Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચાલો મિની વેકેશન પર

ચાલો મિની વેકેશન પર

27 October, 2019 04:31 PM IST | મુંબઈ
ટ્રાવેલ-ગાઇડ - દર્શિની વશી

ચાલો મિની વેકેશન પર

કળસુબાઈ શિખર: મહારાષ્ટ્રમાં આવેલા સર્વોચ્ચ શિખરની યાદીમાં કળસુબાઈનું શિખર સૌથી ઊંચું છે જેનું નામ એના શિખર પર બનેલા કળસુમાતાના મંદિર પરથી રાખવામાં આવ્યું છે જેની તળેટીમાં બે નાનકડાં ગામડાં પણ આવેલાં છે.

કળસુબાઈ શિખર: મહારાષ્ટ્રમાં આવેલા સર્વોચ્ચ શિખરની યાદીમાં કળસુબાઈનું શિખર સૌથી ઊંચું છે જેનું નામ એના શિખર પર બનેલા કળસુમાતાના મંદિર પરથી રાખવામાં આવ્યું છે જેની તળેટીમાં બે નાનકડાં ગામડાં પણ આવેલાં છે.


હવેના દિવાળી વેકેશનમાં પહેલાં જેવી મજા રહી નથી. શાળામાં અગાઉ લગભગ મહિના જેટલું મળતું વેકેશન હવે ઘટીને અડધું થઈ ગયું છે. હવે આટલા દિવસમાં ઘરની સાફસફાઈ હાથમાં લેવી કે દિવાળીના નાસ્તા કરવા કે સગાંવહાલાંને ત્યાં જવું કે પછી ગામ જવું? આ બધાં કામ પતાવવામાં છેલ્લે ફરવા જવાના પ્લાન પર જ કાપ મુકાય. જોકે મન હોય તો સાવ કંઈ ફરવા જવાના તમારા પ્લાન કૅન્સલ કરવાની જરૂર નથી, કારણ કે આજે આપણે કેટલાંક એવાં ટ્રાવેલ ડેસ્ટિનેશનની વાત કરવાના છીએ જે મુંબઈથી નજીક છે. એટલું જ નહીં, બે-ત્રણ દિવસમાં રિલૅક્સ થઈને પાછા રિટર્ન પણ થઈ શકાય એટલાં નજીક છે તો શું વિચારો છો? પોટલાં બાંધો અને હવે આવતી બે દિવસની રજામાં ફરી આવો.

vacation -02



દૂરશેત: મુંબઈથી ૭૬ કિલોમીટરના અંતરે દૂરશેત આવેલું છે. શહેરની ભીડભાડ અને પ્રદૂષણથી દૂર આવેલા હરિયાળીથી છલોછલ એવા આ સ્થળની ગણતરી શાંત પર્યટક સ્થળોમાં થાય છે. 


દૂરશેત

મુંબઈથી ૭૬ કિલોમીટરના અંતરે દૂરશેત આવેલું છે. શહેરની ભીડભાડ અને પ્રદૂષણથી દૂર તથા હરિયાળીથી છલોછલ એવા આ સ્થળની ગણતરી શાંત પર્યટક સ્થળોમાં થાય છે. આ ઉપરાંત એ અંબા નદીના કિનારે આવેલું હોવાથી અહીં શીતળતા પણ ભરપૂર છે એટલું જ નહીં, આજની જનરેશનના શોખને ધ્યાનમાં રાખીને અહી વૉટર સ્પોર્ટ્સ પણ થાય છે. સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલા ખોપોલી ગામની નજીક દૂરશેત આવેલું છે જે ૪૨ એકરથી વધુ જંગલના વિસ્તારમાં ફેલાયેલું છે. જંગલ હોવાથી અહીં વિવિધ જાતનાં પંખીઓનાં દર્શન પણ ખૂબ થાય છે. કેટલાંક દુર્લભ જાતિનાં કહી શકાય એવાં બર્ડ્સ પણ અહીં જોવા મળી રહે છે. કુદરતી સૌંદર્યના ચાહકો માટે આ સ્થળ બેસ્ટ ચૉઇસ પુરવાર થઈ શકે છે. એટલું જ નહીં, પ્રાકૃતિક ખજાનાથી સમૃદ્ધ હોવાને લીધે ટ્રેકર્સને પણ અહીં મજા પડે છે. દૂરશેતની એક તરફ અષ્ટવિનાયક ગણપતિનું મંદિર પાલી આવેલું છે તો બીજી તરફ મહાડ આવેલું છે જેથી દૂરશેત આવનારા લોકોને અષ્ટવિનાયકનાં બે મંદિરનાં દર્શન કરવાનો પણ ચાન્સ મળે છે. આ સ્થળ ઐતિહાસિક રીતે પણ મહત્વનું છે. એવું કહેવાય છે કે ઉમરખન્ડની લડાઈમાં દૂરશેતનો ઉપયોગ યુદ્ધમેદાન તરીકે કરવામાં આવ્યો હતો. જ્યાં શિવાજી મહારાજે કરતબ ખાન સાથે યુદ્ધ કર્યું હતું. ઘણા લોકોને હજી આ સ્થળ વિશે વધુ જાણકારી ન હોવાથી અહીં ભીડ પણ ઓછી હોય છે એટલે ફરવાની મજા આવે છે. અહીં તમે પ્રાઇવેટ વાહનો લઈને આવી શકો છો અથવા અહીં સુધી પહોંચવા માટે બસ-સ‌ર્વિસ પણ ઉપલબ્ધ છે જેનો લાભ લઈ શકાય છે. આમ તો અહીં આવવા માટે બારે મહિનાનો સમય બેસ્ટ રહે છે, પરંતુ માર્ચથી મે મહિના દરમ્યાન અહીં ખૂબ ગરમી પડતી હોવાથી આ સમયગાળામાં આવવાનું ટાળવું.


vacation-01

લોહગડ : વીસાપુરની નજીક લોહગડ કિલ્લો અનેક શાસકોને જોઈ ચૂક્યો છે. અનેક વર્ષો વીત્યાં હોવા છતાં હજી પણ આ કિલ્લાની દીવાલો અને દ્વાર એટલાં જ મજબૂત અને સારી હાલતમાં છે.

લોહગડ ફોર્ટ

મુંબઈથી ૯૭ કિલોમીટરના અંતરે અને પુણેથી ઉત્તરમાં ૫૩ કિલોમીટરના અંતરે લોહગડ કિલ્લો આવેલો છે. મહારાષ્ટ્રમાં આવેલા કેટલાક પહાડી કિલ્લામાં આ કિલ્લાનો સમાવેશ થાય છે. સમુદ્રતટથી લગભગ ૩૩૦૦ ફુટ ઊંચે આવેલો આ કિલ્લો પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. કિલ્લાની નજીકમાં વીસાપુર કિલ્લો પણ આવેલો છે. કહેવાય છે કે ભૂતકાળમાં આ કિલ્લો વધુ વખત માટે મરાઠા શાસન હેઠળ રહ્યો હતો. જ્યારે મોગલના હાથમાં માત્ર પાંચ વર્ષ માટે જ આ કિલ્લો આવ્યો હતો. જો તમને ઇતિહાસમાં રસ હશે તો તમે આ સ્થળથી થોડા માહિતગાર તો હશો જ, કેમ કે અહીં અનેક શાસકો રાજ કરી ચૂક્યા છે. શિવાજીથી લઈને મુગલ અને યાદવથી લઈને નિઝામ સુધીના શાસક અહીં આવી ચૂક્યા છે. એવું પણ કહેવાય છે કે અગાઉ આ કિલ્લાનો ઉપયોગ લૂટેલા માલને છુપાવવા માટે પણ કરવામાં આવતો હતો. અનેક શાસકોના આગમનને લીધે આ કિલ્લાની અંદર એની છાંટ જોવા મળે છે. દરેક શાસકોએ કિલ્લામાં કોઈ ને કોઈ ફેરફાર કરાવ્યા હતા. વાસ્તુકલા, પુરાતત્ત્વીય અને ઐતિહાસિક બાબતોમાં રસ ધરાવતા લોકોને અહીં ચોક્કસ આવવું ગમશે. કિલ્લાનું રક્ષણ કરતાં ચાર દ્વાર આટલાં વર્ષો બાદ પણ એટલાં જ મજબૂત છે જે એ સમયની બાંધકામની નિપુણતા છતી કરે છે. વર્તમાન સમયમાં આ કિલ્લો ભારત સરકારના અંતર્ગત આવે છે. આ કિલ્લાની સાથે અહીં નજીકમાં આવેલાં જાણીતાં અને ઓછાં જાણીતાં સ્થળોની પણ મુલાકાત લઈ શકાય છે જેમાં લોનાવલા, ભાગા ગુફા, આમી ઘાટી અને કાર્લા ગુફાનો સમાવેશ થાય છે.

વીસાપુર કિલ્લો

લોહગડની નજીક વીસાપુર કિલ્લો આવેલો છે. એવું કહેવાય છે કે આખા દેશમાં સૌથી વધુ કિલ્લા ધરાવનાર રાજ્યોમાં રાજસ્થાનની સાથે મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. વિસાપુર કિલ્લો પણ એક પહાડી વિસ્તારમાં આવે છે જે પુણે નજીક આવેલા વીસાપુર ગામ નજીક આવેલો છે. આ કિલ્લાનું બાંધકામ ૧૮મી સદીમાં કરવામાં આવ્યું હોવાનું અનુમાન છે. જેનું બાંધકામ બાલાજી વિશ્વનાથે કરાવ્યું હતું જેઓ મરાઠા સામ્રાજ્યના સૌથી પહેલા પેશવા હતા. 

વીસાપુર દુર્ગને લોહગડ અને વીસાપુર દુર્ગનો હિસ્સો પણ કહેવામાં આવે છે. જોકે લોહગડનું અંતર અહીંથી થોડું દૂર છે. મરાઠા રાજ્યના શાસનના લીધે આ બન્ને કિલ્લાને જુડવા કિલ્લા પણ કહેવામાં આવે છે તેમ જ લગભગ ૩૫૫૦ મીટરથી અધિક ઊંચાઈની સાથે આ કિલ્લો મહારાષ્ટ્રના સૌથી ઊંચા કિલ્લામાંનો એક કિલ્લો પણ ગણવામાં આવે છે. આ જ કારણસર ઇતિહાસકારોને અહીં આવવામાં ઘણો રસ પડે છે. આ ઉપરાંત અહીં ટ્રેકર્સને પણ બખ્ખાં છે. આ દુર્ગનો સંબંધ મહાભારતના કાળની સાથે હોવાનું કહેવાય છે જેથી ધાર્મિક રીતે પણ એ મહત્વ ધરાવે છે. અહીં રહેતા કેટલાક સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે આ કિલ્લાનો સંબંધ મહાભારત કાળ સાથેનો પણ છે. કહેવાય છે કે આ કિલ્લો પાંડવો દ્વારા નિર્મિત છે. જોકે આ કિલ્લાના ઇતિહાસનાં મૂળિયાં સુધી ઠોસપણે કોઈ પણ પહોંચી શક્યું નથી, પરંતુ આપણે શું, આપણે તો ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લેવા સાથે મતલબ છે. આટલો ઊંચો કિલ્લો અને એના પરથી આસપાસની ખીણનો જોવા મળતો નજરો એક અદ્ભુત અનુભૂતિ કરાવે છે. આ કિલ્લાને જોવા માટે આખા વર્ષ દરમ્યાન કોઈ પણ સમયે આવી શકાય છે. ચોમાસા દરમ્યાન અહીંની જમીન ઘણી સ્લીપરી બની જતી હોય છે જેથી ઘણી સાવધાની રાખવી પડે છે. અહીં સુધી પહોંચવા માટે રોડ, હવાઈ અને રેલમાર્ગ ઉપલબ્ધ છે.

વિક્રમગડ

મુંબઈથી લગભગ ૧૦૦ કિલોમીટરના અંતરે વિક્રમગડ આવેલો છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવતા મનોર-જવ્હાર રોડ પર આ નાનકડું ગામ આવેલું છે. આમ તો આ ગામડું ઘણાં વર્ષોથી વસેલું છે, પરંતુ લોકોના ધ્યાનમાં આવ્યું નહોતું.

જેમ-જેમ વધુ ને વધુ લોકોને અહીંની કુદરતી સુંદરતા, વન્ય વાતાવરણ તેમ જ નિર્મળ વાતાવરણ વિશે જાણ થતી ગઈ એમ અહીં પ્રવાસીઓનો ધસારો ધીરે-ધીરે વધવા લાગ્યો છે. અહીં ઘણાં સારાં અને લક્ઝુરિયસ રિસૉર્ટ પણ આવેલાં છે. આ જગ્યા વારલી પેઇન્ટિંગ માટે જાણીતું છે તેમ જ તારપા ડાન્સ અહીંની સ્પેશ્યલિટી છે જે દરેક પ્રસંગોમાં ભજવાય છે. ટૂંકા સમયમાં ફ્રેશ થવું હોય તો મુંબઈ નજીક આવેલી આ જગ્યા એકદમ પર્ફેક્ટ બની શકે એમ છે. એકદિવસીય પિકનિક માટે અહીં આવી શકાય છે. ઍડ્વેન્ચર અને નેચર-લવર માટે વિક્રમગડ બેસ્ટ રહેશે. વૉલ પેઇન્ટિંગ, માઉન્ટન બાઇકિંગ, રેપલિંગ, વૉલ-ક્લાઇમ્બિંગ કરવાની મજા પડશે. અહીંની સુંદરતાનો ખરો આનંદ લેવો હોય તો ચોમાસા પછી અહીં આવવું જોઈએ. ચોમાસા બાદ અહીંની ગ્રીનરીમાં અનેકગણો વધારો થાય જ છે સાથે વિક્રમગડને નવી ખૂબસૂરતી પણ મળે છે.

કળસુબાઈ શિખર

કળસુબાઈ શિખરની ઓળખાણ મહારાષ્ટ્રના સર્વોચ્ચ શિખરમાં થાય છે. મહારાષ્ટ્રમાં ઈગતપુરી વિસ્તારમાં આવેલો કિલ્લો છે જે મહારાષ્ટ્રનો એવરેસ્ટ તરીકે પણ જાણીતો છે. સમુદ્રની સપાટીથી ૧૬૪૬ મીટરની ઊંચાઈએ છે જેની ચોટીએ કળસુબાઈ માતાનું મંદિર આવેલું છે જેના પરથી આ શિખરનું નામકરણ કરવામાં આવ્યું હતું. શિખરની તળેટીમાં બે સુંદર ગામ વસેલાં છે જેમાં એક ગામનું નામ છે બારી અને બીજાનું નામ છે બાડી. આ બાડી ગામનું આખું નામ છે અહમદનગર બાડી, પરતું બારીની સાથે નામમાં એકસમાનતા લાવવા માટે એનું નામ ટૂંકું કરીને બાડી કરી દેવામાં આવ્યું છે. હવે આ બન્ને ગામો ‘બારી-બાડી’ તરીકે ઓળખાય છે. આ બન્ને ગામમાં મળીને માત્ર ૫૦ ઘર છે. બાડી ગામ થઈને આ શિખરની ચડાઈ શરૂ થાય છે. બીજું એ કે ચડાણ થોડું કઠિન છે તેમ જ થોડું લાંબું પણ છે, પરંતુ ઉપર આવીને બધો થાક ઊતરી જશે. બાજુમાં ખળખળ પડતો ધોધ વાતાવરણમાં પવિત્રતાનો ઉમેરો કરે છે. ટૂંકમાં કહીએ તો ખૂબ જ સુંદર અને સ્વચ્છ વાતાવરણ વચ્ચે આ સ્થળ રોજિંદા જીવનનો થાક ઉતારી દેશે. અન્ય સ્થળોની જેમ અહીં પણ બારે મહિના આવી શકાય છે, પરંતુ ચોમાસા દરમ્યાન અહીં આવવું થોડું રિસ્કી બની શકે છે.

કુને ફૉલ્સ

લોનાવલા અને ખંડાલા ઘણી વખત જઈ આવ્યા છો, પરંતુ લોનાવલાની નજીકમાં આવેલા કુને ફૉલ્સ વિશે બધા જાણતા નહીં હોય. ખંડાલા સ્ટેશનથી માત્ર બે કિલોમીટર અને લોનાવલા સ્ટેશનથી ૩.૫ કિલોમીટરના અંતરે તથા મુંબઈથી ૯૪ કિલોમીટરના અંતરે આવેલો આ ફૉલ્સ અટ્રૅક્ટિવ અને નયનરમ્ય છે. જો તમે લોનાવલા જવાનો પ્લાન કરી રહ્યા હો તો અહીં જવા જેવું છે. ૨૦૦ મીટરની ઊંચાઈ પરથી ત્રણ ધારામાં વહેતો કુને ફૉલ્સ અલૌકિક દૃશ્ય નિર્માણ કરે છે. ચારેતરફ વીંટળાયેલી હરિયાળી આ નજારાને અનેરો બનાવે છે. ચોમાસા દરમ્યાન અહીંના સૌંદર્ય વિશે પૂછવું જ શું? ધોધમાં નાહવાનો અને સ્વિમિંગ કરવાનો લહાવો લેતા લોકો અહીં જોવા મળે છે. ચોમાસા બાદ પણ અહીં ઘણા સમય સુધી ધોધ આ જ રીતે પડતો જોવા મળે છે. નજીકમાં એક ચર્ચ છે જે અહીં પહોંચવા માટે લૅન્ડમાર્ક સમાન બની ગયું છે. ચર્ચથી અહીં સુધી પગપાળા પણ આવી શકાય છે. આ વૉટરફૉલ ઓલ્ડ મુંબઈ પુણે હાઇવે નજીક છે.

Whatsapp-channel Whatsapp-channel

27 October, 2019 04:31 PM IST | મુંબઈ | ટ્રાવેલ-ગાઇડ - દર્શિની વશી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK