Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 4

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 4

05 May, 2019 12:51 PM IST | મુંબઈ
નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 4

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


કોઈ યમદૂતની ભૂલથી પૃથ્વી ઉપરથી એક માણસ યમપુરી સુધી પહોંચી ગયો અને ત્યાર બાદ ત્યાંથી વૈકુંઠ સુધી... બધાની વચ્ચે એ માણસે ઈશ્વરને એવી ચૅલેન્જ આપી કે ઈશ્વર આજના યુગમાં નીચે પૃથ્વી ઉપર તેની સાથે આવીને રહે તો એ સાચા ઈશ્વર... તેની ચૅલેન્જનો જવાબ બીજા દિવસે આપવાનું કહી તે માણસને આસ્તેય નામના યમદૂત સાથે રાખવામાં આવ્યો. આમ તો આસ્તેયની સાથે સાથે અનેક દેવો પણ તે માણસ ઉપર ગુસ્સે છે, પણ ઈશ્વરને લીધે કોઈ કશું કહી શકતું નથી. આસ્તેય આ માણસને પહેલાં તો પટાવવા જાય છે, પણ તેના વિચારોની સ્પષ્ટતાને જોઈ એ પ્રભાવિત થાય છે ત્યાં જ બન્નેને એક અવાજ સંભળાય છે...

હવે આગળ...



વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા અને ભગવાન સૂર્યના પુત્ર એવા પિતૃપતિ યમદેવ આમ અચાનક પ્રગટ થયા એટલે આટલો મોટો અવાજ સંભળાયો. ધર્મદેવને જોતાં જ આસ્તેય દંડવત્ પ્રણામ કરવા લાગ્યો અને સંજયે પણ પોતાના બે હાથ જોડી તેમને ભાવથી પ્રણામ કર્યા.


યમદેવની આંખોમાં ગઈ કાલનો ગુસ્સો એમનો એમ જ હતો. સંજયની સામે જોવાનું ટાળી તેમણે આસ્તેયને જણાવ્યું કે ચાલો વૈકુંઠ...

વૈકુંઠની હવામાં કંઈક અદ્ભુત સુગંધ હતી જે સંજયે તેને પહેલી વાર લાવવામાં આવ્યો ત્યારે પણ માણી હતી. અહીંનું અજવાળું કંઈક જુદા જ પ્રકારનું હતું. વાતાવરણમાં અજીબની ભીનાશ અનુભવાતી અને આજુબાજુ ક્યાંય પાણી ન હોવા છતાંય કાનોમાં ક્યાંક સાગરનાં મોજાંના અવાજ ધીમા ધીમા સંભળાતા. આમ તો આજુબાજુ ટોળે વળેલા દેવોની આસપાસ પણ અનોખું તેજ હતું, પણ સામે શેષનાગ ઉપર બેઠેલાં વિષ્ણુ અને લક્ષ્મીજીનું તેજ ઊડીને આંખે વળગે એવું હતું.


સંજયે બન્ને હાથ જોડી ઈશ્વરને પ્રણામ કર્યા. તેના અને આસપાસ ઊભેલા સૌના મનમાં એક જ પ્રશ્ન હતો કે હવે ભગવાન શું કહેશે?

જેને જોઈને સઘળું ભૂલી જઈએ એવી સરસ સ્માઇલ સાથે ઈશ્વર પણ તેની સામે જોઈ રહ્યા હતા.

થોડી વાર સુધી કોઈ કંઈ જ ન બોલ્યું. સંજય અને ભગવાન એકમેકની આંખમાં આંખ મેળવીને મૌન હતા.

આખરે ભગવાન બોલ્યા, ‘આવી માગ કેમ? તારા ઘરમાં રહેલા ફોટામાં પણ હું છું જ, જેને રોજ અગરબત્તી કરીને તું તારા કામ ઉપર જવા નીકળે છો. તું નિશ્ચિતપણે નાસ્તિક નથી જ તો પછી મને સાથે રાખવાની જીદ કેમ?’

સંજયે વંદન સાથે સવિવેક વાત શરૂ કરી કે ‘પ્રભુ, કોઈ સારો ચિત્રકાર આકાશનું ચિત્ર દોરે તો એ આકાશનું ચિત્ર ચોક્કસ હશે, પણ એમાં આકાશ તો નહીં જ હોય. આકાશને માણવું હોય તો અગાશી કે પછી કોઈ પહાડ કે ખુલ્લી જગ્યાએ જઈને બે હાથ પહોળા કરીને આકાશને અનુભવવું પડે. એની વિશાળતા માણવાની વસ્તુ છે, ખાલી જોવાની નહીં. ઈશ્વરને આનાથી વધુ હું શું સમજાવી શકું?’

ભગવાને એક સ્મિત સાથે વાત આગળ વધારી, ‘એટલે તારું એમ માનવું છે કે જેને તું રોજ અગરબત્તી ધરે છું તે તારા ઘરની દીવાલ ઉપર લટકતા પેલા કૅલેન્ડર ઉપરના ફોટામાં હું નથી?’

સંજયે તક ઝડપી, ‘હોઈ પણ શકો, પણ ખબર નથી. જો સાચું કહું ભગવાન, આ પૃથ્વી ઉપરનો તમારો કન્સેપ્ટ જ કન્ફ્યુઝિંગ છે. જબ્બર ગોટાળો છે. એક તો દરેક જણ જુદું જુદું કહે. એમાં કોણ સાચું અને કોણ ખોટું એ ખબર ન પડે. બહુ સાચું કહુંને તો મારા જેવા અનેક લોકો છે, જેમને અંદર અંદર તમારી એટલે કે ભગવાનની બીક લાગતી હશે. અમને નાનપણથી સમજાવવામાં આવ્યું કે ઈશ્વર સૌથી વધારે તાકાતવાળા છે. એ ધારે એ કરી શકે. એ તમારું બગાડી પણ શકે અને સુધારી પણ શકે, અને સાચું કહુંને તો આ સુધારી શકે એના કરતાં બગાડી શકેવાળી વાતથી એક છૂપો ડર લાગે છે અને કદાચ એટલે જ અગરબત્તી ફેરવું છું.’

‘જો તમે એ ફોટામાં હોવ તો અગરબત્તીની સુગંધથી ખુશ થાવ અને ન હોવ તો મારા ઘરમાં તો સુગંધ આવે જ છે ને પણ જો તમે એમાં હોવ અને હું અગરબત્તી ન કરું અને તમને ખરાબ લાગી જાય તો મારી તો પથારી જ ફરી જાયને! એટલે અગરબત્તી કરવાની પ્રભુ...!’

વિષ્ણુ ભગવાનને ખડખડાટ હસવું આવ્યું. હસતાં હસતાં તેમણે કહ્યું, ‘એમ! સરસ...! તો તને લાગે છે કે ઈશ્વર તારું ખરાબ કરશે જો તું તેને નહીં ભજે તો..!’

સંજયને થયું કે થોડું વધારે પડતું જ બોલાઈ ગયું, પણ હવે બોલાઈ ગયું છે તો બોલી કાઢો.

‘નહીં તો બીજું શું? આ તમે કેવા છો? બીજા ઉપર ચિડાવ છો કે નહીં? કઈ બાબતે ખુશ થાઓ છો? કોને સુખ આપો છો? કોને દુ:ખ આપો છો? એ બધુ અમારા જેવા કૉમન મૅનને ક્યાંથી ખબર હોય! એ તો કોઈ જાણકાર સાધુમહારાજ કહે કે ફલાણા ધર્મ પ્રમાણે જો આમ નહીં કરો તો આમ થશે અને આમ નહીં કરો તો તેમ... આમાં અમારે ક્યાં જવું?’

નારદજીથી ફરી ન રહેવાયું, ‘અરે ભાઈ, ભગવાને પોતે કહેલી છે ગીતા. એ તેમના જ શબ્દો છે. વાંચીને સમજી લેતા હો તો!’

સંજય નારદજી તરફ ફર્યો, ‘બૉસ, તમને એક વાર તો કહ્યું કે આ સંસ્કૃતમાં સમજણ પડતી નથી, અને ચાલો, આજે તમે કહ્યું તો માન્યું કે ગીતા ભગવાને જ કહેલી છે. બાકી આજ સુધી તો સાંભYયું હતું કે એ ભગવાને કહેલી છે, પણ એનું પ્રૂફ ક્યાં હતું કે આ તેમણે જ કહી છે. મને તો સાચું કહું ઘણી વાર મનમાં થયાં કરતું હતું કે આ બધું છે ને કોઈ ભૂતકાળના જબરદસ્ત લેખકોએ દુનિયાને સારી ચલાવવા ભગવાનના નામે લખી કાઢેલી વાત હશે.’

જેમ જેમ સંજય નિર્ભય બનીને બોલતો હતો, દૂર ઊભેલો આસ્તેય ખબર નહીં કેમ, પણ તેની વિચારોની સ્પષ્ટતાથી પ્રભાવિત થઈ રહ્યો હતો.

આ બધી વાતોથી ત્યાં રહેલા દેવોને ચીડ ચડતી હતી અને ભગવાનને મજા પડતી હતી.

નારદજી સ્વભાવ મુજબ એની કાઉન્ટર આગ્યુર્મેવન્ટ કરવા જાય એ પહેલાં ભગવાને બાજી સંભાળી.

તેમણે પૂછ્યું, ‘સારું, તો એમ કહે કે ધર્મ વિશે તું શું જાણે છે?’

સંજયે બે હાથ જોડી ફરી ચાલુ કર્યું, ‘પ્રભુ, આ ધર્મની તો વાત જ ન કરશો. સમજાય એવી એકે વાત મને તો એમાં લાગતી નથી. આ અમે નાના હતા ત્યારે એમ કહેવામાં આવતું કે ધર્મ તારી રક્ષા કરશે એટલે ધર્મને તું જાણ. આ મોટા થયા તો એમ કહેવામાં આવે છે કે તારે ધર્મની રક્ષા કરવાની છે એટલે તું ધર્મને જાણ. હવે મારે શું માનવાનું? ધર્મ મારી રક્ષા કરશે કે મારે ધર્મની રક્ષા કરવાની છે’?

ભગવાને લક્ષ્મીજીની સામે જોઈને ધીમેથી મમળાવ્યું, ‘ધર્મો રક્ષતિ રક્ષિત:’

લક્ષ્મીજીએ કહ્યું કે, ‘પણ આ તે સમજશે નહીં!’

આ પણ વાંચો :

ભગવાને કહ્યું, ‘શું કહો છો? સમજાવી દઈએ?’

લક્ષ્મીજીએ કહ્યું, ‘બધું તો નક્કી કરી રાખ્યું હશે આપે... અને હવે પૂછો છો? બાકી આ મનુષ્ય તમારી જોડે આટલી નીડરતાથી વાત કેવી રીતે કરી શકે? હવે શું કરવાનું છે, એ કહો!’

સુંદર મજાના સ્મિત સાથે ઈશ્વરે લક્ષ્મીજીને કહ્યું, ‘ચાલો ત્યારે...’

(વધુ આવતા અંકે...)

વૈકુંઠની હવામાં કંઈક અદ્ભુત સુગંધ હતી જે સંજયે તેને પહેલી વાર લાવવામાં આવ્યો ત્યારે પણ માણી હતી. અહીંનું અજવાળું કંઈક જુદા જ પ્રકારનું હતું. વાતાવરણમાં અજીબની ભીનાશ અનુભવાતી અને આજુબાજુ ક્યાંય પાણી ન હોવા છતાંય કાનોમાં ક્યાંક સાગરનાં મોજાંના અવાજ ધીમા ધીમા સંભળાતા. આમ તો આજુબાજુ ટોળે વળેલા દેવોની આસપાસ પણ અનોખું તેજ હતું, પણ સામે શેષનાગ ઉપર બેઠેલાં વિષ્ણુ અને લક્ષ્મીજીનું તેજ ઊડીને આંખે વળગે એવું હતું.

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 3

જો સાચું કહું ભગવાન, આ પૃથ્વી ઉપરનો તમારો કન્સેપ્ટ જ કન્ફ્યુઝિંગ છે. જબ્બર ગોટાળો છે. એક તો દરેક જણ જુદું જુદું કહે. એમાં કોણ સાચું અને કોણ ખોટું એ ખબર ન પડે. બહુ સાચું કહુંને તો મારા જેવા અનેક લોકો છે, જેમને અંદર અંદર તમારી એટલે કે ભગવાનની બીક લાગતી હશે. અમને નાનપણથી સમજાવવામાં આવ્યું કે ઈશ્વર સૌથી વધારે તાકાતવાળા છે. એ ધારે એ કરી શકે. એ તમારું બગાડી પણ શકે અને સુધારી પણ શકે, અને સાચું કહુંને તો આ સુધારી શકે એના કરતાં બગાડી શકેવાળી વાતથી એક છૂપો ડર લાગે છે

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2019 12:51 PM IST | મુંબઈ | નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK