Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ છે દુનિયાનાં અદ્ભુત જંગલો

આ છે દુનિયાનાં અદ્ભુત જંગલો

01 September, 2019 03:05 PM IST | મુંબઈ
વર્ષા ચિતલિયા

આ છે દુનિયાનાં અદ્ભુત જંગલો

આ છે દુનિયાનાં અદ્ભુત જંગલો

આ છે દુનિયાનાં અદ્ભુત જંગલો


તાજેતરમાં ઈરાનનાં પાંચ કરોડ વર્ષ જૂનાં હિર્કેનિયન જંગલોનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવતાં લોકોમાં નૅચરલ હેરિટેજ સ્થળો વિશે જાણવાની ઉત્કંઠા જાગી છે ત્યારે જે-તે સ્થળને હેરિટેજ સાઇટ્સમાં સામેલ કરવાનો યુનેસ્કોનો હેતુ, પસંદગીના માપદંડ તેમ જ વૈશ્વિક ધરોહરની યાદીમાં સમાવિષ્ટ વિશ્વના અને ભારતના હેરિટેજ ફૉરેસ્ટની વિશિષ્ટતા શું છે એ જાણીએ.

ગયા મહિને યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન)ની વર્લ્ડ હેરિટેજ કમિટીએ ઈરાનના હિર્કેનિયન જંગલોનો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સૂચિમાં સમાવેશ કરતાં વિશ્વભરના લોકોમાં આ વન વિસ્તારની વિશેષતાને લઈને કૌતુક ઊભું થયું છે. વૈશ્વિક સંસ્થાના જણાવ્યા અનુસાર ઉત્તરીય ઈરાનના કૅસ્પિયન સમુદ્રના તટે ૮૫૦ કિલોમીટરના અંતરમાં aકરોડ વર્ષ જૂનું છે.



પ્રાચીન હિર્કેનિયનનાં જંગલોમાં જોવા મળતી ફ્લોરિસ્ટિક બાયોડાયવર્સિટી (વિવિધ પ્રકારની વનસ્પતિઓ)ની યુનેસ્કોએ નોંધ લીધી છે. ઈરાનની જાણીતી વૅસ્ક્યુલર વનસ્પતિઓમાંથી ૪૪ ટકા વનસ્પતિ આ વિસ્તારમાં જોવા મળે છે. પર્શિયન ચિત્તા સહિત ૬૦થી વધુ સસ્તન પ્રાણીઓ તેમ જ ૧૬૦ પક્ષીઓની પ્રજાતિઓ અહીં મળી આવે છે. હિર્કેનિયન જંગલોની આ જ વિશિષ્ટતાના કારણે યુનેસ્કોએ પસંદગીના માપદંડ નવના આધારે એને વૈશ્વિક ધરોહર તરીકે માન્યતા આપી છે. આજે આપણે હેરિટેજ સાઇટ્સની યાદીમાં સમાવેશ કરવા માટેના યુનેસ્કોના માપદંડ, આમ કરવા પાછળનો હેતુ તેમ જ વૈશ્વિક ધરોહરની યાદીમાં સમાવિષ્ટ વિશ્વનાં અને ભારતનાં જંગલોની ખાસિયત શું છે એ જાણીએ.


મિશન હેરિટેજ

યુનેસ્કોનો હેતુ વિશ્વભરના મૂલ્યવાન સાંસ્કૃતિક અને કુદરતી વારસાથી સમસ્ત માનવજાતને પરિચિત કરાવવાનો તેમ જ આગામી પેઢી આપણા આ અલભ્ય અને વિલુપ્ત થઈ રહેલા વારસાને જોઈ શકે એ માટે એના સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતતા લાવવાનો છે. પ્રોટેક્શન ઑફ વર્લ્ડ કલ્ચરલ ઍન્ડ નૅચરલ હેરિટેજ વિષયને લગતી આંતરરાષ્ટ્રીય સંધિને ૧૯૭૨માં યુનેસ્કો દ્વારા અડેપ્ટ કરવામાં આવી હતી. ત્યારથી યુનેસ્કોની સંરક્ષણ સમિતિ વિશ્વના દેશોને આ સંધિ પર સહી કરવા અને તેમના વારસાને જાળવી રાખવા પ્રોત્સાહિત કરે છે. હેરિટેજ સાઇટ્સના સંરક્ષણ માટે આવશ્યક ટેક્નિકલ સહાય પ્રદાન કરવાની સાથે યુનેસ્કો સ્થાનિક લોકોને વારસાની જાળવણી માટેની વ્યાવસાયિક તાલીમ પણ આપે છે. આ ઉપરાંત હેરિટેજ સાઇટ્સના નકશા બનાવવા, સમયાંતરે એની સમીક્ષા કરવી, એના સંરક્ષણ માટે વિશ્વભરના દેશોમાંથી ફન્ડ ઊભું કરવું વગેરે કાર્ય પણ કરે છે. 


પસંદગીના માપદંડ

વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સામેલ થવા માટે જે-તે સ્થળનું વૈશ્વિક મૂલ્ય હોવું અનિવાર્ય છે. યુનેસ્કો દ્વારા નક્કી કરવામાં આવેલા કુલ દસ માપદંડમાંથી ઓછામાં ઓછા એક માપદંડ સાથે એ સ્થળ અથવા કલાકૃતિ બંધબેસતી હોય તો જ હેરિટેજ કમિટી દ્વારા એની નોંધ લેવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ કન્વેન્શનના અમલીકરણ માટેનાં ધારાધોરણો ઑપરેશનલ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યા છે. વર્લ્ડ હેરિટેજ કન્સેપ્ટ અને સ્થળના મૂલ્યાંકનને ધ્યાનમાં રાખી એમાં નિયમિતપણે સુધારા કરવામાં આવે છે.

વર્ષ ૨૦૦૪ના અંત સુધી વર્લ્ડ હેરિટેજ સાઇટની પસંદગી છ કલ્ચરલ (માનવસર્જિત સ્થાપત્યો, કલાકૃતિઓ વગેરે) અને ચાર નૅચરલ (કુદરતી સૌંદર્ય, કુદરતી ઘટનાઓ દ્વારા રચાયેલાં અદ્ભુત સ્થળો, જીવસૃષ્ટિ વગેરે) એમ બે જુદા-જુદા માપદંડના આધારે કરવામાં આવતી હતી. સુધારા બાદ તૈયાર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકાના અમલીકરણ બાદ હવે દસ માપદંડનો એક જ સેટ બનાવવામાં આવ્યો છે. હાલમાં નવાં ધારાધોરણો (કલ્ચરલ, નૅચરલ અથવા મિક્સ્ડ)ના આધારે હેરિટેજ સાઇટ્સની પસંદગી કરવામાં આવે છે.

યુનેસ્કો દ્વારા આ વર્ષની શરૂઆતમાં (૨૦૧૮ના અંત સુધીમાં સમાવિષ્ટ સ્થળો) જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર વિશ્વમાં ૧૯૦૨ હેરિટેજ સાઇટ્સ છે જેમાંથી ૮૪૫ કલ્ચરલ, ૨૦૯ નૅચરલ અને ૩૮ મિક્સ્ડ સાઇટ્સ છે. સૌથી વધુ હેરિટેજ સાઇટ્સ ધરાવનારો દેશ ઇટલી છે. આ દેશમાં ૪૯ કલ્ચરલ અને પાંચ નૅચરલ સાઇટ્સ આવેલી છે. ૨૯ કલ્ચરલ, ૭ નૅચરલ (જેમાં છ જંગલો છે) અને ૧ મિક્સ્ડ એમ કુલ ૩૭ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સાથે ભારત છઠ્ઠા ક્રમાંકે છે.

આ તો વાત થઈ હેરિટેજ સાઇટ્સની પસંદગી અને યુનેસ્કોની કામગીરીની.

હવે આવીએ મૂળ વાત પર. ઈરાનનાં હિર્કેનિયન જંગલો જેવી જ આગવી વિશિષ્ટતા ધરાવતાં વિશ્વનાં અનેક જંગલોને નૅચરલ હેરિટેજ સાઇટ્સનો દરજ્જો આપવામાં આવ્યો છે. છેલ્લા આંકડા અનુસાર અત્યાર સુધી ૧૦૪ જંગલોનો હેરિટેજ સાઇટ્સની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાંથી કેટલાંક જંગલો ખોદકામ, પ્રાણીઓનો શિકાર, બાંધકામ, ટિમ્બરનો વેપાર તેમ જ ગેરકાયદે જમીન સંપાદન જેવી પ્રવૃત્તિઓના કારણે નષ્ટ થવાની અણી પર છે. ચાલો ત્યારે સૌપ્રથમ વાત કરીએ વિશ્વનાં અજાયબ જંગલોની.

વિશ્વનાં જંગલો

પ્લિટવિસ લેક્સ નૅશનલ પાર્ક : ક્રોએશિયામાં આવેલું આ જંગલ સૌથી પ્રાચીન અને સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન (૨૯૬.૮૫ કિલોમીટર) છે. ૧૯૭૯માં આ જંગલનો યુનેસ્કોના સાત, આઠ અને નવમા ક્રમાંકના માપદંડના આધારે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ જંગલ એના શ્રેષ્ઠ વૉટરફૉલ, તળાવો અને ગુફાઓ માટે વિશ્વવિખ્યાત છે. કુદરતી સૌંદર્ય ઉપરાંત અહીંનાં ૧૬ તળાવો એના વિશિષ્ટ રંગોના કારણે પ્રખ્યાત છે. પાણીમાં રહેલાં ખનિજો અને શેવાળની માત્રા તેમ જ સૂર્યપ્રકાશના એન્ગલના આધારે પાણીનો રંગ બદલાયા કરે છે. પ્લિટવાઇસ તળાવોની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ અને આબોહવાના કારણે સહેલાણીઓમાં અનેરું આકર્ષણ છે. દર વર્ષે એક કરોડથી વધુ સહેલાણીઓ આ જંગલની મુલાકાત લે છે જે એક રેકૉર્ડ છે.

બાયલોવિઝા ફૉરેસ્ટ : પોલૅન્ડ અને બેલારુસની સરહદ પર આવેલું આ જંગલ યુરોપના ચોથા ભાગના બાઇસન (યુરોપનું સૌથી મહાકાય પ્રાણી)નું રહેણાક છે. બાલ્ટિક સમુદ્ર અને કાળા સમુદ્રસ્થિત આ જંગલ આંતરરાષ્ટ્રીય મિલકત છે. નીચાણવાળાં જંગલો, ભીની માટી, ભીનું ઘાસ, નદીઓ અને ખીણો ઉપરાંત અહીંના વનમાં ૭ પ્રકારનાં સરીસૃપ પ્રાણીઓ, ૩ ઍમ્ફિબિયન (ઉભયજીવી ), ૫૯ સસ્તન પ્રાણીઓ, ૨૫૦થી વધુ પક્ષીઓ અને ૧૨૦૦થી વધુ અવિભાજ્ય પ્રજાતિઓ મળી આવે છે. સૌપ્રથમ ૧૯૭૯માં પોલૅન્ડ સંકુલમાં આવેલાં બાયલોવિઝાનાં જંગલોનો હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ જંગલના વૈશ્વિક મૂલ્યની સમીક્ષા કર્યા બાદ ૧૯૯૨ની સાલમાં માપદંડના નવમા ક્રમાંકના આધારે બેલારુસ વિસ્તારનાં જંગલોને પણ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં હતાં.

યોસેમિટી નૅશનલ પાર્ક : સેન્ટ્રલ કૅલિફૉર્નિયાના સીએરા નેવાડા ક્ષેત્રમાં આવેલું આ જંગલ અમેરિકાનાં શ્રેષ્ઠ ઉદ્યાનોમાંનુ એક છે. હિમનદીઓ, ઘાસનાં મેદાનો, સરોવરો, વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને ગ્રેનાઇટના ખડકો માટે આ જંગલને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે. ક્રમાંક સાત અને આઠના આધારે ૧૯૮૪માં એનો હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સરેરાશ દર વર્ષે ચાર કરોડ લોકો યોસેમિટી નૅશનલ પાર્કની મુલાકાતે આવે છે.

સેરેન્ગટી નૅશનલ પાર્ક : વિશ્વની સૌથી અદ્ભુત પ્રાકૃતિક ઘટનાને નજરોનજર જોવી હોય તો આફ્રિકાના ટાન્ઝાનિયામાં આવેલા સેરેન્ગટી નૅશનલ પાર્કની મુલાકાત લેવી જ પડે. દર વર્ષે ઑક્ટોબરથી નવેમ્બરની વચ્ચે આશરે વીસ લાખ વાઇલ્ડ બીસ્ટ અને હજારોની સંખ્યામાં ઝીબ્રા અને ગઝેલ પાણી અને આહારની શોધમાં સ્થળાંતર કરીને આવે છે. નાનાં-મોટાં કરોડો જંગલી પ્રાણીઓ અહીં વસવાટ કરે છે. અહીંના વન્યજીવન સમૃદ્ધિની ટક્કરમાં વિશ્વના કોઈ જંગલ આવી ન શકે એ જ એની ખાસિયત છે. ૧૯૮૧માં યુનેસ્કોએ ૭ અને ૧૦ ક્રમાંકના આધારે આ જંગલનો હેરિટેજ સાઇટમાં સમાવેશ કર્યો છે.

ભારતનાં હેરિટેજ ફૉરેસ્ટ

કાઝીરંગા નૅશનલ પાર્ક : ક્રમાંક નવ અને દસના માપદંડના આધારે યુનેસ્કોએ આસામમાં આવેલા કાઝીરંગા નૅશનલ પાર્કને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો હતા. દુર્લભ વન્ય પ્રાણીઓની પ્રજાતિઓ ધરાવતાં કાઝીરંગાનાં જંગલોમાં અસંખ્ય જળાશયો આવેલાં છે. અહીં મોટી સંખ્યામાં એક શિંગડાવાળા ગેંડાઓ જોવા મળે છે. વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં હાથી, વાઘ, માઉસ ડીઅર, બાર્કિંગ ડીઅર, ચિંકારા ગઝેલ, દીપડા વગેરે સામેલ છે. જંગલી ભેંસની પણ અહીં આશ્ચર્યજનક વસ્તી છે. પેલિકન્સ, બેન્ગાલ ફ્લોરિકન્સ, ક્રેસ્ટેડ ઈગલ, ફિશિંગ ઈગલ્સ, બગલાઓ, કાળી ડોકવાળાં સ્ટોર્ક જેવી અનેક પક્ષીઓની પ્રજાતિઓ અહીંની વિશેષતા છે.

કેવલાદેવ નૅશનલ પાર્ક : રાજસ્થાનમાં આવેલું કેવલાદેવ વિખ્યાત પક્ષી અભયારણ્ય છે. આ ઉદ્યાન ભરતપુર પક્ષી વિહાર તરીકે પણ ઓળખાય છે. દુર્લભ અને વિલુપ્ત થઈ રહેલી પક્ષીઓની આશરે ૨૩૦ પ્રજાતિઓએ આ જંગલને પોતાનું ઘર બનાવ્યું છે. સાઇબિરિયાનાં સારસ સ્થળાંતર કરીને શીતકાળમાં અહીં વસવાટ કરે છે. આ પક્ષીઓ પણ વિલુપ્ત થતાં જાય છે. પક્ષી વિજ્ઞાનના અભ્યાસ માટેના શ્રેષ્ઠ સ્થળ તરીકે યુનેસ્કોએ એની નોંધ લીધી છે. ૧૯૭૧માં ભારત સરકારે કેવલાદેવ ઉદ્યાનને સંરિક્ષત રાષ્ટ્રીય સંપદા ઘોષિત કરી હતી. ૧૯૮૫માં ક્રમાંક દસના આધારે એને વૈશ્વિક ધરોહર તરીકેની માન્યતા પ્રાપ્ત થઈ હતી.

માનસ વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરી : ૧૯૮૫માં યુનેસ્કો સાત, નવ અને દસમા ક્રમાંકના માપદંડના આધારે આસામના આ જંગલને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો હતો. વન્ય જીવોની ઘટતી સંખ્યાને ધ્યાનમાં લઈ આ જંગલને પ્રોજેક્ટ ટાઇગર રિઝર્વ, એલિફન્ટ રિઝર્વ અને બાયોસ્ફિયર રિઝર્વ ઘોષિત કરવામાં આવ્યું છે. હિમાલયની તળેટીમાં આવેલું આ અભ્યારણ્ય ભુતાનના રૉયલ નૅશનલ પાર્કની નજીક છે. છત્રીવાળા કાચબા, ગોલ્ડન લંગૂર, નાના કદના ડુક્કર, સસલાં જેવા વિલુપ્ત થઈ રહેલાં પ્રાણીઓ ઉપરાંત પચાસ જાતનાં સરીસૃપ અને પંચાવન પ્રકારનાં સસ્તન પ્રાણીઓ અહીં જોવા મળે છે.

સુંદરવન નૅશનલ પાર્ક : ટાઇગર રિર્ઝવ અને બાયોસ્ફિયર રિઝર્વ હોવાની સાથે આ જંગલ ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે. બંગાળ સરહદને અડોઅડ, ગંગાનદીના પટમાં વિસ્તરેલા સુંદરવનમાં વિવિધ પ્રકારનાં પક્ષીઓ અને ખારા પાણીના મગરો સહિત અનેક પ્રકારનાં સરીસૃપ પ્રાણીઓ જોવા મળે છે. ૧૩૩૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ જંગલમાં મૅન્ગ્રોવ્ઝ અને સુંદરી નામનાં અદ્ભુત વૃક્ષો મળી આવે છે. ૧૯૮૭માં યુનેસ્કોએ નવમા અને દસમા ક્રમાંકના આધારે સુંદરવનને વૈશ્વિક ધરોહરની યાદીમાં સમાવિષ્ટ કર્યો છે.

નંદાદેવી ઍન્ડ વૅલી ઑફ ફ્લાવર્સ  : ઉત્તરાખંડના સુંદર અભયારણ્ય નંદાદેવીનો માપદંડ સાત અને દસના ધારાધોરણ પ્રમાણે ૧૯૮૮ની સાલમાં યુનેસ્કોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભયારણ્યને નૅશનલ પાર્ક અને વૅલી ઑફ ફ્લાવર્સ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. ચારે તરફ ફૂલોની ચાદર પથરાયેલી છે. ફૂલોની ખીણમાં વાદળોની વચ્ચે નંદાદેવીની ઝલક જોવા મળે છે. આવો અદ્ભુત નજારો તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. આલ્પાઇન ફૂલોનાં ઘાસનાં મેદાનો, વૈવિધ્યસભર વનસ્પતિઓ, એશિયાઈ કાળાં રીંછ, બ્રાઉન રીંછ, કસ્તુરી, હરણ, લાલ શિયાળ અને હિમાલયન મોનલ સહિત અનેક દુર્લભ પશુ-પક્ષીઓ અહીં વસવાટ કરે છે. આ ઉદ્યાન બાયોસ્ફિયર રિઝર્વનું વર્લ્ડ નેટવર્ક મનાય છે.

ધ ગ્રેટ હિમાલયન નૅશનલ પાર્ક : દસમા માપદંડના આધારે ૨૦૧૪માં યુનેસ્કોની યાદીમાં સામેલ કરવામાં આવેલા ધ ગ્રેટ હિમાલયન નૅશનલ પાર્કની વન્ય સંપદા જ એની વિશિષ્ટતા છે. હિમનદીઓ અને બરફમાંથી ઓગળતા જળસ્રોત ધરાવતા આ ક્ષેત્રને આરક્ષિત રાખવામાં આવ્યું છે. આ નદીઓ હિમાલય જીવસૃષ્ટિની જીવાદોરી છે. ઇન્ટરનૅશનલ કન્ઝર્વેશન હિમાલયના બાયોડાયવર્સિટી હૉટ સ્પૉટનું રક્ષણ કરે છે. આ ક્ષેત્રમાં ૮૦૫ વેસ્ક્યુલર પ્લાન્ટ્સની પ્રજાતિઓ (દુર્લભ વનસ્પતિઓ), લાઇકેન ૧૯૨, શેવાળની ૨૫, પક્ષીઓની ૨૦૯, ઉભયજીવીની ૯, જીવજંતુની ૧૨૫ અને સરીસૃપ પ્રાણીઓની ૧૨ પ્રજાતિઓ અહીંના જંગલની વિશિષ્ટતા છે. મોટી સંખ્યામાં મળી આવતી ઔષધિ વનસ્પતિઓની વૈશ્વિક સંસ્થાએ નોંધ લીધી છે.

મહાસાગરો અને પર્વતોની જેમ જંગલો પણ પૃથ્વીના તાપમાન અને પર્યાવરણને સંતુલિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વન વિસ્તારમાં જોવા મળતાં વૈવિધ્યસભર વૃક્ષો અને વનસ્પતિઓ, પશુ-પક્ષીઓ અને જીવજંતુઓની હજારો પ્રજાતિઓના સંરક્ષણને ધ્યાનમાં લઈ યુનેસ્કોએ વિશ્વનાં શ્રેષ્ઠ જંગલોનો વર્લ્ડ નૅચરલ હેરિટેજ સાઇટ્સમાં સમાવેશ કર્યો છે.

યુનેસ્કોના દસ માપદંડ

૧. માનવ સર્જનાત્મક પ્રતિભાની શ્રેષ્ઠ કૃતિ

૨. આર્કિટેક્ચર અથવા ટેક્નૉલૉજીનું બહેતરીન સ્મારક, ટાઉન પ્લાનિંગ અથવા લૅન્ડસ્કેપ ડિઝાઇન

૩. સાંસ્કૃતિક પરંપરા અથવા અપવાદરૂપ અને અદૃશ્ય થઈ રહેલી સંસ્કૃતિને જીવંત રાખવી

૪. ઇતિહાસમાં નોંધપાત્ર ઇમારત અથવા આર્કિટેક્ચરનો ઉત્કૃષ્ટ નમૂનો

૫. પરંપરાગત માનવ વસાહત, કોઈ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી જમીન, સમુદ્ર, પર્યાવરણ સાથેની મનુષ્યની પ્રતિક્રિયાના કારણે એમાં પરિવર્તન લાવી ન શકાય એવાં સ્થળો

૬. સાર્વત્રિક મહત્વની કલાત્મક અને સાહિત્યિક કલાકૃતિઓ, વિચારો અથવા માન્યતાઓ સાથે સંકળાયેલી મૃત અથવા જીવંત વસ્તુઓ

૭. કુદરતી અસાધારણ ઘટના, અપવાદરૂપ કુદરતી સૌંદર્ય

૮. પૃથ્વીના ઇતિહાસના મુખ્ય તબક્કાઓનું પ્રતિનિધિ કરતા ભૌગોલિક વિસ્તારો, પૃથ્વીના વિકાસમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હોય એવી ભૂસ્તરીય ઘટનાઓ ધરાવતાં સ્થળો

૯. ફ્રેશ વૉટર, દરિયાઈ જીવસૃષ્ટિ, પર્યાવરણ, વૈવિધ્યસભર વનસ્પતિઓ ધરાવતાં સ્થળો

૧૦. જીવસૃષ્ટિ સાથેના પ્રાકૃતિક આવાસો, સંરક્ષણના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ, વૈજ્ઞાનિક મહત્વ, દુર્લભ અને વિલુપ્ત થતી પ્રજાતિઓ વગેરે

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2019 03:05 PM IST | મુંબઈ | વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK