નરેન્દ્ર મોદી માટે દિલ્હી ઘણું દૂર છે

Published: 30th December, 2012 06:59 IST

૨૦૧૪માં મોદી બીજેપીના સવોર્ચ્ચ નેતા હોય, રાહુલ ગાંધી કરતાં વધુ લોકપ્રિય હોય ને દેશમાં કૉન્ગ્રેસવિરોધી જુવાળ હોય તો પણ સરકાર રચવા જરૂરી ૨૭૨નો આંકડો મેળવવો બહુ મુશ્કેલ છે : એ માટે મમતા, માયાવતી, નીતીશકુમાર અને ચંદ્રાબાબુનો ટેકો જોઈએ જે ભાગ્યે જ મળી શકેનરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ચોથી વખત પદ ગ્રહણ કર્યું છે. તેમનો રાજ્યાભિષેક રાજા-મહારાજાના રાજ્યાભિષેકની યાદ અપાવે એવો હતો. હજી હમણાં સુધી સોગંદવિધિ રાજભવનમાં થતી હતી. કદાચ જયલલિતા દેશનાં પહેલાં મુખ્ય પ્રધાન હતાં જેમણે જાહેર સ્થળે લોકોની હાજરીમાં તામિલનાડુનાં મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લીધા હતા. એ પછી ૧૯૯૫માં મહારાષ્ટ્રમાં પહેલી વાર શિવસેના અને બીજેપીની સરકાર રચાઈ ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન મનોહર જોશીએ શિવાજી પાર્કમાં જનમેદની વચ્ચે સોગંદ લીધા હતા. શપથગ્રહણની શુદ્ધ બંધારણીય જરૂરિયાતને રાજ્યારોહણનું સ્વરૂપ આપવાની આ પરિપાટી દોઢ દાયકા જૂની છે અને નરેન્દ્ર મોદીએ એને અનુસરી છે. રાજાશાહી અને સામંતશાહી માટેનું રાજકર્તાઓમાં અને પ્રજાના મનમાં રહેલું આકર્ષણ આમાં ડોકિયાં કરે છે.

એટલું સારું છે કે હજી સુધી કેન્દ્રમાં આ રિવાજ શરૂ થયો નથી. વડા પ્રધાન રાષ્ટ્રપતિભવનમાં જ શપથગ્રહણ કરે છે. કદાચ નરેન્દ્ર મોદી જો ભારતના વડા પ્રધાન બનશે તો તેઓ રામલીલા મેદાનમાં શપથ લેવાની ચાલ શરૂ કરશે. તેમની આત્મરતિ જોતાં આવું થાય તો આશ્ચર્ય નહીં પામતા.

બીજેપીના સર્વમાન્ય નેતા અટલ બિહારી વાજપેયી નિવૃત્ત થયા પછી નરેન્દ્ર મોદીએ દિલ્હી ભણી કૂચ આરંભી દીધી હતી. તેમની ગણતરી પાકી છે. તેઓ જાણે છે કે બીજેપીમાં રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વનો શૂન્યાવકાશ છે. બીજેપીમાં રાષ્ટ્રીય સ્તરે એવો એક પણ નેતા નથી જે વ્યાપક જનાધાર ધરાવતો હોય. ગુજરાતના સર્વમાન્ય નેતા બનવું એ નરેન્દ્ર મોદીના રાજકારણનો પહેલો પડાવ હતો. મોદીને આમાં સફળતા મળી છે. બીજેપી પર કબજો કરવો એ નરેન્દ્ર મોદીના રાજકારણનો બીજો પડાવ છે. મારી એવી ધારણા છે કે મોદી બીજા પડાવમાં પણ સફળ થશે. નરેન્દ્ર મોદીના રાજ્યાભિષેક વખતે આવા સંકેત મળવા લાગ્યા હતા. પક્ષ અંતર્ગત વિરોધીઓને પરાસ્ત કર્યા પછી અને પક્ષ પર કબજો જમાવ્યા પછી વડા પ્રધાન બનવું એ મોદીના રાજકારણનો ત્રીજો પડાવ હશે. બીજેપી સિવાયના એનડીએના અન્ય ઘટક પક્ષોનો તેમને ટેકો છે એ બતાવવા તેમણે એ પક્ષોના નેતાઓને ગુજરાત બોલાવ્યા હતા. બધી જ યોજના ગણતરીપૂર્વકની હતી. એક પછી એક રસ્તો ખોલવાની રાજનીતિ તેઓ રમી રહ્યા છે.

નરેન્દ્ર મોદીના રાજ્યારોહણના સમારંભમાં કયાં રાજ્યોના કયા પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા અને કયા રાજ્યના કયા પક્ષના નેતાઓ ગેરહાજર રહ્યા હતા એના પર એકસાથે નજર કરવા જેવી છે. આના દ્વારા મોદી માટે કેટલી અનુકૂળતા છે અને કેટલી પ્રતિકૂળતા છે એનો ખ્યાલ આવશે.

નરેન્દ્ર મોદીના રાજ્યારોહણમાં એ પક્ષોના નેતાઓ જ હાજર રહ્યા હતા જ્યાં બીજેપી અને એના સહયોગી પક્ષની કૉન્ગ્રેસ સાથે સીધી લડાઈ છે. નરેન્દ્ર મોદીના રાજ્યારોહણમાં એ પક્ષોના નેતાઓ ગેરહાજર હતા જ્યાં બીજેપી અને એના સહયોગી પક્ષ ઉપરાંત કૉન્ગ્રેસ સહિત અન્ય પક્ષો અસ્તિત્વ ધરાવે છે અને એ બધા આપસમાં લડી રહ્યા છે. જેમ કે પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલે રાજ્યારોહણમાં હાજરી આપી હતી, કારણ કે પંજાબમાં અકાલી દળ અને બીજેપી એક તરફ અને કૉન્ગ્રેસ બીજી તરફ એવો સીધો મુકાબલો છે. મોદીના રાજ્યારોહણમાં હરિયાણાના ઓમ પ્રકાશ ચૌટાલાએ હાજરી આપી હતી, કારણ કે હરિયાણામાં ત્રણ જ પક્ષ અસ્તિત્વ ધરાવે છે. મોદીના રાજ્યારોહણમાં જયલલિતાએ હાજરી આપી હતી, કારણ કે તામિલનાડુમાં અન્ના દ્રમુક અને દ્રમુક વચ્ચે સીધો મુકાબલો છે. તામિલનાડુમાં કૉન્ગ્રેસની મર્યાદિત હાજરી છે અને બીજેપીનું જરા પણ અસ્તિત્વ નથી. મોદીના રાજ્યારોહણમાં મહારાષ્ટ્રમાંથી શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરેએ હાજરી આપી હતી. મહારાષ્ટ્રમાં પણ શિવસેના-બીજેપી એક તરફ અને કૉન્ગ્રેસ બીજી તરફ એવો સીધો મુકાબલો છે. રાજ ઠાકરેએ એટલા માટે હાજરી આપી હતી કે તેઓ બીજેપીના સહયોગી પક્ષ તરીકે શિવસેનાનું સ્થાન લેવા માગે છે.

બીજી બાજુ નરેન્દ્ર મોદીના રાજ્યાભિષેકમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે હાજરી નહોતી આપી. આનું કારણ નીતીશકુમારના મનમાં મોદી માટેની અસૂયા છે એવું નથી. સાચું કારણ એ છે કે બિહારમાં બીજેપી, જનતા દળ યુનાઇટેડ ઉપરાંત લાલુ પ્રસાદ યાદવ અને રામ વિલાસ પાસવાનના પક્ષો અસ્તિત્વ ધરાવે છે. મોદીના રાજ્યારોહણમાં આંધ્ર પ્રદેશના તેલગુ દેસમ પક્ષના નેતા ચંદ્રાબાબુ નાયડુએ હાજરી નહોતી આપી, કારણ કે આંધ્રમાં તેલુગુ દેસમ પાર્ટી અને કૉન્ગ્રેસ ઉપરાત જગન મોહન રેડ્ડીની વાયઆરએસ કૉન્ગ્રેસ તેમ જ કે. ચંદ્રશેખરની તેલંગણા રાષ્ટ્રસમિતિ નામનાં બે સબળ રાજકીય પરિબળ અસ્તિત્વ ધરાવે છે.

જે રાજ્યમાં કૉન્ગ્રેસ સહિત ત્રણ જ પક્ષ અસ્તિત્વ ધરાવતા હોય એવા પ્રાદેશિક પક્ષના નેતાને મોદી પરવડે અને જે રાજ્યમાં ત્રણથી વધુ રાજકીય પક્ષ અસ્તિત્વ ધરાવતા હોય એવા પ્રાદેશિક પક્ષને મોદી ન પરવડે એનું શું રહસ્ય છે એવો પ્રશ્ન ઉપસ્થિત થવો સ્વાભાવિક છે. આનો ઉત્તર મુસ્લિમ પરિબળ છે. ડાબેરીઓને છોડીને કોઈ રાજકીય પક્ષ અને એના નેતાઓ એકનિષ્ઠ સેક્યુલર નથી. તેમનો બીજેપી અને મોદી સાથેનો સંબંધ કે આભડછેટ શુદ્ધ રાજકીય જરૂરિયાત પર આધારિત છે. હા, એટલું ખરું કે બીજેપીની માફક તેઓ કોમવાદી એજન્ડા નથી ધરાવતા અને એ ઘણી મોટી વાત છે. સત્તા માટે તેઓ રાજકીય સમાધાનો કરે છે અને સત્તાના રાજકારણમાં આ બધું સ્વાભાવિક છે.

જે રાજ્યમાં ત્રણ જ રાજકીય પક્ષ અસ્તિત્વ ધરાવે છે એ રાજ્યના પ્રાદેશિક પક્ષને બીજેપી સાથે હાથ મિલાવવામાં ફાયદો છે. જો બીજેપી સાથે હાથ ન મિલાવે તો હિન્દુ મત ત્રણ ભાગમાં વહેંચાઈ જાય. જો બીજેપી સાથે હાથ મિલાવે તો હિન્દુ મત બે જ ભાગમાં વહેંચાય અને એ ઉપરાંત બીજેપીના હિન્દુત્વવાદી મત મળે એ વધારામાં. જો પોતાના રાજ્યમાં હિન્દુ મત ફક્ત બે જ હિસ્સામાં વહેંચાતા હોય તો તેમને મુસ્લિમ મતની ખોટ પરવડી શકે. તેઓ જેટલા મુસ્લિમ મત ગુમાવે એના કરતાં વધુ હિન્દુ મત મેળવે એ તેમની સીધીસાદી ગણતરી છે. બીજી બાજુ જે રાજ્યોમાં ત્રણ કરતાં વધુ રાજકીય પક્ષ અસ્તિત્વ ધરાવતા હોય તેમને મુસ્લિમ મત ગુમાવવા ન પરવડે, કારણ કે હિન્દુ મત ત્રણ કરતાં વધુ હિસ્સામાં વહેંચાઈ જતા હોય છે. ટૂંકમાં, ભારતનાં કેટલાંક રાજ્યોના પ્રાદેશિક પક્ષોને બીજેપી સાથે હાથ મિલાવીને મુસ્લિમ મત ગુમાવવા પરવડે છે અને બીજાં કેટલાંક રાજ્યોના પ્રાદેશિક પક્ષોના નેતાઓને મુસ્લિમ મત ગુમાવવા નથી પરવડતા. જે-તે રાજ્યમાં કેટલા રાજકીય પક્ષો છે અને કેટલી મુસ્લિમ વસ્તી છે એના પર આ મતનું રાજકારણ આધાર રાખે છે.

હવે આ લેખ સાથેના બૉક્સમાં થોડાક આકડાંઓ પર નજર નાખો.

એમાં બચુકલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૨૧ બેઠકોને ગણતરીમાં લીધી નથી અને એની જરૂર પણ નથી.

હવે ઉપરની થિયરી મુજબ જે રાજ્યોના પ્રાદેશિક પક્ષોને બીજેપી અને નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવવો પરવડે એવાં રાજ્યોની સંખ્યા સાત છે અને એની બેઠકસંખ્યા ૧૩૫ છે. આમાંથી ઓડિશાના મુખ્ય પ્રધાન બીજેપીથી અને નરેન્દ્ર મોદીથી પોતાને દૂર રાખે છે. મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને શિવસેના હાથ મિલાવશે કે અલગ-અલગ લડશે એ નિશ્ચિત નથી. જો અલગ-અલગ લડશે અને ત્રણના ચાર પક્ષ થશે તો બીજેપીને માર પડશે. કર્ણાટકમાં યેદીયુરપ્પા બીજેપીને નુકસાન પહોંચાડશે. સો ટકા નરેન્દ્ર મોદીને ટેકો આપે એવાં પાંચ રાજ્યો છે અને એની બેઠકસંખ્યા કેવળ ૮૭ થાય છે. આ ૮૭ બેઠકોમાંથી કૉન્ગ્રેસ ભાગ પડાવે એ અલગ. જે રાજ્યોમાં માત્ર બે જ પક્ષો છે - બીજેપી અને કૉન્ગ્રેસ અને જ્યાં બે પક્ષો વચ્ચે સીધી લડાઈ છે એવાં સાત રાજ્યો છે અને એની બેઠકસંખ્યા ૧૦૭ છે. આમાંથી પણ કૉન્ગ્રેસ ભાગ પડાવે એ અલગ.

હવે માની લઈએ કે ૨૦૧૪માં નરેન્દ્ર મોદી બીજેપીના સર્વોચ્ચ નેતા છે, લોકપ્રિયતામાં રાહુલ ગાંધી કરતાં ક્યાંય આગળ છે અને દેશમાં કૉન્ગ્રેસવિરોધી જુવાળ છે તો શું થાય? જ્યાં કૉન્ગ્રેસ અને બીજેપીની સીધી લડાઈ છે એવાં સાત રાજ્યોની ૧૦૭ બેઠકોમાંથી

એક-તૃતીયાંશ એટલે કે ૭૦ બેઠક આપણે બીજેપીને આપી દઈએ. નરેન્દ્ર મોદી સામે પરહેજ ન હોઈ શકે એવાં ત્રિપક્ષીય રાજ્યોની કુલ ૧૩૫ બેઠકોમાંથી એક-તૃતીયાંશથી વધુ ૮૦ બેઠકો આપી દઈએ તો ૧૫૦ બેઠક મળે. આમાં પણ ઓડિશાના બિજુ જનતા દળના નેતા નવીન પટનાયક મોદીને ટેકો આપે કે કેમ એ એક પ્રશ્ન છે. અન્ય રાજ્યોમાંની બીજેપીની ૫૦ બેઠક ઉમેરીએ તો આંકડો ૨૦૦ સુધી પહોંચે. સરકાર રચવા માટે જરૂરી ૨૭૨ બેઠકોમાં ૭૨ બેઠક ઓછી પડે. આ ૭૨ બેઠક જોઈતી હોય તો મમતા બૅનરજી, માયાવતી, નીતીશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુનો ટેકો જોઈએ અને એ નરેન્દ્ર મોદીને ભાગ્યે જ મળે. આ એવાં રાજ્યો છે જ્યાં ત્રણ કરતાં વધુ પક્ષો છે અને ત્યાંના પ્રાદેશિક પક્ષો મુસ્લિમ મતોની ઉપેક્ષા ન કરી શકે.

ભારતીય રાજકારણની આ વાસ્તવિકતા છે. આ સ્થિતિમાં નરેન્દ્ર મોદી પાસે બે જ વિકલ્પ બચે છે. કાં તો તેમણે અટલ બિહારી વાજપેયીનો અવતાર ધારણ કરવો પડે અને કાં પ્રાદેશિક પક્ષો ક્ષીણ થાય, દેશનું રાજકારણ દ્વિપક્ષી થાય અને મિશ્ર સરકારનો યુગ પૂરો થાય ત્યાં સુધી રાહ જોવી પડે. પહેલો વિકલ્પ નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ જોતાં તેમના માટે હાથવગો નથી અને બીજા વિકલ્પ માટે કેટલા દાયકા રાહ જોવી પડે એ અડસટ્ટાનો વિષય છે.

નક્કર વાસ્તવિકતાનો અભ્યાસ એમ કહે છે કે નરેન્દ્ર મોદી માટે દિલ્હી ઘણું દૂર છે.                             

નાનકડું દેશાટનરાજ્ય

બેઠકસંખ્યા

રાજકીય પક્ષોની સંખ્યા

જમ્મુ અને કાશ્મીર

પંજાબ

૧૩

હિમાચલ પ્રદેશ

ઉત્તરાખંડ

હરિયાણા

૧૦

દિલ્હી

રાજસ્થાન

૨૫

મધ્ય પ્રદેશ

૨૯

છત્તીસગઢ

૧૧

ગુજરાત

૨૬

મહારાષ્ટ્ર

૪૮

૩ (એમએનએસ ઉમેરાતાં હવે ચાર)

કર્ણાટક

૨૮

૩ (યેદીયુરપ્પાનો પક્ષ ઉમેરાતાં હવે ચાર)

આંધ્ર પ્રદેશ

૪૨

તામિલનાડુ

૩૯

કેરળ

૨૦

૨ (અહીં કોઈ મોટો પ્રાદેશિક પક્ષ નથી)

ઓડિશા

૨૧

પશ્ચિમબંગ

૪૨

ઉત્તર પ્રદેશ

૮૦

બિહાર

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK