Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ઈશ્વરે આડાં બનાવેલાં પ્રાણીઓ સીધાં ચાલે છે, પણ સીધો બનાવેલો માણસ હંમેશાં આડો ચાલે છે

ઈશ્વરે આડાં બનાવેલાં પ્રાણીઓ સીધાં ચાલે છે, પણ સીધો બનાવેલો માણસ હંમેશાં આડો ચાલે છે

30 December, 2012 06:47 AM IST |

ઈશ્વરે આડાં બનાવેલાં પ્રાણીઓ સીધાં ચાલે છે, પણ સીધો બનાવેલો માણસ હંમેશાં આડો ચાલે છે

ઈશ્વરે આડાં બનાવેલાં પ્રાણીઓ સીધાં ચાલે છે, પણ સીધો બનાવેલો માણસ હંમેશાં આડો ચાલે છે




સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે





દિલ્હીમાં એક દીકરી પર થયેલા અત્યાચારમાં સમગ્ર ભારતનું દિલ હચમચી ઊઠ્યૂ છે. દામિનીના આ અત્યાચારમાં સ્વયંભૂ ઊઠેલી લોકોની આગ બેશકપણે બીજી લાખો-કરોડો દીકરીઓને બચાવશે એવું લાગી રહ્યું છે. દામિનીને ર્દીઘાયુ મળે એવી પ્રાર્થના સાથે બળાત્કાર વિરુદ્ધ દેશમાં ઇમર્જન્સી કાયદો લાગુ પડે તો જ એનો ન્યાય થાય. બળાત્કારીઓને ફાંસી આપી દો તો-તો એ ટૂંકી સજા હશે. મારું અંગત માનવું છે કે એવા દરિંદાઓને નપુંસક કરી આજીવન કારાવાસ આપવો જોઈએ જેથી એ જીવનની પ્રત્યેક પળ મરી-મરીને જીવે. એક નાનકડી કવિતા દ્વારા આ દેશની આવી લાખો પીડિત દામિનીઓની વેદનાને પ્રગટ કરું છું કે

સાવ વ્યંડળ બની ચૂકેલી સજ્જનતાને ફટ!

સાવ નપુંસક મરી ચૂકેલી માનવતાને ફટ!

કહી દો અમને હજી કેટલી દામિનીઓ અભડાશે?

અંધારામાં હજી કેટલી ચાંદનીઓ ભરખાશે?

ક્યાં લગ કુંવારી ચીસો આ ધરતી પર સંભળાશે?

હજી કેટલી કિકિયારીઓ વાદળને અફળાશે?

સાવ બાયલી બની ચૂકેલી પૌરુષતાને ફટ!

સાવ નપુંસક મરી ચૂકેલી માનવતાને ફટ!

હજી કેટલા પાટણિયા પ્રાધ્યાપક નજરે ચડશે?

હજી કેટલા દંભી, ઢોંગી મોઢાં કાળાં કરશે?

ક્રિષ્ન થાકશે, એને પણ ના પૂરી સાડી જડશે!

હજી કેટલા સદ્વિદ્યાને સાવ ઉઘાડી કરશે?

રોમે રોમે થીજી ગયેલી નૈતિકતાને ફટ!

સાવ નપુંસક મરી ચૂકેલી માનવતાને ફટ!



હિંમતદાદાની એક પ્રાર્થના મને ખૂબ ગમે કે હે ઈશ્વર, સૌને સદ્બુદ્ધિ આપજે અને શરૂઆત મારાથી કરજે! ક્યાંક વાંચેલી એક સરસ પ્રાર્થના છે કે હે પ્રભુ! કાં તો મારો બોજો હળવો કર અથવા તો મારો બરડો મજબૂત કર. ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ દ ગોલે સરસ પ્રાર્થનામાં કહ્યું છે કે ‘હે ઈશ્વર, તું મારામાં શ્રદ્ધા રાખ.’

યાદ રાખજો, પ્રાર્થના ઈશ્વરને બદલતી નથી; પણ જે પ્રાર્થના કરે છે એ માણસને બદલે છે. હું મારી પ્રાર્થનામાં ઈશ્વરને રોજ ‘આઇ લવ યુ’ એટલું જ કહું છું ને બીજું વાક્ય રોજ કાનમાં કહું છું કે હે ઈશ્વર, તું તારું ધ્યાન રાખજે!

રોજ મંદિરે જનારા આપણે સૌ મંદિરમાં ભિખારી થઈને જ જઈએ છીએ. ઘણા તો એવા પણ જોયા છે કે દસ રૂપિયા મંદિરમાં મૂકીને ભગવાનને પાંચ કામ સોંપે છે. એટલે આમ જોવા જઈએ તો ભગવાનને આપણે કેટલા મોંઘા પડીએ છીએ! ગોંડલમાં બનેલી એક સત્ય ઘટનાનો દાખલો કહું તો મારી સાથે એક મંદિરમાં ગામના એક શ્રીમંત શેઠ ભેગા થઈ ગયા. વળતા હું તેમના આગ્રહથી તેમની ગાડીમાં બેઠો. બે-ચાર ભિખારીઓ મંદિરની બહાર તેમની ગાડી પાછળ દોડ્યા એટલે શેઠે તરત જ કાચ ચડાવી લીધો અને મારી સામે પોરસ કર્યો કે જોયું સાંઈરામભાઈ, આ ભિખારીઓ રોજ માગવા માટે પાછળ દોડે અને મારે કાચ ચડાવી લેવો પડે. ત્યારે મેં શેઠને એટલું જ પૂછ્યું કે શેઠ, તમે મંદિરમાં શા માટે ગયા હતા? શેઠનો કલર ઊડી ગયો ને બોલ્યા કે હા હોં, હું પણ માગવા માટે જ ગ્યો’તો. તો મેં કીધું, ભગવાને કાચ નહીં ચડાવી લીધો હોય એની શું ગૅરન્ટી? શેઠને ભૂલ સમજાઈ. તેમણે તરત ગાડી રોકીને ભિખારીને રાજી કર્યા.

ઈશ્વર પાસે આપણે લાગણીઓ ઓછી અને માગણીઓ વધુ લઈને પહોંચીએ છીએ. એટલે નેવું ટકા દર્શનાર્થીઓ મંદિરનાં પગથિયાં ચડે ત્યાં ભગવાનને ખબર પડી જાય કે ‘આવ્યા ભિખારી નંબર વન..! હમણાં દસ રૂપિયા મૂકીને કરિયાણાના લિસ્ટ જેટલાં કામ સોંપશે!’

અમારા હિંમતદાદા પણ ઑલટાઇમ અઘરી આઇટમ છે. મંદિરે દર્શન કરવા રોજે જાય, પણ જ્યાં તેણે પોતાનાં બૂટ કાઢ્યાં હોયને ધ્યાન તેનું ત્યાં જ જ હોય. એટલે બે હાથ જોડીને મંત્ર બોલે કે ‘તુમ્હી હો માતા-પિતા તુમ્હી હો’ પણ એવે ટાણે તેની નજર પોતાનાં જોડાં પર જ હોય એટલે ભગવાન પણ હિંમતદાદાનાં જોડાં (ચંપલ)ની રક્ષા કરે, પણ દાદાની નો કરે.

અમરનગર અમારા ગામડે નાનપણમાં તો ઘણા પ્રસંગો બનતા. સાંજની આરતી ટાણે હું રોજ ગામને ચોરે બેઠેલા વડીલોને આરતી દેવા જાતો. એક દી તો એક વડીલે આરતીની થાળીમાંથી બધું ચિલ્લર લઈ લીધું. મને એમ કે હમણાં ખિસ્સામાંથી છુટ્ટા લઈને બાધા રૂપિયા મૂકશે. પણ દાદા તો મને ક્યે, ઊપડ! મેં બાળસહજ દલીલ કરી કે દાદા, અંદાજે ત્રીસેક રૂપિયાનું ચિલ્લર છે, મંદિરના રૂપિયા આમ થોડા લઈ લેવાય? દાદાએ મને સબાકા નીકળે એવો જવાબ આપેલો કે બેટા, તને હજી બાર વરહ થયાં છે ને હું બોંતેર વરહનો છું, તારા કરતાં ભગવાન પાંહે વે’લો જવાનો છું એટલે આ આરતીના રૂપિયા હું ભગવાનને હાથોહાથ આપી દઈશ.

આલેલે..! લૂંટવાવાળા તો ભગવાનને પણ મૂકતા નથી.

ઈશ્વરે બધાં જ પ્રાણીઓ આડાં બનાવ્યાં. તમે જુઓ ઘોડો, હાથી, સિંહ, ગધેડો વગેરે જમીન પર આડા ચાલે છે. આમ ઈશ્વરે આડાં બનાવ્યાં ઈ તમામ પ્રાણીઓ ચાલે છે સીધાં અને માણહને સીધો બનાવ્યો પણ ઈ સદાયને માટે હાલે છે આડો..!

અમદાવાદથી એક કાકા અમારા ગામડે વરસો પહેલાં મહેમાન થયેલા. સાંજની આરતીનો સમય આજથી પંદર વરસ પહેલાં તો ગામડામાં મંદિરની ઝાલરોથી ગુંજતો (જે હવે ટીવી-ચૅનલોથી ગુંજે છે. રે નસીબ!). ઈ કાકાએ ટેકરી ઉપરનો ઝાલરનો અવાજ સાંભળી મને પૂછેલું કે આ ટેકરી ઉપર શેનો અવાજ થાય છે? મેં કહ્યું’તું કે ગામલોકો આરતી ઉતારે છે. કાકાએ બહુ અઘરો સવાલ કરેલો કે રોજ ઉતારવી પડે એટલે ઊંચે આરતી શું કામ ચડાવતા હશો? મારી પાંહે કોઈ જવાબ નહોતો. બસ, મને એટલો વિશ્વાસ છે કે ગૂગલમાં જે સવાલોના ઉત્તર નથી મળતા ઈ તમામના ઉત્તરો મંદિરમાં મળે છે. મંદિરો આપણી શ્રદ્ધાના વિહામા છે. ભગવાં કપડાંને આ દેશ ભગવાનની સમકક્ષ પૂજે છે. એટલે જ તો જ્યારે કોઈ લંપટ સાધુ ભૂલ કરે છે ત્યારે મારું હૈયું દાવાનળની જેમ સળગી ઊઠે છે, કારણ કે મારા મતે સાધુની ભૂલ એ ટાવરની ભૂલ ગણાય છે. કોઈની કાંડાની ઘડિયાળ ભૂલ કરે તો ચાલે, પણ શહેરની ટાવરની ઘડિયાળ જો ભૂલ કરે તો આખા દેશમાં સમય બદલે અને બગડે! મંદિરો આપણા દેશમાં માર્કેટ થતાં જાય છે. એવા કપરા કાળમાં ઈશ્વર તેના જ દલાલોના હાથે દુ:ખી થઈ રહ્યો છે ત્યારે હું ફરી-ફરીને ઈશ્વરને એ જ પ્રાર્થના કાનમાં કરું છું કે હે ઈશ્વર, દોસ્ત તું તારું ધ્યાન રાખજે, બસ!

‘ઓહ માય ગૉડ’ ફિલ્મ દ્વારા પરેશ રાવલે ખૂબ તંદુરસ્ત મેસેજ લોકો સુધી પહોંચાડ્યો, પણ આ દેશની પ્રજા તો સાવ ભુલક્કડ છે. એને ‘ઓહ માય ગૉડ’ કરતાં ‘દબંગ ૨’માં ને કૅટરિના ને બિપાશાના ઠૂમકાના ચાર્જિસમાં જ રસ છે. દામિની જેવી કરોડો દીકરીઓને સુરક્ષા આપવી હશે તો યાદ રાખજો દોસ્તો, આપણે આ કિસ્સાઓ સતત યાદ રાખવા પડશે. પથ્થર માર્યા કરવાથી કે બસો સળગાવવાથી કંઈ સોલ્યુશન નહીં આવે. એટલું ચોક્કસ માનું છું કે હવે આપણને બચાવવા કળિયુગમાં કોઈ ભગવાન નથી આવવાનો. મતલબ એવો નથી કે ઈશ્વરને આપણામાં રસ નથી. અર્થ સ્પષ્ટ છે, ઈશ્વર પાસે ટાઇમ નથી અને ઈ આપણા ગોરખધંધાથી ડરી ગયો છે. માટે મિત્રો, આપણે જ આપણું ને આપણા દેશનું કલ્યાણ કરવાનું છે. બળાત્કારના વિરોધ માટે જેટલા યુવાનોએ જોશ દાખવ્યું એમાંના કેટલા યુવાનો આવી પીડિત દામિની સાથે લગ્ન કરવા તૈયાર થશે? આ પણ વિચારજો! ને મુંબઈની જો કોઈ જુવાન દીકરી મારી વાત વાંચતી હોય તો (જોકે નહીં જ વાંચતી હોય, તેને ફેસબુકમાંથી સમય થોડો હોય!) પ્લીઝ મારી બહેનો, આધુનિકતા વસ્ત્રોથી પ્રગટ કરવાને બદલે આધુનિકતા વિચારોથી પ્રગટ કરો તો એક પણ નિયમની સહાય વગર પણ અનેક દામિનીઓ બચી જાય. સમજદાર કો ઇશારા કાફી હૈ.

ઑફ ધ રેકૉર્ડ

છોકરીઓ એમ ઇચ્છે છે કે એક છોકરો જીવનની દરેક વસ્તુ આપે ને

છોકરાઓ એમ ઇચ્છે છે કે દરેક છોકરી તેને એકાદી વસ્તુ તો આપે જ!
Whatsapp-channel Whatsapp-channel

30 December, 2012 06:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK