Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ કોરોના તો કાંઈ નથી...

આ કોરોના તો કાંઈ નથી...

15 March, 2020 12:56 PM IST | Mumbai
Parakh Bhatt

આ કોરોના તો કાંઈ નથી...

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


ચોમેર ભયનો માહોલ છે અને કોરોના કાળમુખો ન બની જાય એની ચિંતા લોકોને કોરી ખાઈ રહી છે ત્યારે જાણીએ કે ભૂતકાળમાં કેવી-કેવી મહામારીઓમાંથી માનવજગત ઊગર્યું છે. જેમાંથી બચવું અશક્ય લાગે અને દુનિયાઆખી ત્રાહિમામ્ પોકારી ગયેલી એવા ભયાવહ રોગચાળાઓને મેડિકલ-જગતે નાથ્યા છે. હવે તો સંશોધનો પણ એટલાં ઍડ્વાન્સ્ડ થઈ ચૂક્યાં છે અને વૈશ્વિક સંગઠનો તથા દરેક દેશની સરકારો પણ આ બાબતે આગોતરી જાગી ગઈ છે ત્યારે એને બહુ જલદીથી નાથવામાં સફળતા મળશે એમાં કોઈ મીનમેખ નથી. નજીકના ઇતિહાસમાં કોરોનાથી પણ ખતરનાક કહેવાય એવી કેવી મહામારીઓને માનવજગતે માત આપી છે એ આજે જાણીએ...

કોરોનાથી બચવા માટે જુદા-જુદા ઉપાયો અજમાવવામાં આવી રહ્યા છે, પરંતુ એના મૂળ સુધી પહોંચવામાં વૈજ્ઞાનિકો નિષ્ફળ નીવડી રહ્યા છે. એની રસી બહાર પડે એ માટે હજી એક વર્ષ સુધી રાહ જોવી પડશે. આ કારણસર જ એને ફેલાતો કેવી રીતે અટકાવી શકાય એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. થોડાં વર્ષો પહેલાંના ભૂતકાળમાં ડોકિયું કરીએ તો સમજાય કે માનવજાતે અવારનવાર આવા ટેમ્પરરી પ્રલય જોયા છે, જેનો ભોગ લાખો લોકો બન્યા છે. કોરોનાના ઓવરડોઝ વચ્ચે એક નજર એ ઇતિહાસ પર પણ ફેરવી લેવી જોઈએ, જે હાલના સમય કરતાં ઘણો વધુ દુષ્કર અને નરક સમાન છે.



સુરત પ્લેગ



Plague

બ્યુબોનિક પ્લેગ જેવો જ બીજો એક પ્લેગ, જેને ‘ન્યુમોનિક પ્લેગ’ નામ આપવામાં આવ્યું હતું એ ૧૯૯૪ની સાલમાં સુરતમાં ફેલાયો હતો. લોકો એટલી હદે ગભરાઈ ગયા હતા કે બે લાખ રહેવાસીઓએ રાતોરાત સુરતમાંથી બિસ્તરા-પોટલાં બાંધીને બીજે ગામ કે શહેર જવાનું નક્કી કરી નાખ્યું હતું. ન્યુમોનિક પ્લેગની ભયાવહતા એવી હતી કે એ બ્યુબોનિક પ્લેગ કરતાં બહુ ઝડપથી ફેલાઈ જતો હતો. આ કારણસર જ સુરતમાં ન્યુમોનિક પ્લેગ ફેલાયાના અમુક જ સમયની અંદર ભારતનાં પાંચ અન્ય રાજ્યોમાં એ વાયુવેગે ફરી વળ્યો હતો. દિલ્હી સુધી એણે પગપેસારો કર્યો ત્યાં સુધીમાં ભારતમાં એના ૧૦૦૦ કેસ ધ્યાનમાં આવી ગયા હતા. સમગ્ર દેશમાં લગભગ ૫૦ લોકો આ જાનલેવા બીમારીનો શિકાર બનીને મૃત્યુને ભેટ્યા હતા. ન્યુમોનિક પ્લેગના ફેલાવાને રોકવા માટે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન નિષ્ફળ નીવડ્યું હોવાને કારણે રાજ્ય સરકારના આદેશ પર રાતોરાત સુરતને નવા કમિશનર મળ્યા, જેમનું નામ હતું એસ. આર. રાવ! તેમની સમયસૂચકતા અને કાર્યદક્ષતાને કારણે ન્યુમોનિક પ્લેગ તો દૂર થઈ ગયો, તદુપરાંત સમગ્ર ભારતના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં સુરત શહેર બીજા ક્રમાંકે પહોંચી ગયું.


બ્લૅક ડેથ

Black Death

ચૌદમી સદીમાં યુરોપની ત્રીજા ભાગની વસ્તીનો સફાયો બ્યુબોનિક પ્લેગને કારણે બોલી ગયો હતો. એને ‘બ્લૅક ડેથ’ નામ આપવા પાછળનું કારણ એ છે કે આ પ્રકારના પ્લેગનો ભોગ બન્યા બાદ દરદીના શરીર પર કાળાં ચકામાં ઊપસી આવતાં હતાં. ઈ. સ. ૧૩૪૭થી શરૂ કરીને ઈ. સ. ૧૩૫૧ વચ્ચેનાં ચાર વર્ષનો સમયગાળો સમગ્ર યુરોપ માટે જાનલેવા પુરવાર થયો હતો. ઓછામાં ઓછા ૧૦ કરોડ લોકો આ સમયગાળા દરમ્યાન મૃત્યુ પામ્યાનો અંદાજ છે. દક્ષિણ-પશ્ચિમ એશિયામાંથી ફેલાયેલો આ વાઇરસ ૧૩૪૦ની સાલમાં યુરોપ પહોંચ્યો હતો. ત્રણ સદીઓ બાદ એટલે કે ઈ. સ. ૧૬૪૭થી ઈ. સ. ૧૬૫૨ના ગાળા દરમ્યાન બ્યુબોનિક પ્લેગે સ્પેનને ભરડો લીધો.

સેવિલ્લેની પોણા ભાગની વસ્તી બ્યુબોનિક પ્લેગનો ભોગ બની હતી અને એમાં ૭૬,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. એક સમય એવો હતો જ્યારે મૃત શરીરોને કેવી રીતે અને ક્યાં દફન કરવાં એ યક્ષપ્રશ્ન બની ગયો હતો. ત્યાર બાદ ઈ. સ. ૧૬૬૫માં લંડનમાં ફેલાયેલા પ્લેગને કારણે એની ૨૦ ટકા વસ્તી પર બુલડોઝર ફરી ગયું હતું. ૬૮,૫૯૬ લોકો મોતને ઘાટ ઊતરી ગયા હતા. સમગ્ર યુરોપ એ સમયે બ્યુબોનિક પ્લેગના ભય હેઠળ જીવી રહ્યું હતું.

યર્સેનિયા પેસ્ટિસ નામના બૅક્ટેરિયાથી બ્યુબોનિક પ્લેગ લાગુ પડતો હોવાની વાત સામે આવી હતી. મોટા ભાગે આ બૅક્ટેરિયા ઉંદરો દ્વારા ફેલાય છે. એકવીસમી સદીમાં દર વર્ષે ૧૦૦થી ૨૦૦ લોકો આને કારણે મૃત્યુ પામી રહ્યા છે. બ્યુબોનિક પ્લેગના ઇતિહાસ જેટલાં જ ભયંકર એનાં લક્ષણ પણ છે. શરીર પર ઠેકઠેકાણે મોટા-મોટા ફોલ્લા ઊપસી આવ્યા બાદ એમાંથી પરુ ઝરવાની શરૂઆત થાય છે, જેમાંથી લોહી પણ ઝર્યા કરે છે. ફેફસાંના ઇન્ફેક્શનથી માંડીને લોહીની ઊલટીઓ અને તાવનાં લક્ષણો પણ દેખાય છે. તદુપરાંત આખા શરીર પર કાળાં ટપકાં ઊપસી આવે છે, જે ‘બ્લૅક ડેથ’ લાગુ પડ્યાનું અંતિમ સ્ટેજ માનવામાં આવે છે.

કોકોલિઝત્લી


Cocoliztli

ઇબોલા અને ડેન્ગીની માફક કોકોલિઝત્લી પણ ઘાતક છે. વાઇરલ હેમોરેજિક ફીવર (VHF) એ એનું બીજું નામ. મેક્સિકોમાં ઈ. સ. ૧૫૪૫થી ઈ. સ. ૧૫૪૮ વચ્ચે ફેલાયેલા આ વાઇરસને કારણે દોઢેક કરોડ લોકોનાં અકાળે અવસાન થયાં હોવાનો અંદાજ છે.
તાવ અને બ્લીડિંગ જેવાં લક્ષણ ધરાવતા આ ફીવરને સ્થાનિક લોકો દ્વારા ‘કોકોલિઝત્લી’ નામ આપવામાં આવ્યું હતું.

પેશાબનો રંગ લીલો અને કાળો કરી નાખનારા આ વાઇરસને ઇતિહાસનો સૌથી ભયાનક રોગ માનવામાં આવે છે. એ ચામડીને પીળી અને જીભને તદ્દન સૂકી તેમ જ કાળી બનાવી નાખે છે. દરદીના શરીર પર કાનની પાછળ મોટા ફોલ્લા ઊપસી આવે છે. છાતી અને પેટના ભાગમાં અતિશય દુખાવો શરૂ થઈ જાય છે.

કોકોલિઝત્લીના ફેલાવા પાછળ આજે પણ સ્પૅનિશ લોકોને જવાબદાર માનવામાં આવે છે.

કૉલેરા આઉટબ્રેક

Cholera

૧૮૧૭થી ૧૮૨૪ની સાલ દરમ્યાન એશિયા અને યુરોપમાં ફાટી નીકળેલા કૉલેરાના રોગચાળાને લીધે ૧૫૦૦ લોકો ટપોટપ મૃત્યુ પામ્યા હતા. તદુપરાંત ઈ. સ. ૧૮૧૭માં જપાન, ઈ. સ. ૧૮૨૬માં મૉસ્કો અને ઈ. સ. ૧૮૩૧માં બર્લિન, પૅરિસ અને લંડનમાં પણ કૉલેરાનો દુષ્પ્રભાવ જોવા મળ્યો હતો. ૧૯૧૨-’૧૩ની બાલ્કન વૉર દમ્યાન ઓટ્ટોમન સામ્રાજ્યમાં ફાટી નીકળેલા કૉલેરાએ પણ ખાસ્સા લોકોનો જીવ લીધો હતો.

કૉલેરા ધરાવતું ફૂડ અને પાણી પીવાને કારણે વ્યક્તિના શરીરમાં એનો પ્રભાવ દેખાવાનું શરૂ થાય છે. આંતરડા પર એની સૌથી વધુ અસર જોવા મળે છે. સૅનિટેશન સિસ્ટમનો જ્યાં અભાવ હોય છે ત્યાં કૉલેરા ફેલાવાના ચાન્સ સૌથી વધુ હોય છે. યોગ્ય સમયે એની સારવાર ન કરવામાં આવે તો દરદી ડાયેરિયા અને ડિહાઇડ્રેશનને કારણે મરી શકે છે. કૉલેરા આજે પણ લાખો લોકોની જિંદગી પણ અસર પાડી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા મુજબ દર વર્ષે વિશ્વભરમાં કૉલેરાના ૪૦ લાખ દરદીઓ સરકારી ચોપડે નોંધાય છે.

ઓરી (સ્મૉલ પૉક્સ)

Smallpox

આપણે ત્યાં ભારતમાં ઓરી-અછબડાને ધાર્મિકતા સાથે વણી દેવામાં આવ્યો છે. જોકે હવે ઓરી વિશ્વભરમાંથી નામશેષ થઈ ગયો છે. આખા શરીર પર પાણીવાળા ફોલ્લા ઊપસી આવે અને એમાંથી ગંદી વાસ આવે એ પ્રકારના આ રોગમાં ૩૦ ટકા દરદીઓ મૃત્યુને ઘાટ ઊતરી જતા હતા એવું ઇતિહાસકારો નોંધે છે. ઓરીના પણ બે પ્રકાર જોવા મળતા હતા : વેરિયોલા માઇનર અને વેરિયોલા મેજર! મોટા ભાગે બાળકોમાં ઓરીનો વધુ ફેલાવો થતો હતો. છેલ્લે ૧૯૭૭ની સાલમાં ઓરીનો કેસ જોવા મળ્યો હતો. ત્યાર બાદ ૧૯૮૦ની સાલમાં એ વિશ્વભરમાંથી નાબૂદ થયો હોવાની વાતને પુષ્ટિ મળી છે.

ટાયફસ

Typhus

૧૮૪૮ની સાલમાં સૌથી ચેપી ગણાતા આ રોગને કારણે લગભગ ૨૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. વધારે પડતો તાવ તેમ જ હાથ, પીઠ અને છાતી પર લાલ ચકામાં અને એમાંથી આવતી સડેલા માંસ જેવી દુર્ગંધ ટાયફસ રોગનાં લક્ષણ છે.

પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન એકલા યુગોસ્લાવિયામાં ૧૫,૦૦૦ની આર્મી ટાયફસના દુષ્પ્રભાવનો ભોગ બનીને મરી ગઈ હતી, એવું ઇતિહાસના ચોપડે નોંધવામાં આવ્યું છે. રશિયન સિવિલ વૉર દરમ્યાન પણ ૩૦ લાખ લોકો આને કારણે મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે. સોવિયેટમાં ફેલાયેલા સૌથી ભયાનક રોગમાં ટાયફસનો સમાવેશ કરવામાં આવે છે. ૧૯૨૨ની સાલમાં ત્યાં લગભગ ૩ કરોડ લોકો ટાયફસની ઝપટમાં આવી ગયા હતા.

સ્પૅનિશ ફ્લુ

Spanish Flu

જે ઇન્ફ્લ્યુએન્ઝાના નામે ઓળખવામાં આવે છે એવો સ્પૅનિશ ફ્લુ વાસ્તવમાં એચ૧-એન૧ (H1N1) વાઇરસનો પેટાપ્રકાર છે, જે ૧૯૧૮-’૨૦ની સાલમાં ફેલાયો હતો. નજીકના ભૂતકાળમાં સ્પૅનિશ ઇન્ફ્લ્યુએન્ઝાને માનવઇતિહાસનો સૌથી ભયાનક કાળ ગણવામાં આવે છે. ફક્ત ૧૮ જ મહિનાની અંદર કરોડો લોકોને મોતને ઘાટ ઉતારનારા આ ફ્લુનો ચેપ કુલ ૫૦ કરોડ લોકોને લાગ્યો હોવાની સંભાવના સેવવામાં આવી હતી.

પહેલા વિશ્વયુદ્ધના અંત સમયે સ્પૅનિશ ફ્લુ વિશ્વભરમાં ફેલાયો હતો. ઘણા બધા લોકોનું માનવું છે કે ચાર વર્ષ ચાલેલા પ્રથમ વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિ પાછળ સ્પૅનિશ ફ્લુ જવાબદાર હતો. અન્ય ફ્લુની અસર મોટા ભાગે બાળકો અને વૃદ્ધો પર વધારે જોવા મળે છે, જ્યારે સ્પૅનિશ ફ્લુ થોડો જુદો પડે છે. એ મોટા ભાગે યુવાનો પર જલદી અસર કરે છે. જેમની રોગપ્રતિકારક શક્તિ પ્રમાણમાં સારી હોય એ વ્યક્તિ પણ આસાનીથી સ્પૅનિશ ફ્લુની ઝપટમાં આવી શકે છે. ઠંડી લાગવી, બેચેની અનુભવવી, ઊબકા આવવા, નાકમાંથી પાણી ગળવું, કફ અને તાવ જેવાં લક્ષણો સ્પૅનિશ ફ્લુ તરફ આંગળી ચીંધે છે. ઝાડા અને તાવનાં લક્ષણો દેખાયા બાદ દરદીનાં ફેફસાંમાં પ્રવાહી ભરાઈ જાય છે, જેને લીધે દરદીની ચામડી ભૂરા રંગની થવા માંડે છે.

સાર્સ-કોરોના વાઇરસ (SARS-CoV)

Sars-Cov-2

૨૦૦૨-’૦૩ની સાલ દરમ્યાન સિવિયર ઍક્યુરેટ રેસ્પિરેટરી સિન્ડ્રૉમ (સાર્સ)ના ઓછાયા હેઠળ સમગ્ર એશિયા અને કૅનેડા આવી ચૂક્યાં હતાં. ગણતરીનાં અઠવાડિયાંઓની અંદર જ એનો ફેલાવો ૩૭ દેશોમાં થઈ ચૂક્યો હતો. શરીરના દુખાવાથી શરૂ કરીને તાવ અને ઠંડી લાગ્યાનાં લક્ષણો દેખા દે ત્યાર પછી એ દરદીને ન્યુમોનિયા સુધી તાણી જતું હતું. નવેમ્બર ૨૦૦૨થી જુલાઈ ૨૦૦૩ વચ્ચે હૉન્ગકૉન્ગના ૯૨૨ લોકોએ સાર્સને કારણે પ્રાણ ગુમાવ્યા હતા. શરૂઆત પણ હૉન્ગકૉન્ગથી જ થઈ હતી એવું નોંધવામાં આવ્યું છે. ત્યાર બાદ વિશ્વભરમાં એ ફેલાયો અને ૮૪૨૨ કેસ ધ્યાનમાં આવ્યા.

૨૦૦૩ની સાલમાં સાર્સ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું. મેડિકલ-જગતે ૨૦૦૪ પછી સાર્સનો એક પણ કેસ નોંધ્યો નથી છતાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઓરીને જેમ નિશ્ચિંતપણે નાબૂદ થયેલો જાહેર કરી દેવામાં આવ્યો છે એવી જ રીતે સાર્સ બાબતે આટલું ખાતરીપૂર્વક કંઈ જ કહી શકાય એમ નથી. ચિકિત્સકો દૃઢપણે માને છે કે સાર્સ ક્યાંક કોઈક પ્રાણીઓમાં હજી પણ મોજૂદ હોવો જોઈએ, જે ભવિષ્યમાં નવા સ્વરૂપે માનવજાત પર ત્રાટકશે!

ઇબોલા

Ebola

વેસ્ટ આફ્રિકામાં ઇબોલા વાઇરસને કારણે ૨૦૧૩થી ૨૦૧૬ની વચ્ચે લગભગ ૧૧,૩૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. પશ્ચિમી આફ્રિકન ઇબોલાની શરૂઆત ગુનિયામાં ડિસેમ્બર ૨૦૧૩માં થઈ હતી. ત્યાર બાદ લાઇબિરિયા અને સીએરા લિયોનામાં એનો ફેલાવો થયો, જેણે ૨૮,૬૧૬ લોકોને ઝપટમાં લીધા. ૨૦૧૬માં જ્યાં સુધીમાં ઇબોલાની અસરકારકતા ઓછી થઈ ત્યાં સુધીમાં તો વિશ્વના મોટા ભાગના દેશો એના સકંજામાં આવી ગયા હતા.

જોકે ઇબોલા ફક્ત ૨૦૧૩માં જોવા મળ્યો હતો એવું નથી. એનાં મૂળિયાં તો ૧૯૭૬ની સાલ સુધી ફેલાયેલાં છે. લોહી, ઊલટી, ઝાડા અને અન્ય શારીરિક પ્રવાહી દ્વારા ટ્રાન્સમિટ થનારો આ વાઇરસ સર્વપ્રથમ ચામાચીડિયામાંથી મળી આવ્યો હતો. માંસાહાર આરોગનારા લોકોમાં એનો ફેલાવો થયો.

ઇન્ફેક્શન લાગ્યાના બેથી એકવીસ દિવસની અંદર ઇબોલા પોતાની અસર દેખાડવાનું શરૂ કરી દે છે. રિકવરીનો આધાર સંપૂર્ણપણે દરદીની રોગપ્રતિકારક શક્તિ પર રહેલો છે. એક વખત ઇબોલામાંથી સ્વસ્થ થયેલી વ્યક્તિમાં એના એન્ટો-બૉડી ૧૦ વર્ષ સુધી રહે છે, જેનો અર્થ એમ કે ઇબોલામાંથી હેમખેમ બહાર આવી ગયેલા દરદીને ૧૦ વર્ષ સુધી ફરી એ લાગુ પડવાનો ભય રહેતો નથી.
હકીકત તો એ છે કે માંસાહારને લીધે ફેલાતા આવા વાઇરસને અટકાવવા માટે શાકાહાર પણ એક ઉપાય છે, પરંતુ પ્રૅક્ટિકલી સમગ્ર વિશ્વ માટે એ શક્ય નથી. આઠ અબજ લોકોની આ દુનિયાને શાકાહારી બનાવી દેવી બિલકુલ સંભવ નથી. બીજી બાજુ, જેટલા મોટા-મોટા રોગો છેલ્લાં અમુક વર્ષોની અંદર માનવજીવનમાં પ્રવેશ્યા છે એ તમામનું ઉદ્‍ભવસ્થાન માંસાહાર છે. પાળેલાં પ્રાણીઓ સાથે સમય પસાર કરવાથી કે પછી સાફ થયા વગરની ડેરી પ્રોડક્ટ્સ આરોગવાથી પણ વાઇરસ ફેલાવાની શક્યતા વધી જાય છે. આપણે ઘરમાં પાળેલા પ્રાણીના શરીરમાં કયો વાઇરસ નિષ્ક્રિય પડ્યો છે અને એ ક્યારે તથા કેવા સંજોગોમાં સક્રિય થશે એનો આપણને કોઈ જ અંદાજ નથી.

બર્ડ ફ્લુ કે ટ્યુબરક્યુલોસિસ જેવા ટ્રાન્સફર થઈ શકતા રોગને કારણે દર વર્ષે બાવીસ લાખ લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. નિમ્નતમ અને મધ્યમ સ્તરીય આવક ધરાવતા દેશોમાં આ સમસ્યા ધીરે-ધીરે વકરી રહી છે. આફ્રિકાના ઇથિયોપિયા, તાન્ઝાનિયા, નાઇજીરિયા તેમ જ ભારતમાં પણ આવા રોગે ભરડો લીધો છે. જેમ સ્વાઇન ફ્લુ વારેઘડીએ કેર મચાવે છે એવી જ રીતે અજાણ્યા રોગો તથા વાઇરસ-બૅક્ટેરિયા પોતાનું માથું ઊંચું કરીને માનવજાતમાં હાહાકાર મચાવી રહ્યા છે.

કેટલાક દેશોમાં તો મેડિકલ-જગત પણ પીછેહઠ કરી રહ્યું છે, કારણ કે દવાઓ બેઅસર બની રહી છે. બૅક્ટેરિયા અને વાઇરસ વધુ ને વધુ ડ્રગ-રેઝિસ્ટન્ટ બની રહ્યા છે, જેને કારણે ડૉક્ટર્સ પણ વધુ ને વધુ ઊંચા ડોઝની દવાઓ આપીને દરદીના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવા માટે લાચાર થયા છે. નાનીઅમસ્તી શરદી કે તાવ-ઉધરસમાં ખૂબ વધુ માત્રાના ડોઝની દવા શરીરના રોગપ્રતિકારક તંત્રને નબળું બનાવે છે એ હકીકત છે. કુદરતી રીતે પ્રતિકાર કરવા ટેવાયેલા શરીરને ધીમે-ધીરે દવાઓની એવી લત લાગી જાય છે કે ન પૂછો વાત! સામાન્ય બીમારીનો સામનો કરવા માટે પણ શરીર સાથ આપવાનું છોડી દે છે. આ કારણસર જ ડૉક્ટરો અને સંશોધકો નૅનો-પિલ્સ અને દવાના અન્ય વિકલ્પો પર પ્રયોગ કરી રહ્યા છે.

મોટા ભાગનાં પ્રાણીઓ પોતાના શરીરમાં પેથોજન લઈને જ જીવતાં હોય છે, પરંતુ માણસ જ્યારે એને આરોગે છે ત્યારે એ પેથોજન (વાઇરસ અથવા બૅક્ટેરિયા) માનવશરીરમાં આવીને સક્રિય બને છે અને અસર દેખાડવાનું શરૂ કરે છે. માણસનું શરીર એનો સામનો કરીને ખાતમો બોલાવવાનું શરૂ કરે છે અને બીજી બાજુ પેથોજન પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડે છે. બન્ને પોતપોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેના પ્રયત્ન કરે છે.

વૈશ્વિક સ્તરે વાત કરીએ તો સમજાય કે આજથી ૫૦ વર્ષ પહેલાં શહેરમાં રહેતા લોકોનું પ્રમાણ ૩૫ ટકા સુધી વધીને કુલ ૫૫ ટકા સુધી પહોંચ્યું છે. નવાં-નવાં પ્રાણી-પશુને પણ નવાં ઘર વિકસાવવાની જરૂરિયાત પડી છે. જંગલો કપાઈ રહ્યાં છે. પ્રાણીઓ પોતાના મૂળ વસવાટ ખોઈને શહેરના રસ્તા વચ્ચે લટાર મારવા માંડ્યાં છે.

આડેધડ માંસ આરોગતા માંસાહારીઓ માટે હવે ખતરાની ઘંટી વાગી ચૂકી છે. હજી પણ સમયસર ચેત્યા નહીં તો દર બીજા દિવસે જિંદગીમાં ક્યારેય ન જોયા-સાંભળ્યા હોય એવા રોગનાં લક્ષણો દેખા દેવાનું શરૂ કરી દેશે.

સ્વાઇન ફ્લુ

Swineflu

૧૯૫૭ અને ૧૯૫૮ની સાલમાં સ્વાઇન ફ્લુને કારણે લગભગ ૨૦ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે ૧૮૮૯-’૯૦ અને ૧૯૬૮-’૬૯માં અનુક્રમે રશિયા તથા હૉન્ગકૉન્ગમાં સ્વાઇન ફ્લુને કારણે મૃત્યુ પામનારા દરદીઓની સંખ્યા ૧૦ લાખ જેટલી હતી. ૨૦૦૯માં સ્વાઇન ફ્લુએ ફરી વિશ્વના અલગ-અલગ ખૂણે ઉછાળો માર્યો હતો, જેને લીધે ૨,૮૪,૫૦૦ દરદીનાં મૃત્યુ થયાં હતાં.
માર્ચ ૨૦૦૯ની સાલમાં મેક્સિકોમાં એચ૧-એન૧ ઇન્ફ્લુએન્ઝા વાઇરસ (સ્વાઇન ફ્લુ)નો પહેલો કેસ નોંધવામાં આવ્યો હતો. એપ્રિલ સુધીમાં સ્વાઇન ફ્લુ કૅલિફૉર્નિયા પહોંચી ગયો, જેનો ભોગ ૧૦ વર્ષનું બાળક બન્યું હતું. ત્યાર બાદ જોતજોતામાં વિશ્વના મોટા ભાગના દેશોમાં સ્વાઇન ફ્લુએ ભરડો લીધો. પ્રાણી અને માનવ એમ બન્ને શરીરમાં જોવા મળતા વાઇરસના સંયોગને કારણે સ્વાઇન ફ્લુ સામે લડત આપવી મુશ્કેલ બની હતી. વળી એનાં લક્ષણો પણ સામાન્ય તાવ જેવાં હોવાને કારણે આ વાઇરસને અલગ તારવવો અઘરો બની ગયો હતો.

પ્રાણીઓ અને માંસાહાર સાથે સંકળાયેલા છે ચેપો

1. હાલ વિજ્ઞાનજગતને પ્રાણીઓમાંથી આવી શકતા વાઇરસમાંથી ફક્ત ૧૦ ટકા વાઇરસ વિશે માહિતી પ્રાપ્ત છે. આપણી આજુબાજુ ફરતાં પશુ-પ્રાણી, જીવ-જંતુ, પંખીને આરોગવાથી કેવા પ્રકારનાં દુષ્પરિણામ ભોગવવાનો વખત આવે એમ છે એ વિશે આપણે તદ્દન અજાણ છીએ. જાણકારો દાવો કરે છે કે માંસાહારીઓની સંખ્યા ઘટશે તો શાકાહારીઓનો ભૂખે મરવાનો સમય આવશે, પરંતુ અહીં એ વાતનું નિરાકરણ લાવવું જરૂરી છે કે માંસાહારને કારણે થતા રોગને પહોંચી વળવા માટે માનવજાત કેવાં બલિદાન આપવા માટે તૈયાર છે?

2. પ્રાણીમાંથી માનવશરીરમાં આવતા રોગોને વિજ્ઞાને ‘ઝુનોસિસ’ નામ આપ્યું છે. કોરોના, ઝિકા, સ્વાઇન ફ્લુ, એઇડ્સ, ઇબોલા સહિતના કેટલાય વાઇરસ માંસાહારને લીધે માનવજાતને ‘ભેટ’ મળ્યા છે. પરિસ્થિતિ આમ ને આમ રહી તો બે શક્યતા ઊભી થશે : (૧) કોરોના જેવા રોગ ભવિષ્યમાં ઋતુચક્રની માફક અવારનવાર ઉછાળો મારશે અથવા (૨) નવા-નવા વાઇરસ સતત સપાટી પર આવશે, જેનો સામનો કેવી રીતે કરવો એ પ્રશ્નનો આપણી પાસે કોઈ જવાબ નહીં હોય.

3. માનવશરીરમાં પ્રવેશી ચૂકેલા રોગમાંથી ૬૦ ટકા રોગ માંસાહારને કારણે આપણા સુધી પહોંચ્યા છે એવું વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે. ભૂંડ, મરઘાં, બિલાડાં, બકરાં, ઘેટાં અને ઊંટના શરીરમાંથી જ કેટલાક જાનલેવા વાઇરસ આપણી જીવનશૈલીમાં ઉમેરાયા છે. આગામી સમયમાં દેખા દેનારા રોગમાંથી ૭૫ ટકા બીમારીઓ આ કારણસર જ ફેલાશે, એવું વૈજ્ઞાનિકોનું દૃઢપણે માનવું છે.

4. ૧૯૮૦ના દાયકામાં એચઆઇવી એઇડ્સ જેવી બીમારી વાંદરાઓમાંથી, ૨૦૦૪ની સાલમાં પંખીઓમાંથી ‘એવિયન ફ્લુ’, ૨૦૦૯માં ભૂંડમાંથી સ્વાઇન ફ્લુ, તાજેતરમાં જોવા મળેલો સાર્સ (SARS : સિવિયર ઍક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રૉમ) અને ઇબોલા ચામાચીડિયા પાસેથી માણસજાત સુધી પહોંચ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

15 March, 2020 12:56 PM IST | Mumbai | Parakh Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK