Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > તમારી બહેન ને દીકરી પોતાના ઘરમાં પણ સેફ નહીં રહે એવો દિવસ આવશે

તમારી બહેન ને દીકરી પોતાના ઘરમાં પણ સેફ નહીં રહે એવો દિવસ આવશે

23 December, 2012 07:09 AM IST |

તમારી બહેન ને દીકરી પોતાના ઘરમાં પણ સેફ નહીં રહે એવો દિવસ આવશે

તમારી બહેન ને દીકરી પોતાના ઘરમાં પણ સેફ નહીં રહે એવો દિવસ આવશે






જો છોકરી એકલી ફરતી હોય, મોડી રાત સુધી તે બહાર રહેતી હોય તો તેનો વાંક કાઢવાનું કારણ મળે; પણ રાતે સાડાનવ વાગ્યે છોકરી એક છોકરા સાથે હોય અને એ પછી પણ તેના પર ગૅન્ગ-રેપ થાય, છોકરીને એ હદે ઈજા પહોંચાડવામાં આવે કે તેના પર છ-છ સર્જરી કરવી પડે અને એ પછી પણ તેની હાલત ક્રિટિકલ હોય તો એ માટે કોનો વાંક કાઢવાનો? પ્રશાસનનો કે પછી છોકરીનો? સરકારી નિયમોનો કે પછી શહેરમાં વધી રહેલી હિંસાનો? આજની માનસિકતાનો કે પછી ચૂપચાપ સહન કરતી જનતાનો? ગૅન્ગ-રેપનો ભોગ બનેલી છોકરી અત્યારે પોતાની જિંદગી માટે હૉસ્પિટલમાં ઝઝૂમી રહી છે. જો તે બિચારી બચી ગઈ તો શું આખી જિંદગી જીવતી લાશની જેમ નહીં જીવે? શું તેની મનોદશાનો કોઈએ વિચાર કર્યો છે ખરો? જે દેશમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને દૃઢ મનોબળ ધરાવતાં કસ્તુરબા જેવી આદરણીય મહિલાઓનો જન્મ થયો છે એ દેશની મહિલાની હાલત આજે આવી કંગાળ કોને કારણે થઈ છે? આ છોકરીનું ચારિhય અત્યંત પવિત્ર છે અને એ પછી પણ તેની સાથે આવું હીન કૃત્ય થયું છે. આવા સમયે દુ:ખ એ વાતનું છે કે સરકાર બચાવવા માટેનું રાજકારણ ખેલવામાં આવે છે. આ શરમજનક પરિસ્થિતિ છે. છેલ્લા અનેક મહિનાઓથી અમે કહેતા આવ્યા છીએ કે રેપ જેવી ઘૃણાસ્પદ ઘટનાઓ માટે ફાંસી જેવી સૌથી આકરી સજા હોવી જોઈએ એવી ડિમાન્ડને વિરોધ પક્ષની માગણી સમજીને અવગણવામાં આવે છે. આ દેશની અધોગતિ નથી તો બીજું શું છે? ઇલેક્શન ચાલતું હોય એ દરમ્યાન વિરોધ પક્ષની માનસિકતા હોય એ સમજી શકાય, પણ ઇલેક્શન પૂરું થયા પછી એવી માનસિકતાથી દેશની જનતાને નુકસાન થતું હોય છે જે અત્યારે દિલ્હીની મહિલાઓ ભોગવી રહી છે. અમે જે માગણી કરી રહ્યા છીએ એ મહિલાઓના હક માટે બે મહિલાઓ સોનિયા ગાંધી અને દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત પાસે કરી રહ્યા છીએ. એવું ધારવામાં આવતું હોય છે કે એક મહિલા બીજી મહિલાની લાગણી સારી રીતે સમજી શકે છે, પણ અફસોસ છે કે આવી કોઈ વાત સાચી હોય એવું નથી લાગતું. સુરક્ષિત રીતે જીવવું એ નાગરિકનો હક નહીં, જન્મસિદ્ધ અધિકાર છે. આજે દિલ્હીમાં આ અધિકાર છીનવાઈ ગયો છે. મહિલાઓ સ્વંયભૂ રીતે બહાર આવી છે અને પોતાની સેફ્ટી માટે સરકાર સામે, પોલીસ-ડિપાર્ટમેન્ટ સામે રૅલી કાઢી રહી છે. ખાલી દિલ્હીમાં નહીં, દેશભરમાં આવો માહોલ છે. રાજ્યસભાની પણ ડિમાન્ડ છે કે મહિલાઓ સાથે ઘૃણાસ્પદ રીતે વર્તનારાઓને સૌથી કડક એવી ફાંસીની સજા આપવાનો કાયદો બનાવવામાં નહીં આવે તો આવતા સમયમાં દેશની કોઈ મહિલાઓને સન્માનનીય નજરથી જોવામાં નહીં આવે.             


બાર કલાકમાં આરોપીઓ પકડાયા


આ સમાચારથી રાજી થવું કે અફસોસ કરવો એ મને હજી સુધી સમજાયું નથી, કારણ કે કહેવાય છે એવું કે સીસીટીવી કૅમેરાને કારણે બસનો નંબર મળ્યો અને એ પછી રીજનલ ટ્રાન્સર્પોટ ઑફિસમાંથી બાકીની વિગતના આધારે આરોપીઓને પકડવામાં આવ્યા. જો આ કામ આટલી ઝડપથી થઈ શક્યું હોય તો એ પણ એટલું જ શક્ય છે કે આરોપીઓ સાથે



પોલીસ-ડિપાર્ટમેન્ટનું કોઈ જોડાયેલું હોવું જોઈએ. આ બાબતમાં તપાસ થાય તો જ વધુ ખબર પડી શકે. આવી તપાસની માગણીને ગણકારવામાં નથી આવી. અરે, દિલ્હીના ગૃહપ્રધાન તો ઠીક, પોલીસ-કમિશનર સુધ્ધાંએ પણ આ માગણી સાંભળ્યાં પછી તેમની સાઇડ સ્પષ્ટ રહે એ માટે તપાસનો આદેશ આપ્યો નથી જે દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક કોઈના મનમાં પાપ છે. પકડાયેલા આરોપીઓ પોતે હવે સામેથી સૌથી આકરી સજાની ડિમાન્ડ કરી રહ્યા છે એ પણ શંકા જન્માવે છે કે આરોપીઓ આ નથી બોલી રહ્યા, પણ પોલીસે શીખવેલા શબ્દો બોલવામાં આવી રહ્યા છે. અફસોસ થાય છે આ બધી મિલીભગત જોઈને. સ્ત્રી-સન્માનની ભાવના લુપ્ત થતી જતી હોય એના ડગલે ને પગલે પુરાવાઓ મળે છે. હું ફરી-ફરી કહું છું કે આ સન્માન મહિલાઓની માગણી નથી, તેમનો જન્મસિદ્ધ હક છે જે છીનવવાનો કોઈને અધિકાર નથી અને જો છીનવવાના પ્રયાસ થતા હોય તો એ અટકે એ માટે સૌથી કડકમાં કડક એવી ફાંસીની કે પછી ઍટલીસ્ટ વીસ વર્ષની જેલની સજાનું પ્રયોજન હોવું જોઈએ.

રેપના આરોપીને ફાંસીની સજા આપવાનો કાયદો ન બનાવવો જોઈએ એવું કહીને એક ચૅનલની ઍન્કરે મારી સાથે હમણાં દલીલ કરી ત્યારે મેં તેને પૂછ્યું હતું કે તારી છેડતી કેટલી વખત થઈ છે? તેની પાસે કોઈ જવાબ નહોતો એટલે મારે તેને કહેવું પડ્યું હતું કે મિડિયા સાથે જોડાયેલી હોવા છતાં પણ જો તું અજાણ્યા લોકોની સેક્સ્યુઅલ હૅરેસમેન્ટથી પર ન રહી શકતી હોય તો કૉમન વુમનની શું હાલત થતી હશે એ વિચાર્યા વિના તમે લોકો દલીલ કરવા આવી જાઓ છો, પણ જો ખોટી વાતમાં દલીલ કરશો તો એક દિવસ એવો આવશે કે તમારી બહેન કે દીકરી પણ પોતાના ઘરમાં પણ સેફ નહીં રહે. મવાલીઓ ઘરના પુરુષ-મેમ્બરને બહાર કાઢશે અને તમારા બેડરૂમમાં જ મહિલાઓ પર રેપ કરશે. આવા સંજોગો ઊભા થાય એ પહેલાં આજે જે પીડિત છે તેની મનોદશા સમજીને હક માટે એક થવાની જરૂર છે.

૫ વર્ષ અને ૪૨ રેપકેસ


આ એ રેપકેસ છે જે પોલીસ-રજિસ્ટરમાં નોંધાયા છે. એમાં છેલ્લાં બે વર્ષમાં થયેલા ૭ ગૅન્ગ-રેપના કેસ પણ આવી જાય. રેપ સિવાયની વાત કરું તો ૨૦૧૦થી ૨૦૧૧ના એક વર્ષમાં સેક્સ્યુઅલ હૅરેસમેન્ટના કેસમાં ૧૨૦ પર્સન્ટનો વધારો થયો છે જે આ વષ્ોર્ લગભગ એટલા જ પ્રમાણમાં વધ્યો છે. મને લાગે છે કે કેટલાક હરામખોરોના મનમાં મહિલાઓ હવે ટાઇમપાસનું રમકડું બનતી જાય છે. એવું ન થાય એ માટે અને પોલીસ પર આધારિત ન રહેવું પડે એ માટે મહિલાઓએ પણ અગમચેતી વાપરીને સેલ્ફ-ડિફેન્સની તૈયારી રાખવી પડશે.

સુષમા સ્વરાજ

ભારતીય લોકસભાના વિરોધ પક્ષનાં નેતા સુષમા સ્વરાજનો જન્મ ૧૯૫૨ની ૧૪ ફેબ્રુઆરીએ હરિયાણાના પલવાલ ગામે થયો છે. એનડીએની સરકાર આવે તો બીજેપીના જે કોઈ નેતા વડા પ્રધાન બની શકવાને સમર્થ છે એ લિસ્ટમાં અગ્રિમ પંક્તિમાં તેમનું નામ મૂકવામાં આવે છે. કૉલેજ પૂરી કર્યા પછી સુષમા સ્વરાજે સુપ્રીમ ર્કોટના ઍડ્વોકેટ તરીકે પોતાની પ્રૅક્ટિસ શરૂ કરી હતી. પપ્પા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિયામક હતા. અટલ બિહારી વાજપેયી તેમને પૉલિટિક્સમાં લાવ્યા. સુષમા સ્વરાજની પૉલિટિકલ કરીઅર ધ્યાનાકર્ષક અને ઉમદા રહી છે. માત્ર ૨૭ વર્ષની વયે હરિયાણા સ્ટેટ બીજેપીનું પ્રદેશપ્રમુખપદ સંભાળનારાં સુષમા સ્વરાજ પૉલિટિકલ કરીઅરનું પહેલું ઇલેક્શન પણ ૧૯૭૨માં હરિયાણામાંથી લડ્યાં હતાં. હરિયાણા રાજ્ય સરકારમાં બે વખત મિનિસ્ટર રહી ચૂકેલાં સુષમા સ્વરાજ ૧૯૯૮માં દિલ્હીનાં મુખ્ય પ્રધાન પણ બન્યાં. વાજપેયીના પ્રિય નેતા ગણાતાં સુષમા સ્વરાજને અટલ બિહારી વાજપેયીની સરકારમાં ત્રણ વાર માહિતી અને પ્રસારણપ્રધાન બનાવવામાં આવ્યાં હતાં. ૬૦ વર્ષનાં સુષમા સ્વરાજ માટે બાળ ઠાકરેએ કહ્યું હતું કે આજના યુગમાં એકમાત્ર લોખંડી મનોબળની મહિલા જો કોઈ હોય તો તે સુષમા સ્વરાજ છે.

Whatsapp-channel Whatsapp-channel

23 December, 2012 07:09 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK