સ્વતંત્રતા પર્વ પ્રસંગે આ ઇતિહાસને ઓળખીએ

Published: Aug 18, 2019, 11:05 IST | ડૉ. દિનકર જોષી - ઉઘાડી બારી | મુંબઈ ડેસ્ક

મુસલમાનો લગભગ બારમી સદીમાં દિલ્હીના શાસકો બન્યા ત્યારથી માંડીને અંગ્રેજોએ તેમની પાસેથી સત્તા આંચકી લીધી ત્યાં સુધી સુલતાન રહ્યા.

ઉઘાડી બારી

૧૫ ઑગસ્ટને આપણે દેશનો સ્વાતંત્ર્યદિન કહીએ છીએ. ચાર દિવસ પહેલાં જે ૧૫ ઑગસ્ટ આપણે ઊજવી એને ૭૨મા સ્વતંત્રતા દિવસ તરીકે આપણે ઓળખાવીએ છીએ. આનો અર્થ એવો થયો કે આપણે ૭૨ વરસ પહેલાં એટલે કે ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ પહેલાં સ્વતંત્ર નહોતા. દેખીતી રીતે વાત તો સાવ સાચી, પણ સહેજ ઊંડા ઊતરીને આસપાસ નજર ફેરવીએ તો આ દેખીતી વાતનાં બીજાં અણદેખાયેલાં પાસાં પણ વિચારવા જેવાં ખરાં.

૧૯મી સદીના ઉત્તરાર્ધમાં મદ્રાસના એક પત્રકારે પોતાના એક સામયિક પત્રિકા ‘Free Hindustan’ની એક નકલ રશિયાના વિશ્વવિખ્યાત સાહિત્યકાર અને વિચારક કાઉન્ટ લીઓ ટોલ્સટૉય પર મોકલી અને સાથે એક પત્ર પણ લખ્યો. પત્રિકાના આ અંકમાં બ્રિટિશ શાસન હિન્દુસ્તાનની પ્રજા પર કેવો અને કેટલો જુલમ કરે છે એની વિગતો આપવામાં આવી હતી. પત્રમાં આ પત્રકારે ટોલ્સટૉયને લખ્યું હતું કે તેમણે વૈશ્વિક સ્તરે બ્રિટિશરોના આ વર્તાવનો વિરોધ કરવો જોઈએ. આના જવાબમાં ટોલ્સટૉયે જે પત્ર લખ્યો છે એ ઇતિહાસમાં ‘A letter to a Hindoo’ તરીકે જાણીતો છે. (હિન્દુસ્તાનમાં રહે એ બધા હિન્દુ જ કહેવાય એવી કોઈક સમજણ ટોલ્સટૉય ધરાવતા હશે એવું લાગે છે.) આ પત્રમાં ટોલ્સટૉયે લખ્યું છે – ‘માત્ર અને માત્ર વેપાર કરીને ધન મેળવવા ઇચ્છુક કોઈ ઔદ્યોગિક પેઢી વીસ કરોડ માણસોના દેશને ગુલામ કરી શકે એ વાત જો તમે કોઈને કહેશો તો એ માણસ શું માનશે? આવું બની જ શી રીતે શકે? વધુમાં વધુ ત્રીસ હજાર માણસો જેઓ મલ્લો કે કુસ્તીબાજો નહોતા પણ સરેરાશ અને સામાન્ય માણસો જ હતા તેમણે તમને વીસ કરોડની સંખ્યા ધરાવતી સશક્ત, સમર્થ, બુદ્ધિશાળી અને સ્વાતંત્ર્ય પ્રેમી પ્રજાને ગુલામ બનાવ્યા એનો અર્થ શો છે? અંગ્રેજો નહીં પણ હિન્દુસ્તાનીઓ જ પોતે પોતાની ગુલામી માટે જવાબદાર છે.’

ગાંધીજીએ પણ પોતાના ‘હિન્દ સ્વરાજ’ નામના ગ્રંથમાં આ જ વાત વધુ ઊંડાણપૂર્વક કહી છે. તેમણે કહ્યું છે કે સ્વરાજનો અર્થ ગોરા શાસકોની ખુરશીઓ ઉપર કાળા શાસકો બેસી જાય એ પૂરતો નથી. શાસન કોણ કરે છે એ મહત્ત્વનું નથી પણ આ શાસન છેવાડાના માણસ સુધી પહોંચે એ વધારે મહત્ત્વનું છે. બળુકો માણસ નબળા પર રાજ કરે એ સ્વરાજ નથી, એ સ્વતંત્રતા પણ નથી.

૭૨ વરસ પહેલાં અંગ્રેજો હિન્દુસ્તાનીઓ પર રાજ કરતા હતા એવું આપણે કહેતા હતા. આ હિન્દુસ્તાનીઓ એટલે માત્ર હિન્દુઓ જ નહીં, પણ દેશની એ સમયે ૨૫ ટકા ગણાતી વસ્તી મુસલમાનોનો પણ આમાં સમાવેશ થઈ જતો હતો. હિન્દુસ્તાન એક દેશ ગણાય કે રાષ્ટ્ર એ વિશે ઉગ્ર મતભેદ થયો. હિન્દુઓ અને મુસલમાનો એક દેશમાં વસતાં બે રાષ્ટ્રો છે એવો મત બળુકો બન્યો અને એક નવા રાષ્ટ્ર પાકિસ્તાનનો જન્મ થયો. ૭૨ વરસ પહેલાં હિન્દુ-મુસલમાન બન્ને અંગ્રેજોના ગુલામ હતા. મુસલમાનો લગભગ બારમી સદીમાં દિલ્હીના શાસકો બન્યા ત્યારથી માંડીને અંગ્રેજોએ તેમની પાસેથી સત્તા આંચકી લીધી ત્યાં સુધી સુલતાન રહ્યા.

૧૨મી સદીમાં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને પરાસ્ત કર્યો. કહેવું હોય તો એમ પણ કહી શકાય કે પૃથ્વીરાજના આ પરાજય સાથે વિદેશી મુસલમાનો શાસકો બન્યા એટલે દેશની ગુલામીનો પ્રારંભ અહીંથી થયો. મુસ્લિમ શાસકોએ લગભગ ૬૦૦ વરસ રાજ કર્યું અને એ પછી અંગ્રેજ શાસકોએ લગભગ બસો વરસ રાજ કર્યું. આ બન્ને વિદેશીઓ જ હતા, પણ બન્નેના શાસકીય અભિગમમાં એક પાયાનો ફરક હતો. મુસલમાનો શાસકો તો બન્યા, પણ તેમણે અહીંની સંપત્તિ લૂંટીને પોતાના મૂળ વતન અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કસ્તાન કે અરબસ્તાન ઘસડી જવાનું પસંદ નહોતું કર્યું. તે શાસકો બન્યા, અહીંની સંપત્તિ અહીં જ રાખી એટલું જ નહીં, એમાં વૃદ્ધિ પણ કરી. અંગ્રેજો જ્યારે અહીં આવ્યા ત્યારે દેશની સમૃદ્ધિ જોઈને હેબતાઈ ગયા હતા. અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા, રાજ કરવા નહીં એટલે તેમને શાસનમાં રસ નહોતો. આ સમૃદ્ધિને હાથવગી કરીને એને ઇંગ્લૅન્ડમાં ઘસડી જવી એ જ તેમનો ઉદ્દેશ હતો.

મુસલમાનોએ શાસન તો હાથવગું કર્યું, પણ આવું કરવામાં જેમને આપણે સ્વતંત્ર રાજ્યો કહીએ છીએ એવા હિન્દુ રાજાઓનો ફાળો પણ કંઈ ઓછો નહોતો. કનોજના જયચંદ રાઠોડે માસિયાઈ ભાઈ અને દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણ પર વેર વાળવા શાહબુદ્દીન ઘોરીને નોતર્યો. પૃથ્વીરાજે શાહબુદ્દીનને હરાવ્યો, પણ ક્ષત્રિય વંશની ઔદાર્ય પરંપરા (જે ખરેખર તો એક બેવકૂફી હતી) અનુસાર શાહબુદ્દીનને કેદ પકડ્યો હોવા છતાં મુક્ત કરી દીધો. એનું પરિણામ એ આવ્યું કે બીજા વરસે શાહબુદ્દીને ફરી વાર વધુ તાકાત સાથે દિલ્હી પર હુમલો કર્યો અને પૃથ્વીરાજનો વધ કર્યો. અહીં પણ દિલ્હીનું સિંહાસન વિદેશી આક્રમણખોરોએ જીત્યું નથી, તેમને જિતાડવામાં આવ્યા છે. જો જયચંદ રાઠોડે શાહબુદ્દીનને નોતર્યો ન હોત અને પૃથ્વીરાજે પહેલા હુમલામાં જ તેને હરાવ્યા પછી તેનો વધ કર્યો હોત તો વિધર્મી અને વિદેશી મુસ્લિમ શાસન દેશમાં આવ્યું જ ન હોત.

પણ આ મુસ્લિમ શાસને દેશમાં જ સ્વદેશી થઈને રહેવાનો નિર્ણય કર્યો. સમય જતાં તેઓ હિન્દુસ્તાનનો એક ભાગ જ બની ગયા. અંગ્રેજો વિદેશી તરીકે જ્યારે લૂંટફાટ કરી રહ્યા હતા ત્યારે આ મુસ્લિમ શાસકો તેમની સામે લડી રહ્યા હતા. અંગ્રેજી શાસનનો આરંભ બંગાળના ચોવીસ પરગણા વિસ્તારમાં રૉબર્ટ ક્લાઇવે કર્યો. અહીં પણ ક્લાઇવ જીત્યો નહોતો, તેને જિતાડવામાં આવ્યો હતો. સિરાજ-ઉદ-દૌલા, મીર જાફર અને મીર કાસમ બંગાળના તત્કાલીન આ ત્રણેય શાસકોએ વારાફરતી પરસ્પરનો દ્રોહ કર્યો તથા ક્લાઇવે બંગાળી સૈનિકોની મદદથી જ આ ત્રણેયની કતલ કરી અને બ્રિટિશ શાસનના શ્રીગણેશ મંડાયા.

વિદેશીઓને દેશની લગામ સોંપવાનાં મંડાણ આપણે જાતે જ કર્યાં છે. ૭૨મા કહેવાતા આ ૧૫ ઑગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આ ઇતિહાસ આપણે યાદ રાખવા જેવો છે. દેશનું વિભાજન પણ કોઈ વિદેશીઓએ નથી કર્યું. આપણે જાતે જ આપણા દેશને વિભાજિત કર્યો છે. મુસલમાનો અલગ રાષ્ટ્ર છે એવો નારો અંગ્રેજોએ નહોતો આપ્યો. આ નારાને તેમણે સમર્થન આપ્યું હતું એ વાત સાચી, પણ રાજનીતિના ઇતિહાસમાં કોઈ પણ પક્ષ આવું તો કરે જ એમાં આશ્ચર્ય શું?

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

દેશ અને રાષ્ટ્ર આ બે શબ્દો વચ્ચેનો તફાવત પણ થોડોક સમજી લેવા જેવો છે. દેશ એક ચોક્કસ ભૂખંડ છે અને આ ભૂખંડનું સીમાંકન સમયાંતરે બદલાતું પણ રહે છે. આ બદલાતા સીમાંકન પાછળ સામ્રાજ્યવાદ અથવા લાચારી પણ કારણભૂત હોય છે. રાષ્ટ્ર એક સાંસ્કૃતિક વિભાવના છે. દેશ જ્યારે સામ્રાજ્યવાદનો અંચળો ઓઢી લે છે ત્યારે એ ઉગ્ર રાષ્ટ્રવાદી બને છે. આ ઉગ્ર રાષ્ટ્રવાદ જ મુઠ્ઠીભર બળુકા શાસકોને જયનાદો તરફ દોરી જાય છે અને વિશ્વમાં યુદ્ધો થતાં રહે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK