘વિઝિટિંગ અવર્સ વગર આમ કોઈ પણ સમયે દર્દીને મળવા આવી જાવ છો... આમ કેવી રીતે ચાલે મિસ્ટર?’

ઈશ્વરે તેની સામે જોઈને કહ્યું, ‘મારી તકલીફ જ આ છે કે મારું આવવાનું ટાણું નક્કી નથી હોતું... હું ગમે તે સમયે ગમે ત્યાં પહોંચી જતો હોઉં છું બહેન...’

યત્રંવત્ બૉટલમાંથી નીકળતી પાઇપમાં રહેલી નાનકડી ગરગડી ફેરવતાં ફેરવતાં તેણે આગળ ચલાવ્યું... ‘પણ એમાં દર્દીને કેટલી તકલીફ પડે સમજો તો ખરા...!’

ઈશ્વરને જાણે મજા પડતી હોય એમ તેમણે કહ્યું કે ‘પણ મને તો તેમણે જ બોલાવ્યો છે. પૂછો એમને...’

સંજયે જાણે કોઈ બહુ મોટો ગુનો કર્યો હોય એમ નર્સે તેની સામે જોયું... સંજયની હાલત તો કાપો તો લોહી ન નીકળે તેવી હતી. અને આ તરફ પોતાની સામે બોલતા આ વિઝિટરને જોઈ કેડે હાથ મૂકી બટકબોલી નર્સે આગળ ચલાવ્યું. એ તો બોલાવે એટલે ગમે ત્યારે ના આઈ જવાયને સાહેબ... એનો કોઈ સમય હોય... એમ તો હું રોજ ભગવાનને નીચે બોલાવું તો ભગવાન થોડા તેના કામ મૂકીને આવી જાય...

સંજયથી ના રહેવાયું અને પથારીમાંથી ઊછળીને બેઠો થયો. ઈશ્વરભાઈની સામે જોઈને કહે, ‘લો બોલો, છે કોઈ જવાબ...?’

ભગવાને ભોળી, પણ બોલકી નર્સની સામે જોયું અને પછી બોલ્યા કે ‘આવે... ૧૧૦ ટકા આવે... પણ બોલાવવાની રીત આવડવી જોઈએ...!’

પોતાના ઓછા પગારનું ફ્રસ્ટ્રેશન કાઢતાં નર્સ બોલી, આઇ રહ્યા સાહેબ... ભગવાન છે ને અમુકનું જ સાંભળે બોલો. આ જેની પાસે કરોડો છે એના ભંડાર ભરે જ જાય... ભરે જ જાય.. અને જેની પાસે કશું નથી એની પાસેથી લીધે જ જાય... લીધે જ જાય... હવે હું બહુ બહુ તો સીંગદાણા ને સાકર ભેગી કરીને ઢબૂકીમાં ધરાવું અને પેલા કરોડપતિઓ તેમના ઘરના ઍરકન્ડિશન્ડ પૂજાધરમાં આમ ચાંદીની થાળીમાં બત્રીસ પકવાન ધરાવે તો ભગવાન તેમના ઘરે જ જમેને...? અમારા સીંગદાણા ઓછા તેને ભાવે... પછી તેમના જ ખિસ્સા ભર્યા કરે ને...?

સંજયે ડોકું એક તરફ હલાવી કહ્યું, ‘લો આપો જવાબ...’

ઈશ્વરને નર્સની વાત સાંભળી મજા આવી ગઈ. તેમણે પુછ્યું, ‘તો પછી સીંગદાણા ધરાવો છો જ શું કામ? બંધ કરી દો ને?’

ટ્રેમાં મૂકેલી દવાઓ ગોઠવવાનું અડધું મૂકીને નર્સે કહ્યું, ‘એમ જ કરવું પડશે હવે... આ અમારી હેડ-નર્સ સરિતા છે ને ભગવાન રામની એવડી મોટી ભક્ત છે કે શ્રીરામ બોલ્યા વગર પાણી ના પીવે... ભગવાન બઉ ફળ્યા છે તેને.. મનેય આજકાલ તો થાય છે બહુ થયું આ ઠાકોરજીનું... તેમનો ફોટો કાઢીને ભગવાન રામનો મૂકી દઉં.. કદાચ તે મારી વાત હાંભળશે...’

ઈશ્વરને ખડખડાટ હસવું આવ્યું... તેમને વચ્ચેથી જ રોકતાં નર્સે કહ્યું, ‘ઓ ભઈ... એક તો વિઝિટર્સ અવર્સ સિવાયના ટાઇમે આવો છો અને ઉપરથી જોર જોરથી હસીને આટલો અવાજ કરો છો... કોઈ જોશે તો તમને તો કોઈ કશું નહીં કહે, પણ મારું આવી બનશે...’ આમ બબડતાં બબડતાં તે રૂમની બહાર નીકળી.

તેની નર્દિોષ વાત સાંભળી ભગવાનને મજા આવી ગઈ. આટલી વારમાં સંજય હળવો ફૂલ થઈ ગયેલો... જગતને ચલાવતી સત્તા સ્વયં પોતાની વાત માની તેની સામે ઊભી હતી. હવે તેને કઈ વાતની ચિંતા હોય? પણ મનોમન નક્કી કરતો હતો કે હવે છોડવા નથી... આ જગતમાં જેટલા પ્રૉબ્લેમ્સ છે એ બધા વિશે પૂછવું છે.

તેને શું ખબર કે જગતનિયંતા તેની મનની વાત પણ સાંભળી શકે છે... એટલે ઈશ્વરે કહ્યું કે ‘હા, જે પૂછવું હોય તે પૂછજે... પણ યાદ રાખજે, હું જવાબ મારી રીતે આપીશ એ જવાબ સમજવાની સમજણ તારે જાતે કેળવવી પડશે...’

સંજયે જરાક આંખો ઝીણી કરીને પૂછ્યું, ‘પણ પેલી સંસ્કૃત અને અઘરા fલોકોથી નહીં હોં, તમે પ્રૉમિસ કયુર્‍ં હતું... ખબર છે ને?’

ઈશ્વરે તેના માથા પર હાથ ફેરવતાં કહ્યું, ‘મારી તકલીફ જ એ છે કે હું કશું ભૂલતો નથી... મારા શબ્દો ભાષાથી પર છે અને હું ઇચ્છુ નહીં ત્યાં સુધી મને કોઈ સમજી પણ શકતું નથી. આમ જોવા જઈએ તો સદીઓથી મને સમજવાનો લોકો નિરર્થક  પ્રયત્ન કરી રહ્યા છે. મને સમજવામાં સમય આપ્યા કરતાં મારું કહેલું અનુસરવામાં સૌનું ભલું છે... હવે આ નર્સને જ લઈ લો ને... હવે કદાચ તેના સીંગદાણા હું ખાઈશ...’

સંજયે તરત જ તક ઝડપી... ‘કેમ તમારો ફોટો કાઢીને બીજાનો લગાડવાનો કહ્યો એટલે બી ગયા કે શું પ્રભુ?’

ભગવાને કહ્યું કે ‘સંજય, એ ન ભૂલીશ કે હું તો એક જ છું. મારાં વિવિધ સ્વરૂપોની પૂજા કરતાં કરતાં અનાયાસે લોકો પોતપોતાનો પંથ બનાવી બેઠા છે. બાકી રાવણનો નાશ કરનાર હું જ રામ છું અને કંસનો વધ કરનાર હું જ કૃષ્ણ છું. એ મારી એક મુરત કાઢીને બીજી બેસાડશે... પણ આ આખી ઘટનામાં એનો એક સ્વીકારભાવ આવશે કે હું આખરે તેના ફોટામાં છું. એક નહીં તો બીજા સ્વરૂપે હું તેને સાંભળું છું. મારા અસ્તિત્વનો સ્વીકાર કરનારના ભારનું વહન હું કરું જ છું.’

અત્યાર સુધી તે એક ફોટાને સીંગદાણા ધરાવતી હતી, હવે તે એક એવા ઈશ્વરને સીંગદાણા ધરાવશે જેમાં તેને શ્રદ્ધા છે કે, તે તેને સાંભળશે.. અને બસ જ્યાં વિશ્વાસ ત્યાં વિશ્વંભર...’

સંજયે કહ્યું, ‘સાચુ કહું, બહુ કન્ફ્યુઝિંગ થતું જાય છે... આ તમે ભગવાન છો અને આ બધું તમારા જ હાથમાં તો હતું, તો તમે થવા દીધું ત્યારે આ બધું થયું ને? પહેલેથી જ આ બધા ધર્મોના ફાંટા પાડ્યા જ ન હોત તો તમારું શું જવાનુ હતું?’

તેના બેડની બાજુમાં આવેલી બારી તરફ જતાં ઈશ્વરે કહ્યું, ‘બધું આજે જ સમજી લેવું છે? ધીરે ધીરે શીખ... સમજણ વધારે ખીલશે... અને મારે ઉતાવળ નથી... તારી મને ખબર નથી... બાકી તારે મને આજે ને આજે પાછો મોકલવો હોય તો મને વાંધો નથી...’

આવેલી તક આમ જતી રહે એ કેમ કરીને પોસાય? સંજયે બે હાથ જોડીને કહ્યું કે ‘ના પ્રભુ, આ આખા જગતમાં હું એકમાત્ર માણસ છું, જેના કહ્યે તમે સઘળું કામ પડતું મૂકીને આવ્યા છો... હવે તમને કેમ કરીને જવા દેવાય? ધીરે ધીરે શીખીશ અને ઈશ્વરની સિસ્ટમ જ્યાં સુધી સમજાશે નહીં ત્યાં સુધી તમને છોડીશ પણ નહીં...’

ઈશ્વરે ટેવ મુજબ તથાસ્તુ કહ્યું, પણ તેમનું ધ્યાન બારીમાંથી બહાર નીચેની તરફ હતું...

તેમને નીચે જોતાં જ સંજયને કશું યાદ આવ્યું.

સંજયે કહ્યું, ‘સાચુ કહું, બહુ કન્ફ્યુઝિંગ થતું જાય છે... આ તમે ભગવાન છો અને આ બધું તમારા જ હાથમાં તો હતું, તો તમે થવા દીધું ત્યારે આ બધું થયું ને? પહેલેથી જ આ બધા ધર્મોના ફાંટા પાડ્યા જ ન હોત તો તમારું શું જવાનુ હતું?’

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 5

તેના બેડની બાજુમાં આવેલી બારી તરફ જતાં ઈશ્વરે કહ્યું, ‘બધું આજે જ સમજી લેવું છે? ધીરે ધીરે શીખ... સમજણ વધારે ખીલશે... અને મારે ઉતાવળ નથી... તારી મને ખબર નથી... બાકી તારે મને આજે ને આજે પાછો મોકલવો હોય તો મને વાંધો નથી...’

( વધુ આવતા અંકે...)

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2019 11:52 AM IST | મુંબઈ | નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK