Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 11

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 11

23 June, 2019 10:37 AM IST | મુંબઈ
નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 11

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


ગતાંક - સંજય નામની વ્યક્તિની ચૅલેન્જ સ્વીકારી ધરતી ઉપર આવી ગયેલા ભગવાન તેને લઈને તેના પ્રોડ્યુસરને મળવા જાય છે. સંજયને કહે છે કે તે બન્ને જણને એક લાંબી મુસાફરીમાં જવાનું હોવાથી એના બૉસ પાસેથી થોડી વધારે રજા મંજૂર કરાવી લે. ત્યાંથી પાછા ફરતી વખતે શૂટિંગના સ્થળ ઉપર છત તરફ લગાવેલી મોટી મોટી લોખંડની પાઇપના જાળા ઉપર બેઠેલા લોકો તરફ ભગવાને આંગળી કરી અને બોલ્યા. મૃત્યુ

હવે આગળ....



મૃત્યુ. આ શબ્દ જેટલો તાકાતવાન બીજો કોઈ શબ્દ હજી સુધી બન્યો નથી... આમ જોઈએ તો મૃત્યુ એ અંતનું પ્રતીક છે, પણ મોટા ભાગે મૃત્યુ એ એક નવી શરૂઆતનું પહેલું પગથિયું પણ હોઈ શકે છે.


મૃત્યુ અચાનક આવે છે એની જ મજા હોય છે, કદાચ એટલે જ એની ગરિમા અને એની બીક બન્ને જગતની દરેક વ્યક્તિના હૃદયમાં નોખી હોય છે. અફસોસ એ વાતનો છે કે મૃત્યુને મજા સમજવાનું લગભગ કોઈને આવડતું નથી. એ આવવાનું જ છે છતાં પણ એ ક્યારેય નહીં આવે તેમ જીવવાનું સૌ કોઈએ પોતપોતાની રીતે શીખી લીધું છે.

બિલાડી માટે એમ કહેવાય કે એ દૂધ પીતી વખતે આંખો બંધ કરી દે છે... અને એમ કરીને એ માને છે કે એને કોઈ દૂધ પીતાં જોઈ નથી રહ્યું. લોકવાયકામાં વહેતી આ વાત કેટલી હદે સાચી હશે એ તો બિલાડી જાણે, પણ માણસ ચોક્કસ મૃત્યુની બાબતમાં આવું કરે છે.


જય સંહિતા એટલે કે મહાભારતનો એક સરસ મજાનો પ્રસંગ છે. યુદ્ધ પત્યા પછી યુધિષ્ઠિર સરસ રીતે હસ્તિનાપુર ઉપર રાજ કરી રહ્યા છે. પાંડુ કુળને છાજે એ રીતે સુયોગ્ય સંચાલન થઈ રહ્યું છે. રોજ સવારે દરબારને આંગણે સોનાનો ઢગ થાય છે, જેમાંથી રાજા પોતે અને રાણી દ્રૌપદી હવે સવારના પહોરમાં આંગણે આવેલા ભિક્ષુકોને મોંમાંગ્યું દાન આપી રહ્યાં છે. પાંડવો ઉપર રહેલી ભગવાનની કૃપા હવે હસ્તિનાપુરની રગેરગમાં અનુભવાઈ રહી છે.

એક દિવસ સાંજના સમયે યુધિષ્ઠિર અને ભીમ કશે જઈ રહ્યા છે. એક અતિ દરિદ્ર બ્રાહ્મણ રસ્તાની એક બાજુએથી જઈ રહ્યો છે. રાજાની ઓળખ તેના રથની ધજાપતાકા

ઉપરથી સામાન્ય માણસને પડતી હોય છે અને આ તો હસ્તિનાપુરનું રાજ્ય એટલે સુચારું સંચાલનનું સરનામું.

રથની ઉપર રહેલી ધજાપતાકાને જોઈને એ દરિદ્ર બ્રાહ્મણે હાથ ઊંચો કર્યો. આ જોતાંની સાથે જ યુધિષ્ઠિરે સારથિને રથ રોકવા કહ્યું. રાજા અને રૈયતની વચ્ચે આવો સંબંધ હોવો જોઈએ કે રસ્તે ચાલતો ભિખારી રાજાને હાથ કરે અને રાજા ઊભો રહી જાય.

યુધિષ્ઠિરના રથને રોકાયેલો જોઈ ભીમે પણ તેનો રથ પણ ઊભો રાખ્યો. રાજાએ રથમાંથી ઊતરીને ગરીબ બ્રાહ્મણને બે હાથ જોડીને પૂછ્યું કે આપની શું ફરિયાદ છે? હું આપને માટે શું કરી શકું? બ્રાહ્મણે રાજાનાં ચરણોમાં શીશ ઝુકાવીને પોતાની દરિદ્રતા દર્શાવી યોગ્ય મદદ માગી.

રાજાએ જણાવ્યું કે પોતે હાલમાં તો નગરચર્યા કરવા નીકળ્યા છે એટલે તેને કોઈ પણ મદદ નહીં કરી શકે, પણ કાલે સવારે એ બ્રાહ્મણને તેમણે મહેલમાં બોલાવ્યો અને વચન આપ્યું કે તેને મોંમાગ્યુ દાન સવારે મળશે.

આ સાંભળી બ્રાહ્મણ તો ખુશ થઈ ગયો, પણ ભીમને આ ન ગમ્યું. તેણે એક મોટું ઢોલ લીધું અને એને જોર જોરથી વગાડવા માંડ્યો. ભીમનું આવું અજુગતું વર્તન જોઈને યુધિષ્ઠિરને નવાઈ લાગી. તેમણે તેને રોકીને આમ અચાનક કરવા પાછળનું કારણ પૂછ્યું.

ભીમે બે હાથ જોડીને કહ્યું કે જેના મોટા ભાઈએ મૃત્યુ ઉપર વિજય મેળવી લીધો હોય તેનો નાનો ભાઈ આમ ખુશ ન થાય તો બીજું શું?

યુધિષ્ઠિરને કંઈ ખબર ન પડી એટલે તેણે ભીમે દૂર ઊભેલા બ્રાહ્મણને બતાવીને કહ્યું કે આ બ્રહ્મદેવને આપે આવતી કાલે સવારે દાન લેવા બોલાવ્યા. એનો મતલબ એ છે કે તમને ખબર છે કે કાલ સવાર સુધીમાં તમારું મૃત્યુ થવાનું નથી અથવા તો કાલ સવાર સુધી તમે પેલા બ્રહ્મદેવનું મૃત્યુ પણ નહીં થવા દો. પોતાનું કે કોઈનું મૃત્યુ રોકી શકવાની તાકાત એ જ માણસમાં હોઈ શકે જેણે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો હોય.

યુધિષ્ઠિરને તેમની ભૂલ ખબર પડી. પોતે પહેરેલાં આભૂષણો તેમણે પેલા બ્રહ્મદેવને આપી દીધાં અને નાના ભાઈને પોતાની ભૂલ સુધારવા બદલ આભાર માન્યો.

મૃત્યુનું આનાથી મોટું મહત્વ શું હોઈ શકે?

પણ અહીં તો સ્વયં જનાર્દન કોઈ તરફ આંગળી કરીને બોલ્યા મૃત્યુ... આ શબ્દ સાંભળતાં પરસેવે રેબઝેબ થઈ ગયેલા સંજયના મનમાં ફાળ પડી. તેણે ઈશ્વરને પૂછ્યુ કે, ‘શું થયું? ક્યાં છે મૃત્યુ?’

ઈશ્વરના મુખ ઉપરની પ્રસન્નતા અકબંધ હતી. તેમણે સંજયની સામે જોયું અને જાણે કશું યાદ આવ્યું હોય તેમ કહ્યું, ‘લે તારા પૂછેલા પ્રશ્નોના જવાબ તો અહીંથી જ શરૂ થાય છે...’

શૂટિંગ ડોમના એક ખૂણામાં તેનો હાથ પકડીને ઈશ્વર લઈ ગયા અને પછી તેને કહ્યું, ‘ચાલ હવે તારા માટે એક ગેમ.’

સંજયને થયું કે આ ભગવાને શું માંડ્યું છે. એક તરફ કોઈની તરફ ઇશારો કરીને મૃત્યુ જેવો બિહામણો શબ્દ બોલે છે અને બીજી જ ક્ષણે ગેમ રમવાની વાત કરે છે!!!

ભગવાને કહ્યું કે જોતો જા... ત્યાં જ અસિસ્ટન્ટ ડિરેક્ટરે શૂટિંગમાં લંચ-બ્રેકની જાહેરાત કરી... મોટા ડોમમાં લગભગ ૪૦ ફૂટ ઊંચે લાઇટો લટકાવવા મોટી મોટી લોખંડની પાઇપોનું જાળું હતું, જેની ઉપર લટકતા સ્પૉટબૉયમાંથી એક જણે નીચે ઊતરવાનું ચાલુ કર્યું.

તેને જોઈ બાકીનામાંથી એક જણે બૂમ પાડી, ‘અલ્યા ફટ્ટુ, એક વાર તો અમારી જોડે અહીં બેસીને ખા.. એમાં બીવાનું શું?’

નીચે ઊતરતા એ માણસે ડોકું હલાવીને ના પાડી કે એ જમવાની જગ્યા થોડી છે. આ સહેજ પગ છટકે તો?

વર્ષોથી સ્પૉટબૉયનું કામ કરતા લોકો આ નવા આવેલા ડરપોકને જોઈને ખડખડાટ હસતા હતા.

સંજયે આવું રોજ જોયું હતું કે ૨૦ મિનિટના બ્રેકમાં નીચે આવવાની જગ્યાએ મોટા ભાગે આળસ કરીને આ લોકો ઉપર લટકતા રહીને જ જમતા, અને આ કોઈ નવો આવેલો હશે એટલે બીકનો માર્યો નીચે આવતો હશે એમાં ભગવાનની ગેમ ક્યાંથી આવી?

તેણે જોયું કે રોજની જેમ લોખંડની પાઇપોમાં પગ લબડાવી એ લોકોએ જમવાનું ચાલુ કર્યું અને પેલો નીચે ઊતરેલો સ્પૉટબૉય દૂર આવેલી એક દીવાલ પાસે જઈ ટિફિન ખોલી બેઠો.

ભગવાને કહ્યું કે ‘સંજય, મૃત્યુ અહીં આવી ચૂક્યું છે, પણ મારી હાજરીને લીધે પોતાનું કામ કરવા અસમર્થ છે. હવે તારી જોડે બે ઑપ્શન છે. ખરેખર તો હમણાં જ પેલો સ્ક્રૂ તૂટવાનો છે,’ એમ કહીને ઈશ્વરે ઉપર લાઇટોવાળા લોખંડના જાળા તરફ આંગળી કરી, ‘અને ત્યાં ઉપર બેઠેલા બધા મરી જશે.’ સંજયને દુખ થયું. પોતાના સાથીઓને આમ જોઈ તેણે ઈશ્વરને પ્રાર્થના કરી કે ‘તમે અહીં છો તો આમનાં મૃત્યુ ટાળી શકો છો. પ્રભુ, આ લોકો ઉપર દયા કરો.’

એટલે ભગવાને તેમની બીજી ચાલ ચાલી, ‘તારે આ લોકોને મોતના મુખમાંથી બચાવવા છે?’

સંજયે ક્ષણનોય વિલંબ કર્યા વગર કહ્યું, ‘હા પ્રભુ... પ્લીઝ, આ લોકોને મારશો નહીં.’

ભગવાને એ જ રમતિયાળ હાસ્ય કરતાં કહ્યું કે ‘એ તો આખરે તારા હાથમાં છે.’

સંજય બોલ્યો, ‘ભગવાન, કશું સમજાય એવું કહો. હું કશું સમજ્યો નહીં. હું ભલા તેમનો જીવ કેવી રીતે બચાવી શકુ?’

ભગવાને કહ્યુ કે ‘એ જ તો ગેમ છે.’

સંજયે પૂછ્યું, ‘એટલે? મારે કરવાનું છે શું?’

ભગવાને તેને કહ્યું કે હું તને બે ઑપ્શન આપું છું... જો આ મૃત્યુ તારી સામે ઊભું છે...’

અને આમ બોલતાં જ એક કાળો પડછાયો તેને દેખાયો, જેમાં પોતાને લઈ ગયલો તેવો જ એક યમદૂત દેખાયો.

ભગવાને કહ્યું કે, ‘જો અહીં ઉપર આટલા બધા બેઠા છે અને ત્યાં સામે પેલો એકલો બેઠો બેઠો જમે છે. હવે તારા ઇશારા ઉપર સઘળો આધાર છે. જો તું ઉપરની તરફ ઇશારો કરીશ તો પેલો સ્ક્રૂ તુટશે અને ઉપર બેઠેલા દરેકેદરેક માણસનો જીવ પેલો યમદૂત લઈ લેશે... અને તારી જોડે બીજો ઑપ્શન પણ છે. જો તું નીચે તરફ ઇશારો કરશે તો પેલી દીવાલ પડશે અને ત્યાં બેસીને જમતા પેલા એક માણસનો જીવ લઈને યમદુત જતો રહેશે.’

સંજયને થયું કે આ શું? આવી તો કેવી ગેમ? તેને કશી જ ખબર ન પડી. તેણે ભગવાનને કહ્યું કે, ‘મને આ પાપમાં શું કામ પાડો છો? મને તો કશી જ ખબર નથી પડતી. શું એવું ન થઈ શકે કે કોઈનો જીવ ન જાય.’

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 10

ભગવાને સહેજ પણ ચલિત થયા વિના કહ્યું કે, ‘જો સંજય, જીવ તો જશે જ... હવે એ તારા નિર્ણય ઉપર છે કે તારે યમદૂતને કઈ તરફ મોકલવો છે... ઉપરની તરફનો ઇશારો ઘણા લોકોનો જીવ લેશે અને નીચેની તરફનો ઇશારો એકનો જ... બોલ શું કરે છે?’

સંજયને ખ્યાલ આવ્યો કે કોઈ એક ઑપ્શન તો પસંદ કરવો જ પડશે... અને મહામહેનતે તેણે ઇશારો કર્યો...

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2019 10:37 AM IST | મુંબઈ | નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK