હોમલેસ પ્લૅનેટ એટલે શું? એ ગ્રહ ક્યાં અને કેવો છે?

Published: 16th December, 2012 07:19 IST

અંતરીક્ષ અનેક આશ્ચર્યો અને રહસ્યોથી ભરપૂર છે. કંઈકેટલીયે સદીઓથી ખગોળશાસ્ત્રીઓ આ અજીબોગરીબ બ્રહ્માંડનો તાગ અને પાર પામવા સતત પ્રયાસ કરી રહ્યા છે.સાયન્સ પ્લીઝ - જગદીશચંદ્ર ભટ્ટ


અંતરીક્ષ અનેક આશ્ચર્યો અને રહસ્યોથી ભરપૂર છે. કંઈકેટલીયે સદીઓથી ખગોળશાસ્ત્રીઓ આ અજીબોગરીબ બ્રહ્માંડનો તાગ અને પાર પામવા સતત પ્રયાસ કરી રહ્યા છે. સાયન્સ અને ટેક્નૉલૉજીના વિકાસથી સાયન્ટિસ્ટ્સે અમુક નવી, વિશિષ્ટ અને અંતરીક્ષને સમજી શકાય એવી શોધ જરૂર કરી છે. કૅનેડાની મૉન્ટ્રિયલ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓએ હમણાં આવો જ એક વિશિષ્ટ કહી શકાય એવો આકાશી પિંડ શોધી કાઢ્યો છે. ખગોળવિજ્ઞાનીઓએ નવતર પ્રકારના આ આકાશી પિંડનું નામ હોમલેસ પ્લૅનેટ આપ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આપણી સૂર્યમાળાના બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, શનિ જેવા આઠ અને આપણી સોલર સિસ્ટમની બહાર શોધાયેલા લગભગ ૧૨૦૦ જેટલા નવા ગ્રહો વિશે અવારનવાર રસપ્રદ વિગતો મળતી રહે છે. આમ છતાં હોમલેસ કહી શકાય એવો અને cfbdsir 2149 નંબર ધરાવતો આ પ્રકારનો પ્લૅનેટ પ્રથમ છે એટલે વિશ્વભરના ઍસ્ટ્રોનૉમર્સ સહિત આકાશદર્શનના પ્રેમીઓ અને સામાન્ય જનતા પણ એના વિશે જાણવા ઉત્સુક હોય એ સમજી શકાય એવી બાબત છે.

મહત્વની બાબત એ છે કે આ નવા આકાશી પિંડને હોમલેસ પ્લૅનેટ નામ અપાયું હોય તો હોમલેસ પ્લૅનેટ એટલે શું અને વળી આવો પ્લૅનેટ મળ્યો છે ત્યારે ગ્રહની વ્યાખ્યામાં કોઈ ફેરફાર કરવો જરૂરી છે એવો સહજ સવાલ પણ સ્વાભાવિક છે.

આમ તો ઇન્ટરનૅશનલ ઍસ્ટ્રોનૉમિકલ યુનિયન (આઇએસયુ)ની વ્યાખ્યા મુજબ જે આકાશી પિંડનો જન્મ કોઈ એક ચોક્કસ સ્ટારમાંથી થયો હોય અને અમુક ચોક્કસ અંતરે રહીને એના પેરન્ટ સ્ટાર (પિતૃ તારો) ફરતે એની નિયત ભ્રમણકક્ષામાં ગોળ-ગોળ ઘૂમતો હોય એને પ્લૅનેટ એટલે કે ગ્રહ કહેવાય છે. વળી આ ગ્રહને એના પેરન્ટ સ્ટારનું ગુરુત્વાકર્ષણ બળ પણ લાગતું હોય છે. ઉપરાંત આવા પ્લૅનેટને પોતાનો કોઈ પ્રકાશ પણ નથી હોતો, પણ પિતૃ તારાનો પ્રકાશ ફેંકાતો હોવાથી એ ગ્રહ ઝળહળતો લાગે છે. આમ તમામ પ્લૅનેટ્સ

પર-પ્રકાશિત હોય છે એટલું જ નહીં, આવા ગ્રહો કાં તો ખડકાળ (બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ) હોય અથવા તો વાયુઓના (ગુરુ, શનિ, નેપ્ચ્યુન, યુરેનસ) વિશાળ ગોળા હોય.

બીજી બાજુ આપણા સૌરમંડળની સરહદ બહારથી પણ અત્યાર સુધીમાં લગભગ ૧૨૦૦ જેટલા નવા ગ્રહો મળી આવ્યા છે. જોકે આ બધા પ્લૅનેટ્સ કોઈ ને કોઈ સ્ટાર ફરતે

ગોળ-ગોળ ફરી રહ્યા છે. એટલે કે આ તમામ ૧૨૦૦ ગ્રહોને એના પિતૃ તારાનું ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ છે.

આ નવો શોધાયેલો પ્લૅનેટ એક પણ સ્ટાર ફરતે પ્રદક્ષિણા નથી કરતો. વળી મૉન્ટ્રિયલ યુનિવર્સિટીના ખગોળવિજ્ઞાનીઓના સંશોધન મુજબ cfbdsir 2149 નંબર ધરાવતા આ પ્લૅનેટને કોઈ પણ તારાનું ગુરુત્વાકર્ષણ બળ પણ નથી લાગતું. આ નવતર ગ્રહ લગભગ ૩૦ જેટલા યુવાન કહી શકાય એવા સ્ટારના જૂથમાં રહીને તરી રહ્યો છે. આવી અતિ વિશિષ્ટ કહી શકાય એવી આકાશી પરિસ્થિતિમાં આ ગ્રહને હોમલેસ કઈ રીતે કહી શકાય અને હોમલેસ પ્લૅનેટ એટલે શું એની વિગતો પણ જાણવા-સમજવા જેવી છે.

વિશ્વના એક્સપર્ટ અને અનુભવી ખગોળશાસ્ત્રીઓ તેમના ગહન અભ્યાસના આધારે કહે છે કે અનંત અને અફાટ અંતરીક્ષમાં આવા અનેક આકાશી પિંડો અહીં-તહીં ઘૂમતા-રખડતા હોય છે. આમ છતાં ખગોળશાસ્ત્રની ભાષામાં સમજીએ તો એમ કહી શકાય કે કોઈ પણ ગૅલેક્સીનું બંધારણ થતું હોય ત્યારે અમુક નાના-મોટા પદાર્થો બહાર ફેંકાઈ ગયા હોય. વળી કોઈ નવા તારાનો જન્મ થતો હોય ત્યારે પણ એનો અમુક પદાર્થ બહાર ફેંકાઈ ગયો હોય એવું બને. સમય જતાં આવા આકાશી પિંડોનું ગઠન પણ થાય જેનું બંધારણ ઘણા અંશે ગ્રહ જેવું હોય. ઉદાહરણરૂપે અગાધ બ્રહ્માંડમાં એવા ઘણા કૉમેટ્સ (ધૂમકેતુ) પણ છે જે કોઈ પણ તારા ફરતે પ્રદક્ષિણા કરતા નથી. આ પ્રકારના આકાશી પિંડોને ઍસ્ટ્રોનૉમીની ભાષામાં free-floating planets એટલે કે સ્વતંત્ર રીતે તરતા ગ્રહો કહેવાય. હવે મહત્વની બાબત એ છે કે આવા સ્વતંત્ર રીતે તરતા ગ્રહો કોઈ એક નિશ્ચિત સ્ટાર ફરતે ગોળ-ગોળ ઘૂમતા ન હોવાથી એને કોઈ તારાનું ગુરુત્વાકર્ષણ બળ પણ ન લાગે.

ખગોળશાસ્ત્રનું ઊંડું સંશોધન અને અભ્યાસ કરી રહેલા ઍસ્ટ્રોનૉમર્સ આ અજીબોગરીબ ઘટનાને ઉદાહરણ દ્વારા સમજાવતાં કહે છે : કોઈ એક વિશાળ તળાવ પાણીથી છલોછલ ભરેલું હોય. કોઈક કારણસર એ સુકાઈ જાય તો એના તળિયાની માટી પણ સુકાઈ જાય. માટી સુકાઈ જવાથી એના નાના-નાના ટુકડા પડી જાય એટલે કે તળાવના તળિયાની સુકાઈ ગયેલી માટીનો પટ વેરણછેરણ થઈ જાય. સમય જતાં માટીના કટકા આઘાપાછા પણ થઈ જાય. કંઈક આવી જ પરિસ્થિતિ પેલા હોમલેસ સ્ટારની પણ થઈ હોય. કહેવાનો અર્થ એ છે કે બ્રહ્માંડનું જે નવું રિસર્ચ થઈ રહ્યું છે અને નવા-નવા પ્લૅનેટસ શોધાઈ રહ્યા છે એ મુજબ સ્વતંત્ર અને કોઈ એક ચોક્કસ તારા ફરતે પ્રદક્ષિણા કરતા એમ બે પ્રકારના ગ્રહો છે એવો નવો સિદ્ધાંત અપનાવવો રહ્યો. ગ્રહની નિશ્ચિત અને પરંપરાગત વ્યાખ્યામાં થોડોક ફેરફાર પણ કરવો પડે.

જોકે મહત્વની બાબત એ છે કે આ નવા અને હોમલેસ પ્લૅનેટના દળ, તાપમાન અને એની ઉંમર વિશે પણ સચોટ સંશોધન થવું જરૂરી છે જેથી જગતઆખાને આ હોમલેસ એટલે કે ઘરવિહોણા કે સરનામાવિહોણા ગ્રહ વિશે રસપ્રદ માહિતી મળે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK