Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 10

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 10

16 June, 2019 11:20 AM IST |
નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 10

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


ગતાંક - સંજય નામની વ્યક્તિની ચૅલેન્જ સ્વીકારી ભગવાન ઈશ્વરભાઈ લક્ષ્મીપ્રસાદ ગગનવાસી બનીને ધરતી પર આવી ગયા છે. આવતાંની સાથે જ પત્નીને દૂરના સગા તરીકેની ઓળખ આપી છે. સંજયના રિપોર્ટ્સ એકદમ જ નૉર્મલ આવે છે અને હૉસ્પિટલમાંથી તેને અચાનક જ રજા મળી જાય છે. ઈશ્વર હૉસ્પિટલમાંથી તેને લઈને પાછા આવતાં જણાવે છે કે ઈશ્વરનું સાંનિધ્ય મળે એટલે સંપત્તિ તો બાયપ્રોડક્ટ તરીકે આવી જ જવાની છે. વાત-વાતમાં ઘર આવી જાય છે. સંજય સ્કૂટર પરથી ઊતરીને અંદર જાય છે, પણ અંદર જતાં જ તેની આંખો પહોળી થઈ જાય છે.

હવે આગળ...



હાથમાં રહેલા ચિનાઈ માટીના નાનકડા કપમાં ધરતીનું અમૃત ગણાતી ચા માણી રહેલા પરમેશ્વર અને ભગવતીને જોઈને સંજયની આંખો પહોળી થઈ ગઈ. હજી હમણાં તો મને સ્કૂટર પરથી ઉતાર્યો ત્યાં સુધીમાં કપડાં બદલીને અહીં સુધી કેવી રીતે પહોંચી જવાય! માણસના વેશમાં ભગવાન આવ્યા છે એ ભૂલી ગયેલા સંજયને ભાન થયું કે આખરે એ પરમાત્મા છે, જગતમાં તેનાથી મોટો જાદુગર કોણ હોય?


પત્ની સામે ખોટેખોટું હસીને તે ભગવાન પાસે પહોંચ્યો. ભગવાને આંખ મારીને સામે દીવાલ પર ટાંગેલા કૅલેન્ડર પર ઇશારો કર્યો જેના પર ભગવાનનો ફોટો હતો અને બાજુમાં લખ્યું હતું કે સૃષ્ટિના કણકણમાં હું છું. મને અનુભવો તો હું તમારી સાથે જ છું.’

ધીમેથી ઈશ્વરે પૂછ્યું કે લખેલું છે એમાં માનું કે પછી ખાલી-ખાલી જ કૅલેન્ડર લટકાવ્યું છે?


સંજયે કહ્યું કે સાચું કહું તો તમારા જાતજાતના ફોટોની ઉપર જાતજાતનાં આવાં સ્લૉગન લખેલાં હોય છે અને એટલાબધા કન્ફ્યુઝિંગ કે સમજવા જઈએ તો કશી જ ખબર ન પડે. ઉપરથી મજાની વાત એ છે કે આમાંથી ખરેખર કેટલી વાતો તમે કહી છે એના વિશે કોઈ જ ઠોસ પુરાવો છે જ નહીં. વાંધો નહીં, હવે તો તમે ખુદ આપણી સાથે છો એટલે આપણે રિડિસ્કવર કરીશું તમારી ગીતાજીને. તમે એમ સમજી લોને કે સામે કૌરવોને જોઈને એ વખતે અર્જુન કન્ફ્યુઝ હતો અને અત્યારે આ કળિયુગને જોઈને હું કન્ફ્યુઝ છું, તો તમારે મને સમજાવવાનો અને ખાસ કહી દઉં કે પેલો અર્જુન બહુ હોશિયાર હશે તે સમજી પણ ગયો અને માની પણ ગયો. હું થોડો સ્લો છું તો મને જરા ડિટેલમાં સમજાવવું પડશે.

ભગવાનને સંજયની નિર્દોષતા અને સેલ્ફ કૉન્ફિડન્સ બન્ને ખૂબ ગમી ગયાં હશે અને એટલે જ તેની વાત હસીને તરત જ સ્વીકારી લીધી. બન્નેની વાત દૂરથી જ સાંભળી ગયેલાં લક્ષ્મીજીએ પાસે આવીને કહ્યું કે તમારી પત્નીને સંભાળી લેવાની જવાબદારી મારી અને આમ બોલી બન્ને જણ સંજયની પત્ની સાથે પાછાં વાતે વળગ્યાં.

સંજયને આજે તેનું ઘર કઈક જુદી જ ફીલિંગ આપી રહ્યું હતું. જ્યાં સ્વયં પરમેશ્વર બેઠા હોય ત્યાં આપોઆપ ખુશીનું વાતાવરણ થઈ જાય. ભગવાન અને માતાજીએ પણ સંજયની પત્નીએ તેમને ફાળવેલા ઉપરના માળને ખૂબ સરસ છે એમ કહીને સ્વીકાર્યો. સંજયની પત્ની માટે અચાનક આટલા રૂપિયા આપનાર આ બન્ને અજાણ્યાં સૌથી નજીકનાં સગાં બની ચૂક્યાં હતાં એટલે તે પણ સારામાં સારી આગતાસ્વાગતા કરી રહી હતી. કોણ જાણે કેમ સંજયને ચિંતા હતી કે જાણે-અજાણે તેનાથી કે તેની પત્ની દ્વારા કોઈ ભૂલ ન થઈ જાય અને પછી મનમાં થયું કે ગમે તેવી ભૂલ થશે પણ સામે ઈશ્વર છે અને બધું વિચારીને જ અહીં આવ્યા હશે એટલે ચિંતા કરવાની જરૂર નથી.

એ દિવસ એમ જ ખુશી અને આનંદમાં પસાર થયો. બીજા દિવસે સવારે રોજના નિયમ મુજબ જ વર્ષોથી સમજ્યા વગર અગડમ-બગડમ શ્લોક બોલતાં-બોલતાં આંગણામાં વાવેલી તુલસીને સંજયની પત્ની પાણી ચડાવી રહી હતી. ગૅલરીમાં ઊભાં-ઊભાં ભગવાન અને માતાજી તેને જોઈ રહ્યાં હતાં. સંજયે આ દૃશ્ય જોયું. તેને થયું કે ભગવાન શું વિચારી રહ્યા હશે? આ ગાંડીને કહેવું તો કેમનું કહેવું કે અત્યાર સુધી ગમે તે બોલીને પાણી ચડાવતી હતી એમાં વાંધો નથી, પણ હમણાં આ લોકો છે ત્યારે થોડા દિવસ આમ સમજ્યા વગર શ્લોક બોલવાનું રહેવા દે.

હજી તો આમ વિચારીને તે ઊંધો ફર્યો તો સામે ઈશ્વર ઊભા હતા. સંજય તરત જ બોલ્યો, તમે બૉસ આમ હાર્ટ-અટૅક ન અપાવોને. હમણાં જ્યાં સુધી અહીં છો ત્યાં સુધી સીડીઓનો ઉપયોગ કરોને યાર. જો આ મારી પત્નીએ ભૂલથી પણ આવું કંઈક જોઈ લીધુને તો તે નક્કી તમને ભગવાનને બદલે ભૂત સમજશે. મજાક નથી કરતો, આ દેશમાં ભગવાન કરતાં પણ વધારે ભૂતની વાતો લોકો વધારે વહેલી સ્વીકારી લે છે.

પણ હું તો ત્યાં જ છું એમ કહી ભગવાને ગૅલરી તરફ આંગળી કરી તો ત્યાં પહેલાંની જેમ જ માતાજી અને ભગવાન એ જ રીતે ઊભાં હતાં.

સંજયે પ્રશ્નાર્થ સાથે સામે જોયું. ભગવાને તેની અવઢવ સમજીને આગળ ચલાવ્યું, સંજય જો અહીં અમે તારા કહેવાથી આવ્યાં છીએ અને અમારો હેતુ તારા મનમાં ઊઠતા પ્રશ્નોનો જવાબ આપવાનો છે. એટલે હું ગમે ત્યારે અને ગમે ત્યાં પ્રગટ થઈને તને સમજાવીશ અને રહી વાત પકડાવાની, તો જ્યાં સુધી હું ન ઇચ્છું ત્યાં સુધી મને પકડવા માટે આજ સુધી કોઈ સમર્થ બન્યું નથી.

સંજય જાતને સમજાવી રહ્યો હતો કે આવા ગાંડપણ અને ચિંતા બંધ કરે. આખરે તો સામે ભગવાન છે.

ભગવાને તેના મનમાં ચાલતી વાતને સમર્થન આપતાં આગળ ચલાવ્યું કે બસ એ જ કે તું ચિંતા ન કરીશ. જો હમણાં જ તેં વિચાર્યું કે તારી પત્નીના મુખે ખોટા શ્લોક સાંભળીને હું શું વિચારતો હોઈશ. સાવ સાચું કહું? હું આજ સુધી મને કરાતી પ્રાર્થનાના શબ્દોને સાંભળતો જ નથી. હું શબ્દોથી પર છું. મને કરાતી પ્રાર્થનામાં રહેલો ભાવ જ મારા માટે અગત્યનો હોય છે. હા, ભાષાનું સાચું ઉચ્ચારણ એને વધારે સમૃદ્ધ બનાવે છે, પણ મારે એ ચાલે છે. સમજ્યા વગર રોજ સવારે મારી મંદિરમાં સંસ્કૃતની કોઈ ચોપડીમાંથી પાઠ વાંચવાની ટેવવાળા કોઈ માણસનું ધ્યાન કોણ મંદિરમાં આવ્યું કે કોણ ગયું એના પર જ જો હોય તો હું એનો પાઠ સાંભળતો નથી અને એનું ફળ પણ નથી આપતો. એના કરતાં ઘરે બેસીને મને યાદ કરતાં-કરતાં ખાલી મારું નામ મનમાં આવ્યું હોયને તો પણ હું સાંભળી લઉં છું.

સંજયના મનમાં પ્રશ્નો સળવળવાનું શરૂ થયું અને એ જાણી ગયેલા ઈશ્વરે કહ્યું કે બધા જ પ્રશ્નોના જવાબ આપીશ, પણ એકસાથે નહીં. હજી તો હું તારી સાથે જ છું. બહુ લાંબી સફર કાઢવાની છે. આપણે તો આજે જરા તારી કામની જગ્યાએ જઈ આવીએે. તારે થોડી વધારે રજા લેવી પડશે. આપણે બન્નેએ લાંબી ટૂર પર જવાનું છે.

સંજય કંઈ સમજ્યો નહીં. ભગવાને કહ્યું કે અત્યારે તું શૂટિંગની જગ્યાએ જઈને પ્રોડ્યુસરસાહેબ પાસેથી થોડી વધારે રજા મંજૂર કરાવી લે. બાકીનો પ્લાન પછી જણાવીશ.

હવે ઈશ્વરનો આદેશ એટલે સંજય ઘરેથી ભગવાનને સ્કૂટર પર બેસાડીને રોજ ચાલતી સિરિયલના શૂટિંગ-સ્થળ પર જવા નીકળ્યો.

શૂટિંગની જગ્યાએ બહાર રહેલા ચોકીદારથી લઈને પ્રોડ્યુસરસાહેબ સુધીના સૌએ તેને પ્રેમથી આવકાર્યો. સૌએ તેની તબિયતના સમાચાર પૂછ્યા. સૌની સાથે વાત કરતાં-કરતાં ટોળામાં સરી પડેલા સંજયનું ધ્યાન સાથે આવેલા પણ હમણાં ટોળામાં ક્યાંય ન દેખાતા ભગવાનમાં હતું.

આખરે મહામહેનતે સંજયે એક ખૂણામાં ઊભા રહેલા ઈશ્વર લક્ષ્મીપ્રસાદ ગગનવાસીને શોધી નાખ્યા. પ્રોડ્યુસરસાહેબ સાથે તેમની ઓળખાણ ગામડેથી આવેલા મોટા ભાઈ તરીકે કરાવી. સાવ સાદા પણ ગજબની પર્સનાલિટી ધરાવતા આ માણસને પ્રોડ્યુસર ધારી-ધારીને જોઈ રહ્યા અને અચાનક જ તેમણે પ્રશ્ન કર્યો, ઍક્ટિંગ આવડે છે? તમારી પર્સનાલિટીને અનુરૂપ મારી જોડે એક રોલ છે. તમે એકદમ બંધ બેસો છો. શું કહો છો, ટીવીમાં આવવાની ઇચ્છા છે?

સંજયની આંખો ચમકી અને થયું કે લોચા પડ્યા. ભગવાને બે હાથ જોડીને ઍક્ટિંગ શરૂ કરી કે સાહેબ હું રહ્યો નાનો માણસ, મને ઍક્ટિંગ તો કેમની આવડે. તકલીફ એ છે કે ઈશ્વર કશું આર્ટિફિશ્યલ કરી જ ન શકે.

પ્રોડ્યુસર મૂંઝાયો, કોણ? શું ન કરી શકે?

સંજયે બાજી સંભાળી લીધી, ઈશ્વર, તેમનું નામ છેને ઈશ્વર.. મેં કહ્યુંને સાહેબ એટલે તે કહે છે કે ઍક્ટિંગ તો આર્ટ છે અને એ તેમને ન આવડે. ઈશ્વરે પણ એકદમ ઢીલું મોઢું કરીને પોતાને આમાં કશું ખબર ન પડે એવી જોરદાર ઍક્ટિંગ કરી.

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 9

મહામહેનતે પ્રોડ્યુસરને સમજાવીને તેમની રજા લઈને હજી તો એ લોકો શૂટિંગ-સ્થળની બહાર નીકળવા જાય ત્યાં જ છત તરફ લગાવેલી મોટી-મોટી લોખંડની પાઇપના જાળા પર બેઠેલા ૪ સ્પૉટબૉય તરફ ભગવાને ઝીણી આંખ કરીને જોયું અને પછી આંગળી એ તરફ કરીને બોલ્યા, ‘મૃત્યુ.’ (વધુ આવતા અંકે)

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2019 11:20 AM IST | | નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK