Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ઇવન નોબેલ ઇઝ નોટ ગુડઇનફ

ઇવન નોબેલ ઇઝ નોટ ગુડઇનફ

13 October, 2019 03:53 PM IST | મુંબઈ
વર્ષા ચિતલિયા

ઇવન નોબેલ ઇઝ નોટ ગુડઇનફ

જૉન ગુડઇનફ

જૉન ગુડઇનફ


૯૭ વર્ષની ઉંમરે મોબાઇલ બેટરીની શોધ માટે નોબેલ પ્રાઇઝ મેળવનારા જોન ગુડઇનફને હજીયે નિવૃત નથી થવું સ્માર્ટફોન અને લેપટોપમાં વપરાતી લિથીયમ આયન બેટરીના આવિષ્કારમાં મહત્વની ભૂમિકા ભજવનારા જૉન ગુડઇનફે વાયરલેસ અને ફોસીલ ફ્યુઅલ ફ્રી સમાજનો પાયો નાખી ટેક્નોલોજીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી છે. કેમેસ્ટ્રીના ફિલ્ડમાં વિશિષ્ટ યોગદાન માટે આ વર્ષે સાયન્સનું સર્વોચ્ચ સન્માન મેળવનારા આ વૈજ્ઞાનિક આજે પણ જીવનનો મોટાભાગનો સમય પ્રયોગશાળામાં જ વીતાવે

તમારા સ્માર્ટફોનમાં બેટરી ન હોય તો શું થાય? ટેક્નોલોજીના યુગમાં આવી કલ્પના પણ કરવી અઘરી છે. બેટરી વગરના તમારા લાખો રૂપિયાના ફોનની કિંમત કોડીની થઈ જાય. તમારા સ્માર્ટફોન, કમ્પ્યુટર અને અન્ય ગેજેટ્સમાં બેટરીના મહત્વ માટે એના સંશોધનકારોનો આભાર માનવો જ રહ્યો. આપણા રોજબરોજના જીવનમાં અત્યંત અગત્યની લિથીયમ આયન બેટરી વિકસિત કરનારા ત્રણ વૈજ્ઞાનિકોને ૯ ઑક્ટોબર, ૨૦૧૯ના દિવસે સાયન્સ ફિલ્ડના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.



સ્વીડનની રોયલ એકેડમી ઓફ સાયન્સ દ્વારા તાજેતરમાં વર્ષ ૨૦૧૯ માટે નોબેલપ્રાઇઝના વિજેતાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. લીથીયમ આયન બેટરીના આવિષ્કાર અને એને વિકસાવવા માટે આ વર્ષે અમેરિકન વૈજ્ઞાનિક જૉન બી. ગુડઇનફ, બ્રિટનના સંશોધક એમ. સ્ટેનલી વ્હિટીંઘમ અને જપાનના વૈજ્ઞાનિક અકીરા યોશિનોને સંયુક્તરૂપે કેમેસ્ટ્રીનો નોબેલપ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો છે. આ ત્રણ સંશોધકોમાંથી જોન ગુડઇનફની ઉંમર છે ૯૭ વર્ષ. રસાયણશાસ્ત્રના ક્ષેત્રમાં નવી શોધ અને વિશેષ યોગદાન માટે પુરસ્કાર મેળવવાની સાથે આટલી મોટી ઉંમરે આ સન્માન મેળવવાનો શ્રેય પણ એમના ફાળે જાય છે. જોકે તેમના ચાહકો, વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિક સંશોધનના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે જૉનને આ સન્માન આપવામાં થોડું મોડું થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફિઝિક્સના ફિલ્ડમાં વિશેષ યોગદાન માટે નોબેલપ્રાઇઝ મેળવનારા આર્થર અસ્કીનની એ વખતે ઉંમર ૯૬ વર્ષ હતી. જૉન તેમનાથી ઉંમરમાં એક વર્ષ મોટા છે.


નોબેલપ્રાઇઝની જાહેરાત બાદ પત્રકાર પરિષદને સંબોધતા જૉન ગુડઇનફે કહ્યું હતું કે, ‘૯૭ વર્ષની ઉંમરે પણ તમે ધારો એ કરી શકો છો. આ પ્રતિષ્ઠિત સન્માન મળતાં હું ગર્વ અનુભવું છું. મારા મિત્રો, સમર્થનકારો અને સહાયકોનો દિલથી આભાર માનું છું.’ મોબાઇલ અને લેપટોપ જેવા અત્યાધુનિક ઉપકરણોમાં વપરાતી લિથીયમ આયન બેટરીના આવિષ્કાર, નવીનીકરણ અને વિકાસમાં તેમની ભૂમિકા વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘વકીલોનું કામ હંમેશા પૈસાથી સમાપ્ત થાય છે જ્યારે વૈજ્ઞાનિકોનું કામ છે સમાજને ઉપયોગી થવાનું. અમારા સંશોધનો સમાજને ઉપયોગી થયા છે અને એનો સદુપયોગ થઈ રહ્યો છે. લિથીયમ આયન બેટરી દ્વારા વિશ્વભરમાં વાયરલેસ સંદેશવ્યવહાર શક્ય બન્યો છે અને આ શોધમાં મારો ફાળો રહ્યો છે એ વાત ખુશી આપનારી છે.’

આજના ટેક્નોલોજીના યુગમાં લિથીયમ આયન બેટરીની શોધથી નવી ક્રાંતિ આવી છે. ૧૯૯૧માં આ બેટરીએ પ્રથમવાર બજારમાં પ્રવેશ કર્યો હતો. રોજિંદા જીવનમાં વપરાતા ઇલેક્ટ્રિક ઉપકરણોમાં એનો ઉપયોગ થાય છે. વાપરવામાં સરળ અને વજનમાં હળવી આ બેટરી સુરિક્ષત પણ છે. એને સેંકડો વાર રિ-ચાર્જ કરી શકાય છે. જૉન છેલ્લા સાત દાયકાથી બૅટરીના વિકાસ પર કામ કરી રહ્યા છે. વાસ્તવમાં તેમના દ્વારા શોધી કાઢવામાં આવેલા રસાયણ લિથિયમ કોબાલ્ટ ઑક્સાઇડ તેમને બૅટરીના વિકાસ તરફ દોરી ગઈ. ૫૭ વર્ષની ઉંમરે તેમણે લિથ‌િયમ બૅટરીની શોધ કરી હતી. સોડિયમ અથવા લિથ‌િયમ કોટેડ ગ્લાસ ઇલેક્ટ્રોલાઇટનો ઉપયોગ કરી વિકસાવવામાં આવેલી આ બૅટરીની કાર્યક્ષમતા વધુ હોવાથી અત્યાધુનિક ગૅજેટ્સમાં એનો બહોળો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તેમની ટીમ દ્વારા વિકસાવવામાં આવેલી નવી સુપર ગ્લાસ બૅટરી ઇલેક્ટ્રિક કારને એની ક્ષમતા કરતાં ત્રણગણ વધુ અંતર સુધી લઈ જવા સક્ષમ છે. સૌર ઊર્જા દ્વારા સંચાલિત વાહનો, ઉદ્યોગો અને વસાહતોમાં આ બૅટરી વાપરી શકાય છે. તાજેતરમાં જૉને સુપરકન્ડક્ટિવિટી અને મૅગ્નેટોરેઝિસ્ટન્સ સંબંધિત કેટલીક નવી શોધ કરી છે. તેમની શોધો અને સિદ્ધિઓની યાદી ઘણી લાંબી છે.


જૉન ગુડઇનફના નામની ઘોષણા થયા બાદ નોબેલપુરસ્કાર સમિતિએ ટ્વીટ કર્યું હતું કે, ‘લિથીયમ આયન બેટરીઓના કારણે આપણા જીવનમાં મોટાપાયે પરિવર્તન આવ્યું છે. મોબાઇલ ફોન, લેપટોપ, પેસમેકરથી લઈને ઇલેક્ટ્રિક વાહનોમાં આ બેટરીનો ઉપયોગ થાય છે. બેટરીની શોધ દ્વારા સંશોધકોએ વાયરલેસ અને ફોસીલ-ફ્યુઅલ ફ્રી (અશ્મિભૂત બળતણ મુક્ત) સમાજના નિર્માણનો પાયો નાખ્યો છે.’ નોબેલ પ્રાઇઝ સમિતિના જણાવ્યા અનુસાર લિથીયમ આયન બેટરીને વિકસાવવા માટે ઉલ્લેખનીય કાર્ય કરનારા ત્રણેય સંશોધકોને સંયુક્તપણે પુરસ્કાર આપવામાં આવશે અને ઇનામની રકમની સરખે ભાગે વહેંચણી કરવામાં આવશે.

લિથીયમ બેટરીના વિકાસથી રિન્યુઅલ એનર્જીના વિવિધ સ્ત્રોતોનો સંગ્રહ કરવામાં સફળતા મળી છે. આ શોધે ગ્લોબલ વોર્મિંગ સામેની લડતને બળ આપવાનું કાર્ય કર્યું છે. આટલી મહત્વની શોધ કરનાર આ ત્રિપુટીમાં સૌથી વયસ્ક અને સોલીડ-સ્ટેટ ફિઝિસ્ટ અને કેમેસ્ટ્રીના ફિલ્ડમાં નવા નવા સંશોધનો કરવા માટે પ્રયોગશાળામાં ખૂંપેલા રહેતા જૉન બેનીસ્ટર ગુડઇનફનો જન્મ ૨૫ જુલાઇ, ૧૯૨૨ના રોજ જર્મનીના જેના (એ વખતે વેઇમર રિપબ્લિકનના નેજા હેઠળનો વિસ્તાર)માં સ્થાયી અમેરિકન દંપતીના ઘરે થયો હતો. જૉનના જન્મ સમયે તેમના પિતા એરવીન ગુડઇનફ હાવર્ડ ડિવાઇનિટી સ્કૂલમાંથી પી.એચ.ડી. (ડૉક્ટરેટ ઓફ ફિલોસોફી) કરતાં હતા. ત્યારબાદ તેઓ યેલમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા. તેમની માતા હેલેન મિરિયમને પણ ગણિત અને વિજ્ઞાનમાં ઊંડો રસ. યુનિવર્સિટી ઓફ પેનેસિલવેનિયાના એન્થ્રોપોલોજિસ્ટ વૉર્ડ ગુડઇનફ (હાલમાં હયાત નથી)જૉનના મોટાભાઈ હતા.

ઘરમાં પહેલેથી જ મેથેમેટિક્સ વિષયમાં સૌને રસ પડે. જૉનની માતા હેલેન બન્ને બાળકોને ગણિત અને વિજ્ઞાનના વિષયમાં આગળ વધવા પ્રોત્સાહિત કરતા. આપણે ત્યાં કહેવત છે, મોરના ઈંડાને ચીતરવા ન પડે. એવું જ વાતાવરણ ગુડઇનફ ફેમિલીમાં જોવા મળે. ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં ઘરમાં બધા એક એકથી ચડિયાતા પુરવાર થાય. બન્ને ભાઈઓએ શરૂઆતનું શિક્ષણ ગ્રોટોનની બોર્ડિંગ સ્કૂલમાંથી લીધું હતું. ત્યારબાદ યેલ યુનિવર્સિટીમાંથી જૉને મેથેમેટિક્સ વિષય સાથે બી. એસ. (બેચલર્સ ઇન સાયન્સ)ની ડિગ્રી લીધી.

ઉચ્ચ અભ્યાસ માટે જૉનના મનમાં અમેરિકા જવાની ઈચ્છા હતી જ પણ એ પહેલાં બીજા વિશ્વ યુદ્ધમાં તેમણે યુએસ આર્મીમાં મિટિરિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવી અને પછી અમેરિકા તરફ પ્રયાણ કર્યું. શિકાગોની યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી લીધા બાદ ભૌતિકશાસ્ત્રમાં વધુ ઊંડા ઉતરવા જૉને ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન થિયરિસ્ટ ક્લેરન્સ ઝેનેરના નિરીક્ષણ હેઠળ પી. એચ. ડી. કર્યું. ૧૯૫૨ સુધી ગણિત અને વિજ્ઞાનના વિષયોમાં વધુ ને વધુ જ્ઞાન મેળવવા તેઓ જુદો જુદો અભ્યાસ કરતાં રહ્યાં. વિજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં તેમણે એકદમ જ વિરોધાભાષી વિષય કહેવાય એવા ફિલ્ડમાં એન્ટ્રી મારવાની ડેરિંગ પણ કરી. શિકાગોની જ એક યુનિવર્સિટીમાં ઇતિહાસનો અભ્યાસ કરતી એરીન વાઇસમેનના પ્રેમમાં પડ્યા અને પરણી ગયા.

સિત્તેર અને એંસીના દાયકામાં જૉન કરીઅરની ઊંચાઈએ પહોંચી ગયા. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની સાયન્સ રિસર્ચ ટીમના વડા તરીકે જૉન ૨૪ વર્ષ કાર્યરત રહ્યા. આ સમયગાળા દરમ્યાન જ તેમણે કમ્પ્યુટરમાં વપરાતી RAM (રેન્ડમ એક્સેસ મેગ્નેટિક મેમરી) ડેવલપ કરી હતી. મેસેચ્યુસેટ્સ બાદ તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીની ઇનોર્ગેનિક કેમેસ્ટ્રી લેબોરેટરીની બાગડોર પોતાના હાથમાં લીધી. અહીંની પ્રયોગશાળાના તમામ સંશોધનો તેમના નિરીક્ષણમાં જ થતાં હતા. લિથીયમ આયન રિચાર્જેબલ બેટરીના ડેવલપમેન્ટ માટે તેમણે દિવસ-રાત-દિવસની પરવા કર્યા વગર સતત કામ કર્યું હતું.

૧૯૮૬થી જૉન અમેરિકાના ઓસ્ટીનમાં આવેલી યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં મેકેનેકિલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેઓ અમેરિકાની નેશનલ એકેડમી ઓફ એન્જિનિયરિંગ અને નેશનલ એકેડમી ઓફ સાયન્સ, ફ્રેન્ચ એકેડમી ઓફ સાયન્સ, સ્પેનિશ રોયલ એકેડમી ઓફ સાયન્સ અને ભારતની નેશનલ એકેડમી ઓફ સાયન્સના સભ્ય પણ છે. ભારતમાં થતાં અનેક સંશોધનોમાં જૉન ઊંડો રસ લે છે. ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર તેમના રસના વિષયો હોવાથી તેમના રિસર્ચ મુખ્યત્વે મેગ્નેટિઝમ અને ટ્રાન્સિસન મેટલ ઓક્સાઇડ સંબંધિત હોય છે.

સોલીડ્સ એન્ડ ઇલેક્ટ્રોકેમિકલ્સ ડિવાઇસિસના નવા રિસર્ચ માટે આજે પણ તેઓ મોટાભાગનો સમય પ્રયોગશાળામાં વીતાવે છે. નવા નવા સંશોધનોમાં રચ્યાપચ્યા રહેવું તેમને ખૂબ ગમે છે. આ ઉંમરે પણ આરામ કરવાનો વિચાર સુદ્ધાં તેમને આવતો નથી. તેઓ કહે છે, ‘ટેક્સાસમાં નિવૃતિ માટેની કોઈ ચોક્ક્સ ઉંમર નથી તેથી મને વધારાના ૩૭ વર્ષ રિસર્ચ માટે મળ્યા એ બહુ સારી વાત છે. હું હજી પણ એનો લાભ લેવા માગું છું. હાલમાં નિવૃત થવાનો મારો કોઈ ઈરાદો કે ઈચ્છા નથી.’ જે ઉંમરે વ્યક્તિ પથારીમાંથી પોતાની જાતે ઉઠી શકતી નથી, રોજિંદા કાર્યો માટે અન્ય પર નિર્ભર રહેતી હોય એ ઉંમરમાં તેમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને હજી નવા સંશોધનો માટેનો જોશ તેમના શબ્દોમાં ઝલકાય છે એ બતાવે છે કે તેઓ શરીરથી પણ એટલા જ સશક્ત અને અડીખમ છે.

સિદ્ધિઓ જેની મોહતાજ...

-લિથીયમ આયન બેટરી વિકસાવવા માટે ૨૦૦૯માં અમેરિકન સરકારના એનર્જી (ઉર્જા) વિભાગ દ્વારા જૉન ગુડઇનફને એનરિકો ફરમી અવૉર્ડ (લાઇફટાઇમ અચીવમેન્ટ) આપવામાં આવ્યો હતો. આ અવૉર્ડના વિજેતાને અમેરિકાના રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથેનું સર્ટિફિકેટ અને પચાસ હજાર ડોલર (અત્યારના અંદાજે પાંત્રીસ લાખ રૂપિયા)આપવામાં આવે છે.

-વર્ષ ૨૦૧૦માં મેથેમેટિક્સ, એન્જિનિયરિંગ અને મેડિકલ સાયન્સના ફિલ્ડમાં વિશેષ યોગદાન આપનારા વિદેશી નાગરિક તરીકે લંડનની રોયલ સોસાયટીએ તેમને મેમ્બર ચૂંટ્યા હતા.

-૧ ફેબ્રુઆરી, ૨૦૧૩માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બેરાક ઓબામાના હસ્તે તેમને નેશનલ મેડલ ઓફ સાયન્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

-અમેરિકાની નેશનલ એકેડમી ઓફ એન્જિનિયરિંગ દ્વારા જૉનને આપવામાં આવેલો વાર્ષિક અવૉર્ડ ડ્રેપર પ્રાઇઝને એન્જિનિયરિંગનો નોબેલપ્રાઇઝ માનવામાં આવે છે.

-કેમિકલ રિસર્ચ માટેનો વેલ્ચ અવૉર્ડ તેમને ૨૦૧૭માં મળ્યો હતો.

-અત્યાર સુધીમાં જૉને ૫૫૦થી વધુ આર્ટિકલ્સ અને ૮૫થી વધુ પુસ્તકો લખ્યા છે.

-૨૦૧૯માં તેમને નોબેલપ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા છે. 

નોબેલપુરસ્કારમાં શું મળે છે?

૧૯૦૧થી ૨૦૧૮ સુધી રસાયણક્ષેત્રમાં વિશેષ યોગદાન માટે પાંચ મહિલાઓ સહિત ૧૮૧ સંશોધકોને ૧૧૦ પુરસ્કાર આપવામાં આવ્યા છે. મેડમ ક્યુરીએ ૧૯૧૧માં આ પુરસ્કાર મેળવ્યો હતો. નોબેલપુરસ્કારમાં દરેક વિજેતાને ચંદ્રક, પ્રશંસાપત્ર અને રોકડ રકમ આપવામાં આવે છે. ચંદ્રક પર એકબાજુ નોબેલપુરસ્કારના ફાઉન્ડર આલ્ફ્રેડ નોબલની તસવીર તેમ જ તેમની જન્મ અને મૃત્યુની તારીખ લખેલી હોય છે. ચંદ્રકની બીજી બાજુ યુનાની દેવી આઇસિસનું ચિત્ર, રોયલ એકેડમી ઓફ સાયન્સ, સ્ટોકહોમ અને વિજેતાનું નામ તેમ જ સંશોધનો અને શોધ વિશે માહિતી લખેલી હોય છે. આ વર્ષના વિજેતાને નવ મિલિયન સ્વીડીશ ક્રોના (અંદાજે સાડા છ કરોડ રૂપિયા)ની રકમ ઉપરાંત ત્રેવીસ કેરેટ સોનામાંથી બનાવેલું ૨૦૦ ગ્રામના વજનનું ચંદ્રક અને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ફિલ્મોમાં કામ કરવા માટે ખૈયામ અગિયાર વર્ષની ઉંમરે ઘેરથી ભાગીને ક્યાં પહોંચ્યા?

કોણ હતા આલ્ફ્રેડ નોબેલ?

ડાયનામાઇટની શોધ કરનારા વિશ્વવિખ્યાત રસાયણશાસ્ત્રી, એન્જિનિયર અને ઉદ્યોગપતિ આલ્ફ્રેડ નોબેલે આ પારિતોષિકની શરૂઆત કરી હતી. તેમનો જન્મ ૨૧ ઑક્ટોબર, ૧૮૩૩માં સ્વીડનમાં થયો હતો. યુદ્ધમાં વપરાયેલા વિનાશક સંશોધનો બાદ ખૂબ પસ્તાવો થતાં તેમણે પોતાની સંપત્તિનો ઉપયોગ માનવહિત અને સમાજોપયોગી સંશોધનો પાછળ થાય એવા હેતુથી નોબેલફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. જોકે ૧૮૯૬માં તેમનું મૃત્યુ થતાં કાર્ય અટકી ગયું હતું. તેમના મૃત્યુની પાંચમી વર્ષગાંઠે(૧૯૦૧માં) આલ્ફ્રેડના પરિવારે નોબેલ પ્રાઇઝ આપવાની શરૂઆત કરી હતી. આલ્ફ્રેડના વસિયતનામામાં જણાવ્યા અનુસાર ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ચિકિત્સા, સાહિત્ય અને વિશ્વ શાંતિ માટે ઉલ્લેખનીય કાર્ય કરનારાઓને નોબેલપ્રાઇઝ આપવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2019 03:53 PM IST | મુંબઈ | વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK