Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સહકારી બૅન્કની માંદગી: હરહંમેશ મૂંઝવતો પ્રશ્ન

સહકારી બૅન્કની માંદગી: હરહંમેશ મૂંઝવતો પ્રશ્ન

06 October, 2019 03:24 PM IST | મુંબઈ
સુષમા બી. શાહ

સહકારી બૅન્કની માંદગી: હરહંમેશ મૂંઝવતો પ્રશ્ન

સહકારી બૅન્કોની સમસ્યા

સહકારી બૅન્કોની સમસ્યા


       
       
       
       
       
       

પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બૅન્કનું કૌભાંડ અત્યારે ચર્ચામાં છે. થાપણદારો ચિંતામાં છે કે તેમની પરસેવાની કમાણી પરત મળશે કે નહીં અને ધિરાણ લેનારા હવે પાપનો ઘડો ભરાઈ જતાં જેલમાં છે. શુક્રવારે ધિરાણનીતિની સમીક્ષા પછી



પત્રકાર-પરિષદમાં બૅન્કિંગ સિસ્ટમના નિયમનકાર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાન્ત દાસને આ વિશે સવાલો પૂછવામાં આવ્યા હતા. દાસ ચૂપ રહ્યા હતા, કહ્યું કે કોઈ ચોક્કસ સંસ્થા વિશે પોતે બોલશે નહીં. તેમણે એમ પણ જણાવ્યું કે દેશની બૅન્કો સધ્ધર અને સ્થિર છે એટલે લોકોએ ચિંતા કરવી નહીં. તેમણે સ્વીકાર્યું નહીં કે આટલું મોટું કૌભાંડ થયું કેવી રીતે? કેવી રીતે રિઝર્વ બૅન્કને આ બૅન્કની એક જ કંપનીને આપવામાં આવેલી લોન વિશે ખબર જ પડી નહીં? હા, એટલું ચોક્કસ બોલ્યા કે તપાસ ચાલુ છે.


સહકારી બૅન્કો, કૌભાંડ અને અર્થતંત્રના ચોક્કસ લોકો આ બૅન્કની ત્રુટિઓનો લાભ લઈ હંમેશાં પોતાનો સ્વાર્થ પોસતા રહ્યા છે. આમાં નવું કઈ નથી, સહકારી બૅન્કોનો ઉપયોગ જ લોકોને ફાયદો કરાવવા માટે અને લોકોએ ફાયદો ઉઠાવવા માટે કર્યો છે. આ સ્થિતિ આજે જ ઊભી નથી થઈ અને હવે ભવિષ્યમાં થશે પણ નહીં એની કોઈ ગૅરન્ટી નથી.

સહકારી બૅન્કોનો ભૂતકાળ


૧૯૬૬થી ૨૦૦૩ દરમ્યાન એક જિલ્લામાં એક જ સહકરી બૅન્ક એવી નીતિ છોડી દીધી હોવાથી સહકારી બૅન્કોનો વ્યાપ વિસ્તર્યો હતો. દેશમાં ૧૯૬૬માં ૧૧૦૦ જેટલી શહેરી સહકારી બૅન્કો પાસે ૧૬૭ કરોડ રૂપિયાની થાપણો અને ૧૫૩ કરોડ રૂપિયાનું ધિરાણ હતું. ૧૯૯૩માં આ સંખ્યા વધી ૧૩૧૧ થઈ અને એમની થાપણ ૧૧,૧૦૮ કરોડ અને ધિરાણ ૮૭૧૩ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું. આ પછી ઉદાર હાથે લાઇસન્સ આપવાની પ્રક્રિયા આવી અને ૧૯૨૬ બૅન્કો પાસે ૧૦,૨૦૭ કરોડ રૂપિયાની થાપણો હતી.

કૌભાંડ અને કટોકટીનો કાળ

કૌભાંડ અને સહકારી બૅન્કોનું સૌથી મોટું ઉદાહરણ અમદાવાદની માધવપુરા મર્કન્ટાઇલ કો-ઑપરેટિવ બૅન્ક છે. ૨૦૦૧ સુધીમાં ૧૨૦૦ કરોડ રૂપિયાની થાપણ સાથે ગુજરાતની આ સૌથી મોટી સહકારી બૅન્ક રાતોરાત બંધ કરવી પડી હતી. શૅરદલાલ કેતન પારેખ અને અન્યોને ૧૨૦૦ કરોડ રૂપિયાના પે-ઑર્ડર આપ્યા હતા. પારેખ આ રકમનો ઉપયોગ

બિલ-ડિસ્કાઉન્ટ થકી શૅરબજારમાં રોકાણ માટે કરતો હતો. ડૉટકૉમ બબલમાં શૅરબજાર અચાનક જ ધ્વસ્ત થઈ જતાં બ્રોકરને નુકસાન થયું. બ્રોકરને નુકસાન થતાં બૅન્કનાં નાણાં ફસાટાં અને બૅન્ક બંધ કરવી પડી. લાંબો સમય સુધી ચાલેલા કોર્ટકેસ બાદ થાપણદારોને ૨૦૧૭થી નાણાં (એવી રકમ કે જેના ઉપર વીમો ભરાયો હોય) પરત આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. કૌભાંડ એટલા માટે હતું કે ૧૫ કરોડ રૂપિયાની મર્યાદા સામે શૅરબ્રોકરને ૧૨૦૦ કરોડ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું હતું.

માધવપુરામાં નાણાં રોકનાર અન્ય સહકારી અને સરકારી બૅન્કોમાં પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આની સાથે ભારતના સહકારી ક્ષેત્રે જોવા મળેલી સૌથી મોટી બૅન્કિંગ કટોકટી શરૂ થઈ હતી.

ઉપરોક્ત ચાર્ટ દર્શાવે છે કે દેશમાં આવી પડેલી સહકારી બૅન્કોની કટોકટી કેટલી વ્યાપક છે. આ આંકડા રિઝર્વ બૅન્કના અહેવાલ (ટ્રેન્ડ ઍન્ડ પ્રોગ્રેસ ઑફ બૅન્કિંગ ઇન ઇન્ડિયા) ઉપરથી એકત્ર કરવામાં આવ્યા છે. નબળી પડેલી બૅન્કો (એવી બૅન્ક કે જેમાં મૂડી ઘટી રહી હોય, રોકડ અનામત ઘટી હોય અને નબળી લોનનું પ્રમાણ વધી ગયું હોય) અને ફડચામાં લઈ જનારી બૅન્કોની સંખ્યા એકદમ વધારે હતી.

બૅન્કો નબળી પડવાનું બીજું એક કારણ એવું પણ હતું કે રાજકીય નેતાઓના બ્રીડિંગ ગ્રાઉન્ડ સમી આ બૅન્કોનો અંગત ઉપયોગ થતો હતો અથવા તો મળતિયા માટે પણ એનો ઉપયોગ થતો હતો. ડિરેક્ટર સાથે સારા સંબંધ એટલે લોન ફટાફટ મળી જાય. ગ્રાહકની લોન પરત કરવાની ક્ષમતા, લોનની રકમ એવું કોઈ જ માપદંડ ચકાસવામાં આવતું નહી. સહકારી બૅન્કના ડિરેક્ટર પોતાને, પોતાતાં સગાં-વહાલાંને સીધું જ, અમર્યાદિત ધિરાણ આપતા હતા. સમગ્ર દેશમાં એવા સેંકડો કિસ્સાઓ છે કે આવી રીતે સહકારી બૅન્કે આપેલી લોન ક્યારેય પરત આવી નથી અને બૅન્કો ફડચામાં લઈ જવી પડી છે. રિઝર્વ બૅન્કને આ પછી આ પ્રકારની લોન ઉપર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી હતી.

૨૦૦૦માં આવેલા કટોકટી કાળના કારણે પાંચ જ વર્ષમાં લગભગ ત્રીજા ભાગની બૅન્કો બંધ કરી દેવી પડી હતી. આ પાંચ જ વર્ષમાં સહકારી ક્ષેત્ર જાણે મરણપથારી ઉપર આવી ગયું હતું.

સહકારી બૅન્કોની સમસ્યા

સહકારી બૅન્કો અન્ય બૅન્કો કરતાં જરા અલગ છે. તેમના પર બેવડાં નિયંત્રણ હોય છે. એક, જે રાજ્યમાં એની નોંધણી છે એનો સહકાર વિભાગ અને બીજું, રિઝર્વ બૅન્ક. બૅન્કિંગ રેગ્યુલેટર તરીકે રિઝર્વ બૅન્ક માત્ર બૅન્કિંગ વ્યવસ્થા અંગે જ સૂચનો કરી શકે છે. બૅન્કનું સંચાલન, બોર્ડના સભ્યો અને અન્ય બાબતો વિશે રાજ્ય અને કેન્દ્ર સરકાર નિયમો ઘડે છે. માત્ર આકસ્મિક સંજોગોમાં, એ પણ બૅન્કિંગ સેવાઓ ખોરવાય એવી સ્થિતિ હોય તો જ રિઝર્વ બૅન્ક પગલાં જાહેર કરી શકે છે. નિષ્ણાતો એવું માને છે કે આ બેવડાં નિયંત્રણના કારણે જ સ્થિતિ દર વખતે બગડે છે. જો રિઝર્વ બૅન્ક એકલું સંચાલન કરતી હોય તો સહકારી ક્ષેત્ર મજબૂત હોત, પરંતુ બેવડાં નિયંત્રણ હોય ત્યારે સ્થિતિ બધારે સુદૃઢ હોવી જોઈએ, પણ સહકારી બૅન્કોમાં આવી રણનીતિ કારગત નથી.

સહકારી બૅન્કો દેશના છેવાડાના લોકોને બૅન્કિંગ સુધી પહોંચાડવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે એમ છેલ્લાં ૧૯ વર્ષના રિઝર્વ બૅન્કના ટ્રેન્ડ્સ ઍન્ડ પ્રોગ્રેસ ઑફ બૅન્કિંગ ઇન ઇન્ડિયાના અહેવાલમાં પહેલી લાઇનમાં લખ્યું છે. આ લાઇનની ભાષામાં કોઈ ફેરફાર થતો નથી. આ દર્શાવે છે કે નિયમનકાર તરીકે રિઝર્વ બૅન્ક આ ક્ષેત્ર માટે કેટલી ‘ગંભીર’ છે. કેટલીયે કમિટી બની, કેટલાયે અહેવાલ, નિયમો, માર્ગદર્શિકાઓ અને નિયંત્રણ આવ્યા પછી પણ કોઈ સુધારો જોવા મળ્યો નથી.

બૅન્કનું સામાન્ય કામ હોય છે જેની પાસે વધારે પૈસા હોય, રોકાણલાયક નાણાં પડ્યાં હોય એ એકત્ર કરવાં અને જરૂરિયાત હોય તેને ધિરાણ આપવું. બૅન્કિંગનો આ સિદ્ધાંત સહકારી બૅન્કો છેલ્લાં ૨૦૦ વર્ષથી ભારતમાં કરતી આવી રહી છે, પણ આ ક્ષેત્ર માટે અન્ય પડકારો પણ છે કે લોન આપવા માટેની જે ખરાઈ, ચોકસાઈ કરવાની હોય એની આવડત બૅન્કના સ્ટાફ પાસે છે કે નહીં, બૅન્કિંગ સેવા પૂરી પાડવા, સક્ષમ અને સ્પર્ધાત્મક રીતે આપવા માટે તેમની પાસે ટેક્નૉલૉજી છે કે નહીં? માત્ર સંબંધના આધારે હવે બૅન્કિંગ ટકી શકે એમ નથી. ટેક્નૉલૉજી અને સ્કીલ સેટના અભાવના કારણે આ ક્ષેત્ર ધીમે-ધીમે શિથિલ થઈ રહ્યું છે.

પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર બૅન્કનો કિસ્સો

નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯ના અંતે પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર બૅન્ક દેશની ટોચની પાંચ સહકારી બૅન્કોમાંની એક હતી. બૅન્કનું કુલ ધિરાણ ૮૩૮૩ કરોડ રૂપિયાનું હતું અને એનપીએનું પ્રમાણ માત્ર ૨.૧૯ અને મૂડીનું પ્રમાણ રિઝર્વ બૅન્કના નિયમ ૯ ટકા સામે ૧૨.૬ ટકા જેટલું હતું. આટલી સધ્ધર બૅન્ક અચાનક જ ધ્વસ્ત થઈ ગઈ. એનું એકમાત્ર કારણ હતું કે બૅન્કે મુંબઈ ખાતે આવેલી એચડીઆઇએલને ૬૫૦૦ કરોડ રૂપિયાનું ધિરાણ આપ્યું છે. કુલ ધિરાણના ૭૫ ટકા રકમ માત્ર એક જ કંપનીને! એ પણ એવી કંપનીને કે જેની સામે અત્યારે એનસીએલટીમાં અન્ય બૅન્કોનો લોન વસૂલાત માટે કેસ ચાલી રહ્યો છે. પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર બૅન્કના મૅનેજમેન્ટે રિઝર્વ બૅન્ક અને ઑડિટરની આંખમાં ધૂળ નાખવા માટે ૪૪ જેટલા સાચા લોન લેનારાનાં નામની જગ્યાએ ૨૧,૦૪૯ ડમી ખાતેદારો ઊભા કર્યા છે એમ પોલીસ એફઆઇઆરમાં જણાવે છે.

પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર બૅન્કનો કિસ્સો ફરી વાર સાબિત કરે છે કે સહકારી બૅન્કના મૅનેજમેન્ટ સાથે મિલીભગત હોય તો જ કૌભાંડ શક્ય છે. રિઝર્વ બૅન્કે આ સહકારી બૅન્કમાં ખાતેદારોને ઉપાડ માટે પહેલા ૧૦૦૦ રૂપિયા સુધી, પછી ૧૦,૦૦૦ અને હવે ૨૫,૦૦૦ રૂપિયા સુધીની છૂટ આપી છે. બૅન્કિંગ રેગ્યુલેટરે આ સહકારી બૅન્કમાં વહીવટદારની નિમણૂક પણ કરી દીધી છે.

આ કેસનાં એવાં કેટલાંયે પાસાં છે કે જેની હવે તપાસ થશે. જોકે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે જેની સામે નાદારી કે વસૂલાતની કાર્યવાહી ચાલી રહી છે એ કેવી રીતે નાણાં પરત કરશે? આ લોન લેનાર એચડીઆઇએલના પૈસા ગયા ક્યાં? બૅન્ક મૅનેજમેન્ટમાંથી કોણે આ કૌભાંડમાં લાભ મેળવ્યો?

રોકાણકારો અને થાપણદારોને શું?

સહકારી બૅન્કોની પોતાની રીતે મૂડી ઊભી કરવાની ક્ષમતા બહુ સીમિત હોય છે. થાપણદારો અને લેણદારો જે શૅર ખરીદી એ અનુસાર એની મૂડી ઊભી થાય છે. આવી બૅન્કો શૅર બહાર પાડી ઊભી કરી શકે એમ નિયમ અનુસાર શક્ય નથી એટલે વધુ ને વધુ થાપણદારોને આકર્ષવા માટે એમણે ઊંચા વ્યાજદર રાખવા પડે છે. જેટલો વ્યાજનો દર ઊંચો એટલું જ ધિરાણ પણ મોંઘું અને એટલે સમસ્યાઓ ઘણી વ્યાપક બને છે.

રોકાણનો સરળ સિદ્ધાંત સુરક્ષા, પ્રવાહિતા અને વળતર એમ ત્રણ માપદંડ પર ટકેલો છે. જ્યાં પ્રવાહિતા વધારે હોય ત્યાં સુરક્ષા અને વળતર જોખમી હોય છે. જ્યાં સુરક્ષા અને પ્રવાહિતા વધારે હોય ત્યાં વળતર ઓછું હોય છે અને જેમ વ્યાજદર વધારે એમ જોખમ વધારે! આ બહુ સપષ્ટ વાત છે જે રોકાણકાર તરીકે બધાએ સમજવી જોઈએ. વધારે વળતર મેળવવા માટે વધારે જોખમ લીધું હોય અને એમાં ખોટ જાય તો એના માટે અન્ય પરિબળની સાથે પોતાની લાલચ પણ એટલી જ જવાબદાર બને છે.

કોઈ પણ બૅન્ક, માત્ર સહકારી નહીં, પણ સરકારી અને ખાનગી પણ ખરી – એમાં રોકેલી માત્ર રૂપિયા એક લાખ સુધીની થાપણ પર જ વીમો લેવામાં આવ્યો હોય છે એટલે એ સુરક્ષિત છે. સરકારી કર્મચારીઓ અને ચીજોના ભાવ ફુગાવાના આધારે, મોંઘવારીના આધારે વધ્યા છે, પણ આ વીમા રક્ષિત થાપણની રકમમાં ૧૯૯૩ પછી કોઈ વધારો થયો નથી. ડિપોઝિટ ઇન્શ્યૉરન્સ ઍન્ડ ક્રેડિટ ગૅરન્ટી સ્કીમનો કાયદો અમલમાં આવ્યો ત્યારે ૧૫૦૦ રૂપિયા સુધીની થાપણ સુરક્ષિત હતી જે સમયાંતરે (૧૯૬૮થી ૧૯૯૩ વચ્ચે પાંચ વખત) વધી ૧,૦૦,૦૦૦ રૂપિયા સુધી (એ પણ મુદ્દલ, વ્યાજ સાથે નહીં) પહોંચી છે. આ પછી એમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી એટલે એનાથી વધારેની રકમ જો બૅન્ક ફડચામાં જાય તો સુરક્ષિત નથી એ સ્વીકારવું જ રહ્યું!

આ પણ વાંચો : મહારાષ્ટ્ર બીજેપીનું છેવટે સંપૂર્ણ મોદીફિકેશન થયું, ગુજરાત મૉડલ અમલમાં મુકાયું

બૅન્કોનું ભવિષ્ય

કાયદાકીય રીતે સહકારી બૅન્કોને ટકાવી રાખવા માટે ધરખમ સુધારાની ફરજ જેમ ૨૦૦૪-’૦૫માં પડી હતી એવો સમય હવે આવી ગયો છે. નાણાકીય રીતે ભારત પહેલાં કરતાં વૈશ્વિક પ્રવાહો સાથે વધારે જોડાયું છે. ટેક્નૉલૉજીના કારણે બૅન્કિંગ સેવા દેશના દરેક નાગરિક સુધી પહોંચાડવી સરળ બની છે અને એનો વિસ્તાર પણ વધ્યો છે. આ બદલાયેલા પરિપ્રેક્ષ્યમાં રિઝર્વ બૅન્કે પોતાની વ્યવસ્થા પણ સુધારવી પડશે. રિઝર્વ બૅન્ક તરફથી વધારે સકારાત્મક અભિગમ અપનાવી બૅન્કોનાં જોખમોની જાણ લોકોને કરવી જ પડશે. ઇન્સ્પેક્શન અને ઑડિટ વ્યવસ્થા વધારે પારદર્શક બનાવવી પડશે. સરકારે પણ આ અતિઆવશ્યક વ્યવસ્થાનો રાજકીય ઉપયોગ બંધ કરતી એના વિશે ગંભીર વિચારણા કરવી પડશે. અન્યથા પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર બૅન્ક જેવા કિસ્સાઓ જેમ ભૂતકાળમાં બન્યા છે એમ ભવિષ્યમાં બનતા જ રહેશે.

  નબળી બૅન્કો ફડચામાં બૅન્કો કુલ બૅન્કો
જૂન ૨૦૦૧ ૨૬૧  ૧૧૮  ૧૮૬૬
 માર્ચ ૨૦૦૨  ૧૮૫  ૧૩  ૧૩૪૨
 માર્ચ ૨૦૦૩  ૯૪૪  ૧૬૩  ૧૯૪૧
 માર્ચ ૨૦૦૪  -  ૧૭૯  ૨૧૦૫
 માર્ચ ૨૦૦૫  ૨૨૮  -  ૨૧૦૫
 માર્ચ ૨૦૦૬  ૬૭૭  ૨૨૬  ૧૮૫૩
Whatsapp-channel Whatsapp-channel

06 October, 2019 03:24 PM IST | મુંબઈ | સુષમા બી. શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK