જ્યારે સચિન દેવ બર્મને પત્રકારો સમક્ષ ફરિયાદ કરતાં કહ્યું , ‘યે લોગ બહુત ખરાબ હૈ '

Published: Jul 07, 2019, 09:31 IST | રજની મહેતા - વો જબ યાદ આએ | મુંબઈ

સચિન દેવ બર્મન એક સંગીતકાર તરીકે જિનીયસ હતા. તેમને નજીકથી ન જાણતા લોકોને તેમના બાળકસહજ સ્વભાવની હરકતો પર નવાઈ લાગતી.

ડાબેથી [ઊભેલા] પ્યારેલાલ, એસ .ડી. બર્મન, શંકર, ઓ. પી. નૈયર, સલિલ ચૌધરી, જયકિશન, કલ્યાણજીભાઈ, લક્ષ્મીકાંત ડાબેથી [બેઠેલા] એન. દત્તા, આણંદજીભાઈ, આર. ડી. બર્મન, ઓમી, દત્તારામ, સરદાર મલિક.
ડાબેથી [ઊભેલા] પ્યારેલાલ, એસ .ડી. બર્મન, શંકર, ઓ. પી. નૈયર, સલિલ ચૌધરી, જયકિશન, કલ્યાણજીભાઈ, લક્ષ્મીકાંત ડાબેથી [બેઠેલા] એન. દત્તા, આણંદજીભાઈ, આર. ડી. બર્મન, ઓમી, દત્તારામ, સરદાર મલિક.

ફિલોસૉફર્સ આર ઍડ્લ્ટ્સ હુ પર્સિસ્ટસ ઇન આસ્કિંગ સિલી ક્વેશ્ચન્સ.’

- અનામી

સચિન દેવ બર્મન એક સંગીતકાર તરીકે જિનીયસ હતા. તેમને નજીકથી ન જાણતા લોકોને તેમના બાળકસહજ સ્વભાવની હરકતો પર નવાઈ લાગતી. જોકે ઇન્ડસ્ટ્રીના લોકોને આની ખબર હતી એટલે તેઓ આવી ઘટનાને સિરિયસલી નહોતા લેતા, બલકે આમાં પણ તેમને સચિનદાનો પ્રેમ નજર આવતો. આવા નોખા-અનોખા સચિનદાને યાદ કરતાં આણંદજીભાઈ કહે છે, ‘અમે એક કાર્યક્રમ માટે દિલ્હી ગયા હતા. અમે જે હોટેલમાં હતા એ જ હોટેલમાં દેવ આનંદ અને સચિનદા પણ ઊતર્યા હતા. એ સમયે ઘણા પત્રકારો ત્યાં હાજર હતા. સચિનદાને ખબર પડી કે અમે એ જ હોટેલમાં છીએ એટલે તેમણે પત્રકારોને કહ્યું, ‘કલ્યાણજી-આણંદજી કો બુલાઓ.’ અમે ત્યાં પહોંચ્યા તો કહે, ‘યે લોગ બહુત ખરાબ હૈ.’ 

પત્રકારોની સામે ફરિયાદના સ્વરમાં તેમણે આવું કહ્યું એટલે અમે સમજી ગયા કે દાદા તેમના બાળસહજ સ્વભાવ મુજબ પાણીમાંથી પોરા કાઢશે. અમે પૂછ્યું, ‘દાદા, ક્યા હુઆ, ક્યોં હમસે નારાઝ હો?’

એકદમ સિરિયસ અવાજમાં પત્રકારોને કહે, ‘યે લોગ દો દિન સે ઇધર હૈ, લેકિન મેરે કો અભી તક પાન નહીં ભેજા. હમ ઇનકે સિવા કિસી કા પાન નહીં ખાતા. તુમ કો માલૂમ, પાન કે બગૈર મેરા પેટ સાફ નહીં આતા. દો દિન સે મેરે કો પેટ કા તકલીફ હૈ. યે લોગ મેરેકુ બિલકુલ ભૂલ ગયા હૈ.’

સચિનદાને મારા હાથનું પાન બહુ ભાવતું. એ રાતે પાન બનાવીને હું તેમની રૂમ પર ગયો. દરવાજો ખખડાવ્યો. અંદરથી સચિનદા કહે, ‘કૌન હૈ?’

મેં કહ્યું, ‘દાદા, આપ કે લિએ પાન લાયા હૂં. તો કહે, ‘દરવાજા કે પાસ રખ દે.’ મેં બહાર પાન મૂકી દીધું. પાન મૂકીને હું મારી રૂમ નજીક આવ્યો. મને ખબર હતી કે થોડી વારમાં દરવાજો ખૂલશે અને એવું જ બન્યું. સચિનદાએ અડધો દરવાજો ખોલ્યો. બહાર નીકળ્યા વિના, હાથ લંબાવીને પાન લઈ લીધું. સચિનદાના આવા મૂડનો અનુભવ અનેક વાર અમને અને ઇન્ડસ્ટ્રીના લોકોને થયો છે. વર્ષો પહેલાં અમારા ઘરનાં પાપડ-અથાણાં તેમણે ચાખ્યાં હતાં. એ તેમને એટલાં ભાવ્યાં કે અવારનવાર અમે તેમને ત્યાં મોકલતા. કોઈ ફંક્શનમાં મળે એટલે યાદ દેવડાવે, ‘થોડાં પાપડ ઔર આચાર ભેજ દેના, ભૂલના મત.’ તેમના આવા બાળસહજ સ્વભાવની પાછળ તેમનો અનહદ પ્રેમ હતો.

સચિનદાના આ સ્વભાવનો પરચો મન્ના ડેને પણ થયો હતો. બન્યું એવું કે એક દિવસ  મન્નાદા મૉર્નિંગ-વૉક પર ગયા. થોડી વારમાં તેમણે એક ગાડીના હૉર્નનો અવાજ સાંભળ્યો. સતત હૉર્ન વગાડતી ગાડી પાસે આવ્યા તો જોયું કે એમાં તો સચિનદા હતા. તેમણે પૂછ્યું, ‘સચિનદા, આપ? ક્યા હુઆ? ગાડી ખરાબ હો ગઈ હૈ ક્યા?’ 

સચિનદાએ ગાડીની ચાવી તેમના હાથમાં મૂકીને કહ્યું, ‘તેરે કો ગાડી ચલાના આતા હૈના?’

મન્નાદાએ હા પાડી એટલે કહે, ‘ચલ, બાંદદરા સી ફેસ લે ચલ ઔર હા, ગાડી સંભલ કર  ચલાના.’ મન્નાદા વિચાર કરતા હતા કે સવાર-સવારમાં દાદાને શું મૂડ આવ્યો છે. તે ચૂપચાપ ગાડી ચલાવતા હતા ત્યાં દાદા કહે, ‘રાસ્તે મેં ખડ્ડા હૈ તો હૉર્ન બજાના.’

મન્નાદા જાણતા હતા કે આવા સમયે સચિનદા જેકંઈ કહે એ ચૂપચાપ સાંભળી લેવાનું હોય. સી ફેસ પર આવીને ગાડી ઊભી રહી એટલે સચિનદા કહે, ‘યે ગાડી કી ચાબી હૈ, તુ સંભલકે ઘર લેકે જા ઔર હાં, તેરે પાસ લાઇસન્સ હૈના? દેખ, ગાડી કો કુછ નુકસાન નહીં હોના ચાહિ એ.’ આટલું કહી સચિનદા ગાડીમાંથી ઊતરવા લાગ્યા એટલે મન્નાદા કહે, ‘લેકિન આપ કિધર જા રહે હો?’

ચહેરા પર વિરક્ત ભાવ લાવતાં સચિનદા બોલ્યા, ‘મૈં સુસાઇડ કરને જા રહા હૂં.’ અને આટલું બોલીને તેઓ ચાલવા લાગ્યા. મન્નાદાએ તેમને રોક્યા અને કહ્યું, ‘દાદા, આખિર હુઆ ક્યા હૈ? ચલિયે, ગાડી મેં બૈઠિયે, આરામ સે બાત કરતે હૈં.’

‘મુઝે રોકો મત, મુઝે સુસાઇડ કરને દો. તુમ કો માલૂમ, અભી મેરે સે અચ્છા ગાના નહીં બનતા હૈ. ફિર જીને કા ક્યા ફાયદા?’ સચિનદાની આવી ભાવુકતા જોઈને માંડ-માંડ તેમને સમજાવીને મન્નાદા ઘેર પાછા મૂકી આવ્યા.

એક સંગીતકાર તરીકે સચિનદા કેટલા સેન્સિટિવ હતા એનો ખ્યાલ આપણને આ કિસ્સા પરથી આવે છે. તેમની બિહેવિયર ‘ચાઇલ્ડ લાઇક’ હતી,  ‘ચાઇલ્ડિશ’ નહોતી. સતત ઉત્તમ પરિણામ આપવું જોઈએ એ સભાનતા જ તેમને વર્ષો સુધી ટોચના સંગીતકાર તરીકે સ્થાપિત કરતી રહી.

મન્નાદા અને કલ્યાણજી-આણંદજી વચ્ચે અનોખો ઘરોબો હતો. તેમને યાદ કરતાં આણંદજીભાઈ કહે છે, ‘જ્યારે વર્ષો પહેલાં તેમના લગ્નજીવનનાં ૫૦ વર્ષની ઉજવણી કલકત્તામાં થઈ ત્યારે ત્યાંના આયોજકોએ તેમને પૂછ્યું કે ઇન્ડસ્ટ્રીમાંથી ચીફ ગેસ્ટ તરીકે કોને આમંત્રણ આપવું છે? ઘણાં નામો સજેસ્ટ કર્યાં તો કહે, ‘કિસી કો નહીં, મેરે કો તો આણંદજી ચાહિએ.’ આયોજકોનો મારા પર ફોન આવ્યો અને મને આમંત્રણ આપ્યું. મન્નાદા કહે, ‘તુમ કો ઇધર આનેકા હૈ, મેરા ફંક્શન મેં સિર્ફ તુમકો બુલાયા હૈ.'' તેમની વાત સાંભળી મારું દિલ ભરાઈ આવ્યું.  વર્ષો પહેલાં ‘નાગીન’નું સંગીત હિટ થયું એ સમયે અમે સ્ટેજ-શો કરતા ત્યારની અમારી ઓળખાણ છે. એ સમયે તે ‘લપક ઝપક’ ગાતા ત્યારે હું વિન્ગમાં ડાન્સ કરતો. મને જોઈને તેમને હસવું આવે એટલે મને કહે કે તુમ ડાન્સ મત કરો, પણ હું માનું નહીં એટલે ઑડિયન્સને કહે, ‘ધિસ મૅન ઇઝ હૅરેસિંગ મી.’

કલકત્તામાં ઓપન ઍર નેહરુ સ્ટેડિયમમાં આ શો હતો. હું  સ્ટેજ પર આવ્યો અને તેમને ગલગલિયાં કરીને હસાવ્યા. લોકો તો જોઈ જ રહ્યા કે અમારી કેવી દોસ્તી છે. મને કહે, ‘યહાં મસ્તી મત કરના’ એટલે મેં કહ્યું, ‘તો ફિર ઇતની દૂર બુલાયા ક્યું?’ આટલું કહી મેં ઑડિયન્સને કહ્યું કે ભાઈઓ ઔર બહનો, હી હેઝ લોસ્ટ હીઝ હેયર બટ હી ઇઝ સ્ટીલ યંગ ઍટ હાર્ટ’ આટલું કહીને મેં આગળ કહ્યું, ‘આજ ઇનકી જવાની કા રાઝ આપકે સામને દિખાતા હૂં, આજ આપ ઉનકી  ઍક્ટિંગ ભી દેખેંગે.’ મન્નાદા સમજી ગયા કે હું મારી જૂની હરકત ભૂલ્યો નથી. ઇશારાથી કહે, ‘ક્યા કર રહે હો?’ અને મેં ‘અય મેરી ઝોહરા ઝબીં’ શરૂ કરાવ્યું. એ સાથે તેમનાં પત્નીને સ્ટેજ પર બોલાવ્યાં અને ઑડિયન્સને કહ્યું, ‘હર આદમી અપની બીબી કે સામને નાચતા હૈ.’ એ દિવસે મન્નાદાને ગીત ગાતા અને પત્ની સાથે ડાન્સ કરતા જોઈને ઑડિયન્સ મસ્તીમાં ઝૂમી ઊઠ્યું.

મન્નાદા પણ એકદમ ઇમોશનલ બની ગયા. મને ગળે વળગાડીને કહે, ‘તુમને કમાલ કર દિયા. વોહી પુરાને દિનોં કી યાદ દિલા દી...’ પછી ઑડિયન્સને કહે, ‘હમારી દોસ્તી બહુત પુરાની હૈ. ઉન દિનોં મેં એક શો કે લિએ ૧૨૦૦ રૂપિયા માગતા થા, તબ યે લોગ મુઝે ૧૫૦૦ દેતે થે. ટ્રેન મેં ફર્સ્ટ ક્લાસ મેં લેકે જાતે થે. ઉન્હોને જો પ્યાર દિયા, વો મૈં ઝિંદગીભર નહીં ભૂલ સકતા.’

‘નાગીન’ના સમયના સ્ટેજ-શોને યાદ કરતાં આણંદજીભાઈ કહે છે, ‘એ દિવસોમાં અમે મન્ના ડે, મુકેશ અને હેમંતકુમાર સાથે એક શોના રૂપિયા ૧૦૦થી શરૂઆત કરી હતી. ફીમેલ સિંગરને ૧૫૦ રૂપિયા આપતા. મને યાદ છે કે રંગ ભવનમાં અમારો એક મોટો ચૅરિટી શો થયો હતો. એ સમયે અમે લગભગ ૧૦૦ મ્યુઝિશ્યન્સ અને સિંગર્સનું ઑર્કેસ્ટ્રા રાખ્યું હતું, એમાં ઇન્ડસ્ટ્રીના મોટા ભાગના સિંગર્સ અને ડાન્સર્સ હાજર હતા. એમાં પહેલા રોની ટિકિટના ૨૫ રૂપિયાથી શરૂઆત થઈને ૨૦, ૧૫, ૧૦ અને ૭ રૂપિયાની ટિકિટ હતી. આ શોમાં અમે લગભગ ૧૬,૦૦૦ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. એ દિવસોમાં પિયાનો ૫૦ રૂપિયામાં ભાડે મળતો અને એ લાવવા માટે ૨૫ રૂપિયાની મજૂરી આપવી પડતી. ખરેખર એ દિવસોની વાત જ કંઈક અનોખી હતી.

આણંદજીભાઈ વર્ષો પહેલાંની આ વાતો એવી રીતે કરતા હતા જાણે ગઈ કાલે જ આ ઘટના બની હોય. તેમની સાથે વાતો ચાલતી હોય, મુંબઈનો વરસાદ મન મૂકીને વરસતો હોય, મસાલા ચા અને ગરમાગરમ નાસ્તાની મહેફિલ જામી હોય ત્યારે સ્મૃતિના એક ખૂણામાંથી એક એવી વાત સરકીને આવે જે સાંભળીને તમારું દિલ બાગ બાગ થઈ જાય. ‘ડાઉન મેમરી લેન’ની  ગલીઓમાં રઝળપાટ કરતાં આણંદજીભાઈ ‘વો ભૂલી દાસ્તાં, લો ફિર યાદ આ ગઈ’ જેવો એક-એક સરસ કિસ્સો શૅર કરે છે. ‘ચાર-પાંચ વર્ષનો હતો ત્યારે શરીરે ગોળમટોળ હતો. મને ચાલમાં રહેતા બીજા છોકરાઓ જાડિયો કહેતા. એ દિવસોમાં અમે ચાલમાં શ્રીમંત ગણાતા. ઘરમાં ત્રણ-ચાર ફોલ્ડિંગ ખુરસીઓ, રેડિયો, કાચનાં કપ-રકાબીના ચાર-પાંચ સેટ અને આવી બીજી વસ્તુઓ હતી જે પાડોશીઓ જરૂર પડે ત્યારે લઈ જતા. નાનપણમાં બાલમંદિરમાં હું એકાદ-બે વર્ષ મરાઠી સ્કૂલમાં ગયો હતો. એ ચાલમાં એક મરાઠી પરિવારની મારી જ ઉંમરની એક છોકરી મને મરાઠી શીખવે. આમ તેની સાથે મારી દોસ્તી થઈ. ૧૯૪૪માં હું સ્કૂલમાંથી શૂટિંગ માટે સ્ટુડિયોમાં ગયો ત્યારે મારી ઉંમર ૧૧ વર્ષની હતી. એ વખતે તે મને કહે, ‘તું હવે મોટો માણસ થઈ જવાનો. મને ભૂલી તો નહીં જાયને?’ મેં કહ્યું, ‘ના, રે ના. હું મોટો થઈશ ત્યારે મારી પાસે મોટી ગાડી હશે ત્યારે આપણે ચોપાટી ફરવા જઈશું, ભેલપૂરી ખાઈશું.’

આ પણ વાંચો : શા માટે સંગીતકાર ખય્યામ પ્રોડ્યુસરને લઈને કલ્યાણજી-આણંદજી પાસે આવ્યા?

 પછી તો અમે ત્યાંથી નીકળીને બીજે ગયા. લાંબો સમય વીતી ગયો. વર્ષો બાદ અમારી મુલાકાત થઈ ત્યારે અમે બન્ને સપરિવાર બાળકો સાથે ચોપાટી ગયાં, ભેળપૂરી ખાધી અને બાળપણની કેટલીયે યાદો તાજી કરી. થોડા દિવસ પહેલાં તેનો ફોન આવ્યો, મને કહે, ‘આણંદજી, આઇ ઍમ સો હૅપી, આજે મારી ગ્રૅન્ડ ડૉટરનાં લગ્ન નક્કી થયાં.’ એટલે મેં તેને અભિનંદન આપ્યાં તો કહે, ‘તને ખબર નથી, આજે હું અનહદ ખુશ છું એનું સાચું કારણ શું છે?’ એટલે મેં કહ્યું, ‘એવું તે શું બન્યું?’ તો કહે, ‘મારી ગ્રૅન્ડ ડૉટરે એક કચ્છી છોકરાને પસંદ કર્યો છે. જે કામ વર્ષો પહેલાં  મારે કરવાનું હતું આજે એ કામ તેણે કર્યું એટલા માટે હું ખૂબ-ખૂબ રાજી છું.’

સંગીતપ્રેમીઓ, તમારી ગમતી વ્યક્તિના તમને સોગંદ છે. સાચું કહેજો, તમને નથી લાગતું કે આ તો મારી જ વાત કરી?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK