Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ફાંસીની સજાનો કાયદો ઘડવાથી બળાત્કાર અટકશે કે પછી સજા મળતી થશે એ પછી?

ફાંસીની સજાનો કાયદો ઘડવાથી બળાત્કાર અટકશે કે પછી સજા મળતી થશે એ પછી?

30 December, 2012 07:16 AM IST |

ફાંસીની સજાનો કાયદો ઘડવાથી બળાત્કાર અટકશે કે પછી સજા મળતી થશે એ પછી?

ફાંસીની સજાનો કાયદો ઘડવાથી બળાત્કાર અટકશે કે પછી સજા મળતી થશે એ પછી?




નો નૉન્સેન્સ - રમેશ ઓઝા

માણસ બે સંજોગોમાં ગુનો કરે છે : તે જ્યારે પોતાની જાત પરનો કાબૂ ગુમાવી બેસે ત્યારે અથવા ગુનો કર્યા પછી એનાં પરિણામોને કાબૂમાં લઈ શકવાની તેને ખાતરી હોય ત્યારે. પહેલા પ્રકારનો ગુનો કરનારને જગતનો કોઈ કાયદો રોકી શકતો નથી, કારણ કે તે ઇરાદાપૂર્વક ગુનો નથી કરતો અને પોતાની જાતને અપરાધ કરતાં રોકી નથી શકતો. માણસ જાત પરનો કાબૂ ગુમાવી બેસે એનાં અનેક આંતર-બાહ્ય કારણો હોય છે. આનાં કારણોની છણાવટ મનોવિજ્ઞાન અને સામાજિક મનોવિજ્ઞાન (સોશ્યલ સાઇકોલૉજી)નો વિષય છે. હજારો વર્ષ જૂની કૃષિઆધારિત સમાજ-વ્યવસ્થામાં ઘડાયેલું માનસ નવી ઔદ્યોગિક સમાજ-વ્યવસ્થા સાથે મેળ નથી પાડી શકતું અને પરિણામે તે તાણમાં જીવે છે એવો ખુલાસો મનોવિજ્ઞાનનો અભ્યાસ કરનારાઓ કરે છે. એમાં વળી વૈશ્વીકરણ પછી સામાજિક પરિવર્તનની ઝડપમાં અનેક ગણો વધારો થતાં એણે માનવ-વર્તન (હ્યુમન બિહેવિયર) વિશે હજી નવા પ્રશ્નો પેદા કર્યા છે.

કેટલાક માણસો ઇરાદાપૂર્વક ગુનો કરે છે. એનાં પરિણામોની તેમને જાણ હોય છે, પરંતુ તેમને સાચી કે ખોટી એવી ખાતરી હોય છે કે એનાં પરિણામોને મૅનેજ કરી લેશે. આ ખાતરી ક્યાંથી આવે છે? બે કારણે ગુનેગાર આવી ખાતરી ધરાવતો થાય છે. કેટલાક ગુનેગારોને પોતાની ચાલાકી પર ભરોસો હોય છે તો બીજા કેટલાક ગુનેગારોને આવી ખાતરી તે જે સમાજમાં રહે છે એ સમાજ ગુનેગાર સાથે કઈ રીતે કામ લે છે એના અનુભવના આધારે થાય છે. ગુનેગારોને સજા કરવામાં જે સમાજ ઊણો ઊતરતો હોય છે એ સમાજમાં ગુનેગારોનો આત્મવિશ્વાસ વધે અને પરિણામે ગુનાનું પ્રમાણ વધે એ સ્વાભાવિક છે. આ રાજ્યશાસ્ત્રનો, કાયદાશાસ્ત્રનો અને ગુનાશાસ્ત્ર (ક્રિમિનોલૉજી)નો વિષય છે. કેટલાક દેશો એવા પણ છે જ્યાં ગુનાની વ્યાખ્યા જ મધ્યકાલીન છે. જેમ કે કેટલાક મુસ્લિમ દેશોમાં સ્ત્રીઓની સુન્નતને ગુનો ગણવામાં નથી આવતો. અહીં આપણી ચર્ચાનો આ મુદ્દો નથી એટલે એની વાત જવા દઈએ.

અમેરિકા જેવા વિકસિત દેશોમાં પહેલા પ્રકારના એટલે કે માનસિક કાબૂ ગુમાવવાને કારણે થતા ગુનાઓનું પ્રમાણ વધારે છે. પખવાડિયા પહેલાં અમેરિકામાં એક સ્કૂલમાં બનેલી ગોળીબારની ઘટના આ પ્રકારની છે જેમાં ૨૦ બાળકો સહિત ૨૮ જણ માર્યા ગયા હતા. ભારતમાં બન્ને પ્રકારના ગુનાઓ થાય છે, પરંતુ બીજા પ્રકારના ગુનાઓનું પ્રમાણ વધારે છે. આપણે ત્યાં ગુનેગારો અભયારણ્યના પશુ જેવા છે. આપણી ચિંતાનો વિષય આ છે.

દિલ્હીમાં યુવતી પર થયેલા સામૂહિક બળાત્કારની ઘટના અને એ પછી પ્રગટ થયેલા જનાક્રોશને જરા સ્વસ્થતાથી સમજવાની જરૂર છે. એ ઘટના અક્ષરશ: રડાવનારી છે. લોકોનો આટલા મોટા પ્રમાણમાં રોષ ભભૂકી ઊઠે એ સ્વાભાવિક છે, પરંતુ આપણી નિસબત તો આવી ઘટના હવે પછી ન બને એ છે. સુરક્ષિત સમાજ જો આપણી નિસબત હોય તો અસુરક્ષાનાં કારણો સમજવાં પડશે અને વ્યવસ્થામાં જે ખામીઓ છે એને સુધારવી પડશે.

દિલ્હીની બળાત્કારની ઘટના બેકાબૂ વૃત્તિઓનું પરિણામ નથી, પરંતુ ગુનો કર્યા પછી એનાં પરિણામોને જોઈ લેવામાં આવશે એવી માનસિકતાનું પરિણામ છે. આ ખતરનાક મનોવૃત્તિ છે. દાયદાના રાજ્યને અને નાગરિક સમાજને આ પડકાર છે. આવી માનસિકતા એટલા માટે પેદા થઈ છે કે આપણે ગુનેગારોને સજા કરવામાં ઊણા ઊતર્યા છીએ. ૧૯મી સદીથી ચાલ્યા આવતા કેટલાક કાયદાઓમાં સુધારા જરૂરી છે. ઇન્ડિયન પીનલ કોડ, ઇન્ડિયન એવિડન્સ ઍક્ટ, જેલ મૅન્યુઅલમાં સુધારા, પોલીસ-સર્વિસમાં સુધારા વગેરે વિશે વરસોથી ઊહાપોહ થઈ રહ્યો છે; પરંતુ એમાં કોઈ પરિણામ આવ્યું નથી. કાયદાના રાજ્ય માટે એવી કોઈ ચીજ અજાણી નથી જેની દેશને જરૂર છે. કાયદા પંચ આવા કેટલાક મહત્વના સુધારા દાયકાઓથી સૂચવતું આવ્યું છે જેના પર ભાગ્યે જ અમલ થાય છે. આ ઉપરાંત દિલ્હી જેવી કોઈક વિકૃત ઘટના બને ત્યારે ખાસ અભ્યાસપંચ રચાય છે. આવાં ડઝનબંધ અભ્યાસપંચોના અહેવાલો મંત્રાલયોમાં ધૂળ ખાય છે. દિલ્હીની ઘટનામાં પોલીસ પર પસ્તાળ પડી રહી છે. પોલીસ પ્રજાના મિત્રની જગ્યાએ પ્રજાની દુશ્મન હોય એમ કેમ વર્તે છે? ભારત સરકારે નીમેલાં બબ્બે પોલીસપંચોએ આનો અભ્યાસ કર્યો છે અને એના ઉપાય પણ સૂચવ્યા છે. થયો છે એના પર અમલ?

ભારતીય જનતા પાર્ટીએ અને ખાસ કરીને વિરોધ પક્ષનાં નેતા સુષમા સ્વરાજે મહિલાઓ સાથે થતા અપરાધ વિશે ચર્ચા કરવા સંસદના ખાસ સત્રને બોલાવવાની માગણી કરી છે. તેઓ ઇચ્છે છે કે કાયદામાં સુધારો કરીને બળાત્કારીઓને ફાંસીની સજા કરવી જોઈએ. બીજા રાજકીય પક્ષોએ પણ આમાં સંમતિ બનાવી છે. આ એક ઢોંગ છે. સંસદના ટેબલ પર પડેલા ઉપર કહ્યા એવા એક ડઝન મહત્વના અહેવાલો પર નથી કોઈ પ્રશ્નો પૂછતું, નથી કોઈ ચર્ચા કરતું એમ નથી કાયદામાં સુધારા થતા. સ્ત્રીઓ વિશે ચિંતા વ્યક્ત કરનારા કેટલાક પક્ષ એવા છે જે લોકપ્રતિનિધિ ધારામાં સુધારો કરીને સંસદ અને વિધાસભામાં ૩૩ ટકા બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવાના ખરડાને પસાર થવા દેતા નથી. રાજ્યસભામાં દિલ્હીના બળાત્કાર પ્રકરણ પરની ચર્ચામાં ભાગ લેતાં સમાજવાદી પાર્ટીનાં સભ્ય જયા બચ્ચન રડી પડ્યાં હતાં. એ અભિનય નહોતો, સાચા હૃદયની લાગણી હતી. જયા બચ્ચનને જાણ હશે કે સ્ત્રીઓને ન્યાય અપાવનારા ખરડાનો તેમનો પક્ષ વિરોધ કરી રહ્યો છે. સોનિયા ગાંધી અને સુષમા સ્વરાજ શાસક પક્ષ અને મુખ્ય વિરોધ પક્ષનાં નેતા છે. તાજેતરમાં સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બન્ને પક્ષોએ સ્ત્રીઓને કેટલી બેઠકો આપી હતી? ૧૮૨ બેઠકોમાંથી એક ડઝન બેઠક પણ સ્ત્રીઓને આપવામાં નહોતી આવી.

બીજી સૌથી મહત્વની વાત. બળાત્કારીને ફાંસીની સજા કરવાનો કાયદો ઘડવામાત્રથી બળાત્કાર થતા અટકી જશે કે પછી બળાત્કારીને સજા મળતી થશે એ પછી રેપ અટકશે? ફોજદારી ગુનાઓમાં ખટલો ચલાવીને ગુનેગારને સજા કરવાનું પ્રમાણ ૨૦ ટકા કરતાં ઓછું છે. આપણને આપણા દેશને સભ્ય રાષ્ટ્ર તરીકે ઓળખાવતાં શરમ આવે એવી કંગાળ ન્યાયવ્યવસ્થા આપણે ત્યાં છે. આમાં પણ સ્ત્રીઓ સાથેના અપરાધોમાં તો આ પ્રમાણ હજી ઓછું છે. વરસોનાં વરસો સુધી ખટલાઓ ચાલતા રહે છે અને મોટા ભાગે ગુનેગારો છટકી જાય છે.  પ્રારંભમાં કહ્યું એમ કાયદાની ઐસીતૈસી અને ગુનો કર્યા પછી પરિણામોને જોઈ લેવાશે એમ માનનારા ગુનેગારો પશુ જેવી માનસિકતા ધરાવે છે અને આ દેશ તેમના માટે અભયારણ્ય જેવો છે.

પાંચેક વર્ષ પહેલાં બનેલી ઘટના યાદ આવે છે. મુંબઈના એક જાણીતા ઉદ્યોગપતિના પરિવારનો નબીરો બળાત્કારના ગુનામાં સંડોવાયેલો હતો. ઉદ્યોગપતિના પુત્ર સામે બળાત્કારની ફરિયાદ કરનાર સ્ત્રી ત્રણેક વર્ષથી ગાયબ છે. તે સ્ત્રીનું શું થયું હશે? તમે જે કલ્પના કરો એ સાચી હોવાની શક્યતા છે. ફરિયાદીને ગાયબ કરી શકાય છે. ફરિયાદીને ખરીદી શકાય છે. સાક્ષીઓને ફોડી શકાય છે. ફરિયાદી જો સ્ત્રી હોય તો તેના ચારિhય બાબતે ભરી અદાલતમાં પ્રશ્નો ઉઠાવી શકાય છે. એક કે બીજા બહાને ખટલાને ગૂંચવી શકાય છે. પોલીસ, નેતાઓ, વકીલો અને નીચલી અદાલતના ખાસ્સી મોટી સંખ્યામાં જજો સમર્થોને મદદ કરવા તત્પર છે. ગોસ્વામી તુલસીદાસ કહે છે એમ સમરથ કો નહીં દોષ ગુંસાઈ એમ સમરથ છૂટી જાય છે અથવા ગુનેગાર પુરવાર થયા વિના જિંદગી વિતાવી દે છે.

મને સમજ નથી પડતી કે દેશના ભવિષ્યની ચિંતા કરનારાઓ મૂળભૂત સમસ્યા પર આંગળી કેમ નથી મૂકતા. મૂળભૂત સમસ્યા લકવાગ્રસ્ત ન્યાયવ્યવસ્થા છે. જંતરમંતર પર ભેગા થનારાઓ એવી માગણી કેમ નથી કરતા કે અમને સુદૃઢ ન્યાયવ્યવસ્થા જોઈએ છે જેથી અભયારણ્યનો અંત આવે. રાજકીય પક્ષોને એકબીજા પર દોષારોપણમાં કરવામાં જ રસ હોય છે એટલે એમની પાસેથી અપેક્ષા રાખવી નકામી છે. સિવિલ સોસાયટીના નેતાઓ હવે રાજકારણી બની ગયા છે એટલું જ નહીં, તેઓ પણ ટિપિકલ રાજકારણી બની રહ્યા છે એટલે તેમની પાસેથી અપેક્ષા રાખવી પણ નકામી છે. બાકી બચે છે એવા લોકો જેમનો કોઈ અંગત સ્વાર્થ નથી. આ સંખ્યા ખાસ્સી મોટી છે, પરંતુ તેમને પ્રશ્નો એના દરેક પરિપ્રેક્ષ્યમાં સમજાતા નથી. ઠગ તેમના ભોળપણનો લાભ લે છે. બાબા રામદેવે પહેલાં બસો-ત્રણસો અનુયાયીઓને આંદોલનકારી તરીકે મોકલ્યા હતા. એ પછી તેમણે પ્રવેશ કર્યો. પેલા અનુયાયીઓએ બાબાની જે બોલાવીને માઇક હાથમાં આપી દીધું. એ પછી જે થયું એ આપ જાણો છો.       

ખરી સમસ્યા કાયદાના અમલની

જેમનો કોઈ અંગત સ્વાર્થ નથી એવા સામાન્ય વાચકોને મારે એક જ વાત કરવી છે : ભાઈ, સમસ્યા કાયદાના સારા-નરસાપણાની નથી, એના અમલની છે. સમસ્યા ન્યાયતંત્રની છે. કાયદાનું રાજ્ય આખેઆખું લકવાગ્રસ્ત છે. આપણી આગેવાની કરનારા નેતાઓનો આ લકવાગ્રસ્ત વ્યવસ્થામાં સ્વાર્થ છે. સક્ષમ ન્યાયવ્યવસ્થા તેમને કોઈને નથી જોઈતી. પોતાના પગ પર કુહાડો મારે એવા તે મૂરખ નથી. એક બીજી વાત પણ નોંધી લો. ૯૦ સફળ માણસો લકવાગ્રસ્સ્ત વ્યવસ્થાનો દુરુપયોગ કરીને સફળ નીવડ્યા હોય છે એટલે એ વ્યવસ્થા જળવાઈ રહે એમાં તેમનો સ્વાર્થ હોય છે અને એમાં મિડિયા પોતે તેમ જ મિડિયામાં કેટલાક તારસ્વરે ઊહાપોહ કરનારાઓનો પણ સમાવેશ થાય છે. જે દિવસે તમે મૂળ સમસ્યા પર આંગળી મૂકશો અને વિચલિત થયા વિના એને વળગી રહેશો એ દિવસે પરિવર્તન થશે.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2012 07:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK