કામોત્તેજના-કામાનંદ વધારતી કામરમતો : ભાગ-૩

Published: 2nd December, 2012 06:44 IST

ગયા અઠવાડિયે આપણે કેટલીક રમતો અને ક્રીડાઓ વિશે જાણ્યું. આજે વધુ રમતો વિશે જોઈએ. દામ્પત્યજીવનને નવપલ્લવિત કરવા માટેનાં ગ્રુપ-સેશન્સમાં ઘણા મોટિવેટર્સ તથા લાઇફ મૅનેજમેન્ટ ગુરુઓ દંપતીઓને એક રમત રમાડે છે,


તન-મન ને સંવનન - ડૉ. મુકુલ ચોકસી

ગયા અઠવાડિયે આપણે કેટલીક રમતો અને ક્રીડાઓ વિશે જાણ્યું. આજે વધુ રમતો વિશે જોઈએ. દામ્પત્યજીવનને નવપલ્લવિત કરવા માટેનાં ગ્રુપ-સેશન્સમાં ઘણા મોટિવેટર્સ તથા લાઇફ મૅનેજમેન્ટ ગુરુઓ દંપતીઓને એક રમત રમાડે છે, જેમાં પતિ-પત્ની સામસામાં મોઢાં કરીને એક મોટા કૂંડાળામાં ઊભાં રહે છે. પછી ધીમે-ધીમે એ કૂંડાળું નાનું થતું જાય છે. રમતની શરત એ છે કે કોઈ દંપતીએ તેમનો પગ કૂંડાળાની બહાર ન પડી જાય એની કાળજી લેવી. હવે જેમ-જેમ કૂંડાળાં નાનાં થતાં જાય એમ દરેક કૂંડાળાની અંદર ઊભેલાં પતિ-પત્ની એકમેકની નજીક આવતાં જાય. છેવટે એક તબક્કે તેમનાં શરીર એકમેકને સ્પર્શી જાય. પછી કૂંડાળું વધુ નાનું થતાં પત્ની પોતાના પગના પંજા પતિના પગના પંજા ઉપર મૂકી દે અને બેઉએ બૅલેન્સ જાળવવા એકમેકને લગભગ આલિંગન આપી દેવું પડે એવી સ્થિતિ સર્જાય. જે યુગલ આવી આલિંગનસભર અવસ્થામાં પણ સંતુલન ન ગુમાવે તે જીતે. જોકે આમાં મહત્વ જીત કે હાર કરતાં વધારે તો આલિંગન, સઘન સ્પર્શ તથા શારીરિક નિકટતાનું છે. ઘણાં યુગલો લગ્નનાં વરસો વીત્યા બાદ સ્પર્શ, નિકટતા, ઉષ્ણ સાંનિધ્ય વગેરેનું મહત્વ ભૂલી જતાં હોય છે. તેઓ માત્ર સમાગમને જ પ્રાધાન્ય આપે છે. ઉપરોક્ત રમત કામરમત કરતાં પ્રેમરમત વધારે છે; પણ કામજીવનમાં સામીપ્ય, સ્પર્શ વગેરેના મહત્વને એ સરસ રીતે ઉજાગર કરે છે.

કામરમતોના આ વિશ્વમાં તરહ-તરહની કામરમતો સંભવિત બને છે. જગતનો કોઈ પણ માનવી કોઈએ ક્યારેય ન કલ્પી હોય એવી અનોખી કામરમત શોધી શકે છે. આમાં કોઈની મૉનોપોલી નથી. એકબીજાને નખોરિયાં ભરવાં, ઉઝરડા પાડવા, કરડવું, ધબ્બા મારવા, આંગળાં વાળી નાખવાં, ચીમટા ભરવા જેવી હિંસક પ્રવૃત્તિઓ પણ ક્યારેક ઉત્તેજક કામરમતો બની શકે છે. દંતક્ષત જેવા નામે પ્રચલિત આવી કામવર્તણૂકો પ્રાચીન કાળથી જાણીતી બની છે. ઇન્ટીરિયર ડિઝાઇનર સાથે પ્લાન કરીને કોઈક અરીસાઓવાળું ઇન્ટીરિયર એ રીતે બનાવે છે જેથી યુગલ મિરર-ગેમ રમતાં-રમતાં એકમેકને અનેક ઍન્ગલથી જોઈ શકે તો કોઈ બાથરૂમમાં શાવર-ગેમનું પણ ક્યારેક પ્લાનિંગ કરી શકે છે. બૉડીમસાજને આમ પણ ઇરૉટિક ઍક્ટિવિટીનો પર્યાય ગણવામાં આવે છે. આથી તરહ-તરહની રીતે અંગોપાંગ પર મસાજ કરવા-કરાવવાનો આનંદ મસાજ-ગેમથી મળી શકે છે.

ફૅન્ટસી-ગેમનું પણ ખૂબ વિશાળ ફલક સંભવિત છે, કેમ કે માનવકલ્પનાઓને કોઈ સીમાડા નથી હોતા. રાજા-રાણી, ચોર-પોલીસ, ઇટ્ટા-કિટ્ટા જેવા અનેક રોલ ધારણ કરીને યુગલ કામરમતો રમી શકે છે. એ જ રીતે નવાં આસનો યા ન્યુ પોસ્ચર્સ-ગેમ પણ યુગલો રમી શકે છે. એમાં જાણેલા-સાંભળેલાની સાથોસાથ અજાણ્યા, અકલ્પ્ય અનુભવો પણ ક્યારેક માણવા મળી શકે છે. એક યુગલે વળી એક નવી જ કામરમત શોધી કાઢી હતી. એમાં તેમણે પહેલા ફોરપ્લે બાદ જનનાંગોનું મિલન થવા દેવાનું, પણ પછી આગળ ન વધવાનું. એમાં કેવળ સ્થિર મિલનાસન સ્થિતિમાં પડ્યા રહેવાનું. આમ અર્ધઉત્તેજિત અવસ્થામાં તેઓ પરસ્પર એકમેકને સંવેદે, પણ સમાગમની પ્રક્રિયા ન આરંભે. તેઓ જાણે પરસ્પર ચૅલેન્જ કરે અને જે સમાગમ પરિપૂર્ણ કરવા અધીરું થઈને મૂવમેન્ટ્સ શરૂ કરી દે તે હારી ગયેલું ગણાય. આમ સંવનન તથા સમાગમને ર્દીઘ બનાવવાની આડપેદાશ ધરાવતી એક નવી જ કામરમતનો ઉદય તેમણે કર્યો.

કામરમતોનું વિશ્વ બહુ નિરાળું  છે. ક્યારેક પતિ કે પત્ની બેમાંથી એક વ્યક્તિ જો ઇનોવેટિવ હોય અને બીજી રૂઢિચુસ્ત યા કૉન્ઝર્વેટિવ હોય તો તેને આ બધું વધુ પડતું કામુક લાગી શકે છે અને પતિ-પત્ની વચ્ચે આ મુદ્દે ગંભીર કલહ યા મતભેદ સર્જાઈ શકે છે જેને સ્વસ્થતાથી ઉકેલવો જરૂરી છે. કામરમતોમાં રસ દાખવનાર વધુ પડતું સેક્સી માણસ ન કહેવાય. એ જ રીતે એમાં રસ દાખવનાર ઠંડું કે ફ્રીજીડ પણ ન કહેવાય. આ એક અલગ વિશ્વ છે જે કામક્રીડામાં વધારાનો આનંદ આપે છે. ગમ્યો તે આવો આનંદ લે, ન ગમે તે ન પણ લે; પણ કામરમત વિશે થોડી સાવધાની યા સાવચેતી રાખવી જરૂરી છે. કોઈ એવી ચીજ કામરમતોના અંચળા હેઠળ ન થવી જોઈએ જે કામવિકૃતિ બની જતી હોય. જેમ કે પતિ-પત્ની સમાગમ દરમ્યાન કોઈ ત્રીજી વ્યક્તિના સાહચર્યને કેવળ કલ્પે તો ઠીક, પણ ત્રીજી વ્યક્તિ સદેહે ઉપસ્થિત રાખે તો એ વિકૃતિ તરફ જતી વાત ગણાય. એ જ રીતે પુરુષ પત્ની પર મારવા માટે દબાણ કરે તો એ પણ કામરમત (પાવર-ગેમ)ને બદલે સેડિઝમ નામની કામવિકૃતિ બની જાય છે. એ જ રીતે અન્યોની કામક્રીડાનાં દૃશ્યો તેમની જાણ વગર જોવાં, સ્ત્રીને બદલે કેવળ તેનાં વસ્ત્રો યા ઉપકરણોથી જ ઉત્તેજિત થવું, બાળકને કામક્રીડામાં પ્રવૃત્ત કરવું વગેરે પણ કામવિકૃતિઓ તરીકે ઓળખાય છે. કામરમતો બેઉની મરજીથી જ રચાય છે. એમાં સમય જતાં બદલાવ આવે અને અનેકવિધ બની જાય તો એ કંટાળો પણ આપે છે. એક કામરમત એક યુગલને ગમે તો બીજાને ન પણ ગમે. એમાં કોઈ દબાણને અવકાશ નથી.

ગેરમાન્યતા

ડબલ કૉન્ડોમ પહેરવાથી એઈડ્સ સામે બમણું પ્રોટેક્શન મળે છે.

હકીકત

આવા કોઈ અભ્યાસો થયા નથી. ક્યારેક એનાથી ઊલટું પણ બની શકે છે અને કૉન્ડોમ સરકી જવાથી જોખમ વધી જાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK