અજવાળા અંધારા વચ્ચે

Updated: May 05, 2019, 13:36 IST | અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા | મુંબઈ

રમેશ શાહના આ શેર સાથે આજની મહેફિલમાં બે વ્યક્તિ, તત્વ, કે સંવેદનની વચ્ચેનો અવકાશ તપાસવાનો પ્રયાસ કરીએ.

ડાળીઓ ને પાન વચ્ચે જે સતત જળવાય છે

સાચવી લો, એ જ તો સંબંધ છે, શંકા નથી

ના મળ્યા ઘરમાં તમે તો રંજ એનો શો ભલા?

અહીં મળ્યા એ પણ ઋણાનુબંધ છે, શંકા નથી

રમેશ શાહના આ શેર સાથે આજની મહેફિલમાં બે વ્યક્તિ, તત્વ, કે સંવેદનની વચ્ચેનો અવકાશ તપાસવાનો પ્રયાસ કરીએ. સંબંધ અનેક સ્તર ઉપર રચાતો હોય છે. કુદરતની આ રમ્ય સૃષ્ટિમાં ધરતી અને આભનો સંબંધ જાણે જીવ અને શિવનો સંબંધ હોય એવું લાગે. શિવ અર્થાત્ ઈશ્વર કે દૈવી ચેતનાનો સ્પર્શ ન થાય ત્યાં સુધી પંડમાં જીવ પ્રવેશતો નથી. ગર્ભમાં પિંડ ઘડાતો હોય ત્યારે કઈ ક્ષણે એમાં જીવ ઉમેરાય છે એની ખબર પડતી નથી. એ જ રીતે દેહમાંથી જીવ કઈ રીતે ખસી જાય છે એ પણ નિરંતર સંશોધનનો વિષય રહ્યો છે. દેહ અને દુનિયા વચ્ચે જીવ નામનું અગોચર તત્વ સેતુ સાંધે છે. શ્યામ સાધુ મૃત્યુની મહત્તા કરે છે...

કલ્પના વચ્ચે ન જાણે શું હશે?

અર્થ વચ્ચે તો અગોચર નીકળ્યું!

જિંદગીના બોજને ઊંચકી લીધો

હા, મરણ સાચું સહોદર નીકળ્યું!

જિંદગી અને મરણની વચ્ચેનો સમય એક માયાજાળ રચે છે. એમાં સંબંધો સ્થપાય છે, વિખેરાય છે. શ્વાસની આવનજાવનમાં રચાતો ખેલો લૌકિક હોવા છતાં અલૌકિક છે. પ્રત્યેક જણ પોતપોતાની ભૂમિકા લઈને આવે. કેટલીક ભૂમિકા સમજાય તો કેટલીક વિશે કાયમ સંશય રહ્યા કરે. ભાવિન ગોપાણી સમસ્યા અને તારણ બન્ને આપે છે...

ન જોયું કોઈએ ધારણ કરેલા વસ્ત્રનું છિદ્ર?

હવે તો અંગ પણ એ છિદ્રથી જોતું થયું છે

ચલો વચ્ચેનો રસ્તો પણ હવે સંકેલી લઈએ

હતું જે આપણી વચ્ચે હતું - ન્હોતું થયું છે

બે જણ વચ્ચે સોનેરી સમય પસાર થતો હોય અને અચાનક કોઈ એવો વળાંક આવે કે આ સમય રાતોપીળો થઈ જાય. એ રતાશમાં કચાશ ઘોળાયેલી હોય. અપેક્ષાભંગ થયો હોય. પાત્રને જેવું ધાર્યું હોય એવું ન નીકળ્યું હોય. એક વ્ય્ક્ત માટે તમે વરસોનાં વરસો આપી દો અને એ જ વ્યક્તિ વહાલના બદલે વેદનાની વખરી આપે. આવું થાય ત્યારે લાગી આવે. આ હકીકત પડકારને પણ બંધબેસતી છે એવું મુકેશ જોશી કહે છે...

તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર

દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે

હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી

મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે

ખોટું લાગવું અને લાગી આવવું એ બન્નેમાં માત્રાનો ફરક છે. પીડા વકરે પછી દવા કરાવવા જઈએ એના કરતાં પ્રારંભિક તબક્કામાં જ એનું નિદાન થઈ જાય તો ઉત્તમ.

કેટલાંક રાજ્યોમાં જળની સમસ્યા ડોકાઈ રહી છે. ઉનાળો તોબા પોકારી રહ્યો છે ત્યારે કૂવાનાં નીર અને નદીઓનાં હીર ઓઝલ થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં પંદર તાલુકાઓ દુકાળગ્રસ્ત જાહેર થયા છે. ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં દસ ટકા તો કચ્છમાં માત્ર બે ટકા પાણીની સિલક બચી છે. જેમ શ્વેતક્રાંતિ થઈ એવી રીતે જળક્રાંતિની જરૂર છે. આગામી દાયકામાં પર્યાવરણનું રિસ્ક લઈને પણ નદીઓને જોડવા વિશે વિચાર કરવો પડશે. આર્થિક વ્યવહારો માટે જેમ સ્ટેટ બૅન્ક હોય એમ પાણી માટે વૉટર બૅન્ક ઊભી કરવી પડે તો પણ નવાઈ નહીં. દક્ષેશ કૉન્ટ્રાક્ટર ચાતકનજરે વાદળો તરફ જુએ છે...

રણની વચ્ચે છાંયપરી તલાશ લગાવી બેઠી છે

ગર્મ હવાઓ ઝંઝાજળની પ્યાસ લગાવી બેઠી છે

દૃશ્યોની સંદૂકમાંથી નીકળે છે કેવળ સન્નાટા

આંખો તોયે પગરવ ઉપર તાશ લગાવી બેઠી છે

શહેરોની હોટેલના ફ્લશમાં વેડફાતા પાણીને એ ખબર નથી હોતી કે ગામડાનું પાણિયારું કેટલું તરસ્યું છે. અસમાનતા માત્ર આર્થિક ક્ષેત્રે જ નથી, કુદરતી સંસાધનોની વહેંચણીમાં પણ જોવા મળે છે. અલ્ટામાઉન્ટ રોડ માટે ધારાવીની મુશ્કેલીઓ સમજવી બહુ મુશ્કેલ કાર્ય રહેવાનું. શાસકોએ જેટલી શક્તિ વિવાદમાં ખર્ચવી પડે છે એની અડધી શક્તિ પણ વિકાસમાં ખર્ચી શકે એવું વાતાવરણ સર્જા‍ય એ દેશ માટે હિતાવહ છે. ચૂંટણીનાં પરિણામોનું કાઉન્ટડાઉન શરૂ થવાનું છે ત્યારે ડૉ. કિશોર મોદી કહે છે એવું રાજકીય વાતાવરણ અત્યારે તો ટીવી ચૅનલો ઉપર અફળાઈ રહ્યું છે...

હું કહેતો હોઉં કંઇ, બોલી પડે તું

તો ઉભય વચ્ચે મતાંતર થ જવાનું

મતાંતર થાય એનો વાંધો નથી, પણ એમાંથી અંતે જે સાર નીકળે એનો વિચાર કરવાનો છે. કેટલીક વાર વિવાદમાં જ એટલાં વરસો વેડફાય કે સંવાદને પૅરૅલિસિસ થઈ જાય. જેમનો ઉકેલ લાવવો જ જોઈએ એવા પ્રશ્નો હુંસાતુંસીને કારણે હાંસિયામાં ધકેલાઈ જાય. આપણા દેશમાં જે કમી છે એ સાધનો કરતાં પણ વિશેષ સાધનાની છે. નિષ્ઠા હંમેશાં ટૂંકી પડે છે. સત્ય હંમેશાં ટૂંપાતું રહે છે. જે લોકો જેલમાં હોવા જોઈએ એ લોકો ગાદીએ બેઠા હોય ત્યારે દુ:ખ તો થવાનું. બકુલેશ દેસાઈ સત્યની હાલત વિશે લખે છે...

કાં વંધાશે, કાં શૂળી ઉપર ચડે

કોણ કેશે કે બજારું સત્ય છે?!

એ હશે દિવ્યાંગ કે લાચાર પણ

આપ્તજન વચ્ચે બિચારું સત્ય છે

સત્યનો જય થવો જોઈએ અને એ પણ સમયસર થવો જોઈએ. અસત્ય બે દાયકા રાજ કરે અને સત્યના ભાગે બે વરસ પણ ન આવે એવી સ્થિતિ પીડાદાયી છે. કેટલીક વાર સમાજ અને સમજ વચ્ચેનો ગાળો એટલો લંબાઈ જાય કે વચ્ચે બધું ખેદાનમેદાન થઈ ગયું હોય. નિનાદ અધ્યારુ કહે છે એવી પ્રતીતિ આત્મીય ઉન્નતિ માટે જરૂરી છે.

સાવ સહજ બસ ધ્યાન થયું છે

હોવું મ્યાન થયું છે

ધોળી-ધોળી વાછટ વચ્ચે

ભગવું-ભગવું ભાન થયું છે

આ પણ વાંચો :

ક્યા બાત હૈ

અજવાળા અંધારા વચ્ચે

શું જોયું ચમકારા વચ્ચે?

તારું પાક સ્મરણ હો કાયમ

પલકારા-ધબકારા વચ્ચે

ઇચ્છાઓ જીવી ગઈ આખર

હોંકારા-પડકારા વચ્ચે

શબ્દો સઘળા રઝળી ગયા

કાગળ ને હલકારા વચ્ચે

અત્તર માફક મહેકો છો તે

કોણ અડ્યું અંધારા વચ્ચે

સાન સમૂળી ખો બેઠાં

ભ્રમણા ને ભણકારા વચ્ચે

આ પણ વાંચો : કૉલમ: સમજદારી વધી શકે

ઇચ્છાઓએ માળો બાંધ્યો

તસ્બીહના બે પારા વચ્ચે - શબનમ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK