લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૨૭
Published: 2nd December, 2012 06:39 IST
નવા ઘરમાં રહેવા જવાને હજી સમય છે.
વર્ષા અડાલજા
નવા ઘરમાં રહેવા જવાને હજી સમય છે.
તરુણે ડિપોઝિટ ભરી છે, પણ અગ્રવાલ સાથે ઘરનો સોદો હજી બાકી છે. પતિ-પત્ની યુરોપની ટૂર પર ગયાં છે અને આવ્યા બાદ ઍગ્રીમેન્ટ થશે.
ધીરુભાઈએ પત્નીને આટલી ખુશ ઘણા વખતથી નથી જોઈ. સવારે ચાના ટેબલ પરથી જ શરૂ થઈ જાય છે બીજા ઘરની વાતો. અહીંથી શું લઈ જવાનું, નવું શું-શું જોઈશેની વાત કરતાં તેની આંખમાં ચમક દેખાય છે. ઑફિસમાં પણ એવી ઘણી વાતો થાય છે કે કંપનીની ઑફિસ ચર્ચગેટથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ જવાની છે. ત્યારે તો તે પણ હરખાઈ ઊઠuા હતા : કેટલું સરસ! લોકલની મુસાફરી ટૂંકી થઈ જશે.
આજે રવિવાર.
હાલ સમાચારો આપવા ધીરુભાઈ સેવંતીભાઈને મળવા ગિરગામ ગયા છે. ઘણા સમયે મા-દીકરી એકલાં પડ્યાં હતાં. પ્રિયા અમરની વાત કરવા અધીરી હતી, પણ સાવિત્રીબહેને જ પૂછ્યું, ‘પ્રિયા, ન્યુ જનરેશનની માની જેમ તને પૂછું, તમારી પ્રેમકહાણી ક્યાં સુધી પહોંચી?’
‘મમ્મી, કશેક પહોંચી હોત તો સારું હોત કે નહીં એ હું નથી જાણતી, પણ...’
‘તમે લોનાવલા ગયાં હતાં ત્યારે. પોતાની અંદર કેટલી પીડા ધરબીને જીવ્યાં. મમ્મી, તું જાણે છેને! જાણે સતત ગોરંભાયેલું આકાશ. આજે જ્યારે દૂર ઊભી રહીને જોઉં છું ત્યારે મને થાય છે કે વંદનામાસીએ પણ ખૂબ સંતાપ ભોગવ્યો હશે, નહીં? કોઈના દામ્પત્યજીવનમાં ત્રીજો ખૂણો રચવો કેટલું અઘરું હશે, નહીં મા?’
‘પ્રિયા, તું માસીનું ઉપરાણું લે છે?’
‘ના મમ્મી, અમરના પિતાના મૃત્યુ પછી તે ઘરેથી નીકળી જઈ શક્યાં હોતને! પણ કશી જ ફરજ ન ચૂક્યાં. અપરાધભાવ, ગિલ્ટ ફીલિંગ પણ વ્યક્તિને એક ધીમી આંચે સતત બાળ્યાં જ કરે છે. આ પણ એક અગ્નિપરીક્ષા ન કહેવાય?’
સાવિત્રીબહેને ટેબલ પર પ્લેટ્સ મૂકી, ‘આજે કેમ ગંભીર ફિલસૂફીની વાત કરે છે?’
પ્રિયાએ માત્ર સ્મિત કર્યું. અપરાધભાવ તેને પણ ભીતર ને ભીતર ધીમી આંચે કનડી રહ્યો છે એ તે જ જાણે છે : તે કાજલને મળવા ગઈ હતી. કાજલનું વર્તન, તેના વિચારો કશું જ તેણે કહ્યું નથી. તરુણના ગેરકાયદે ધંધાઓ, તેનું જૂઠ એ બધું જાણતી હોવા છતાં તે ક્યાં કહી શકી છે પપ્પા-મમ્મીને? કાજલને હજીયે મનોમન ચાહતાં-સંભારતાં, તરુણ પર ગર્વ લેતાં માતા-પિતા જીરવી શકશે હળાહળ જૂઠનું વિષ?
‘લે, હવે તારી વાત કર. હવે તમે ક્યારે લગ્ન કરવા માગો છો? અમરને મળવું છે, તારા પપ્પાને બધી વાત કર. આમ ક્યાં સુધી બાંધ્યા ભારે વાતને રાખી મૂકશે?’
‘હજી એ વિશે વિચાર નથી કર્યો.’
લૅચ-કીથી બારણું ખોલતો તરુણ ક્યારે અંદર આવી ગયો એની ખબર ન પડી.
‘શેનો વિચાર નથી કર્યો પ્રિયા?’ ચાવી ઉછાળતો તરુણ ટેબલ પર બેસી ગયો, ‘મારી પણ પ્લેટ મૂક મમ્મી, ભૂખ
લાગી છે. તારા હાથનું ખાવા દોડતો આવ્યો.’
સાવિત્રીબહેને ત્રીજી પ્લેટ અને ગ્લાસ મૂક્યાં.
‘કાયમનો ઘોડે ચડી આવે છે. બેસ થોડી વાર શાંતિથી. અમારી સાથે વાતો કર. અચ્છા તરુણ, તું બહારગામ જાય ત્યારે તો
ઠીક; પણ મુંબઈમાં ને મુંબઈમાં હોય ત્યારે રાત્રે ક્યાં રહે છે? ઘરે ન અવાય?’
તરુણ-પ્રિયાની નજર મળી. તરુણને નજરથી બાંધતી હોય એમ તેને તાકતી રહી; પણ કાજલની જેમ તરુણને પણ ફાવટ આવી ગઈ છે જૂઠાણાં પર સાચનો ઢોળ ચડાવવાની, અંદર-બહાર બેવડું જીવન જીવવાની. એક ફ્લૅટ ભાડે રાખ્યો છે એ તો મમ્મીને કેમ કહેવાય?
‘અરે મમ્મી! તું ખોટી ચિંતા કરે છે. શંકરનું ગૅરેજ છેને! એમાં જ તો ઘર છે; ફસ્ર્ટ ક્લાસ ઍરકન્ડિશન્ડ, ફુલ્લી ફર્નિશ્ડ. મોડું થાય ત્યારે તમને ડિસ્ટર્બ કરવાનું મન નથી થતું એટલે.. વાહ, શું રીંગણનું ભરેલું શાક છે!’
સાવિત્રીબહેન હસી પડ્યાં, ‘પાકો સેલ્સમૅન થઈ ગયો છે.
શું વાતોની ફીરકી ચગાવે છે! કેમ પ્રિયા?’
પ્રિયા ચૂપચાપ જમતી રહી.
‘મમ્મી, હું આવ્યો ત્યારે પ્રિયા શું વિચારવાની વાત કરતી હતી?’
પ્રિયા સાવિત્રીબહેનને રોકવા જાય ત્યાં તો તે બોલવા લાગ્યાં, ઉત્સાહથી છલોછલ.
‘અરે ભઈ, હું તેને સમજાવતી હતી કે તારાં લગ્નની અમને કેટલી હોંશ છે અને...’
તરુણ તો ઊછળી જ પડ્યો, ‘વાહ, ક્યા બાત હૈ! મમ્મી તું કંઈ ચિંતા નહીં કરતી. હું છુંને! આપણે રંગેચંગે લગ્ન કરીશું ને ગાશુંય ખરાં...’
પ્રિયા ઊભી થઈ ગઈ, ‘હોલ્ડ ઑન ભૈયા, મારે હમણાં લગ્ન કરવાં નથી; જ્યારે કરીશ ત્યારે રંગેચગે નથી કરવાં.
કોર્ટ-મૅરેજ, ઓકે?’
પ્લેટ લઈને તે રસોડામાં ચાલી ગઈ. સાવિત્રીબહેન છોભીલાં પડી ગયાં. તરુણ પ્રિયાના કહેવાનો અર્થ સમજતો હતો. તેની કમાણીના પૈસાનો પ્રિયાને ખપ નહોતો. ભલે, જોયું જશે.
‘ચાલો મમ્મી જાઉં છું, પરમ દિવસે આવીશ. આજે બહારગામ જવું છે. તમારે ક્યાંય જવું હોય તો કાર નીચે પડી છે, બાય.’
જતાં-જતાં પાછો ફર્યો અને સાવિત્રીબહેનને બે હાથમાં પકડી લઈ ‘લવ યુ મૉમ’ બોલતો ચાલ્યો ગયો. પ્રિયા બહાર આવી. ખાવાનું ઢાંકવા જતાં સાવિત્રીબહેન બોલતાં હતાં, ‘ખરો મહેનતુ છે મારો દીકરો. જોને અત્યારથી આખા ઘરની ધુરા હાથમાં લઈ લીધી, ખરું પ્રિયા?’
પ્રિયા કશું ન બોલી. જે કહેવાનું હતું એ તો કહી શકાતું નહોતું! મનમાં અજંપો હતો.
‘ચાલને મમ્મી, સિટી મૉલમાં થોડું રખડીશું ત્યાં સુધીમાં તો સાંજે પપ્પા આવી જશે.’ આગ્રહ કરી તે સાવિત્રીબહેનને લઈ ગઈ.
તેઓ સાંજે ઘરે આવ્યાં ત્યારે ધીરુભાઈ આવી ગયા હતા. સાવિત્રીબહેને ચા-નાસ્તો બનાવ્યાં. સેવંતીભાઈના ખબર પૂછતાંની સાથે જ ઉત્સાહથી વાત માંડી બેઠાં, ‘પ્રિયાએ તો પાત્ર શોધી લીધું છે. સંસ્કારી, ભણેલો છે. આપણી પ્રિયા કરીઅર કરે એનોય વાંધો નથી લ્યો. દીવો લઈને શોધવા ગયાં હોત તોય આવો યુવાન મળત ખરો? તરુણને તો એવી હોંશ છે કે તેને તો મોટી બહેનનાં લગ્ન ઝાકઝમાળ કરવાં છે.’
ધીરુભાઈ ચકિત થઈ ગયા. બહુ-બહુ તપ કરાવીને મુમ્બાદેવીમા વરદાન આપતાં હતાં. જીવનમાં બધું તો બધાને ક્યાં મળે છે? ભલે, તેમના સપનાં કોળ્યાં નહીં, પણ પુત્રે વિધાતાને એવા પ્રસન્ન્ા કર્યા કે ‘માગ-માગ, માગે તે આપું’ કહેતાં તેમણે ખોબો છલકાવી દીધો.
કેટકેટલી શુભ ઘટનાઓ એકસાથે આકાર લઈ રહી હતી કે પાછલી જિંદગીમાં સુખનો, તૃપ્તિનો ઓડકાર આવી ગયો હતો. હવે નિવૃત્તિવેળાએ પત્ની સાથે નિરાંતે હિંડોળા ખાટે બેસીને આ સુખોને મમળાવશે.
તેમણે હસતાં-હસતાં પત્નીનો હાથ પકડી ઉમળકાથી દબાવ્યો, ‘યાદ છેને, આવતા મહિને આપણાં લગ્નને પચીસ વર્ષ પૂરાં થાય છે!’
પ્રિયા દૂરથી માતા-પિતાના સહજીવનનું આનંદદાયક સુભગ દૃશ્ય જોઈ રહી. એક ઘેરો નિ:શ્વાસ લેતાં તેનું હૈયું ભરાઈ આવ્યું.
કાજલ ગુસ્સાને વળ ચડાવતી ઊઠી. બારણું ખોલ્યું. એ સાથે કરણે અંદર આવીને બારણું બંધ કર્યું.
‘આ શું છોકરમત છે કાજલ? ક્યારનું ગોયલ દંપતી મારી સામે ઘૂરકી રહ્યું છે.’
કાજલ વરસી પડી, ‘છોકરમત? તું મળવા આવતો નથી અને ઇરા-નીરજા સાથે પાર્ટીમાં લહેર કરે છે અને ઉપરથી મારો વાંક તને
દેખાય છે.’
કરણે કાજલને પકડી પલંગ પર બેસાડી.
‘તને ઘણી-ઘણી વાર કહ્યું છે, પણ તારા ભેજામાં વાત ઊતરતી નથી. આજે છેલ્લી વાર સાંભળી લે. અમારા બિઝનેસનું, ફૅમિલીનું એક સોશ્યલ સ્ટેટસ છે, એક લાઇફ-સ્ટાઇલ છે. બિઝનેસ-ડીલ થાય, પાર્ટીઓ થાય ત્યારે આવા પોઝ આપવા પડે. અમુક રીતે પાર્ટી-મૅનર્સ રાખવી પડે. ઇરા-નીરજા સાથે મારો ફોટો આવ્યો તો કયું આભ તૂટી પડ્યું?’
‘સૉરી ટુ સે, પણ તું મિડલક્લાસની છોકરી છે. તારા ફાધર કોઈ ફાઇનૅન્સર નથી, ઇન્ડસ્ટિÿયલિસ્ટ નથી કે મારે બિઝનેસ રિલેશન્સ માટે તારી સાથે પેજ થ્રી પર પોઝ આપવો પડે. ફરી-ફરી મને આ પ્રશ્ન નહીં જોઈએ. સમજાય છે કંઈ?’
કૃદ્ધ ચહેરે કરણ ઊભો હતો. તેની ગૌર ત્વચા પર રોષની રાતી ઝાંય હતી. આ રીતે કરણે કદી તેને ધમકાવી નહોતી. હંમેશાં તે પગ પછાડી જીદ કરતી અને કરણ બાઅદબ કહી કુર્નિશ બજાવતાં હસી પડતો.
‘તને ખબર છે બહાર ડૉક્ટર કપલ ભવાં ચડાવીને ઊભું હતું! સોસાયટીને આવા તાયફાની કમ્પ્લેઇન્ટ કરશે ત્યારે?’
કાજલ કરણને વળગીને રડી પડી. થોડી વારે આંસુ વહી ગયાં હોય એમ તે ખાલીખમ પલંગમાં પડી રહી. કરણ તેના પર ઝળૂંબ્યો. તેના વાળમાં હાથ પસવાર્યો, ‘કાજલ, પરીક્ષા નજીક છે. તારા કામમાં ધ્યાન આપ. કેટલી વાર તને સમજાવું છું!’
કાજલે એ હાથ પકડી લીધો. કરગરી પડતી તે બોલી, ‘પણ તું નથી આવતો ત્યારે મને ક્યાંય ગમતું નથી કરણ. આઇ કાન્ટ થિન્ક સ્ટ્રેટ. તારો ફોન પણ સ્વિચ્ડ-ઑફ.’
કરણે તેને ઊભી કરી, ‘ચાલ, આપણા માટે કૉફી બનાવ. ફ્રેશ થઈ જા.’
કાજલના ફોનની રિંગનો મધુર સ્વર સાંભળતાં જ કરણે ફોન લીધો. રિહાના નામ ઝબકતું રહ્યું.
‘હાય રિહાના!’
‘ક્યા બાત હૈ કરણ? ગર્લફ્રેન્ડ કે સાથ મૂવ-ઇન હો ગએ?’
‘શટ-અપ. કાજલ બાથરૂમ મેં હૈ. વાય ડિડ યુ રિંગ? કામ થા?’
‘કાજલ બાથરૂમ મેં?’
રિહાના ખડખડાટ હસી પડી. તેના હાસ્યનો અર્થ કરણ સમજતો હતો. તે આગળ કશું બોલે એ પહેલાં કરણે કહ્યું, ‘વૉટ ઇઝ પ્રતીક ડુઇંગ નાઓઅડેઝ?’
‘ચલ, કામ કી બાત સુન. કલ મૉર્નિંગ ફ્લાઇટ મેં ઉદયપુર જાના હૈ. લાસ્ટ મિનિટ મૉડલને ડિચ કિયા. કાજોલ ચલેગી? બ્રાઇડલ ક્લોથ્સ કા શૂટ હૈ.’
કરણ ખુશ થઈ ગયો.
‘અફર્કોસ, અભી કાજલ ફોન કરેગી.’
‘યુ નૉટી!’ કહેતાં ખડખડાટ હસતાં રિહાનાએ ફોન સ્વિચ્ડ-ઑફ કર્યો. કાજલ કૉફી લઈ આવી. કરણે રિહાનાના ફોનની વાત કરી કાજલને અસાઇનમેન્ટ માટે તૈયાર કરી. બૅગ પૅક કરતાં કાજલ અસલ ખુશનુમા મિજાજમાં આવી ગઈ. કરણે ડિનરનો ઑર્ડર આપ્યો. બન્ન્ોએ સાથે મૂવી જોયું. મોડેથી કરણ ગયો.
કાજલ ક્યાંય સુધી મોડી રાતના અંધકારને તાકતી બારી પાસે ઊભી રહી. હજી કરણનો સ્પર્શ ફોરી રહ્યો હતો. કરણનો શ્વાસ તેના શ્વાસમાં એકાકાર થઈ ગયો હતો.
હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે કરણ માત્ર તેનો હતો. જે કરણનું હતું એ બધું જ તેનું હતું. કાજલે બારીની ગ્રિલ જોરથી પકડી લીધી. ઇરા અને નીરજાએ કરણના જીવનમાંથી વિદાય લેવી પડશે. શા માટે ઈશ્વરે તેને એક સાધારણ મધ્યમવર્ગના ઘરમાં જન્મ આપ્યો? વાય ઓ ગૉડ? વાય?
કંઈ વાંધો નહીં. તે હારશે નહીં. તેની બહેનનાં લગ્નનાં ગાણાં ગાવામાંથી કરણ ઊંચો નથી આવતોને! ત્યાં સુધી તે રાહ જોશે. હવે ક્યાં વાર છે?
પછી...
હા, પછી શું કરવું એની યોજના મનમાં આકાર લેવા માંડી.
તેના હોઠ પર આછું સ્મિત રમી રહ્યું.
€ € €
ઘણા દિવસે પ્રિયા અમર સાથે તેના મનગમતા વરલીના દરિયાકિનારે આવી હતી. ઓટ હતી અને હાજી અલીની દરગાહ પર ખાસ્સી ભીડ હતી.
ઓટનાં પાણી દૂર સુધી ખેંચાઈ ગયાં હતાં. શાંત જળ જરા જંપેલાં હતાં. ડૂબતા સૂરજનું તેજ સમેટાઈ રહ્યું હતું. બન્ને દરિયાની પાળી પર બેઠાં. માતાનાં અસ્થિનું ગંગામાં વિસર્જન કરી અમર વારાણસીથી સવારે જ પાછો ફર્યો હતો. એકલો જ ગયો હતો. શું વાત કરવી એ ઝટ પ્રિયાને સૂઝ્યું નહીં. તેણે અમરના ખભે માથું ઢાળી દીધું. પ્રિયાના માત્ર સાથે હોવાથી મનને કેટલો સધિયારો મળતો હતો! માના મૃત્યુ પછી જ્યારે તેના દેહને નીચે ભોંય પર મૂક્યો ત્યારે પથારીમાં તેને કશુંક ખૂંચ્યું હતું. તેણે મા ઓઢતી એ શાલ, ચાદરો બધું હટાવીને જોયું તો મંગળસૂત્ર! પણ માએ તો કદી પહેરેલું જોયું નહોતું. પતિ પ્રત્યેનો રોષ અને પ્રેમ બન્ને આ માળાના ગંઠણમાં ગૂંથીને એને જિંદગીભર ગોપવી રાખ્યા હતા! વંદનામાસી તો માની સાથે ને સાથે. તે તો જાણતાં જ હશેને! એ સમયે ચૂપચાપ તેણે પોતાની પાસે રાખી મૂકેલું. અસ્થિવિસર્જન કરતાં તેણે મંગળસૂત્રને સાથે વહાવી દીધેલું.
અમરે પૂછ્યું, ‘પ્રિયા, માના આત્માએ એ દૃશ્ય જોયું હશે? અનુભવ કર્યો હશે? કે પછી આ સૃષ્ટિની બહાર પ્રકાશના પ્રદેશમાં તેની ગતિ થઈ થઈ હશે?’
‘અમર, એ બધું ન વિચારો. જીવનનો એક અધ્યાય પૂરો થયો એમ સમજો. દરેક વાત જે ક્યારેક શરૂ થઈ હતી એ ક્યારેક તો પૂરી થતી હોય છેને!’
પ્રિયાને થયું કે તે અમરની સાથે પોતાને પણ કહેતી હતી : કાજલ અને તરુણ પાછળ અફસોસ કરવાના દિવસો પૂરા થયા હતા. ન તરુણને ભણાવવાની, તેની કરીઅરની ચિંતા કરવાની હતી. પપ્પા-મમ્મીની જવાબદારી વિશે સતત ધ્યાન રાખવાનું હતું. તરુણ, તેની પત્ની ઘરસંસાર ચલાવશે, માતા-પિતાને ખુશ રાખશે...
મુક્તિ. પ્રિયાએ નમકીન હવાનો ઊંડો શ્વાસ ભર્યો. પપ્પા-મમ્મીને અમરને મળવું છે, પણ હમણાં નહીં. થોડા દિવસ પછી અમરને કહેશે. અમર ધીમે-ધીમે મૃત્યુના આઘાતમાંથી બહાર આવશે, સ્વસ્થ થવા લાગશે ત્યારે કહેશે : અમર, મમ્માને જે ન કહી શકી સૉરી, એ હવે તમને કહેવા માગું છું. તમે જ્યારે કહેશો ત્યારે ચાલો, કોર્ટ-મૅરેજ કરીએ. હું હવે ઉતાવળી છું, લેટ્સ ગેટ મૅરિડ.
પ્રિયાએ પોતાને મનોમન ઠપકો પણ આપ્યો. મૃત્યુ અને લગ્ન, મનુષ્યના હૃદયના કેવા વિરોધાભાસી ભાવો એકસાથે કબજો લઈ લેતા હોય છે!
€ € €
કાજલે બ્રાઇડલ વેઅરનું શૂટિંગ ઉદયપુરના મહેલમાં કર્યું. ખૂબ મન મૂકીને કામ કર્યું. ઍડ એજન્સી ખુશ હતી. નવવધૂનાં ભપકાદાર ચણિયા-ચોળી, લેહંગામાં કાજલ ખૂબસૂરત દેખાતી હતી. રિહાના બોલી ઊઠી હતી : બિલકુલ નયી નવેલી દુલ્હન! મેલ મૉડલ પ્રશાંત બૅનરજી સાથે મહેલમાં પ્રણયમગ્ન દૃશ્ય શૂટ કરતાં, એન્ગેજમેન્ટની રિંગ સેરેમની અને છેલ્લે લગ્નનું દૃશ્ય...
કાજલ ભાવવિભોર થઈ ગઈ. તેના મનમાં ધીમું-ધીમું ભ્રમરગુંજન થતું હતું : કરણ... કરણ...
ત્રણ દિવસમાં શૂટિંગ કરી તે પાછી ફરી ત્યારે વજનદાર ચેક પર્સમાં હતો. પ્રશાંતનો સેલનંબર પણ. એક ઍડ માટે સ્વિટ્ઝરલૅન્ડ જવાનું હતું. તે કાજલનું નામ ઍડ એજન્સીને સૂચવવાનો હતો.
તે પાછી ફરી ત્યારે પ્રસન્ન્ા હતી. મન પરથી ઉદાસીનાં વાદળાં થોડાં હટી ગયાં હતાં. કરણનો ફોન આવતો, હાઉ વૉઝ ધ શૂટ? જિમ અને પરીક્ષા બન્ને વાતે તેનું મન રોકી લીધું હતું, પણ રાત્રે થાકીને પથારીમાં પડતી કે આવું-આવું કરતી નીંદર ઊડી જતી. કરણની બહેન નિવેદિતાનાં લગ્ન નજીક હતાં અને રોજ એ વિશે જાતભાતની વાતો પ્રગટ થતી હતી. ગેસ્ટ-લિસ્ટમાં અનેક જાણીતી હસ્તીઓનાં નામ હતાં.
આજે જ જિમમાંથી પાછાં ફરતાં ‘ધ બ્રાઇડ્સ ઍન્ડ ગ્રૂમ્સ’નો ખાસ અંક લઈ આવી હતી. પ્રિન્ટ-મિડિયામાં તેની ઍડ આ અંકમાં રિલીઝ થવાની હતી. અંકનાં વચ્ચેનાં બે પાનાં પર તેના ફોટો હતા. વાઉ! તે ઊછળી પડી હતી. લાખોના દાગીના, અદ્ભુત મેક-અપ, કીમતી વસ્ત્રો; પણ એથીયે વધીને તેનો ચહેરો, તેની આંખોમાં આનંદ અને આતુરતાની એ ચમક...
તે ખરેખર નવવધૂ લાગતી હતી.
પાનું ફેરવતાં જ તે સ્તબ્ધ બની ગઈ.
અંકમાં મોસ્ટ એલિજિબલ બૅચલર્સ પર એક લેખ હતો. કૉર્પોરેટ વલ્ર્ડના અને હિન્દી ફિલ્મના કુંવારા યુવાનોની તસવીરો હતી. કરણ બ્લૅક સૂટમાં હૅન્ડસમ લાગતો હતો. ધૂંધવાતી કાજલ ઊઠી અને કરણને ઈ-મેઇલ કરવા લાગી : એક... બે... ત્રણ...રાત વીતતી રહી. ફ્લૅટની બધી જ બત્તીઓ ઝળહળતી હતી.
€ € €
આજે અમર ઘરે મળવા આવવાનો છે.
સાવિત્રીબહેન અને ધીરુભાઈએ તો એવી તૈયારી કરવા માંડી કે પ્રિયાએ નારાજીથી કહ્યું, ‘મમ્મી, સોફાનાં કવર બદલવાની શી જરૂર છે? અને આટલોબધો નાસ્તો...’
ધીરુભાઈએ વચ્ચે જ કહ્યું, ‘બેટા, તે પહેલી વાર ઘરે આવે છે.’
‘તો? તમે લોકો એકમેકને મળો એટલી જ ઇચ્છા છે મારી પપ્પા. મેં આટલો મોટો નિર્ણય લીધો અને તમે અમરને મળ્યાં પણ ન હો એથી મને મનથી ખૂબ ખરાબ લાગતું હતું, પણ તમે જાણો છો... કાજલને લીધે મારું મન એટલું ડહોળાયેલું હતું કે...’
જે પોતાનાં પગલાં ભૂંસીને ચાલી ગઈ છે તે કયા દરવાજેથી કઈ રીતે ગૃહપ્રવેશ કરે છે એની ખબર નથી પડતી. કદાચ વાત વાળી લેવા પ્રિયા ઉતાવળે બોલી, ‘અને પપ્પા, અમરની મમ્મીના મૃત્યુનો પડછાયો હજી એ ઘર પર ઝળૂંબે છે એટલે...’
‘સમજુ છું બેટા, એટલે જ હું લગ્નની કોઈ વાત કરવાનો નથી. બસ, તેને મળવાનું મન છે. કેવો છે, સ્વભાવ... નોકરી... કુટુંબનું નામ... આબરૂ... તેં બધું જોયું જ હશેને! મને તારા પર વિશ્વાસ છે.’
સાવિત્રીબહેને પ્રિયા સામે જોયું. તેમણે જ તો ના પાડી હતી હમણાં અમરનાં માતા-પિતા-માસીના ગૂંચવાયેલા સંબંધોના તાણાવાણાની અથથી ઇતિ વાત કરવાની. હમણાં નહીં ને પછીયે શું કામ? જ્યારે ચંદ્રિકાબહેનના વાનગી ગ્રુપમાં હતાં અને ઑર્ડર લેતાં ત્યારે તે જુદા-જુદા વિષય પર બહેનો માટે વ્યાખ્યાન રાખતાં. એક વખત ફેન્ગ શુઈ અને વાસ્તુવિદ્યા પરના વ્યાખ્યાનમાં ગયેલાં. ખૂબ રસપૂર્વક વાતો સાંભળી હતી. થોડી નોંધો ઉતારી હતી એમાં એક વાત તેમને બરાબર યાદ રહી ગઈ હતી : ભૂતકાળ સાથેનો તંતુ તોડી નાખો. કટ વિથ ધ પાસ્ટ.
તેમણે એ ગુરુમંત્ર પ્રિયાને પણ આપ્યો હોય. હોડીને લંગર નાખેલું હોય તો સફરે શી રીતે નીકળી પડે? લંગર ખેંચી કાઢ, કટ વિથ ધ પાસ્ટ. હા, બધું જ ભૂલીને તે આગળ વધવા હવે ઉત્સુક હતી.
ધીરુભાઈના મનમાં હજી લગ્નની વાત ઘૂમરાતી હતી.
‘ખરી વાત છે તારી પ્રિયા. મા જેવી મા હમણાં ગઈ અને લગ્નની વાત ન કરાય, પણ આપણે તો વિચારી શકીએને! શું કહે છે સાવિત્રી?’
સાવિત્રીબહેને નવી ક્રૉકરી ટેબલ પર ગોઠવતાં પતિની હામાં હા ભણી.
‘આ વર્ષની દિવાળી પછીનું મુરત રાખીએ, બરાબર? ત્યાં સુધીમાં આપણે પણ નવા ઘરમાં રહેવા ગયા હોઈશું. પ્રિયા, તરુણ આજે નથી ત્યારે જ કેમ અમરને મળવા બોલાવ્યો?’
પ્રિયાએ કશો જવાબ ન આપ્યો. આજનો દિન શુભ હતો. તરુણને એમાં સામેલ કરવાની ઇચ્છા નહોતી, પણ સાવિત્રીબહેને તરત કહ્યું, ‘તરુણનો એક પગ ઘરની બહાર. આજે અમર ભલે આવે, આપણે તો મળીએ. પછી તો તે આવતો રહેશે. બધા બહાર સાથે આવશે-જશે : પિક્ચરમાં, હોટેલમાં. તરુણે મને ચોખ્ખું કહ્યું છે.’
‘શું?’
‘મને કહે, મમ્મી! પ્રિયાનાં લગ્નની બધી જવાબદારી મારી. તેને તો ધામધૂમથી બહેનનાં લગ્ન કરવાં છે.’ બોલતાં-બોલતાં સાવિત્રીબહેન મલકી પડ્યાં. ધીરુભાઈને બત્રીસે કોઠે દીવા થઈ ગયા.
‘તે તો કહે કે મમ્મી, મહેમાનોનું લિસ્ટ બનાવવા માંડ. તમારી વેડિંગ ઍનિવર્સરીને દિવસે પ્રિયા-અમરના એન્ગેજમેન્ટની પાર્ટી. પાછો કહે છે કે નાતીલાને ખાસ બોલાવજે, એય જુએ તો ખરા ધીરુભાઈ સંઘવીની જાહોજલાલી.’
પ્રિયા બેય બાજુ વહેરાતી હતી.
તરુણનું તેને કશું ખપતું નહોતું અને માતા-પિતાનો આનંદ છીનવી લેવો નહોતો. હે ભગવાન, આ તે કેવી દુવિધા!
ઓટનાં પાણી દૂર સુધી ખેંચાઈ ગયાં હતાં. શાંત જળ જરા જંપેલાં હતાં. ડૂબતા સૂરજનું તેજ સમેટાઈ રહ્યું હતું. બન્ને દરિયાની પાળી પર બેઠાં. માતાનાં અસ્થિનું ગંગામાં વિસર્જન કરી અમર વારાણસીથી સવારે જ પાછો ફર્યો હતો. એકલો જ ગયો હતો. શું વાત કરવી એ ઝટ પ્રિયાને સૂઝ્યું નહીં. તેણે અમરના ખભે માથું ઢાળી દીધું. પ્રિયાના માત્ર સાથે હોવાથી મનને કેટલો સધિયારો મળતો હતો!
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK