રાજકારણમાં સફળ થવાનાં સાત સૂત્રો

Published: 16th December, 2012 07:17 IST

કવિમિત્ર ગિરગિટ અમદાવાદીનો ગમતો શેર દેશના ભ્રષ્ટ નેતાઓને ડાયરેક્ટલી અને ઓન્લી લાગુ પડે છે કે વો કારોબાર અપના શાન સે આગે બઢાએગા અભી બકરી ચુરાઈ હૈ કલ હાથી ચુરાએગા!સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે

કવિમિત્ર ગિરગિટ અમદાવાદીનો ગમતો શેર દેશના ભ્રષ્ટ નેતાઓને ડાયરેક્ટલી અને ઓન્લી લાગુ પડે છે કે વો કારોબાર અપના શાન સે આગે બઢાએગા અભી બકરી ચુરાઈ હૈ કલ હાથી ચુરાએગા!

વીસમી ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ છે. અમારા હિંમતદાદાથી માંડી દરેકની જીભે એક જ યક્ષપ્રશ્ન છે કે શું થાશે? શું થાશે? અત્યારે તો મતના જ્વાળામુખી ઉપર સત્તાનું સિંહાસન ઊકળી રહ્યું છે. એક જ પક્ષના ત્રણ મહાનુભાવો એક પાટલી ઉપર બેસીને એક દિવસ રાષ્ટ્રની ચિંતા કરતા હતા એ ત્રણેય જણ જ અત્યારે એકબીજાની ચિતા સળગાવવાનો પરિશ્રમ કરી રહ્યા છે. મુકેશજીનું પેલું ગીત આ ત્રણેય મહાનુભાવોને સો ટકા લાગુ પડે છે કે ‘દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા!’ ગુજરાતની ૨૦૧૨ની વિધાનસભાની ગઈ ચૂંટણી મને ત્રણ પક્ષોનો નહીં પરંતુ ત્રણ માંધાતાઓનો અહમ્ અને અસ્તિત્વનો જંગ લાગી છે.

પણ કાલે રાતે મને નારદજી સપનામાં આવ્યા. વાચકોની જાણ માટે જાહેર હિતમાં સુનાવણી કે સત્તર વર્ષ પહેલાં મને સપનામાં દિવ્યાભારતી આવતી હતી. હવે સાડત્રીસમા વર્ષે એ સ્થાન ઉત્તરોત્તર •ષિ નારદજીએ લીધું છે. દિવ્યાભારતી મારી ફેવરિટ હિરોઇન હતી. મેં તેને પ્રપોઝ કર્યું એમાં જ તેણે આત્મહત્યા કરી એવો મને હજી વહેમ છે.

નારદજીને મેં કહ્યું કે મને રાજકારણની કથા સંભળાવો તો સપનામાં નારદજીએ દક્ષિણ કરમાં તંબુરો રણઝણાવ્યો અને ‘વામ’ કરથી શિખાને સ્પર્શ કરી હસ્તપ્રક્ષાલન (હાથ ધોઈ) કરી રાજકારણ દેવની કથા કહેવા માંડી. નારદ ઉવાચ : હે સાંઈ વદતા રામ, નારાયણ! નારાયણ! રાજકારણ દેવની કથા તો મનુષ્યની ઉત્પત્તિ સાથે જોડાયેલી છે કિન્તુ નેતાપુરાણની ખુરશીમૈયાની આ રહસ્યમય કથા તું સાંભળવા આતુર છે એથી હું પ્રસન્ન વદને તને કથાશ્રવણ કરાવું છું.

હે વત્સ, સાંભળ. દેશસેવા કરવાની અફવા ફેલાવી માત્ર અને માત્ર રાજ કરવાના ઉદ્દેશ્યથી જે લોકો એક જ પ્રકારના વ્યવસાયમાં જોડાય છે એને રાજકારણ કહેવામાં આવે છે. તેમ જ અમુક અંગત લોકોના અંગત સ્વાર્થ ખાતર દેશની એક અબજથી વધુ જનતાને ગાંડાની જેમ ધુણાવવાના ધંધાને •ષિઓએ ચૂંટણી કહી છે. તથા અનંત વર્ષોથી ખાદી પરિધાન કરનાર મુખારવિંદ પર કાયમી ખંધું હાસ્ય ધરનાર; કંચન, કામિની અને મદિરાપાનમાં નિપુણ ઠરનાર જીવને શાસ્ત્રો નેતા કહે છે. નારાયણ...! નારાયણ...!

હવે વત્સ, હું તને રાજકારણમાં સફળ થવાનાં સાત સૂત્રો સમજાવું છું.

પ્રથમ સૂત્ર

તારે તારા સાથીદારોનાં ચરણ ખેંચવામાં પારંગત થાવું પડશે. તેમ જ તારાં ચરણ ખેંચવા તત્પર થતા અસંતુષ્ટ આત્માઓથી તારે તારાં ચરણ સુરક્ષિત રાખવાં પડશે.

દ્વિતીય સૂત્ર

અજુર્નને લક્ષ્યવેધ સમયે જેમ માત્ર પક્ષીની આંખ દેખાતી હતી એમ તને પણ રાજકારણમાં પ્રવેશ બાદ માત્ર ખુરશી જ દેખાઓ. ખુરશીપ્રાપ્તિ વગર રાજકારણપ્રવેશ મિથ્યા માનજો. માટે ઊઠો, જાગો અને ખુરશીપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

તૃતીય સૂત્ર

કયા શૅર ક્યારે ખરીદવા અને ક્યારે વેચવા એની જેમ શૅરદલાલને ખબર હોય છે એ રીતે કયા પક્ષમાં ક્યાં સુધી રહેવું અને ક્યારે પક્ષને તિલાંજલિ આપવી એની વિવેકબુદ્ધિ તારે કેળવવી પડશે, કારણ કે સાચો રાજકારણી ક્યારેય ડૂબતી નાવમાં બેસતો નથી અર્થાત્ તુમ મુજે ટેકા દો, મેં તુમ્હે પૈસા દૂંગા.. નારાયણ..! નારાયણ..!

ચતુર્થ સૂત્ર

રાજકારણનું અતિ મહત્વનું સૂત્ર છે કે તારે શ્રેષ્ઠ ભાષણબાજી શીખવી પડશે. ખાળકૂવાથી માંડી ખાડીયુદ્ધ સુધીના કોઈ પણ વિષય પર કોઈ પણ જાતના જ્ઞાન કે માહિતી વગર તારે કલાકો બોલતાં શીખવું પડશે. વળી પ્રજાને તારે સતત એવો ભાસ કરાવવો પડશે કે તારા જેવી વ્યક્તિ સમગ્ર ધરતી પર ભૂતકાળમાં ન તો જન્મી હતી ન વર્તમાનમાં છે કે ન ભવિષ્યમાં જન્મવાની છે. કાળજું બીકણ સસલી જેવું રાખો, પણ ભાષણ સિંહ જેવું આપો.

પંચમ સૂત્ર

તારે સતત પ્રજાને એવું ભાન કરાવવું પડશે કે તમે જે કંઈ કરો છો એ દેશના ભલા માટે જ કરો છો. ઉદાહરણ તરીકે તમે પાટલી બદલો છો તો એમાં પણ દેશનું ભલું થાય છે. તમે બાટલી બદલો છો તો એમાં પણ દેશનું ભલું થાય છે. તમારાં હાડકાં કોઈ ભાંગી નાખે છે તો એમાં પણ દેશની ભલાઈ છે ને તમે કોકનાં હાડકાં ભાંગો છો તો એમાં પણ દેશની ભલાઈ છે. તમે શ્વાસ લો છો તો પણ દેશનું ભલું થાય છે અને તમે કોઈના શ્વાસ બંધ કરો છો તો એમાં પણ દેશનું ભલું જ થાય છે. પ્રજામાં આવો આંધળો વિશ્વાસ પેદા કર્યા પછી એનો ઘાત કરતાં તારે જરા પણ અચકાવાનું નથી. નારાયણ..! નારાયણ..!

ષષ્ઠ સૂત્ર

વત્સ, રાજકારણમાં ચૂંટણી જીતવા માટે તારે ઘણાંબધાં અસામાજિક તત્વો સાથે મૈત્રીભાવ કેળવવો પડશે. વિરોધીઓના અસ્થિભંગ માટે, વિરોધીઓની સભામાં તોફાન કરવા માટે કે પછી સત્તાલક્ષી રમખાણો કરવા કે બોગસ વોટિંગ કરવા માટે, કોકની ઉપર દબાણ લાવવા માટે ને તારી ઉપરનાં દબાણ ખાળવા માટે તારે સમાજના આ તમામ પેટમેલા અને પાપી મનુષ્યોની જરૂર પડશે. તેને સાચવી, ઉપયોગ કરી અને પછી તરત જ તેનું એન્કાઉન્ટર કરાવવાની હિંમત તારે દાખવવી પડશે. યાદ રાખજે વત્સ, રાજનીતિમાં સગા બાપનો પણ ભરોસો કરવામાં આવતો નથી. નારાયણ..! નારાયણ..!

સપ્તમ સૂત્ર

રાજકારણનું અંતિમ સૂત્ર ઉચ્ચારતાં નારદજી બોલ્યા કે હે પ્રિય, આપ્તજન નેતા થયા પછી તારે રોજ છાપામાં તારું નામ આવે એવાં બેફામ નિવેદનો કરવાં પડશે જેનાથી જનતાને કશો ફાયદો તો નહીં થાય, પરંતુ મફતનું કરમુક્ત મનોરંજન મળશે જેનો બદલો વાળવાય પ્રજા ક્યારેક તને ચૂંટી કાઢશે. તારે ‘ઘાટન’ અને ‘મોચન’ની સતત ટેવ પાડવી પડશે. ઓહ આઇ ઍમ સૉરી, સાંઈ! ઉદ્ઘાટન અને વિમોચનની સતત ટેવ પાડવી પડશે. ખિસ્સામાં નિત્ય નાનકડી કાતર લઈને જ ઘરની બહાર નીકળવું પડશે. તદુઉપરાંત જ્યાં માઇક અને મેદની ભાળો ત્યાં ચોંટી જવાની કળા હસ્તગત કરવી પડશે. ‘રાજનીતિ સદા ચલી આઇ, વચન જાયે પર સત્તા ન જાઈ!’

આ સાત સૂત્રોનું જે નિષ્ઠાપૂર્વક પાલન કરશે એ નિ મંત્રીપદને વરશે. ઇતિશ્રી દિલ્હી ખંડે ભારત દેશે ગાંધીનગર મધ્યે તમામ પક્ષે રાજકારણ પુરાણ સંપૂર્ણ:! નારાયણ...! નારાયણ...!

બસ, નારદજી આટલી કથા કહીને એક્ઝિટ થઈ ગયા ને તમે હજી શું ચોંટ્યા છો યાર? ઊપડો બીજા પાના ઉપર. આ પૂર્તિમાં બીજુંય ઘણું વાંચવા જેવું છે. નારાયણ...! નારાયણ...!            

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK