અનંત બ્રહ્માંડનું વધુ એક અદ્ભુત આશ્ચર્ય

Published: 23rd December, 2012 06:47 IST

શનિના ઉપગ્રહ ટાઇટન પર વહે છે ૪૦૦ કિલોમીટર લાંબી નદી : પૃથ્વી સિવાય અન્ય કોઈ સ્થળે આટલું વિપુલ પ્રવાહી મળ્યું હોવાનું પ્રથમ સંશોધન : આ રિવરનો પટ સાફ-સરળ છે, ક્યાંક સર્પાકાર પણ છે : એમાં મિથેનનું પ્રવાહી વહે છેજગદીશચંદ્ર ભટ્ટ

વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ બે ઘડી રાજીના રેડ થઈ જાય એવા ન્યુઝ વહેતા થયા છે. સમાચાર છે આપણી સૌરમાળાના પાઘડીધારી અને રૂપકડા ગ્રહ શનિના સૌથી મોટા ઉપગ્રહ ટાઇટન પર મળી આવેલી ૪૦૦ કિલોમીટર લાંબી નદીના સંશોધનના. આપણા સૌરમંડળમાં બરફનાં ત્રણ-ત્રણ વિશાળ વલયો ધરાવતા ગ્રહ શનિના વિશિષ્ટ સંશોધન માટે ૧૯૯૭ની ૧૫ ઑક્ટોબરે અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન એટલે કે નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી (ઈએસએ) અને ઇટલીની અંતરીક્ષ સંશોધન સંસ્થા એજેન્ઝિયા સ્પેઝિઆલે ઇટાલિયાના (એએસઆઇ)ના સંયુક્ત પ્રોજેક્ટરૂપે કસીની-હાયગન્સ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. ૨૦૦૪માં કસીની-હાયગન્સ સ્પેસક્રાફ્ટ શનિની ભ્રમણકક્ષા સુધી પહોંચી ગયું અને ત્યાર બાદ કસીનીમાંથી છૂટું પડેલું હાયગન્સ પ્રોબ ૨૦૦૫માં શનિના સૌથી મોટા ઉપગ્રહ ટાઇટનની ધરતી પર સલામત રીતે ઊતર્યું હતું. જોકે કસીની યાન હજી શનિનો સઘન સંશોધનાત્મક અભ્યાસ કરી રહ્યું છે. આ જ કસીનીમાંના અત્યાધુનિક રડારે ૨૦૧૨ની ૨૬ સપ્ટેમ્બરે ટાઇટન પરની ૨૦૦ માઇલ (૪૦૦ કિલોમીટર) લાંબી નદીના પટની અદ્ભુત અને સાફસૂથરી તસવીરો ઝડપીને પૃથ્વી પર મોકલી છે એવી જાહેરાત કસીની રડાર ટીમના મેમ્બર અને અમેરિકાની બ્રિગહેમ યંગ યુનિવર્સિટીના ઍસ્ટ્રોનૉમર જેની રાડેબોએ કરી છે. નાસાની જેટ પ્રપલ્ઝન લૅબોરેટરીના સાયન્ટિસ્ટોએ ટાઇટન પરની ૪૦૦ કિલોમીટર લાંબી રિવરને મિની નાઇલ તરીકે ઓળખાવી છે. પૃથ્વી પર નાઇલ સૌથી લાંબી નદી છે જેનો પટ ૬૭૦૦ કિલોમીટર લાંબો છે.

કસીની રડાર ટીમના મેમ્બર જેની રાડેબોએ એવી જાહેરાત કરી હતી કે ‘૨૦૧૨ની ૨૬ સપ્ટેમ્બરે કસીની સ્પેસક્રાફ્ટે શનિના સૌથી મોટા મૂન (ઉપગ્રહ) ટાઇટન પરની નદીની અમુક અદ્ભુત ઇમેજિસ મોકલી હતી. અત્યંત સાફસૂથરી ઇમેજિસ જોઈને અમારી ટીમ આશ્ચર્યચકિત થઈ ગઇ હતી, કારણ કે અમે જે કંઈ જોયું એ ખરેખર અજીબોગરીબ હતું. નદીની ઇમેજિસનો ગહન સંશોધનાત્મક અભ્યાસ કર્યા બાદ અમને ખાતરી થઈ કે આ રિવર ટાઇટનના નૉર્થ પોલર (ઉત્તર ધ્રુવ) પર છે અને એનો ૪૦૦ કિલોમીટર લાંબો પટ ઉત્તર ધ્રુવ પરના જ ક્રેકેન મેર સમુદ્રને મળે છે. આપણી સૂર્યમાળામાં પૃથ્વી સિવાય અન્ય કોઈ પ્લૅનેટ કે પ્લૅનેટના એક પણ ઉપગ્રહ પર આટલી લાંબી નદી ન હોવાથી અમે આ રિવરને મિની નાઇલ રિવર એવું વિશિષ્ટ નામ આપ્યું છે.’

ટાઇટનની આ મિની નાઇલનો પટ પ્રમાણમાં ઘણો સપાટ અને સરળ હોવાનું જણાયું છે. જોકે અમુક જગ્યાએ આ નદી સર્પાકાર પણ છે તો એના પટમાં એક સ્થળે એક ઊંડી તિરાડ પણ છે. આમ છતાં નદીના પટમાંની આ તિરાડ પૃથ્વી પરના ભૂખંડો જેવી તો નથી જ. જોકે આ મિની નાઇલના પટમાંનું પ્રવાહી અમુક અંશે ઘટ્ટ હોવાથી રિવરનો પટ થોડોક ઝાંખો દેખાય છે.

ટાઇટન પર લાંબી રિવર મળી આવી છે ત્યારે અમુક મુખ્ય અને મહત્વના સવાલ થાય એ સહજ છે કે આ નદીમાં ખરેખર કયું પ્રવાહી છે? જળ કે પછી અન્ય કોઈ લિક્વિડ? પૃથ્વી પર જે વહેતું પાણી છે એ હાઇડ્રોજન અને ઑક્સિજનના મિશ્રણનું બનેલું છે. જોકે પૃથ્વી સિવાય અન્ય કોઈ ગ્રહ પર હજી સુધી વહેતું પાણી નથી મળ્યું એટલું ચોક્કસ. હા, પૃથ્વીના જોડિયા ગ્રહ તરીકે ઓળખાતા મંગળ પર આજથી કરોડો વર્ષ અગાઉ વહેતું પાણી હોવાની શક્યતા વિશે સંશોધન જરૂર થયું છે.

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ (ટીઆઇએફઆર)ના સિનિયર ઍસ્ટ્રોનૉમર ડૉ. મયંક વાહિયા Sunday સરતાજને કહે છે, ‘ટાઇટનનું ટેમ્પરેચર માઇનસ ૧૭૯ ડિગ્રી સેલ્સિયસ જેટલું અસહ્ય ટાઢુંબોળ હોવાથી કોઈ પણ સંજોગોમાં પાણી વહી ન શકે, કારણ કે એ બરફ બની જાય. વળી ટાઇટનનું બંધારણ નાઇટ્રોજન, મિથેન અને ઇથેન નામના વાયુઓનું બનેલું હોવાથી એનું વાતાવરણ અતિ-અતિ ઘટ્ટ છે એટલે કે ટાઇટન પર નાઇટ્રોજન અને મિથેનનાં ગાઢ વાદળો ઘૂમરાતાં રહે છે. જોકે ટાઇટન પર મિથેન અને ઇથેન પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. પૃથ્વી પર વૉટર-સાઇકલ (જળચક્ર) છે તો ટાઇટન પર મિથેનની સાઇકલ (મિથેન વાયુનું ચક્ર) છે. આશ્ચર્ય તો એ પણ છે કે આપણી પૃથ્વી પર જળવર્ષા થાય છે તો ટાઇટન પર મિથેનનો વરસાદ વરસે છે. ટાઇટન પર મિથેનનો વરસાદ થતો હોય તો એનો અર્થ એ થયો કે એની ધરતી પર મિથેન અને ઇથેનનું લિક્વિડ છે અને આ લિક્વિડ વહે પણ છે. આ તમામ પાસાં ધ્યાનમાં રાખીને એમ કહી શકાય કે ટાઇટનની મિની નાઇલમાં મિથેનનું પ્રવાહી હોવું જોઈએ.’

જોકે ડૉ. મયંક વાહિયા બહુ મહત્વનો પૉઇન્ટ રજૂ કરતાં કહે છે, ‘પૃથ્વી પછી એકમાત્ર ટાઇટન પર આટલી લાંબી નદી મળી છે એ રિસર્ચ જરૂર બહુ જ મહત્વનું ગણાય, કારણ કે આ સંશોધનને આધારે આપણી સૂર્યમાળાનાં અવનવાં આશ્ચર્યો જાણવા મળશે. ઉપરાંત પૃથ્વી સિવાય અન્ય પ્લૅનેટ્સ અને એના મૂન્સ પર શું-શું થઈ રહ્યું છે એ વિશે પણ મહત્વની જાણકારી મળશે. આમ છતાં હજી સુધી આપણે ત્યાં અન્ય ગ્રહો પર પ્રવાહી છે કે કેમ અને જો છે તો એ લિક્વિડનું ચોક્કસ સ્વરૂપ કેવું છે એ વિશે કોઈ વધુ અને નક્કર સંશોધન નથી થયું. પૃથ્વી પર જળસ્વરૂપે પ્રવાહી છે એટલે પાણી સિવાય અન્ય કોઈ સ્વરૂપે પણ પ્રવાહી હોય એવી આપણને જાણકારી નથી. એટલે ટાઇટન પરની નદીમાં મિથેન નામનો વાયુ લિક્વિડ સ્વરૂપે છે એ રિસર્ચ આપણી સૌરમાળા સહિત અનંત અંતરીક્ષનાં રહસ્યોમાંનું એક નાનકડું પણ અગત્યનું રહસ્ય જ માનવું રહ્યું. કહેવાનો અર્થ એ છે કે અનંત અને અફાટ અંતરીક્ષમાં હજી પણ આપણી કલ્પના બહારનાં ઘણાં અજીબોગરીબ રહસ્યો જાણવા મળે એ શક્ય છે.’

સ્પેસક્રાફ્ટ કેવી રીતે પહોંચ્યું ટાઇટન પર?

શનિ ગ્રહના સંશોધન માટે અમેરિકાની નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને ઇટલીની એજેન્ઝિયા સ્પેઝિયાલે ઇટાલિયાનાએ સહિયારા પ્રયાસથી ૧૯૯૭ની ૧૫ ઑક્ટોબરે કસીની-હાગન્સ સ્પેસક્રાફ્ટ રવાના કર્યું હતું. ફ્રાન્સના ખગોળશાસ્ત્રી જિન ડોમિનિક કસીનીએ ૧૭મી સદીમાં શનિનું ગહન સંશોધન કર્યું હોવાથી અને પોલૅન્ડના ખગોળશાસ્ત્રી ક્રિસ્ટિન હાયગન્સે ૧૬૫૫ની ૨૫ માર્ચે શનિના સૌથી મોટા ઉપગ્રહ ટાઇટનની શોધ કરી હોવાથી આ બન્ને મહાન ઍસ્ટ્રોનૉમર્સની સ્મૃતિમાં આ સ્પેસક્રાફ્ટનું નામ કસીની-હાયગન્સ રખાયું છે. કસીની મુખ્ય યાન નાસાનું હતું, જ્યારે હાયગન્સ ડિસેન્ડ પ્રોબ યુરોપિયન સ્પેસ એજન્સીનું હતું. આ સ્પેસક્રાફ્ટમાંનું રડાર ઇટલીની સ્પેસ એજન્સીએ બનાવ્યું હતું. કસીની-હાયગન્સનો આકાશી માર્ગ શરૂઆતના તબક્કે એટલે કે ૧૯૯૭થી ૨૦૦૦ સુધી શુક્ર તરફ, ત્યાર બાદ ૨૦૦૦થી ગુરુ ભણી અને છેલ્લે ૨૦૦૪થી શનિ તરફ એમ સાત વર્ષનો ઘણો લાંબો હતો.

કસીની-હાયગન્સ યાન સાત વર્ષની લાંબી અંતરીક્ષ-યાત્રા કરીને ૨૦૦૪ની ૧ જુલાઈએ શનિ સુધી પહોંચી ગયું હતું. ત્યાર બાદ આ સ્પેસક્રાફ્ટે ૨૦૦૪ની ૧૧ જુલાઈએ શનિના ફીબી નામના ઉપગ્રહથી ૫૨,૦૦૦ કિલોમીટર દૂર રહીને શનિની અને આ ઉપગ્રહની કેટલીક અદ્ભુત ઇમેજિસ લીધી હતી. ઉપરાંત આ વિશિષ્ટ પ્રોબે એની ચાર વર્ષની અંતરીક્ષ-યાત્રા દરમ્યાન શનિની ભ્રમણકક્ષામાં કુલ ૬૩ ચક્કર લગાવ્યાં હતાં. જોકે કસીની એના ૩૩મા ચક્કર દરમ્યાન શનિના સૌથી મોટા ઉપગ્રહ ટાઇટન ભણી રવાના થયું હતું. છેવટે ૨૦૦૫ની ૧૪ જાન્યુઆરીએ મુખ્ય યાન કસીનીમાંથી હાયગન્સ ડિસેન્ડ પ્રોબ છૂટું પડીને ટાઇટનની ધરતી પર બે પૅરૅશ્યુટ્સની મદદથી સલામત રીતે ઊતર્યું હતું. ટાઇટનની ધરતી પર ઊતરનારું હાયગન્સ પ્રોબ વિશ્વનું પ્રથમ પ્રોબ હતું. હ્યુગન્સ પ્રોબે ટાઇટનની ધરતી પર ઊતર્યા બાદ શનિના આ સૌથી મોટા મૂનના વાયુઓના બંધારણ વિશે ઘણી ઉપયોગી માહિતી એકઠી કરી લીધી હતી. ઉદાહરણરૂપે ટાઇટન પર નાઇટ્રોજન ૯૮ ટકા છે અને બે ટકામાં મિથેન, ઇથેન, હાઇડ્રોજન અને પ્રોપેન વગેરે વાયુઓનો સમાવેશ છે.

ટાઇટનનો અદ્ભુત અંતરીક્ષ એક્સ-રે

પોલૅન્ડના પ્રસિદ્ધ ઍસ્ટ્રોનૉમર ક્રિસ્ટિન હાયગન્સે ૧૬૫૫ની ૨૫ માર્ચે શનિના સૌથી મોટા ઉપગ્રહ ટાઇટનની શોધ કરી ટાઇટન નામ યુરેનસના શોધક વિલિયમ હર્ષલના ખગોળશાસ્ત્રી પુત્ર જૉન હર્ષલે ૧૮૪૭માં આપ્યું હતું. ગ્રીકના દેવતાઓ ટાઇટન્સના નામ પરથી શનિના આ સૌથી મોટા મૂનનું આવું નામ રાખવામાં આવ્યું હતું.

ટાઇટન એના મુખ્ય ગ્રહ શનિથી ૧૨ લાખ કિલોમીટર દૂરના અંતરે રહીને ૧૫ દિવસ અને ૨૨ કલાકમાં શનિની એક પ્રદક્ષિણા કરે છે.

ટાઇટનનો વ્યાસ પૃથ્વીના ઉપગ્રહ ચંદ્રના વ્યાસ કરતાં ૫૦ ટકા વધુ છે એટલે કે ચંદ્રનો વ્યાસ ૨૧૫૯ માઇલ (૩૪૭૬ કિલોમીટર) છે.

ટાઇટન આપણી સૂર્યમાળાનો બીજા નંબરનો સૌથી મોટો ઉપગ્રહ છે. ગુરુનો સૌથી મોટો ઉપગ્રહ ગિનિમીડ આપણા સૌરમંડળનો સૌથી વિરાટ ઉપગ્રહ છે.

ટાઇટન પર ૯૮ ટકા જેટલો નાઇટ્રોજન છે; જ્યારે બાકીના વાયુઓમાં મિથેન, ઇથેન, હાઇડ્રોજન, પ્રોપેન વગેરેનો સમાવેશ છે.

કસીની યાને ટાઇટનને સુપર રોટેટર તરીકે ઓળખાવ્યો છે, કારણ કે ટાઇટનનું વાયુમંડળ અતિ તીવ્ર ગતિએ ગોળ-ગોળ ઘૂમતું રહે છે.

ટાઇટનનાં ઘણાં લક્ષણો પૃથ્વીનાં લક્ષણો જેવાં છે. એટલે કે ટાઇટન પર પૃથ્વી જેવું જ ઋતુચક્ર છે. ઉપરાંત અહીં મિથેન વાયુનો વરસાદ વરસે છે. ટાઇટનની ધરતી પણ ખડકાળ છે અને ત્યાં નાના-નાના પર્વતો, નદીઓ, સરોવરો અને સમુદ્રો પણ છે. ટાઇટનનું ટેમ્પરેચર માઇનસ ૧૭૯ ડિગ્રી સેલ્સિયસ જેટલું અતિ ટાઢુંબોળ રહે છે.

શનિના આ સૌથી મોટા મૂનની સૌપ્રથમ તસવીર હાયગન્સ પ્રોબે ૨૦૦૪ની ૨૬ તારીખે લીધી હતી.

ટાઇટનનું વાતાવરણ ઘણા અંશે પૃથ્વીના શરૂઆતના તબક્કાના વાતાવરણ જેવું હોવાથી એના પર લગભગ ત્રણ-ચાર અબજ વર્ષ બાદ કોઈ વિશિષ્ટ પ્રકારની જીવસૃષ્ટિ પાંગરે એવી શક્યતા વિશ્વના ખગોળશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે. ટાઇટન પર પૃથ્વી પર છે એવાં સેãન્દ્રય તત્વો હોવાથી ભવિષ્યમાં અહીં કદાચ એમોનિયા આધારિત પતંગિયાં, રેશમના કીડા, બૅક્ટેરિયા, વાયરસ અને પેãન્ગ્વન પંખીઓ જેવા જીવો પાંગરી શકે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK