લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૩૦

Published: 23rd December, 2012 06:24 IST

સુસ્મિતાને હતું એ કાજલને ક્ષણમાં જ હતી-નહોતી કરી નાખશે.વર્ષા અડાલજા   

સુસ્મિતાને હતું એ કાજલને ક્ષણમાં જ હતી-નહોતી કરી નાખશે.

એક તણખલા જેવી મૂરખ છોકરી. હજી હમણાં ઘરબહાર પગ મૂક્યો છે. કોઈની ઓથ નથી. તેના પૈસાની મોહતાજ છે. પોતે ધમકાવશે, તે પગે પડશે, માફી માગશે. કદાચ પૈસા માગશે. પછી પાછી જશે. મુંબઈ જેવા મહાનગરમાં ઘૂઘવતા મહેરામણમાં જળનું ટીપું બની ખોવાઈ જશે.

પણ કાજલ ઊભી હતી. ન તે ડરી હતી ન તેની આંખોમાં ભય હતો. તેની કોમળ ગૌર વર્ણની ત્વચામાં દીવા જેવી બે તેજસ્વી આંખો, નમણો ચહેરો, ઘાટીલું શરીર... પહેલી વાર તેને જોતી હોય એમ સુસ્મિતા કાજલને જોઈ રહી. સરસ હતી આ છોકરી. કરણને ગમી જાય એવી. તેની પાસે નિવેદિતા ઝાંખી લાગે. કોઈ મોટા ઘરની હોત તો...

‘તમારા દીકરા સાથે હું શોભી ઊઠત કેમ?’

સુસ્મિતા છંછેડાઈ ગઈ. જાણે કાજલે તેની ચોરી પકડી પાડી હોય એમ તે ઉશ્કેરાટમાં બોલી પડી, ‘શટ અપ. જસ્ટ શટ અપ.’

કાજલ હવે પીછેહઠ કરે એમ નહોતી. તેણે પોતાનું સર્વસ્વ હોડમાં મૂક્યું હતું અને આ સ્ત્રી ક્ષણમાત્રમાં તેનાં સપનાંઓને ભસ્મીભૂત કરી નાખવાની હતી. તેનામાં પણ ઝનૂન ભરાયું. હવે પ્રહાર કરવાનો તેનો વારો હતો.

‘ઓકે મૅમ. હું તમારી પુત્રવધૂની વ્યાખ્યામાં બંધબેસતી નથી, ખરું? હું એકલી છું, ઇન્ડસ્ટ્રિયલિસ્ટની દીકરી નથી વગેરે-વગેરે અને હા, શું કહ્યું હતું તમે? હું તમારા કુટુંબમાં લીલાછમ વૃક્ષને સહારે વેલીની જેમ ચડી જવા માગું છું, રાઇટ?’

સુસ્મિતાએ ફૂંફાડો માર્યો.

‘તો?’

‘તો એમ કે તમારું પોતાનું વજૂદ શું છે? તમે પણ માત્ર તમારા શ્રીમંત અને ઇન્ફ્લુએન્શલ પતિનાં દામ-નામ-કામથી જાણીતાં છોને!’

 ‘છોકરી!’

‘હજી નામ છે મારી પાસે, કાજોલ. મૅમ, મારામાં હિંમત છે મારું ઘર છોડવાની, મારા સ્વમાનની રક્ષા કરવાની, મારાં સપનાં ઉછેરવાની. બાય ધ વે, મૉડલિંગનું કામ મારી બ્યુટી અને સ્ટાઇલ પર મળે છે હોં! મારી પાસે કશું નહોતું ને મેં ઘર છોડ્યું. તમારી પાસે તો રતન જેવાં બાળકો હતાં. પતિ પાસેથી મેઇન્ટેનન્સ મળત તોય તમે તમારા શબ્દોમાં કુટુંબનું લીલુંછમ વૃક્ષ ન છોડ્યું. એકલા જીવવામાં હિંમત અને ખુમારી જોઈએ મૅમ, ઍન્ડ સૉરી ટુ સે એ તમારી પાસે નથી. તમે કાયર છો સુસ્મિતા મહેતા!’

સુસ્મિતાનો ચહેરો હિંસક થઈ ગયો.

‘તું મને સંભળાવે છે? તારી આ હિંમત?’

‘રિલૅક્સ મૅમ. મારી હિંમતનો પરચો તો તમને થઈ જ રહ્યો છેને! તમે પતિને ન છોડી શક્યાં; કારણ કે દોમ-દોમ સાહ્યબી સાથે સ્ટેટસ અને સત્તા, પેજ થ્રી પર ફોટો, પાર્ટીઓ એ બધું નલિન મહેતાની પત્ની તરીકે મળે છે જેનું તમને વ્યસન છે. પછી ભલેને પતિ લફરાંબાજ હોય! હું તો તમારાથી નાની. તમે કહ્યું એમ મામૂલી છોકરી, પણ મારો પતિ જો રંગરેલિયાં મનાવતો હોય તો હું સોનાના ચરુને લાત મારી નીકળી જાઉં હોં મૅમ!’

ધગધગતા રોષથી સુસ્મિતા ધસી આવી. કાજલ બાજુ પર ખસી ગઈ. મક્કમ સ્વરે બોલી, ‘ખબરદાર, મને આંગળી પણ અડાડી છે તો! હું ચીસ પાડતી દોડતી કૉરિડોરમાં જઈશ કે તરત તમારી કહેવાતી આબરૂના લીરા થઈ જશે. ન્યુઝપેપર્સની હેડલાઇન્સ... અરે હા, ચૅનલ્સને ઇન્ટરવ્યુઝ આપીશ. હું તો સામાન્ય છોકરી, મારું શું બગડશે? પણ તમે... સોચ લો.’

સુસ્મિતાનો ઊંચકેલો હાથ અધ્ધર રહી ગયો. કાજલે તૃપ્તિનો ઊંડો શ્વાસ લીધો. ઘા બરાબર સુસ્મિતાના કોમળ સ્થાન પર હતો. ઝપ દઈને સુસ્મિતાનો અભિમાનનો અંચળો તેણે ખેંચી કાઢ્યો હતો અને એક સામાન્ય ભયભીત સ્ત્રી તેની સામે ઊભી હતી. કાજલે પીઠ પાછળ હાથ ભેરવ્યા અને એક ચક્કર માર્યું. સુસ્મિતાની માંજરી આંખનો તણખો બુઝાઈ ગયો હતો. કાજલ થોડું હસી.

‘બસ, ડરી ગયાં મૅમ? હમણાં તો હિંમતની વાતો કરતાં હતાં! પસ્તાવો થાય છેને મને લગ્નનું આમંત્રણ આપી પટાવી ન લેવાનો? તમને ડર છે તમારી દીકરીનાં લગ્નના હવનમાં હું હાડકાં નાખીશ.’

સુસ્મિતા કરગરી પડી.

‘પ્લીઝ કાજલ, આઇ ઍમ સૉરી. એવું ન કરતી. પ્લીઝ, આઇ બેગ ઑફ યુ. મારી દીકરીનું ભવિષ્ય ખરાબે ચડશે.’

‘મને સૉરી કહેતાં બહુ તકલીફ થઈને તમને? પણ રેસ્ટ એશ્યૉર્ડ, હું એવું નહીં કરું. બીજાની દીકરીને ધુત્કારતાં તમને એક ક્ષણ પણ વિચાર આવ્યો? પણ મારાં મા-બાપે મને એવા સંસ્કાર નથી આપ્યા. હું ભલે ઘર છોડીને ચાલી નીકળી, પણ મારી માની તોલે તમે એક રજ પણ ન ઊતરો. જે બન્યું છે, બની રહ્યું છે એમાં નિવેદિતાનો શો વાંક? ગૉડ બ્લેસ ધ કપલ. હું જાઉં છું.’

જતાં-જતાં કાજલ થોભી. પાછળ જોયું, સુસ્મિતાની આંખો છલકાઈ ગઈ હતી.

‘ઊભી રહે કાજલ, થૅન્ક્સ.’

‘જાઉં છું મૅમ. આપણે મળીએ કે ન પણ મળીએ, હૅવ અ ગુડ ડે.’

બારણું ખોલી કાજલ બહાર નીકળી ગઈ. સુસ્મિતા ઊભી રહી. હતપ્રભ, હારેલી. આવી પછડાટ તેણે જિંદગીમાં ક્યારેય ખાધી નહોતી. જેને એક સામાન્ય નાદાન છોકરી કહી અપમાનિત કરી હતી તેણે તેને સાફ-સાફ વાંચી હતી, એક કાગળની જેમ. જ્યારે-જ્યારે હૃદય આઘાત અનુભવતું ત્યારે પોતાને પૂછતી, તે શા માટે બાળકોને લઈને નીકળી નહોતી ગઈ? આજે બીજી કોઈ સ્ત્રીએ એનો જવાબ આપ્યો હતો. જાણે તે અનાવૃત થઈ ગઈ હોય એમ તેણે શરીર સંકોચી લીધું.

ધીમે પગલે ચાલતી તે બારી પાસે જઈ ઊભી રહી. કાજલ ઉતાવળે હોટેલના કમ્પાઉન્ડમાંથી નીકળી રહી હતી. તેણે પસાર થતી ઑટોને હાથ ઊંચો કર્યો.

‘મૅમ.’

ધીમો, નમ્રતાભર્યો અવાજ સંભળાયો. તેની પર્સનલ અસિસ્ટન્ટ હતી.

‘મૅમ, નિવેદિતાજીનો ફોન હતો. ચાર વાગ્યે તેમનાં મધર-ઇન-લૉ આવવાનાં છે. તમને રિમાઇન્ડર...’

‘આઇ નો.’

‘યસ મૅમ.’

તે ચાલી ગઈ. સુસ્મિતા મેક-અપ કરવા ડ્રેસિંગ ટેબલ સામેની સેટી પર બેસીને પોતાને દર્પણમાં જોતી ઝડપથી મેક-અપ કરવા લાગી. થોડી વારે ઊઠી તેણે સાડી, ઘરેણાં પર એક નજર ફેરવી લીધી. પર્ફેક્ટ. નિવેદિતાની સાસુ અંજાઈ જવી જોઈએ. તે સ્વસ્થ થઈ ગઈ. બધું બરાબર હતું.

શું ખરેખર બધું બરાબર હતું?

એક વેંત જેટલી મિડલક્લાસ છોકરી તેને સંભળાવી ગઈ અને તે સાંભળતી ઊભી રહી ગઈ? મૂરખ તે નહીં, પોતે હતી. એ તો પોતાની સંસ્કારિતાનું ગાણું ગાતી તેના પર ઉપકાર કરતી હોય એમ મિડિયાને નહીં કહું કહેતી ચાલી ગઈ અને તે બાઘી બની તેની સામે રડી પડી?

માય ગૉડ! અરીસામાં પોતાને ધમકાવી રહી, સુસ્મિતા તારો મિજાજ ક્યાં ગયો હતો?

પ્રતિબિંબ હસીને તેને પૂછી રહ્યું હતું, સાચું કહેજે સુસ્મિતા, તેનો એક-એક શબ્દ સાચો હતોને!

ભીની આંખે સુસ્મિતા પીઠ ફેરવી ગઈ.

પ્રિયા અને અમર કોલાબા પરની મૅક્ડોનલ્ડ્સમાં દાખલ થયાં ત્યારે ભીડ હતી. સાંજ પડી ગઈ હતી. બધાં ટેબલ ભરચક હતાં. એક ટેબલ પરથી બે-ત્રણ યુવાનો ઊઠuા. પ્રિયાએ ત્યાં જગ્યા લીધી. અમર કાઉન્ટર પરથી પટેટો ચિપ્સ અને સ્ટ્રૉબેરી મિલ્કશેક લઈ આવ્યો.

બન્ને ચૂપચાપ થોડું ખાતાં હતાં. ઑફિસ પછી બન્ને મળ્યાં હતાં ત્યારથી પ્રિયા એક શબ્દ બોલી નહોતી. અન્યમનસ્કપણે ભીડને જોઈ રહી હતી. થોડે દૂરના ટેબલ પર બાળકોનું ટોળું કલબલાટ કરતું હતું. ખાસ્સો સમય થયો. પ્રિયા ઉતાવળી થઈ ગઈ.

‘હવે જઈએ અમર? ઘરે પપ્પા-મમ્મીને એવી સ્થિતિમાં મૂકીને આવી છું..’

અમરની બાજુની ખાલી ખુરશીમાં તે બેસી પડ્યો. ચહેરા પરથી થોડી કૅપ ઊંચી કરી.

‘સૉરી પ્રિયા, મોડું થયું. ટૅક્સી મળતી નહોતી.’

પ્રિયા તરુણને જોઈ રહી. બે જ દિવસોમાં તરુણ કેટલો લેવાઈ ગયો હતો! ચહેરા પરની રોનક, આંખોમાં છલકાતો આત્મવિશ્વાસ અને ગરદનનો મરોડ... બધું જ અદૃશ્ય હતું. આછી રેખાઓથી દોરાયેલું એક નિર્જિવ ચિત્ર જાણે. પ્રિયાએ અણગમાથી કહ્યું, ‘તને શું કામ મોડું થયું એ જાણવામાં રસ નથી. મને મળવા શું કામ બોલાવી? હું તો આવવાની જ નહોતી, અમર મને પરાણે ન લાવ્યો હોત તો... મારે તારી શકલ પણ નહોતી જોવી.’

‘થૅન્ક્સ અમર. તમે ઘરે મળવા જવાના હતા, પણ હું ન આવી શક્યો. આ રીતે આપણે મળીશું એ મેં સ્વપ્નેય ધાર્યું નહોતું.’

પ્રિયાએ તરત તીખા સ્વરે કહ્યું, ‘તને કોઈને મળવાની ક્યાંથી ફુરસદ હોય? ભઈ, તું તો હાઇફ્લાય ગ્રેટ બિઝનેસમૅન. ઍની વે, તેં અમને શું કામ બોલાવ્યાં? મને મોડું થાય છે, ઘરે પપ્પા-મમ્મીને એવી હાલતમાં મૂકીને આવી છું. જોકે એથી તને શો ફરક પડે છે?’

અમરે પ્રિયાના હાથ પર હાથ મૂક્યો. ‘શાંત થાઓ પ્રિયા. કન્ટ્રોલ યૉરસેલ્ફ અને ધીમે બોલો.’

પ્રિયા આછા નિ:શ્વાસના સૂરે બોલી, ‘મેં શું ખોટું કહ્યું? જો પપ્પા-મમ્મીની, મારી, અમારા કુટુંબની આબરૂની ચિંતા તેને હોત તો આ દિવસ જોવો પડત? પણ સૌને રાતોરાત આકાશના તારા જોઈએ છે.’

અમરે પ્રિયાના હાથ પર હાથ મૂક્યો.

‘રિલૅક્સ પ્રિયા.’

તરુણે અધીરાઈથી કહ્યું, ‘એવું નથી, દીદી.’

પ્રિયા ભડકી ગઈ. ‘હું તારી દીદી તો શું, કોઈ નથી.’

તરુણ ચૂપ થઈ ગયો. બાળકોના ટેબલ પરથી કલશોર ઊઠ્યો. પછી તાળીઓ સાથે બધા જોર-જોરથી હૅપી બર્થ-ડે ટુ યુ ગાઈ રહ્યા હતા. એક છોકરો ખુશખુશાલ કેક કાપી રહ્યો હતો. તરુણ અને પ્રિયાની નજર મળી. કેવા રંગબેરંગી સુંદર પતંગિયાં જેવા શૈશવના દિવસો હતા! તરુણને અત્યારે જ પ્રિયાને પગે પડી માફી માગવાનું મન થઈ ગયું. પ્રિયાએ તેને કેટલું સમજાવ્યો હતો, ટોક્યો હતો; પણ તે પોતાની ધૂનકીમાં હતો અને આજે...

તરુણે મન કઠણ કર્યું. ભૂતકાળની વાતો પર અત્યારે રોદણાં રડવાનો કોઈ અર્થ નહોતો.

‘સાંભળ પ્રિયા, તું જાણે છે પપ્પા-મમ્મી અને હું પણ મોકળાશથી, સુખસગવડોથી જીવી શકે એ માટે મેં કાર-મેઇન્ટેનન્સની સર્વિસનો બિઝનેસ શરૂ કર્યો હતો. મુંબઈમાં સ્ટેટસ અને સેલિબ્રિટીઝનો પાર નથી અને એ લોકોને ભેળસેળવાળો નહીં, રિયલ ઇમ્ર્પોટેડ સ્ટફ ઘરે બેસીને જોઈએ છે.’

‘આ એકની એક વાત સંભળાવવા મને બોલાવી? મને તારી કેફિયતમાં કોઈ રસ નથી. હું જાઉં છું, અમર તમે આવો છો?’

તરુણે પ્રિયાનો હાથ પકડી લીધો.

‘પ્લીઝ, આ મારી કેફિયત નથી. મને માત્ર દસ મિનિટ આપ, પ્લીઝ.’

અમરે કહ્યું, ‘બેસો, હું કૉફી લાવું છું.’ કહેતાં તે ભીડભર્યા કાઉન્ટર પર ગયો.

પ્રિયા પરાણે બેસી પડી.

‘આલ્કોહોલ સપ્લાયનો બિઝનેસ શરૂ કર્યો ત્યારે મેં મનને મનાવી લીધું હતું. હું ચોરી, લૂંટ જેવાં કામ તો નહોતો કરતો. હું લોકોને ન આપત તો એ લોકો તો બીજા પાસેથી ખરીદતને! અસંખ્ય લોકો આવા નાના અપરાધ વર્ષોથી કરે છે. મોટી રેપ્યુટેડ કંપનીઓ એક્સર્પોટ-ઇમ્ર્પોટમાં, જાતભાતની બિઝનેસ ડીલમાં, કૉન્ટ્રૅક્ટમાં અનેક જાતની ગેરરીતિઓ આચરે છે. ખુદ સરકાર મોટા-મોટા સોદાઓમાં કમિશન લેતી હોય તો મારો નાનો બિઝનેસ ગેરકાયદેસર છે, પોલીસના આર્શીવાદથી જ ચાલે એમાં ખોટું શું છે?’

પ્રિયા ચિડાઈ ગઈ.

‘મેં તને કહ્યુંને, ફરી-ફરીને એકની એક વાત મારે નથી સાંભળવી.’

તરુણ કરગરી પડ્યો. ‘પ્લીઝ, છેલ્લી વાર. આપણી ચારે તરફ કરપ્શનનો માહોલ છે, પ્રિયા. રોજ અબજો, ખરબોનો ખેલો થાય છે અને એ લોકો લહેર કરે છે તો આપણી યુવાપેઢીને થાય છે કે યસ, એમાં ખોટું શું છે? આજના નૈતિક પ્રદૂષણના આ સમયમાં એકસો ટકા સાચો માણસ શોધ્યો જડતો નથી અને પપ્પા જેવા, તારા જેવા રડ્યાખડ્યા મળી આવે એ આદર્શોનો ક્રૉસ ખભે ઊંચકી લોહીલુહાણ થતા રહે છે. એવા સમયે અમે માત્ર મુઠ્ઠીભર રૂપિયા કમાઈ લેવાનાં સપનાં જોતા હતા.’

અમરે કૉફીના પેપર કપ્સ ટેબલ પર મૂક્યા. પ્રિયાએ ગરમ કપ હાથમાં લીધો.

‘પાંચ મિનિટ પૂરી થઈ ગઈ છે અને હવે તારી પાસે માત્ર પાંચ મિનિટ છે તરુણ. આ કૉફી પી હું ઊઠી જઈશ, પછી હું તને ક્યારે મળીશ એ હું જાણતી નથી. જલદી, તારો સમય પૂરો થવામાં છે.’

‘ઓકે. પપ્પાના પગારના પૈસા પણ દૂધે ધોયેલા ઘરમાં નથી આવતા.’

‘ઇનફ. હું જાઉં છું અમર. તમે આવો છો?’

‘હજી ચાર મિનિટ છે. આ એક દાખલો છે, પપ્પા જે ફાર્માસ્યુટિકલ અને કેમિકલ કંપનીમાં કામ કરે છે એના બૉસની પાંચ કારની સર્વિસ માટે હું જતો હતો. ના, પપ્પાને કહ્યું નથી. થોડી ખણખોદ કરી તો ખબર પડી કે સરકારે બૅન કરેલી દવાઓ, જે પરદેશમાં પણ ફેંકી દેવાની છે એ કસ્ટમ્સમાં પૈસા ખવડાવીને... ઓકે ઘડિયાળનો કાંટો ફરી રહ્યો છે અને હું એની સાથે હોડ બકી રહ્યો છું. એટલે મારા બિઝનેસમાં હું કશું ખોટું જોતો નથી, પણ કોઈએ અમારો લાભ લીધો, ફસાવ્યા.’

‘એટલે?’

તરુણનો અવાજ ધ્રૂજ્યો. તે ટેબલ પર ઝૂક્યો. તેનો અવાજ ધીમો પડી ગયો.

‘અમે ક્લાયન્ટ્સને ઘરે માલ ડિલિવરી કરતા હતા. હા, પપ્પાના બૉસને ત્યાં પણ. ઇન્ટરનેટ પરથી પાર્ટી ગોઠવતા ક્લાયન્ટને માલ સપ્લાય કરીએ છીએ. હમણાં જે રેવ પાર્ટી પર રેઇડ પડી અને એંસી યુવાન-યુવતીઓને પોલીસ-સ્ટેશન લઈ ગયા એનો મિડિયામાં ખૂબ હોબાળો મચ્યો.’

પ્રિયા ચમકી ગઈ. ‘એમાં તો ડ્રિન્ક્સની સાથે ડ્રગ્સ પકડાયાં હતાં!’ અમરે તરત પ્રિયાનો હાથ દબાવ્યો.

‘પ્રિયા ચૂપ. નો નેમ્સ.’

પ્રિયાને ગભરામણ થવા લાગી.

‘તું... તમે લોકો...’

‘ના પ્રિયા. એ જ કહેવા તને બોલાવી હતી. મમ્મીને માતાજીમાં શ્રદ્ધા છેને! એ મૂર્તિની સાક્ષીએ કહું છું. એ બિઝનેસ નહોતા કરતા. નેવર. પણ જે વ્યક્તિ અમને બૉટલનો માલ સપ્લાય કરે છે તેણે અમારો વિશ્વાસ જીતીને, અમારી જાણ વગર જ નીચેની ફૉલ્સ બૉટમમાં...’ તરુણે પેપર નૅપ્કિન પર લખ્યું: ડ્રગ્સ છુપાવીને સપ્લાય કરતા... ‘અમારા માલનું પેમેન્ટ અમે લઈએ, બીજું પેમેન્ટ એ લોકો સીધું લઈ લે. અમારી ભૂલ એટલી કે અમે વિશ્વાસ કર્યો, ભ્રમમાં રહ્યા. અમારા સપ્લાયરનો જ કોઈ માણસ ફૂટી ગયો અને પોલીસને ટિપ ઑફ્ફ કરી દીધી.’

પ્રિયા રડું-રડું થઈ ગઈ.

‘હવે શું થશે?’

તરુણે તરત ઉત્સાહથી કહ્યું, ‘ના પ્રિયા. કંઈ નહીં થાય. બસ! એ છેલ્લો ઑર્ડર હતો. અમે તરત બધું પગેરું ભૂંસી નાખ્યું છે. જીવનમાં ક્યારેય એ દિશા તરફ જોવાનું પણ નથી. જે પૈસા મળે, જેટલા મળે, કારની હોમ સર્વિસનો નિરાંતનો બિઝનેસ અને ઇન્ટરનૅશનલ માર્કેટમાં ટૅટૂ, સ્ટિકર, ચિલ્ડ્રન્સ ગેમ્સ જે એક્સર્પોટ કરે છે એનાં પાર્સલનું કુરિયર હૅન્ડલિંગ અમારે કરવાનું. માત્ર સર્વિસ ચાર્જિસ લઈશું. એક કાર્ગો ગયે મહિને ગયો, બીજો આજે...’

અમર ચમકી ગયો. અધીરતાથી કહ્યું, ‘તરુણ, સ્ટૉપ ધ કાર્ગો. જલદી રોકી લે એને. કુરિયર કંપનીમાં જતાં... જલદી એસએમએસ કર. સમજે છેને મારી વાત?’

તરુણનું મોં પહોળું થઈ ગયું. ‘ઓ માય ગૉડ!’ બોલતાં તેણે શંકરને મેસેજ કર્યો, સ્ટૉપ ધ કાર્ગો નાઓ. રિપ્લાય અર્જન્ટ.

ત્રણેય ધડકતે હૃદયે સેલફોનને તાકતાં બેસી રહ્યાં.

€ € €

કાજલને જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળતાં જ ઑટો મળી ગઈ. ભરબપોરની પાંખી ભીડમાં રિક્ષા ઝડપથી દોડતી હતી. કાજલે બે હાથે માથું પકડીને થોડી વાર આંખ બંધ કરી દીધી હતી, પણ એથી વાસ્તવિક જગતથી પનારો છૂટતો નહોતો. હજી જાણે હોટેલના એ ખંડમાં સુસ્મિતા સામે એક અપરાધીની જેમ પાંજરામાં ઊભી હતી અને તે સ્ત્રી તેના સ્વમાનના, તેના પ્રેમનાં ચીંથરાં ઉડાડતી હતી.

ગેટ આઉટ.

કાજલ એક ધડકન સાથે જાગી ગઈ. તે ક્યાં હતી? તે ચારે તરફ જોઈ રહી. રિક્ષામાં બપોરની ગરમ હવા ધસી આવી તેને દઝાડતી હતી. થોડી જ મિનિટોમાં જીવન ઊલટસૂલટ થઈ ગયું હતું. એ માંજરી આંખો હિંસક જાનવરની જેમ તેને હજી તાકી રહી હતી. તેના હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. રિક્ષાએ વળાંક લીધો અને તેણે જોરથી સામેનું હૅન્ડલ પકડી લીધું.

સુસ્મિતાના શબ્દોની ઝાળ લાગી ગઈ હતી અને તેણે સુસ્મિતાને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો અને પછી સુસ્મિતાની આગને નજર સામે ઠરી જતી જોઈ હતી. મિડિયાની ધમકીથી કેવી ઝાંખી ધબ્બ થઈ ગઈ હતી!

ટ્રાફિક સિગ્નલ પાસે રિક્ષા ઊભી રહી ગઈ.

ડૅમ ઇટ. મુંબઈનો આ અસહ્ય ઉકળાટ. રસ્તા પરની ભીડ... રિક્ષાના હડદોલા. પહેલેથી જ આ મિડલક્લાસ લાઇફસ્ટાઇલને તે ધિક્કારતી. તે અને તરુણ બસની ધક્કામુક્કીમાં કૉલેજ જતાં... ત્યાં કરણ તેની જિંદગીમાં આવ્યો. તેણે ફૂંક મારી અને હૈયામાં બંસીના મધુર સૂર ગુંજી ઊઠuા હતા.

ધસમસતા ટ્રાફિકમાં રિક્ષા દોડવા માંડી. કાજલને હસી પડવાનું મન થયું. તેના એક જ પ્રહારથી સુસ્મિતા મહેતાનું અભિમાન, દોરદમામ અને રુઆબ ભાંગીને ભુક્કો થઈ ગયા હતા. પોતે મિડિયા સામે મોં નહીં ખોલે કહીને પોતાના સંસ્કારની દુહાઈ આપી હતી, પણ એમાં પોતાનું પણ ભલું હતું એ વાત તરત સૂઝી આવી હતી. એક તો તેના પરિવાર પર કદાવ ઉછાળવા જતાં દેખીતું જ હતું, કરણ તેને માફ ન કરે. કદાચ એવું પણ કહેવાય, શ્રીમંત નબીરાને ફસાવવાની એક મિડલક્લાસ યુવતીની આ ચાલ હતી. તે બદનામ થાય, મૉડલિંગનું કામ મળતું બંધ થાય.

રિક્ષા ઊભી રહી. મનમાં હજીયે વિચારો વલોવાતા હતા. તેણે ઘરમાં આવતાંવેંત પથારીમાં લંબાવી દીધું. ખૂબ થાક લાગ્યો હતો અને મન પર ભાર હતો. કરણના સાંનિધ્ય માટે મન તરફડી ઊઠ્યું. સુસ્મિતા આખા પ્રસંગને પોતાની રીતે ઓપ આપે એ પહેલાં કરણને મળવું જોઈએ. પણ કરણે સ્પષ્ટ ના પાડી હતી, હવે તો લગ્ન પછી જ મળીશું, એટલે દૂર આવવાનો સમય નથી. ભલે, ફોન પર વાત કરી શકેને! કરણનો ફોન સ્વિચ્ડ ઑફ્ફ હતો. તેને જ્યારે હું કહીશ કે તારી મમ્મીએ મારી સાથે કેવું ખરાબ વર્તન કર્યું હતું ત્યારે તે ચોક્કસ મારો પક્ષ લેશે અને આ બધી વાતો જાહેરમાં નહીં કહેવા બદલ ચોક્કસ મારી પ્રશંસા કરશે. અરે, બે દિવસ પછી તો તેની કારની ડિલિવરી લેવા જવાનું છે!

ભૂખ લાગી હતી. ફ્રિજમાં ફ્રૂટ અને બ્રેડ હતાં. સૅન્ડવિચ બનાવી. બપોરે આરામ કર્યો. હજી કરણનો ફોન સ્વિચ્ડ ઑફ્ફ આવતો હતો. થોડું ઊંઘી, વાંચ્યું, કંટાળો આવ્યો. જિમમાં ગઈ. વેઇટ્સ અને કાર્ડિયોની એક્સરસાઇઝ કરી. થાકીને ઘરે આવી. માંડ રસોઈમાં મન પરોવ્યું. બહારથી ખાવાનું મગાવવાનું મન ન થયું. હોટેલના ખાવાનાથી ધરાઈ ગઈ હતી. મમ્મીનાં ખીચડી-કઢી યાદ આવ્યાં. ગરમ કઢી કેટલી સ્વાદિષ્ટ લાગતી! બધાં સાથે ડાઇનિંગ ટેબલ પર જમતાં હતાં ત્યારે કેવી મજા આવતી! તે મોં ચડાવતી, ખીચડી? નૉટ અગેઇન. પ્રિયા તરત કાંદાનું કચુંબર કરી આપતી, મમ્મી પાપડ શેકી આપતી, તરુણ મજાક કરતો.

સૂના ઘરમાં તે ટેબલ પર પ્લેટ લઈને બેઠી. ખીચડી-કઢી તેણે બનાવ્યાં હતાં અને ક્યારેય ન ભાવેલું ભોજન અત્યારે અમૃત-કોળિયો લાગતું હતું. જમીને પ્લેટ સાફ કરી ટીવી સ્વિચ ઑન કર્યું, પણ કંટાળો આવ્યો. બીજો દિવસ ઊગવાને ઘણી વાર હતી અને સમયનો એક લાંબો નિર્જન પટ પથરાઈને પડ્યો હતો.

સુસ્મિતાના ઘરે જાતભાતના ફંક્શનમાં નાચગાનનો અત્યારે જલસો થતો હશે. આખું ઘર ઝાકઝમાળ હશે. મેંદીનો લાલચટક રંગ નિવેદિતાને હાથે ચડતો હશે. લગ્નગીતો ગાતું પ્રોફેશનલ ગ્રુપ સંગીતની મહેફિલ જમાવતું હશે અને એ બધાની વચ્ચે કરણ ઘૂમતો હશે. કરણે કહ્યું હતું કે તે ટ્રેડિશનલ વસ્ત્રો પહેરવાનો છે, ફેમસ ડિઝાઇનરનાં. માથે લહેરિયાનો મારવાડી સાફો, એમાં હીરાની કલગી, શેરવાની, ડાયમન્ડ-રૂબીનો હાર, મોજડી... ઓ ગૉડ! કેવો લાગતો હશે મારો કરણ?

કાજલનું રોમેરોમ ઝંખી રહ્યું કરણને. તે જાણતી હતી કરણ પણ તલસતો હશે તેની કાજલ માટે. તેની મા ભલે ગેટ આઉટ કહે, પણ તે જાણે છે કરણ તેની બહેનનાં લગ્નની જ પ્રતીક્ષા કરતો હતો. નિવેદિતાનાં લગ્ન પછી તેની પરીક્ષા પૂરી થતાં એકના એક દીકરાની હઠ પાસે તે સ્ત્રી નમતું જોખીને તે બન્નેનાં લગ્ન કરાવી આપશે.

કીમતી ઘાઘરા-ચોળીમાં તે શોભી ઊઠશે. બાજુમાં સાફો-શેરવાનીમાં સોહતો કરણ... કાજલ લહેરાઈ ઊઠી. પછી તે રચશે પોતાનું સ્વર્ગ. તે સ્વર્ગની પોતે અધિષ્ઠાત્રી દેવી. ડાન્સફ્લોર પર તે કરણના આશ્લેષમાં હોય એમ નાચતી-ઝૂમતી ડ્રેસિંગ ટેબલ સામે ઊભી રહી.

દર્પણમાં દુલ્હા-દુલ્હન શોભી રહ્યાં હતાં. તેણે ઝૂકીને કરણને પ્રગાઢ આવેશથી ચુંબન કર્યું.

€€€

ધસમસતા ટ્રાફિકમાં રિક્ષા દોડવા માંડી. કાજલને હસી પડવાનું મન થયું. તેના એક જ પ્રહારથી સુસ્મિતા મહેતાનું અભિમાન, દોરદમામ અને રુઆબ ભાંગીને ભુક્કો થઈ ગયા હતા. પોતે મિડિયા સામે મોં નહીં ખોલે કહીને પોતાના સંસ્કારની દુહાઈ આપી હતી, પણ એમાં પોતાનું પણ ભલું હતું એ વાત તરત સૂઝી આવી હતી. એક તો તેના પરિવાર પર કદાવ ઉછાળવા જતાં દેખીતું જ હતું, કરણ તેને માફ ન કરે. કદાચ એવું પણ કહેવાય, શ્રીમંત નબીરાને ફસાવવાની એક મિડલક્લાસ યુવતીની આ ચાલ હતી. તે બદનામ થાય, મૉડલિંગનું કામ મળતું બંધ થાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK