તમારા પતિને કહો કે તમે છૂટા, જાઓ તમને મોજ પડે એમ કરો

Published: 2nd December, 2012 06:43 IST

ગુજરાતનાં ગામેગામ પ્રચારનાં ભૂંગળાં વાગી રહ્યાં છે. ગળાં ફાડી-ફાડીને એમએલએ મુરતિયાઓ મતદારરૂપી કન્યાને મનાવવા મહેનત કરી રહ્યા છે.સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે

ગુજરાતનાં ગામેગામ પ્રચારનાં ભૂંગળાં વાગી રહ્યાં છે. ગળાં ફાડી-ફાડીને એમએલએ મુરતિયાઓ મતદારરૂપી કન્યાને મનાવવા મહેનત કરી રહ્યા છે. દરેક પક્ષ એમ જ કહે છે કે અમે જ સાચા છીએ અને બ્રહ્માંડમાં અમારા પક્ષ જેવી નીતિ અને પ્રામાણિકતા ક્યાંય નથી. ચૂંટણી એ લોકશાહીની દીપાવલી છે. નેતાઓ જાણે ભોંચકરીની જેમ ભમભમાટી ફર્યા કરે છે અને મતદારો બિચાડા ચાંદલિયાની જેમ ફૂટી જાય છે. સુંદર કન્યા માટે યોગ્ય વર શોધવાની જેટલી તીવ્ર તમન્ના કન્યાના પિતાને હોય છે એટલી જ તમન્ના દેશની પ્રજાને પોતાના નેતા શોધવાની હોય છે. જોકે કરુણતા કેવી છે કે જિંદગીમાં સારી કન્યાને સુકન્યા કહેવાય પણ સારા વરને ‘સુવર’ નથી કહેવાતો, જ્યારે રાજકારણમાં કહી શકાય છે. લગ્નમાં જેમ કજોડાં થાય છે અને વર્ષો સુધી પતિ-પત્ની વચ્ચે ‘વેલણ-સાવરણી સંગ્રામ’ ચાલે છે એવું જ રાજનીતિમાં પણ થાય છે. મને તો લગ્ન અને રાજકારણમાં ઘણું સામ્ય, ઘણા તફાવત વિચારવા જેવાં લાગે છે.

લગ્નમાં વર-કન્યા પરણે છે, જ્યારે રાજકારણમાં નેતા અને જનતા પરણે છે. લગ્નમાં ફેરા ફરાય છે, રાજકારણમાં ફેર ચડે છે. લગ્ન ગોરબાપા કરાવે અને રાજકારણમાં રાજ્યપાલ શપથ લેવડાવે. લગ્નમાં વચનો દેવાય છે, રાજકારણમાં વચનો ફગાવાય છે. લગ્નમાં સંતાનોના સર્જનથી સંસાર આગળ ચાલે છે અને રાજકારણમાં કૌભાંડોના સર્જનથી સરકાર આગળ ચાલે છે.

લગ્નમાં અગ્નિ સમક્ષ ફેરા ફરાય છે. રાજકારણમાં આક્ષેપબાજી કે રમખાણોની આગ સમક્ષ નેતા ચૂંટાય છે. લગ્નમાં પત્ની સિવાય બીજી સ્ત્રીઓની એન્ટ્રી થાય છે. રાજકારણમાં પણ પક્ષપલટો અને ગદ્દારી થાય છે. લગ્નમાં છેલ્લે છૂટાછેડા લેવા માટે કિંમત ચૂકવાય છે અને રાજકારણમાં એમએલએની ટિકિટ માટે કિંમત ચૂકવાય છે.

આમ મારા મતે તો લગ્ન એક રાજકારણ છે અને રાજકારણ એક લગ્ન.

જેટલા પરણેલા પુરુષો મારી વાત વાંચી રહ્યા છે તેઓ મૂછમાં હસી રહ્યા છે. કારણ સૌ જાણે છે કે આ ધરતી પર બે જ પ્રકારના પુરુષો છે, એક વિવાહિત અને બીજા જીવિત. જનતા જેવી રીતે હોંશે-હોંશે પોતાનો નેતા ઇલેક્શનમાં ચૂંટે છે અને પછીથી તે જ નેતા કલમાડી કે રાજા કે કનીમોઝીનો અવતાર ધારણ કરે છે ત્યારે તેને દેવા જેવી ગાળ પણ જનતાના શબ્દભંડોળમાં નથી હોતી. એ જ રીતે હરખે-હરખે હાથમાં શ્રીફળ લઈને ઘોડે ચડેલા પતિદેવોને પૂછો તો ખરા કે પત્નીના ઘા કેટલા ઊંડા છે. પત્નીની રોજેરોજની ડિમાન્ડ, મોંઘવારીની ઝપટ અને પોતાની ટૂંકી સૅલરીનાં સેંકડો તીરથી ઘવાઈને આ દેશના દરેક પતિની હાલત બાણશય્યા પર સૂતેલા ભીષ્મ જેવી થઈ ગઈ છે, જેને મોત આવતું નથી (કારણ કે એમાં પણ પત્નીના જયા-પાર્વતી, એવરત-જીવરત કે દિવાસાનાં જાગરણ નડે છે) અને ઘાયલ પતિ પોતે ઊભા થઈ શકે એમ છે નહીં.

બંગડીના ગોબા તો જેને-જેને લાગ્યા છેને બાપ ઈ જિંદગીમાં કોઈ દી સખે સૂઈ નથી શક્યા. જૂની જોક ફરી ટાંકું છું કે એક પ્રાઇવેટ કંપનીના જુવાનજોધ બૉસ રાબેતા મુજબ તેની સુંદર સેક્રેટરીના પ્રેમમાં પડ્યા. બૉસે સેક્રેટરી સાથે લગ્ન પણ કયાર઼્, પરંતુ એ આશા સાથે કે ઈ લગ્ન પછી મારા આદેશનું પાલન કરશે...! ન મજા આવી. લ્યો, હજી આવી એક બીજી ફટકારું. આપણે તો જોક્સની ઘરની ફૅક્ટરી છે. નો વૅટ, નો ટૅક્સ, મોજ કરો. એક નૃત્યશિક્ષક તેની અતિ પ્રભાવશાળી વિદ્યાર્થિનીને રોજ શાસ્ત્રીય ભરતનાટ્યમ શીખવવા તેના ઘરે જાય. પાંચ વરસ આ ક્રમ ચાલ્યો. પાંચ વરસ પછી તે નૃત્યાંગના વિદ્યાર્થિનીએ પોતાના નાટ્યગુરુ સાથે લગ્ન કરી લીધાં. કારણ શું ખબર છે? નૃત્યાંગના એટલું જ બોલી કે પાંચ વરસ તમે મને મારા રૂપિયે મારા આંગણામાં નચાવી. હવે જુઓ, બાકીનાં પચાસ વરસ હું તમને તમારા આંગણામાં કેવી રીતે નચાવું છું. હિસાબ બરાબર.

મોટી-મોટી મૂછોવાળા મર્દામર્દ પતિદેવોને મેં ઘરમાં ગોઠણિયાભેર થઈને ભીંડો સુધારતા જોયા છે. સ્ત્રી ઉપર પુરુષ માનસિક અત્યાચાર કરે તો એની કાનૂની જોગવાઈ અને સવલતો પ્રાપ્ય છે, પણ કેસ ઊલટો હોય છે. સમાજમાં પત્નીપીડિત પતિદેવોની સંખ્યા પણ ઓછી નથી. પોતાની ઈર્ષા અને અહમને પોષવા માટે પત્ની રોજેરોજ પતિદેવો પાસે માગણીઓ મૂકે છે. પત્નીઓ એ જીવતોજાગતો ‘ડિમાન્ડ ડ્રાફ્ટ’ છે જે કદી વટાવાતો નથી. દરેક પત્ની એવું જ ગૌરવ સદૈવ રાખે છે કે પોતાના આ ઘરમાં આવ્યા પછી જ આ ઘરમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ આવ્યાં છે, હું ન હોત તો મારા પતિનું જીવન કેવું વેરાન હોત... (અરે મારી મા, તને કોણ સમજાવે કે તારી હાજરીથી જ તેનું જીવન વેરાન થયું છે). આપણા દેશમાં દરેક ૧૦ સ્ત્રીએ ૭ દુખી છે એનું તારણ કે ઈ સુખ આપવા ઇચ્છતી નથી, પતિ અને સાસરિયાંમાં સુખ મેળવવા જ મથે છે. દામ્પત્યજીવન ને રેડી-ધન કમ્પ્લીટ કરવાનો સિદ્ધમંત્ર છે ‘એકબીજાને સુખી કરો.’ બીજાને સુખી કરવામાં જેટલા નિ:સ્વાર્થ રહીએ એટલી બાજી આપણા હાથમાં. સદીઓથી પત્નીઓમાં રહેલો શંકાનો વાયરસ ઈશ્વર પણ ફૉર્મેટ નથી કરી શક્યો. કેમ મોડું થયું? ક્યાં હતા? તમે કેમ ફોન ન ઉપાડ્યો? આ મેસેજ કોનો છે? પેલી કેમ તમારી સામે વારેઘડીએ જોતી હતી? તમને હવે મારામાં રસ નથીને? પુરુષો બધા આવા જ હોય છેને!

આવા કૌન બનેગા કરોડપતિ અને કેજરીવાલ કરતાં પણ વેધક સવાલો આ દેશના ઘણા પતિદેવોને રોજ સાંભળવા પડે છે. ઘરની બહાર રાજકારણ રમી-રમીને થાકીને ટેં થઈ ગયેલા બિચાડા સ્વામીનાથ જેવા ઘરમાં એન્ટ્રી મારે છે ત્યાં આ ‘પ્રશ્નાવલિ’ અને ‘શંકાવલિ’ શરૂ થઈ જાય છે.

તમામ મહિલાવાચક પરિણીત બહેનોને મારી પ્રાર્થના કે બિચાડા માથે થોડીક દયા ખાઓ (દયા પાછી જેઠાલાલવાળી નહીં હો). પતિ ઉપર શંકા કરવા કરતાં શ્રદ્ધા રાખો. તમારી અડધી જિંદગી આ સુયોગ્ય વરની તલાશમાં વ્યર્થ ગઈ છે અને હવે અડધી એ જ પતિની તપાસમાં વેડફાશે. શ્રદ્ધાથી તો ઈશ્વર પણ બંધને બંધાઈ જાય છે તો આ તો બિચાડો સામાન્ય પતિ છે. ઈ પતિ-‘દેવ’ થઈ જાય ઈ પહેલાં તેને વહાલથી જમાડો (વાલના શાકથી નહીં હો). વસ્તુથી રાજી થવાને બદલે પતિની હાજરીમાત્રથી રાજી થતાં શીખી લ્યો. ‘હું તમને ચાહું છું અને જીવનના અંત સુધી ચાહતી રહીશ’ આ ફરી એક વાર તેને કહી દો અને સાથોસાથ કહો કે ‘તમે છૂટા, તમને મોજ પડે એમ કરો!’ મારી ચૅલેન્જ ઈ ફરંટી ખાઈને પાછો તમારા ચરણે જ આવશે ભગિનીઓ! પતિનું લોકલ બસ જેવું ખાતું છે. વાંહે દોડશે તો ભાગી જશે... ને ઊભા રહી જશો તો ઈની ઈ બસ ભલે બે કલાક મોડી પણ તમારા સ્ટેશને પરત ફરશે ખરી. આખિર તે બિચાડાનું તમારા સિવાય છે કોણ? પતિની થોડીક પળો સાચવી લ્યો તો કદાચ ઈ પાંચ વરહ વધુ કાઢે. ઑલ ધ બેસ્ટ ઑલ સ્પાઉઝિસ... ફૉર ધિસ સ્પાઇસી ટિપ.

ઑફ ધ રેકૉર્ડ

દરેક મા પોતાના દીકરાને ‘શ્રવણ’ જેવો આજ્ઞાકારી બનાવવા માગે છે, પરંતુ દરેક પત્ની પોતાના પતિને ‘શ્રવણ’ થતો અટકાવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK