Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > કાર્બન ડાયોક્સાઇડનાં વાદળાં અને સ્પેસ-જન્ક સૅટેલાઇટ માટે કઈ રીતે જોખમી બની રહ્યાં છે?

કાર્બન ડાયોક્સાઇડનાં વાદળાં અને સ્પેસ-જન્ક સૅટેલાઇટ માટે કઈ રીતે જોખમી બની રહ્યાં છે?

30 December, 2012 06:49 AM IST |

કાર્બન ડાયોક્સાઇડનાં વાદળાં અને સ્પેસ-જન્ક સૅટેલાઇટ માટે કઈ રીતે જોખમી બની રહ્યાં છે?

 કાર્બન ડાયોક્સાઇડનાં વાદળાં અને સ્પેસ-જન્ક સૅટેલાઇટ માટે કઈ રીતે જોખમી બની રહ્યાં છે?




સાયન્સ પ્લીઝ - જગદીશચંદ્ર ભટ્ટ



ભારત સહિત જગતભરમાં વધી રહેલા શહેરીકરણથી અને ઔદ્યોગિક વિકાસથી સામાન્ય લોકોની સુવિધામાં જરૂર વધારો થઈ રહ્યો છે, પરંતુ એ વિકાસની સાથોસાથ વિકરાળ સમસ્યાઓ પણ વધી રહી છે. આજે વિશ્વ સમક્ષ સૌથી મોટી અને મૂંઝવતી સમસ્યા છે કાર્બન ડાયોક્સાઇડનું સતત વધી રહેલું પ્રમાણ. હમણાં જે ન્યુઝ વહેતા થયા છે એ સમસ્ત માનવજાત ઉપરાંત અંતરીક્ષ વિશે સંશોધન કરતી જગતભરની સંસ્થાઓ માટે પણ બહુ ચિંતાજનક બની શકે એવા છે. કાર્બન ડાયોક્સાઇડના સતત વધતા જતા પ્રમાણને કારણે પૃથ્વીનો ગોળો તો ગરમ થઈ જ રહ્યો છે, પરંતુ આ જ કાર્બન ડાયોક્સાઇડને કારણે અધ્ધર આકાશમાં પણ કચરો વધુ જમા થઈ રહ્યો છે. આકાશી કચરાને ખગોળશાસ્ત્રની ભાષામાં સ્પેસ જન્ક કહેવાય છે.



‘જર્નલ નેચર જીઓસાયન્સ’ નામના મૅગેઝિનમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ કાર્બન ડાયોક્સાઇડના સતત વધી રહેલા પ્રમાણને કારણે પૃથ્વીના અપર લેવલ એટલે કે પૃથ્વીના ઉપરના વાતાવરણના હિસ્સામાં મેન-મેડ સ્પેસ જન્ક (માનવકૃત કચરો)નું પ્રમાણ પણ વધતું જાય છે. વધુ ને વધુ આકાશી કચરો જમા થતો જાય છે. આવા સ્પેસ જન્કને કારણે અંતરીક્ષ સંશોધન કરતી સંસ્થાઓના કાર્યક્રમોમાં મોટો અને ચિંતાજનક વિક્ષેપ તો પડે જ, સાથોસાથ અવકાશમાં તરતી સૅટેલાઇટ્સના અકસ્માતો પણ થાય. આવા સ્પેસ-ઍક્સિડન્ટ્સ ખરેખર બહુ ગંભીર હોય અને પરિણામે આકાશ પણ ગંદું-ગોબરું થઈ જાય.


જોકે કાર્બન ડાયોક્સાઇડના વધતા જતા પ્રમાણને કારણે સ્પેસ જન્ક કઈ રીતે વધે, કઈ રીતે સ્થિર થઈ જાય અને આકાશમાં તરતી સૅટેલાઇટ્સના અકસ્માતો કઈ રીતે થાય એની વિગતો જાણવા જેવી છે.

ખગોળશાસ્ત્રના નિયમ મુજબ આકાશના વિવિધ હિસ્સા નિશ્ચિત કરવામાં આવ્યા છે. (૧) પૃથ્વીથી ૧૫ કિલોમીટર સુધીના હિસ્સાને ટ્રૉપોસ્ફિયર કહેવાય છે, જેનું ટેમ્પરેચર માઇનસ ૫૦થી ૬૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. (૨) ૧૫થી ૫૦ કિલોમીટરના પટ્ટાને સ્ટ્રેટસસ્ફિયર કહેવાય છે, જેનું તાપમાન ૮૦ ડિગ્રી સેલ્સિયસ હોય છે. (૩) ૫૦થી ૧૧૦ કિલોમીટરના પટ્ટાને મેઝોસ્ફિયર કહેવાય છે, જેનું ટેમ્પરેચર માઇનસ ૭૦થી ૮૦ ડિગ્રી હોય છે. (૪) ૧૧૦થી ૫૦૦ કિલોમીટરના હિસ્સાને થમોર્સ્ફિયર કહેવાય છે, જેનું તાપમાન ૧૦૦૦થી ૧૨૦૦ ડિગ્રી જેટલું અતિ ધગધગતું હોય છે. (૫) ૫૦૦થી ૩૦૦૦ કિલોમીટરના હિસ્સાને આયનોસ્ફિયર કહેવાય છે, જેનું ટેમ્પરેચર ૧૨૦૦ ડિગ્રી કરતાં પણ ઘણું વધુ હોય છે. (૬) ૩૦૦૦થી ૫૦,૦૦૦ કિલોમીટરના પટ્ટાને પ્લાઝમાસ્ફિયર કહેવાય છે, જેનું ટેમ્પરેચર હજારો ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊકળતું હોય છે.

ગગનના આ બધા હિસ્સાના અંતરને અને એના ઉષ્ણતામાનને નજરમાં રાખીને ભારત સહિત વિશ્વભરની અંતરીક્ષ સંશોધન કરતી સંસ્થાઓ એની વિવિધ હેતુઓ માટેની સૅટેલાઇટ્સ અને સ્પેસ-સ્ટેશન્સ આકાશમાં ૩૦૦થી ૧૫૦૦ કિલોમીટરના સલામત અંતરે તરતાં મૂકે છે. આમ છતાં કાર્બન ડાયોક્સાઇડનાં ઝેરી વાદળાંઓએ અંતરીક્ષના આ સલામત ગણાતા હિસ્સાને પણ જોખમી બનાવી દીધો છે.

સમગ્ર વિશ્વમાં જે રીતે શહેરીકરણ અને ઔદ્યોગિક વિકાસ સતત વધી રહ્યાં છે એના પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સુધ્ધાં ચિંતાજનક રીતે વધી રહ્યું છે. એને પગલે માનવઆરોગ્યની અનેક ગંભીર સમસ્યાઓ વધી અને વકરી રહી છે. લોકોને શ્વાસની તકલીફ, આંખોમાં બળતરા, ચામડીના રોગથી લઈને ખાંસી અને અસ્થમા જેવી બીમારીઓ થાય છે. વાત આટલેથી અટકતી નથી. કાર્બન ડાયોક્સાઇડનાં ઝેરી અને ગરમ વાદળાંઓએ ફક્ત માનવજાતના જ નહીં, વિશાળ જીવસૃષ્ટિના આ સુંદર અને સલામત ઘરરૂપી પૃથ્વીના વિરાટ ગોળાને પણ ગરમ કરી નાખ્યો છે. પૃથ્વીનું ટેમ્પરેચર તો દિન-પ્રતિદિન વધી જ રહ્યું છે, એની ગંભીર આડઅસર છેક અંતરીક્ષમાં પણ થઈ રહી છે.

‘જર્નલ નેચર જીઓસાયન્સ’માં રજૂ થયેલા અભ્યાસની વિગતો કહે છે કે પૃથ્વી પરના કાર્બન ડાયોક્સાઇડનાં વિશાળ વાદળાંઓ આકાશમાં ધીમે-ધીમે ઉપર જઈને છેક ૩૦૦ કિલોમીટરના થમોર્સ્ફિયરના પટ્ટા સુધી પહોંચી જાય છે. ન માની શકાય એવી બાબત તો એ છે કે કાર્બન ડાયોક્સાઇડનાં વાદળાંઓ આટલા અંતરે જઈને ગોળ-ગોળ ઘૂમવા માંડે અને થમોર્સ્ફિયરના આખા હિસ્સાને ગંદો-ગોબરો અને જોખમી કરી નાખે. નિષ્ણાત ખગોળવિજ્ઞાનીઓના કહેવા મુજબ પૃથ્વીના પટને ગરમ કરતાં કાર્બન ડાયોક્સાઇડનાં વાદળો આકાશમાં જેમ-જેમ ઉપર ચડતાં જાય એમ ઠંડાં પડતાં જાય. હવે થમોર્સ્ફિયરના પટ્ટાના ૧૦૦૦થી ૧૨૦૦ ડિગ્રી સેલ્સિયસ જેટલા ધગધગતા તાપમાનમાં કાર્બન ડાયોક્સાઇડનાં ઠંડાં વાદળાંઓ એકઠાં થઈ જાય એટલે ત્યાં કુદરતી પ્રક્રિયા થાય. વિજ્ઞાનના નિયમ મુજબ કોઈ પણ ગરમ પદાર્થ પર ઠંડું પાણી રેડવામાં આવે તો એ પદાર્થમાં તરત જ સંકોચનની પ્રક્રિયા થાય અને કોઈ પણ ઠંડા પદાર્થ પર ગરમ પાણી રેડવામાં આવે તો એ પદાર્થ તરત જ ફૂલે. આ નિયમ મુજબ કાર્બન ડાયોક્સાઇડનાં ઠંડાં વાદળાંઓને કારણે થમોર્સ્ફિયરના ગરમ પટ્ટામાં પણ સંકોચનની પ્રક્રિયા થાય જેની સીધી ઇફેક્ટ પેલી સૅટેલાઇટ્સ અને સ્પેસ-સ્ટેશન પર પડે. એટલે વિશાળ ગગનમાં મુક્ત રીતે પોતાની નિશ્ચિત ભ્રમણકક્ષામાં તરતી સૅટેલાઇટ્સ અને સ્પેસ-સ્ટેશનની ગતિમાં અવરોધ સર્જાય, થોડાંક પાછાં ખેંચાય. એક ઉદાહરણ લઈએ. સ્પીડમાં દોડતી કારમાં બેઠેલો માણસ તેનો હાથ બારીમાંથી બહાર કાઢે તો એ હાથ કારની ગતિની વિરુદ્ધ દિશામાં થોડોક પાછો ખેંચાશે. અંતરીક્ષમાં પણ બરાબર આવી જ પરિસ્થિતિ સર્જાય. પરિણામે સૅટેલાઇટ કે સ્પેસ-સ્ટેશનની ઑર્બિટમાં પણ ફેરફાર થઈ જાય અને અમુક અંશે પૃથ્વી નજીક આવી જાય. સૅટેલાઇટ કે સ્પેસ-સ્ટેશન માટે આ પ્રકારની પરિસ્થિતિ ભારે જોખમી બની જાય અને આકાશમાં ગંભીર અકસ્માત થઈ શકે.

નિષ્ણાત ઍસ્ટ્રોનૉમર્સના મતે કાર્બન ડાયોક્સાઇડનાં ઠંડાં વાદળાંઓ આકાશના આ સલામત હિસ્સામાં તરતા સ્પેસ જન્કની લાઇફ વધારી દે છે. નકામી બની ગયેલી કે તૂટી ગયેલી સૅટેલાઇટના નાના-નાના સ્પેરપાટ્ર્સ અંતરીક્ષમાં ૩૦૦થી ૧૫૦૦ કિલોમીટરના પટ્ટામાં તરતા હોય એને સ્પેસ જન્ક કહેવાય છે. ખરેખર તો આકાશના આ ઊકળતા ભાગમાં તરતો સ્પેસ જન્ક ધીમે-ધીમે બળીને ખાખ થઈ જાય એને બદલે કાર્બન ડાયોક્સાઇડનાં ઠંડાં વાદળાંઓને કારણે લાંબો સમય સુધી રહે અને અમુક-અમુક જગ્યાએ જમા પણ થતો જાય. પરિણામે આ જ વિસ્તારમાં તરતી સૅટેલાઇટ કે સ્પેસ-સ્ટેશનની ભ્રમણકક્ષામાં અંતરાય સર્જાય અને ગંભીર ઍક્સિડન્ટ થાય, અંતરીક્ષની અથડામણોમાં વધારો થાય. કરોડો-અબજો રૂપિયાના ખર્ચે અને ખાસ પ્રકારના અંતરીક્ષ સંશોધનના હેતુ માટે બનાવવામાં આવેલી સૅટેલાઇટ અને સ્પેસ-સ્ટેશનના સ્પેસ જન્ક (આકાશી કચરો)ને કારણે ગંભીર અકસ્માત થાય તો જે-તે દેશને કેટલું નુકસાન થાય એ સમજી શકાય એવી બાબત છે.            

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2012 06:49 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK