હોનહાર હુલા હૂપર

Published: 23rd December, 2012 06:25 IST

વીસીમાં પ્રવેશેલી જિન લિનલિન નામની ચીનની કુમળી કન્યા એકસાથે ૩૦૦ હુલા હૂપને સ્પિન કરાવવાનો રેકૉર્ડ ધરાવે છેરેકૉર્ડ મેકર

હલકી-ફૂલકી હુલા હૂપને કમર પર ગોળ ચકરાવા લેવડાવવામાં ફન, ફૅશન અને ફિટનેસ ત્રણેય છે. એક્સપર્ટ્સ કહે છે કે અડધો કલાક હુલા હૂપ ફેરવવાથી ૨૫૦ કૅલરી બર્ન થાય છે અને ખાસ કરીને કમર પરની વધારાની ચરબી બર્ન થાય છે. હુલા હૂપ એવી ફન-ઍક્ટિવિટી છે જે નાનાં બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકોને ગમે છે. ક્યારેક એક-બે હુલા હૂપ ફેરવીને તમને લાગ્યું હોય કે હવે તો તમને આ કામ આવડી ગયું છે તો આજે વિશ્વની હુલા હૂપ ચૅમ્પિયનને મળીએ.

એકસાથે બે-ચાર હુલા હૂપ લઈને પર્ફોમ કરતા આર્ટિસ્ટોને જોવાનું મનોરંજક હોય છે, પણ ચીનમાં રહેતી જિન લિનલિન નામની કન્યા કંઈક જુદી જ માટીની બનેલી છે. ત્રણ વર્ષની હતી ત્યારથી જિનને એકસાથે વધુ ને વધુ હુલા હૂપ લઈને ફેરવવાનો શોખ જાગ્યો હતો. એક, બે કે પાંચ-પચીસ હુલા હૂપથી તેને સંતોષ નહોતો. ૨૦૦૭માં તે હજી માંડ યૌવનમાં પ્રવેશેલી એટલે કે ૧૮ વરસની હતી ત્યારે તેણે એકસાથે ૧૦૫ હુલા હૂપ પોતાના શરીર ફરતે ફેરવીને વલ્ર્ડ રેકૉર્ડ બનાવેલો. હજીયે તેને હુલા હૂપની સંખ્યા વધારવી હતી એટલે તે અવારનવાર થતા શોમાં ૧૦૫થી વધુ રિંગ્સ લઈને પર્ફોમ કરતી. શિકાગોના એક કાર્યક્રમમાં ૨૮૦ હુલા હૂપ એકસાથે ફેરવ્યા પછી તેણે પોતાનો જ રેકૉર્ડ ફરી તોડવા માટે ગિનેસ વલ્ર્ડ રેકૉર્ડ્સના અધિકારીઓ સામે હૉન્ગકૉન્ગમાં પર્ફોમ કર્યું અને એ વખતે તેણે ૩૦૦ હુલા હૂપ સાથે ડાન્સ કર્યો.

નવાઈની વાત એ છે કે એક ઉપર એક ૩૦૦ હુલા હૂપ ગોઠવીએ તો એ જિનના માથાથીયે ઉપર જતા રહે છે. માત્ર ૪૭ કિલો વજન ધરાવતી આ કુમળી કન્યા ૩૦૦ હુલા હૂપનું ૪૦ કિલોથી વધુ વજન ઉપાડીને એને ફેરવે છે. પર્ફોમન્સની શરૂઆત વખતે જિન કમર પાસે બન્ને હાથ લાંબા કરીને ૩૦૦ હુલા હૂપનું વજન ઉપાડે છે અને બૅલેન્સ કરે છે. મ્યુઝિક વાગવાનું શરૂ થાય એટલે તે બેથી ત્રણ સ્ટ્રોક એવી રીતે આપે છે કે બધીયે રિંગ્સ સ્પિન થવા લાગે છે. લગભગ ૧૬.૪૨ સેકન્ડ સુધી બધી જ હુલા હૂપ સ્પિન થતી રહે છે. એ પછીયે જિનના શરીર પરથી બધી રિંગ્સ પડી જતી નથી, પણ તે બન્ને હાથથી એને દોરડા કૂદતી હોય એમ પકડી લે છે. સ્પિનિંગ રિંગ્સની વચ્ચે સ્મૉલ ક્વીન જેવી ચમકતી જિનની ઇન્ટરનેટ પર મુકાયેલી વિડિયો-ક્લિપ્સ જોઈએ તો અચંબિત થઈ જવાય એવું છે.

જિને હુલા હૂપ ડાન્સને જ પોતાની કરીઅર બનાવી છે. તે રેગ્યુલર શો કરે છે એમાં ૧૫૦ હુલા હૂપથી ડાન્સ કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK