Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 5

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 5

12 May, 2019 12:46 PM IST |
ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 5

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


સૌ દેવોમાં પ્રશ્ન હતો કે હવે ઈશ્વર શું કરશે? અંતે ઈશ્વરે તેની ચૅલેન્જ સ્વીકારી.

હવે આગળ...



નર્સ, ડેફિબ્રિલેટર.!


યસ ડૉક્ટર!

ઑપરેશન થિયેટરમાં ખૂબ જ તનાવ હતો. મૉનિટર ઉપર એક સીધી આડી લીટી અને તેમાંથી નીકળતો તીણો અવાજ વાતાવરણમાં રહેલી અકળામણને વધારી રહ્યો હતો. ડૉ. મહેતાએ છેલ્લા નિદાનરૂપે લાઇફ સેવિંગ ઇલેક્ટ્રિક શૉક આપવાનું શરૂ કર્યું... એક જોરદાર ઝાટકો અને સંજય સંતુરામ જોશીએ ઊંડો શ્વાસ લઈને ઑપરેશન થિયેટરના સ્ટેડ બેડ ઉપર ધીમેથી આંખો ખોલી. વૈકુંઠની જગ્યાએ કોઈ હાઈફાઈ હૉસ્પિટલના ઑપરેશન થિયેટરમાં તેણે પોતાની જાતને જોઈ. હજી હમણાં જે તરફ નારદમુનિ ઊભા હતા ત્યાં એક જાડી નર્સ ઊભી હતી. દેવોનું જે ટોળું તેની જમણી તરફ ઊભું હતું ત્યાં જાતજાતનાં મૉનિટર્સ અને મશીન પડ્યાં હતાં. સામે લીલું કપડું મોં પર ચડાવેલા ડૉ. મહેતા સંજયનો જીવ બચાવવા બદલ આજુબાજુ ઊભા રહેલા નાના ડૉક્ટરો અને નર્સોનો આભાર ઝીલી રહ્યા હતા.


‘યુ આર વેરી લકી... નાઓ યુ આર ઍબ્સોલ્યુટલી ફાઇન... જીવ બચી ગયો દોસ્ત તારો... મેડિસિન જગતમાં તારા જેવા કેસમાં જેનું હાર્ટ સંપૂર્ણ બંધ હોય અને ફરી ચાલુ થયું હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે. બહુ પુણ્યશાળી છે તું. બાય ધ વે મારું નામ ડૉ. વાસુદેવ મહેતા... આ આખું ઑપરેશન મેં અને મારી ટીમે કયુર્ં..’ મેડિસિન ભણ્યા પછી પણ મિરૅકલમાં માનતા ડૉ. વાસુદેવે સંજયનો હાથ પકડીને કહ્યું. તેમના સ્મિતભર્યા ચહેરા ઉપર કપાળે કરેલો નાનકડો કંકુ ચાંદલો તેમની ઈશ્વર પ્રત્યેની આસ્થાની ચાડી ખાતો હતો. નાનકડી બૉટલમાંથી ઇંજેક્શનની સિરિંજ ખોસી એમાં રહેલી દવા ખેંચતાં ખેંચતાં એક નર્સે કહ્યું, ‘વાસુદેવ સર ન હોત તો તમે બચી ન શકત.!’

સંજય મનોમન હસ્યો કે અહીં પણ વાસુદેવ અને સ્વપ્નમાં પણ વાસુદેવ...

ઍની વે. પોતાનો જીવ બચી ગયો એ મોટી વાત છે... પોતે ભગવાનને મળ્યો અને તેમને ચૅલેન્જ આપી એવા સ્વપ્નને બાદ કરતાં બીજું કશું તેને યાદ આવતું નહોતું.

થોડી વાર સુધી સંજયની બેઝિક ટ્રીટમેન્ટ કરવામાં આવી. આ દરમ્યાન દરેક જણ ડૉ. વાસુદેવનાં વખાણ કરી રહ્યા હતા અને આ તરફ ડૉક્ટર આ સઘળો યશ પોતાના ઇક્ટદેવ વલ્લભાધીશને આપી રહ્યા હતા. આ આખી ઘટનાને કશું જ બોલ્યા વગર નિહાળી રહેલો સંજય હવે મનોમન ચોક્કસ રીતે માની ગયો કે પોતાની આ બેભાન અવસ્થામાં તેને એક સરસ મજાનું સપનું આવ્યું, જેમાં તે મરણ પામ્યો અને તેને યમદેવ સામે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ખબર પડી કે એક નવા જ નિમાયેલા આસ્તેય નામના યમદૂતની ભૂલથી તે ત્યાં પહોંચ્યો ને પછી તો ભગવાન સુધી વાત પહોંચી. પોતે ભગવાનને ચૅલેન્જ પણ આપી. બધા દેવો તેની ઉપર ચિડાયા, પણ ભગવાને ખૂબ સરળતાથી તેની વાત સ્વીકારી... ભગવાને તો દેવી લક્ષ્મીને પણ પોતાની સાથે આવવા જણાવ્યું. આ જોઈ પોતે ખુશ થયો ત્યાં તો છાતીમાં કોઈએ ગરમ ગરમ ઇસ્ત્રી અડાડી હોય એમ તે ચમક્યો અને આખરે નક્કી થઈ જ ગયું કે એ સ્વપ્ન હતું.

તેને સ્પેશ્યલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો ત્યારે તેણે જાણ્યું કે પોતાને ઍક્સિડન્ટ થયો ત્યારથી તેની પત્ની કશું જ ખાધાપીધા વગર ભગવાનનું નામ લઈ રહી છે. તેને શું કહેવું એ વિચારવા જાય ત્યાં તો આટલા વિશાળ સ્પેશ્યલ રૂમનું ભાડું કેટલું મોટું હશે અને તે કેવી રીતે ભરીશ?

એ વિચાર તેને પહેલો આવ્યો. પત્નીએ જણાવ્યું કે સિરિયલના પ્રોડ્યુસરસાહેબે બધો જ ખર્ચો આપવાનો કહ્યો છે.

ફિલ્મોમાં આસિસ્ટન્ટ પ્રોડક્શન મૅનેજર તરીકે કામ કરતા સંજયને શૂટિંગ દરમ્યાન અચાનક જ ચક્કર આવ્યાં અને ત્યાં જ તેના ધબકારા બંધ થઈ ગયા હતા. પ્રોડક્શનના માણસોએ તેને ઇમર્જન્સીમાં હૉસ્પિટલ પહોંચાડ્યો હતો. રોજ નાનામાં નાની વાતમાં પણ ખર્ચો ગણતા પ્રોડ્યુસરે બધો જ ખર્ચ આપવાનો કહ્યો એ જાણીને સંજયને તેમના ઉપર માન થયું.

લગભગ બે દિવસથી એ ત્યાં અંડર ઑબ્ઝર્વેશનમાં જ હતો. જોતજોતાંમાં તો તબીબી જગતમાં તે કોઈ અજીબ પ્રાણી હોય એમ ફેમસ થઈ ગયો હતો. બે દિવસમાં બાવીસ વખત ડૉ. વાસુદેવ જુદા જુદા ડૉક્ટરોને લઈને તેના રૂમમાં આવતા હતા. કોઈ માણસ આટલી વાર સુધી મૃતપાય પરિસ્થિતિમાં રહ્યા પછી જીવતો થયો હોય એ સૌ માટે રિસર્ચનો વિષય હતો, પણ આ બે દિવસો દરમ્યાન ખબર નહીં, કેમ તેના મગજમાં વૈકુંઠ અને શેષનાગ ઉપર બિરાજેલા નારાયણ જ ફરી રહ્યા હતા... નાનપણથી અત્યાર સુધી ઘણાં સ્વપ્ન જોયાં હતાં, જેમાંથી મોટા ભાગનાં સવારે ઊઠતાંની સાથે જ ભૂલી ગયો હતો અને કેટલાંક બહુ બહુ તો સાંજ સુધી યાદ રહ્યાં હતાં, પણ આટલી સ્પષ્ટ રીતે કોઈ સ્વપ્ન તેને આજ સુધી યાદ રહ્યું નહોતું.

પોતે ઈશ્વરને આપેલી ચૅલેન્જને એણે યાદ કરી અને તેનું મોં મલકાઈ ગયું. તેને થયું કે મજા પડી ગઈ... અને આપણે ક્યાં કશું ખોટું કહ્યું જ છે? સંજયને થયું કે સપનામાં તો સપનામાં, પણ ખરેખર તેને જે કહેવું હતું એ તો તેણે કહી જ દીધું ને...

આમ વિચારતાં વિચારતાં તેની નજર બારીમાંથી બહાર ગઈ... તેનો સ્પેશ્યલ રૂમ હૉસ્પિટલની પાછળની બાજુએ હતો... તેણે જોયું તો પાછળ આવેલા સ્પેશ્યલ ડૉક્ટર્સ પાર્કિંગમાં એક મર્સિડીઝ ગાડી પૂરપાટ ઝડપે આવી અને ઊભી રહી. તેમાંથી ઉતાવળે સફેદ ઍપ્રન હાથમાં લઈને એક માણસે હૉસ્પિટલ તરફ દોટ મૂકી... ઉતાવળમાં તેના જમણા ખિસ્સામાંથી એક કાળા કલરનું પાકીટ પડ્યું અને એની જાણ સુધ્ધાં તે ડૉક્ટરને હતી નહીં. સ્વભાવગત સંજયને બૂમ પાડવાનું મન થયું. પણ ત્રીજા માળે આવેલા ઍરકન્ડિશન્ડ સ્પેશ્યલ રૂમની કાચની બંધ બારીમાંથી એ ન સંભળાય એવું પ્રૅક્ટિકલ જ્ઞાન તેને હતું. પત્ની પણ ઘરે ગઈ હોવાથી રૂમમાં કોઈ નહી. હજી ઓશીકાની બાજુમાં રહેલા ઇમર્જન્સીમાં નર્સને બોલાવવાના બટનને દબાવવા જાય ત્યાં તો તેણે જોયું કે એક પ્રમાણમાં ગરીબ લાગે તેવા માણસે એને ઉઠાવ્યું. અંદર રહેલા પૈસા જોઈ તે હરખાયો અને ઉપર તરફ જોઈ બે હાથ જોડી એ કંઈ હરખમાં બબડ્યો. પાકીટમાંથી પૈસા લઈ પાકીટને સામેના બગીચા તરફ તેણે ફેંક્યું. સંજયે જોયું તો તેની આંખમાં આંસુ હતાં અને બીજી જ પળે તે માણસ પાછો હૉસ્પિટલ તરફ વળ્યો...

સંજય સ્વભાવ પ્રમાણે જ મનોમંથન કરી રહ્યો હતો કે આ જે કંઈ પણ તેણે જોયું એ માટે જવાબદાર કોણ? આ આખી ઘટનામાં કોના માટે શું સારું થયું અને કોના માટે શું ખરાબ થયું?

એ કોઈ પણ પ્રકારના નિષ્કર્ષ સુધી પહોંચે ત્યાં તો તેણે જોયું કે પેલો ડૉક્ટર થોડા વૉર્ડબૉય અને સિક્યૉરિટી ગાર્ડ્સને લઈને ત્યાં પહોંચ્યો, ગાડીની આસપાસ પાકીટ શોધી રહ્યા છે. સંજયને હવે શું થશે એ જાણવામાં રસ પડ્યો. ત્યાં તો અચાનક એ લોકો સામેના બગીચામાં કામ કરતા એક માળીને બોચીથી પકડીને લાવ્યા અને તે માળીના હાથમાં પેલું ખાલી પાકીટ હતું.

એ માળી બે હાથ જોડીને કરગરી રહ્યો હતો, પણ આ લોકોએ તેને મારવાનું શરૂ કર્યું. સંજયથી આ જોઈ શકાય તેમ નહોતું. તેણે નીચે જવા માટે ઊઠવાનો પ્રયત્ન કર્યો, પણ અશક્તિને લીધે ઊઠી શકાય તેમ હતું નહીં. તેણે નર્સને બોલાવવા માટે પાસે રહેલો ઇમર્જન્સી બેલ માર્યો, પણ ત્યાં તો નર્સની જગ્યાએ એક ચિરપરિચિત ચહેરો નજરે ચડ્યો...

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 4

એકદમ સાદા, પણ સુઘડ પેન્ટ અને શર્ટમાં એક અતિ તેજસ્વી વ્યક્તિ અંદર આવીને એની સામે જોઈને મરક મરક હસી રહી હતી. બે ક્ષણ માટે તેની સામે જોયું તો સંજયને તમ્મર આવવા લાગ્યાં. નીચે પાર્કિંગમાં થઈ રહેલી ઘટનાને તે ભૂલી ગયો, કારણ કે ઑપરેશન દરમ્યાન આવેલા સ્વપ્નમાં શેષનાગ ઉપર બિરાજમાન જે ભગવાનને પોતે પોતાની સાથે આવવાની ચૅલેન્જ આપી હતી, એ જ ભગવાન અત્યારે તેની સામે તેની રૂમમાં પોતાના સઘળાં આયુધ અને શણગાર વગર પેન્ટ-શર્ટ પહેરીને ઊભાં ઊભાં એની સામે જોઈ હસી રહ્યા હતા... (ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2019 12:46 PM IST | | ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK