કૉલમ: ઇલાજો ક્યાંથી આવે છે?

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા | Apr 07, 2019, 14:02 IST

૧૯૫૦થી પ્રત્યેક વરસે ૭ એપ્રિલનો દિવસ વિશ્વ આરોગ્ય દિન તરીકે ઊજવાય છે. આપણી કહેવત પહેલું સુખ તે જાતે નર્યા ખરેખર તો ભવિષ્યની અનેક સમસ્યાની આગોતરી ચેતવણી છે.

કૉલમ: ઇલાજો ક્યાંથી આવે છે?

૧૯૫૦થી પ્રત્યેક વરસે ૭ એપ્રિલનો દિવસ વિશ્વ આરોગ્ય દિન તરીકે ઊજવાય છે. આપણી કહેવત પહેલું સુખ તે જાતે નર્યા ખરેખર તો ભવિષ્યની અનેક સમસ્યાની આગોતરી ચેતવણી છે. ખાનપાન અને જીવનશૈલીને કારણે અનેક રોગો મોબાઇલની જેમ ઘરે પડ્યાપાથર્યા રહે છે. ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર તો જાણે રોગસિદ્ધ અધિકાર હોય એમ ઘરમાં એકાદને તો વળગી જ પડે. પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું એ પણ સમાજસેવાનો એક ભાગ છે. માણસ તંદુરસ્ત હોય તો તે બીજાના ખપમાં આવી શકે. આજની કૉલમ આપણા સ્વાસ્થ્યને જાળવતા ડૉક્ટર્સને અર્પણ. આજે માત્ર ડૉક્ટર કવિઓના શેરનું પ્રિસ્કિપ્શન આપવું છે. શરૂઆત સુરતના ડૉ. મુકુલ ચોકસીના શેરથી કરીએ...

અવસ્થા આવશે... આંખોને ચશ્માંની ગરજ રહેશે

ને કાનો પર પુરાણા ગીતની કોઈ તરજ રહેશે

કે તેઓએ મનુષ્યોના કદી સોગંદ નહીં ખાવા

એ પડછાયાઓને એક નમ્રતાપૂવર્કા અરજ રહેશે

અવસ્થા તો ડૉક્ટરને પણ લાગુ પડવાની. ફેર એટલો પડે કે આરોગ્ય પ્રત્યે જાગૃત હોવાને કારણે અમુક બેઝિક સમસ્યાઓનું લેવલ તો એ આસાનીથી પાર કરી લે. શરીરને સ્કૅન કરી મુશ્કેલીઓને આગોતરી ઓળખી શકે અને પ્રતિકારક પગલાં લઈ શકે. સામાન્ય માણસ ક્રોસિન અને ઈકોસ્પ્રિનથી આગળ વિચારી નથી શકતો. તમે કોઈ પણ હૉસ્પિટલમાં જાઓ તો તમને કોઈ ડૉક્ટર દરદીના રૂપમાં ભાગ્યે જ જોવા મળે. બસ્સો બેડની હૉસ્પિટલ હોય તો રડ્યોખડ્યો એકાદ ડૉક્ટર પેશન્ટના બિછાનામાં સૂતો હોય. જેઓ મૃત્યુને ઓળખે તેમને શરીરની કિંમત વધારે સમજાય. જૂનાગઢના ડૉ. ઉર્વીશ વસાવડાનો શેર દદર્નું્ નિદાન કરે છે...

સૌ અહીં પકડીને બેઠા તંત છે

એટલે સ્ફોટક સ્થિતિ અત્યંત છે

એક વર્તુળના પ્રવાસી આપણે

આ જ છે આરંભ ને આ અંત છે

સામાન્યપણે એવું જોવા મળે કે જે ડૉક્ટર આપણને વરસોથી ફાવી ગયા હોય આપણે તેને ત્યાં જ જઈએ. તેને આપણી નાડ ખબર હોય. શારીરિક ઉતારચડાવને તે સહજતાથી પારખી શકે. આપણા દેશમાં ફૅમિલી ડૉક્ટરનું વિશેષ મહત્વ છે, કારણ કે તેની પાસેથી સાચી સલાહ મળશે એવી ખાતરી હોય છે. પોતાના દાક્તરી વ્યવસાયને પારાવાર પ્રેમ કરતા અને પેશન્ટમાંથી પ્રેરણા પામતા શિકાગોસ્થિત ડૉ. અશરફ ડબાવાલાનો શેર કદાચ પ્રત્યેક સ્ટેથોસ્કોપમાં વત્તેઓછે અંશે પરોવાયેલો હશે...

નથી કોઈ પ્રગટ બળવો કે કોઈ ભેખ ભીતરમાં

ઇરાદામાં છતાં આવો ઉછાળો ક્યાંથી આવે છે?

ભલે અક્સીર દવાવાળા તરીકે નામ છે મારું

મને એ પૂછશો ના કે ઇલાજો ક્યાંથી આવે છે?

કેટલાક રોગ એવા હઠીલા હોય કે એની સારવાર ચાલુ કર્યા પછી પણ પરિણામ શું આવે એના વિશે શંકા હોય. પેશન્ટ અવસ્થાને આરે ઊભો હોય ત્યારે અન્ય કિસ્સાઓમાં કારગત નીવડતી દવાઓની અસર પણ ઓછી થઈ જાય. હૃદયની સારવાર કરે તો કિડની રિસામણાં લે અને કિડનીની સારવાર ચાલતી હોય તો હૃદયને વાંકું પડે. ચૂંટણીની મોસમ ચાલી રહી છે એટલે કહેવાનું મન થાય કે શરીરની અંદર અંદર જ રાહુલ ગાંધી-મોદી, અખિલેશ-યોગી, ચિદમ્બરમ-અરુણ જેટલી, ગુલામ નબી આઝાદ-મુખ્તાર અબ્બાસ નક્વી જેવા વિરોધાભાસ સર્જા‍તા રહે. સુરતના ડૉ. દિલીપ મોદીનું નિરીક્ષણ અત્યંત બારીક છે...

કેવી મારી ધારણા ખોટી પડી!

પાકી આ દીવાલ પણ ભાંગી પડી

કોઈ ના બેઠું અહીં છેવટ સુધી

પ્રિય માટેની જગા ખાલી પડી

કેટલાક કેસમાં ડૉક્ટરે અત્યંત ક્રિટિકલ નિર્ણય લેવાનો હોય. આ નિર્ણય દરદીના જીવન-મરણ સાથે સંકળાયેલો હોય. દરદીને વેન્ટિલેટર પર જિવાડવાનો હોય ત્યારે સ્વજનો માટે કપરી કસોટી સર્જા‍ય. એક તરફ આર્થિક બાબતોની બબાલ હોય ને બીજી તરફ સંવેદનાનું સરોવર વહેતું હોય. ક્યારેક હઠીલા રોગની ચુંગાલમાં ફસાયેલો દરદી પોતે જ પ્રર્દીઘ સારવાર અને વેદનાથી કંટાળી જાય. આવા દરદીની મનોસ્થિતિ ડૉ. લલિત ત્રિવેદી બયાં કરે છે...

આ ઝાંઝ ને પખાજથી છુટ્ટો કરો મને

આ સરઘસી રિઆઝથી છુટ્ટો કરો મને

દરરોજ ઔર ઔર હવે સંભળાય છે

અંદરના એ અવાજથી છુટ્ટો કરો મને

આપણે આપણા સ્વાસ્થ્ય તરફ બેદરકાર રહીએ એ ખરેખર ઈશ્વરનું અપમાન છે. ઉંમર વધવાની સાથે અવયવોની શક્તિ ઓસરવાની જ. છતાં આપણે જોઈએ છીએ કે ૯૦ વરસના કોઈ વૃદ્ધ એકદમ સ્વસ્થ જીવન જીવતા હોય ને રોજના પાંચ કિલોમીટરનું વૉક લેતા હોય ને સામે પચાસેક વરસનો માણસ ઘરની બહાર નીકળતો બંધ થઈ ગયો હોય. સવાલ શારીરિક ક્ષમતા ઉપરાંત સાચવણી અને દરકારનો છે. જે પોતાના આરોગ્યની અવહેલના કરે એ ગુનેગારથી કમ નથી.

ડૉક્ટરની જિંદગી વ્યસ્તતાની વારાણસી છે. પ્રવૃત્તિ સતત ચાલતી જ હોય. ગંભીર કિસ્સાઓ આવતા જ હોય. અડધી રાત્રે પણ ઇમર્જન્સી માટે તૈયાર રહેવું પડે. કેટલીયે વાર પારિવારિક આનંદ પણ ઓમ સ્વાહા કરવો પડે. મહેફિલમાં બેઠા હોય ને હૉસ્પિટલથી ફોન આવે તો ભાગવું પડે. કામના પારાવાર પ્રેશર વચ્ચે ડૉક્ટરે પણ ફુરસદની પળો શોધતાં શીખી જવાનું હોય છે. ડૉ. વિવેક મનહર ટેલર કહે છે એવી સ્થિતિ પ્રત્યેક ડૉક્ટરને પ્રાપ્ત થાય એવી શુભેચ્છા...

બોર્ડ મારી હૉલિડેનું પાછો સૂતો સોમવાર

કેટલાં વર્ષો પછી ઊતર્યો છે એ હડતાળ પર!

ક્યા બાત હૈ

માણસ વિશે બસ આટલું સમજી શકાય છે

રીઝે છે જલદી જલદી, એ જલદી દુભાય છે

દુનિયા તો એ જ છે પણ અનુભવ અલગ થતાં

વાતાવરણ આ મનનું તરત ફેરવાય છે

એક વાક્ય, એક વિચાર, નજર તથા હાવભાવ

કંઈકેટલીયે રીતથી માણસ થવાય છે

બાળક શીખે છે ચાલતાં, પ્રારંભ છે એ બસ

પડશે એ કૈંકવાર તો માણસ થવાય છે

સંજોગ ને સ્વભાવ ચડ્યા હાથસાળ પર

તાણા ને વાણા થઈને આ માણસ વણાય છે

માણસનું એકલાનું વિચાર્યું ન કોઈએ

દુનિયાનો કારભાર બહુજનહિતાય છે

રોકું હું કોને, કોને બચાવું આ ખેલમાં?

વીંધાય એક, લક્ષ્ય બીજાનું સધાય છે

ગૌરવ જરાક રાખ, કરા રાખ દીનતા

આ પણ વાંચો : અમે હાલ્યા અનંતની સવારીએ

તારાથી છે જગત અને તારા વિનાય છે

- ડૉ. રઈશ મનીઆર

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK