યાદ કરો છેલ્લે તમે પેટ પકડીને ખડખડાટ ક્યારે હસ્યા હતા?

Published: May 05, 2019, 12:39 IST | રુચિતા શાહ | મુંબઈ

શરીરના અને મનના તમામ રોગોને વન ટુ કા ફોર કરાવવાની ક્ષમતા હાસ્યમાં છે

દીપિકા
દીપિકા

લોમા લિન્ડા યુનિવર્સિટી. અમેરિકાના કૅલિફોર્નિયામાં આવેલી આ યુનિવર્સિટીનાં પ્રોફેસર ડૉ. લી. બર્ક છેલ્લાં ઘણાં વષોર્થી હાસ્યને લઈને ખૂબ ગંભીર છે. આ ભાઈ છેલ્લાં કેટલાંય વર્ષોથી ખડખડાટ હસવાના શું ફાયદા થાય એના પર રિસર્ચ કરી રહ્યાં છે. છેક ૧૯૮૮માં હાસ્યની તમારા શરીર પર શું અસર થાય છે અને એ બૉડીને કઈ રીતે પૉઝિટિવલી પ્રભાવિત કરે છે એને લગતા રિસર્ચ રિપોર્ટ અમેરિકાના અગ્રણી મીડિયાએ પ્રકાશિત કર્યા હતા. લોકો હસે, પેટ પકડીને હસે અને મન મૂકીને હસે એ માટે આ ભાઈએ પાર વગરના પ્રયત્નો કરી લીધા છે. તેમને એમ લાગે છે કે દુનિયાની શ્રેષ્ઠ દવા ખડખડાટ હાસ્યમાં છુપાયેલી છે. હસતી વખતે શરીરના કેટલા અવયવો પ્રભાવિત થાય, કયા અવયવ પર શું અસર થાય અને શું કામ હાસ્ય શરીરને લાભકારી છે એના પર આ ભાઈનું ઊંડું સંશોધન તાજ્જુબ પમાડે એવું છે.

એક ઇન્ટરવ્યુમાં ડૉ. બર્ક કહે છે, ‘જેમ જેમ હું મેડિકલ પ્રૅક્ટિશનર તરીકે ઊંડો ઊતરતો ગયો એમ મને સમજાતું ગયું કે શરીરના સ્વાસ્થ્યમાં ઘણાં બધાં પરિબળો કામ કરે છે. ફિઝિકલ આસ્પેક્ટ ઉપરાંત વ્યક્તિની લાઇફસ્ટાઇલ, ડાયટ, ઍટિટ્યુડ, સ્પિરિચ્યિુઆલિટી અને માફ કરવાની વૃત્તિ વગેરેનો પણ મહત્વનો રોલ છે. હું લાફ્ટર પર સંશોધન કરવા શું કામ પ્રેરાયો એનાં મૂળ બાઇબલમાં છે. બાઇબલમાં એક સ્થળે લખેલું છે કે ‘ખુશહાલ હૃદય દવાનું કામ કરે છે અને દુ:ખી હૃદય તમારાં હાડકાંને પણ સૂકવી નાખે છે.’ આ વાક્ય સાઇકો-ન્યુરો-ઇમ્યુનોલોજી સાથે મેળ ખાય છે. એવા અઢળક પુરાવાઓ પછીથી મને મળ્યા જેમાં લોકો જૉયફુલ લાફ્ટર કરતા હોય તેમની રોગપ્રતિકારક શક્તિ કુદરતી રીતે મજબૂત બનતી હોય છે.’

હાસ્ય થેરપીથી અનેક પ્રકારના ઑટો ઇમ્યુન રોગો પર કાબૂ મેળવવાના પ્રયાસો દુનિયાભરના રિસર્ચરો કરી રહ્યા છે અને તેમને સફળતા પણ મળી છે. વૈજ્ઞાનિકોને એવા પુરાવાઓ મળ્યા છે, જેમાં હાસ્યની હકારાત્મક અસર મન અને મગજ પર થઈ હોય. તેમનાં સંશોધનો કહે છે કે ખડખડાટ હાસ્ય તમારા શરીરમાં નૅચરલ પેઇનકિલર ગણાતાં એન્ડોર્ફિન અને ફીલ ગુડ કરાવતા સેરેટોનિન નામનાં હૉમોર્ન્સનો સ્ત્રાવ વધારે છે. સ્ટ્રેસ હોમોર્ન કોર્ટિસોલનું પ્રમાણ ઘટે છે. સ્ટ્રેસ ઘટે એટલે દેખીતી રીતે બ્લડપ્રેશર નૉર્મલ થતું જાય. હસવાથી ઑક્સિજન ઇન્ટેક વધે અને એ તમારી હાર્ટની હેલ્થ સુધારે. હાર્ટઅટૅક અને સ્ટ્રોક જેવી તકલીફો પણ ખડખડાટ હાસ્યથી આઘી રાખી શકાય છે. ડૉ. બર્ક કહે છે કે આપણા શરીરની દરેક સિસ્ટમ એકબીજા સાથે ખૂબ જ અદ્ભુત રીતે ઇન્ટરકનેક્ટેડ છે. એટલે જો એક સરખી થાય તો બાકીની બધી સિસ્ટમો પણ ધીમે ધીમે લાઇન પર આવી જાય છે. એટલે ઓવરઑલ રીતે પણ હેલ્ધી રહેવા માટે પણ લાફ્ટર અતિઉત્તમ છે. લાફ્ટર આપણા મગજના ગામા વેવની ફ્રીકવન્સી વધારે છે, જે બ્રેઇનના ન્યુરોન વચ્ચે સંવાદિતા જાળવવાનું કામ કરે છે, જે તમારી યાદશક્તિ વધારે અને વિવિધ ઍક્ટિવિટીમાં મગજની કાર્યક્ષમતાને પણ બહેતર કરે. તમને ખબર છે કે ગામા વેવની ફ્રીકવન્સી હાઈએસ્ટ ફ્રીકવન્સી ગણાય છે, જે મગજને વિવિધ માહિતીઓને પ્રોસેસ કરવામાં, સ્ટ્રેસ ઘટાડવામાં અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. હસતા લોકોએ ક્યારેય જીવનમાં ઍન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓ લેવાની જરૂર નથી પડતી. બર્કભાઈનું કહેવું છે કે તમે કેટલો સમય હસ્યા એ મહત્વનું નથી, પણ હા, કારણ મહત્વનું છે. ખુલ્લા દિલે ખડખડાટ નીકળતું હાસ્ય સૌથી હેલ્ધી હાસ્ય ગણાય, જે તમારા શરીરના સારા કૉલેસ્ટરોલમાં વધારો કરે છે અને એની પાછળ બૉડીમાં આવતા કૅમિકલ ચેન્જ તમને હૅપી ફીલ કરાવે છે. લાફ્ટરથી પોતાને થયેલા ઑટો ઇમ્યુન ડિસીઝ દૂર કરનારા અમેરિકાના પૉલિટિકલ જર્નલિસ્ટ અને ‘ઍનાટોમી ઑફ ઇલનેસ’ નામનું પુસ્તક લખનારા લેખક નોર્મન કઝિન્સે એક વાર લખ્યું હતું કે કુદરતે આપેલી માનવજાતને અનેક ભેટમાંથી સૌથી ઉપર છે હૃદયપૂર્વક થતું ખડખડાટ હાસ્ય, જે સૌને ભેગા લાવીને આપણને આનંદનો અનુભવ કરાવે છે. નોર્મને પોતે લાફ્ટરથી પોતાને સાજા કર્યાનું એ પુસ્તકમાં કબૂલ્યું છે.

કેટલાંક સંશોધનોએ સેન્સ ઑફ હ્યુમર અને હાસ્યને ઉત્તમ લીડરમાં અનિવાર્ય ગુણ ગણાવ્યો છે. હાસ્ય તમારો એકબીજા પરનો વિfવાસ ઊંડો કરવાનું કામ કરે છે. હાસ્યમાં એકબીજા સાથે જોડાનારી વ્યક્તિ હળવાશને કારણે ખૂબ ઝડપથી એકબીજા સાથે જોડાઈ શકતી હોય છે. એ રીતે તમે હસો અને તમારી સાથે આખું જગ હસી પડે એવા પ્રયત્નો કરતાં તમને આવડતું હોય તો એ બાબત તમને એક ડગલુ આગળ જ લઈ જશે.

સ્કૉટલૅન્ડના એક જાણીતા ઑલ્ટરનેટિવ મેડિસિનના નિષ્ણાત છે. એ કહે છે, ‘સિલી ઇઝ ધ બેસ્ટ પીલ યુ કેન ટેક.’ ટૂંકમાં જેમાં મગજ ન દોડાવવાનું હોય અને સામાન્ય હાસ્ય તમને દવા કરતાં વધુ સારું પરિણામ આપી શકે છે. એક બીજો અભ્યાસ કહે છે કે ૨૦ સેકન્ડનું લાફ્ટર ત્રણ મિનિટ રોઇંગ મશીન પર કરેલી કસરત કરતાં વધુ લાભ ફેફસાને આપે છે. આવું જ એક મજાનું રિસર્ચ બીજા એક અમેરિકન ઑથરે કર્યું છે. ન્યુરો હ્યુમોરિસ્ટ કાર્ન બુક્સમૅને પોતાના પુસ્તક ‘વૉટ સો ફની અબાઉટ હાર્ટ ડિસીઝ’માં ડાયાબિટીઝ, કૅન્સર અને હૃદયરોગના દરદીઓમાં નિયમિત હાસ્યના કેટલાક ફાયદાઓનો અભ્યાસ કયોર્ છે. પોતાના અનુભવોને આધારે આ લેખકે એવા લોકોના પ્રશ્નોનો જવાબ આપ્યો છે જેઓ કહેતા હોય કે તેઓ પોતે ફની નથી તો શું કરવું? બક્સમૅન કહે છે, ‘તમારે પોતે ફની હોવાની જરૂર નથી. તમને હસવા માટે કારણ જોઈતું હોય તો માત્ર જેમાં ફન હોય, જેમાં હાસ્ય છુપાયેલું હોય એવી બાબતો જોતાં શીખો. કોઈક દ્વારા શરૂ થયેલા હાસ્યનો રિસ્પોન્સ હાસ્યથી આપો. જોક ઑફ ધ ડે વાંચીને જ તમારા દિવસની શરૂઆત કેમ ન થઈ શકે? તમારા સર્કલમાં ફનીએસ્ટ વ્યક્તિઓને રાખો અને અઠવાડિયામાં કમસે કમ એક વાર તેમની સાથે સમય પસાર કરવાનું રાખો. હાસ્યલેખો, હ્યુમરવાળા ટીવી શો વગેરે જોતા રહો. હસવામાં શરમ-સંકોચ ન રાખો. હસવું આવે એટલે ખુલ્લા દિલે હસી જ લેવાનું. લોગ ક્યા કહેંગેની પરવા છોડીને.’

હાસ્ય ગાયબ થઈ રહ્યું છે

૨૦૦૫ની એક ઘટના છે. એબીસી ન્યુઝ ચૅનલના એક ઍન્કરને ચાલુ શોએ જ અચાનક પૅનિક અટૅક આવ્યો. પચાસ લાખ દર્શકો એ શો જોઈ રહ્યા હતા. તેને થયું, આ ઘટના પછી તેની કરીઅર ખતમ થઈ જશે. એ પછી તેણે એક પુસ્તક લખ્યું. ‘૧૦„ હેપિયર’, જેમાં તેણે આપણે રોજબરોજની જિંદગીમાં હસવાનું ભૂલી ગયા છીએ, આનંદ માણવાનું ચૂકી રહ્યા છીએ. સામાન્ય રીતે એક બાળક દિવસમાં ૩૦૦ વખત હસે છે અને ઍડલ્ટ માણસ લગભગ પાંચ વાર. એવું તો શું થઈ જાય છે કે આપણે હસવાનું છોડી દઈએ છીએ? કદાચ આ જ કારણ છે કે છાશવારે આપણને પૅનિક અટૅક આવી જાય છે. સવારે ઊઠો, ખાધું ન ખાધું કરીને કામ પર જાઓ, એકબીજાની લાઇનો ટૂંકી કરવાના ઑફિસમાં ધંધા કરો, ઈષ્ર્યા અને અસુરક્ષિતતામાં સળગો, કારણ વગરના રાજકારણમાં અને કૂથલીઓ કરવામાં રચ્યાપચ્યા રહો, પાછા સાંજે ટ્રેનમાં ધક્કા ખાતાં અને ગરમીને ગાળો આપતાં ઘરે પહોંચો, ટીવી જુઓ અને સૂઈ જાઓ. સવારે ફરી અલાર્મ બંધ કરીને જાઓ અને એ જ ઘટનાક્રમ. આપણે આપણા જીવન સાથે કરી શું રહ્યા છીએ? શું આ જ રીતે મૃત્યુ પામવું છે? ૩૦૦ વાર અને પાંચ વાર. ગૅપ બહુ મોટો છે. શું કામ? કારણો પર પણ એક નજર કરીએ.

આપણે પહેલાં જેવા રમતિયાળ નથી રહ્યા. આપણે હળવા થઈને ગ્રાઉન્ડ પર રમવા નથી જતા. આપણે જે પણ કરીએ છીએ એમાં વિચારીને ફૂંકી ફૂંકીને પગલાં ભરવાનું મુનાસિબ સમજીએ છીએ, જેણે આપણા મુક્ત હાસ્યને છીનવી લીધું. કેટલાક લોકો હસવું એ અસભ્યતા જેવું લાગે એટલે કદાચ તેઓ હસવાનું અવૉઇડ કરતા હોય છે. કેવું હસે છે, કેટલું હસે છે જેવા વિચારો આપણને હસતાં અટકાવે છે. બાળકની જેમ આપણા એક્સપ્રેશનને આપણે મુક્તપણે વ્યક્ત કરતાં ગભરાઈએ છીએ. આપણી જવાબદારી હોય, આપણે કામ કરવાનાં હોય, આપણે દુનિયાનાં તમામ ખરાબ તત્વો સામે લડવાનું હોય એટલે આપણે ન હસીએ એ દલીલ તમને જસ્ટિફાય થાય છે?

આ પણ વાંચો : એ ક્ષણ જ્યારે જવાનોને લાગ્યું કે બસ હવે નહીં જ બચાય, આપણો પણ ખેલ ખતમ

મૂકોને બધી પંચાત, થોડાક સ્વાર્થી બનીને જે જાતને અને આસપાસના માહોલને તાજગી આપતું હોય એ કરી લેવું. હસી લેવું. આટલુ કહ્યા પછીયે તમારા ચહેરા પર હાસ્ય ઊપજતુ નથી. ખરા છો તમે. હવે જો ન હસ્યા તો તમને રાહુલ ગાંધીના સમ છે હોં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK