Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 49

સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 49

28 July, 2019 12:59 PM IST | મુંબઈ ડેસ્ક
ગીતા માણેક

સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 49

સરદાર: ધ ગેમ-ચેન્જર

સરદાર: ધ ગેમ-ચેન્જર


‘આ બે શહેર વચ્ચે ૬૫ માઇલ લાંબો અને લશ્કરનાં વજનદાર વાહનોની અવરજવર ખમી શકે એવો રસ્તો આઠ મહિનામાં તૈયાર થઈ જવો જોઈએ.’ પોતાના ટેબલ પર હિન્દુસ્તાનનો નકશો પાથરી સરદારે જમ્મુ અને પઠાણકોટ વચ્ચેનો ભૂમાર્ગ દર્શાવતી રેખા પર આંગળી મૂકીને જાહેર બાંધકામ ખાતાના પ્રધાન નરહર વિષ્ણુ ગાડગીળને કહ્યું.

‘સરદાર, આ કામ એટલું આસાન નથી. નકશામાં ફક્ત રેખા જ દેખાય છે; નદી, નાળાં, ટેકરીઓ કે પર્વતો દેખાતાં નથી.’ ગાડગીળે જવાબ આપ્યો.
‘હું જાણું છું, પણ આ કામ કરવું જ પડશે. કાશ્મીરમાં આ લડાઈ લાંબી ચાલવાની છે અને આપણને આ રસ્તો બહુ કામમાં આવવાનો છે.’ સરદારે ભવિષ્ય ભાખ્યું.
રાજસ્થાનથી ખાસ ટ્રેન દ્વારા ૧૦,૦૦૦ મજૂરો લાવવામાં આવ્યા. ફ્લડલાઇટો મુકાવીને રાતે પણ કામ ચાલુ રાખવામાં આવ્યું. ત્યાં મજૂરો માટે શ્રમ શિબિરો, દવાખાનાં, ચાલતાંફરતાં સિનેમા અને બજાર ઊભાં કરીને આ કામ ઝડપભેર પૂરું થાય એની તમામ તકેદારી લેવામાં આવી. ૬૫ માઇલનો એ રસ્તો આઠ મહિનામાં પૂરો થયો.
નવેમ્બર ૧૯૪૭ની શરૂઆતમાં કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી. પહાડો બરફાચ્છાદિત હતા. કડકડતી ઠંડીમાં ૪ નવેમ્બર ૧૯૪૭ની સવારે એક વિમાન શ્રીનગરના ઍરપોર્ટ પર ઊતર્યું. આ વિમાનમાંના પ્રવાસીને આવકારવા કાશ્મીરમાંના ભારતીય સૈન્યના અધ્યક્ષ બ્રિગેડિયર એલ. પી. સેન સ્વયં હાજર હતા. એ વિમાનમાંથી ૭૨ વર્ષના હિન્દુસ્તાનના નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ ઊતર્યા. તેમની સાથે સંરક્ષણપ્રધાન બલદેવ સિંઘ અને મણિબહેન પણ હતાં.
શ્રીનગરમાં યુદ્ધભૂમિ પર ભયાવહ શાંતિ છવાયેલી હતી. સરદાર અને તેમના સાથીઓ લશ્કરના મુખ્ય થાણા પર પહોંચ્યા. બ્રિગેડિયર સેને સરદારને યુદ્ધની વિગતવાર માહિતી આપી. યુદ્ધવિરામ હજી થયો નહોતો. સૈન્ય શ્રીનગરની સીમા પર લડી રહ્યું હતું.
‘સર, તમારો શું આદેશ છે? અમારે કાશ્મીરના આખા ખીણપ્રદેશમાં કાર્યવાહી કરવી જોઈએ કે પછી ફક્ત શ્રીનગર પર જ ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ?’
બ્રિગેડિયરે પૂછ્યું.
‘શ્રીનગર ગમે તે ભોગે સલામત રહેવું જોઈએ.’ સરદારે તરત જ જવાબ આપ્યો.
‘તો મને વધુ ટુકડીઓની અને સરંજામની જરૂર પડશે.’ બ્રિગેડિયરે માગણી કરી.
સરદાર પટેલ તરત જ ઊભા થયા અને બોલ્યા, ‘હું તરત દિલ્હી પાછો જાઉં છું અને તમને એ બધું શક્ય એટલી ઝડપે મોકલી આપું છું.’
એ સાંજે જ બ્રિગેડિયરને સંદેશ મળ્યો કે ઇન્ફેન્ટરીની બે બટૅલ્યન, હથિયાર ભરેલી મોટરકારનું એક યુનિટ કાશ્મીર ભૂમિમાર્ગે મોકલી આપવામાં આવ્યું છે.
***
આ તરફ પાકિસ્તાની ઘૂસણખોરો અને ભારતીય સૈન્ય સામસામે હતાં તો બીજી તરફ મહારાજા હરિ સિંઘ અને શેખ અબદુલ્લા વચ્ચેનો સંઘર્ષ સપાટી પર આવવા માંડ્યો હતો. આમ તો તે બન્ને વચ્ચેનો અણબનાવ બહુ જૂનો હતો. ૧૯૪૬માં શેખ અબદુલ્લાએ મહારાજા હરિ સિંઘના રાજમાં અને તેમની વિરુદ્ધ ‘કાશ્મીર છોડો’ આંદોલન શરૂ કર્યું હતું. રાજા હરિ સિંઘે એ વખતે શેખ અબદુલ્લાને જેલભેગા કરી દીધા હતા. ત્યાર બાદ જ્યારે સરદારની ભલામણથી શેખ અબદુલ્લાને જેલમાંથી છોડવામાં આવ્યા ત્યારે તકવાદી શેખ અબદુલ્લા કાશ્મીરના મહારાજા હરિ સિંઘનાં તળિયાં ચાટવા માંડ્યા હતા, પરંતુ હવે જ્યારે પરિસ્થિતિ બદલાઈ હતી ત્યારે તેમની વચ્ચે ફરી વેરઝેરભર્યા સંબંધો થઈ ગયા હતા. સરદારે ખુદ જમ્મુ જઈને મહારાજા હરિ સિંઘ અને શેખ અબદુલ્લા વચ્ચે મૈત્રીભર્યા સંબંધો સ્થાપવાની કોશિશ કરી, પણ એમાં તેઓ નાકામિયાબ રહ્યા. શેખ અબદુલ્લા હિન્દુસ્તાનના વડા પ્રધાન નેહરુના ટેકા પર મુસ્તાક હતા. નેહરુએ તો મહારાજાને પત્ર લખીને કહ્યું કે ‘શેખ અબદુલ્લાને કાશ્મીરના વડા પ્રધાન બનાવીને તેમને પોતાનું પ્રધાનમંડળ રચવાનું કહેવું જોઈએ... તેમની સરકારને પૂરી સત્તા સોંપીને તમારે કેવળ બંધારણીય વડા રહેવું જોઈએ.’
આ પત્ર લખ્યા બાદ જવાહરલાલ નેહરુએ કાશ્મીરનો મામલો પોતાના હસ્તક લેવા માંડ્યો જે અત્યાર સુધી સરદારના હાથમાં હતો. જ્યારે સરદારને ખ્યાલ આવ્યો કે કાશ્મીરનું ખાતું નેહરુ સંભાળવા માગે છે ત્યારે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ઊભો કર્યા વિના તેઓ આ આખા મામલામાંથી ખસવા માંડ્ય એમ છતાં સરદારની જાણ બહાર નેહરુએ કાશ્મીરનો મામલો ખાતા વિનાના પ્રધાન ગોપાલસ્વામી આયંગરને સોંપ્યો. સરદાર અને નેહરુ વચ્ચે ગોપાલસ્વામી આયંગર અજાણતાં જ હોળીનું નાળિયેર બની ગયા. નેહરુએ પોતે સરદાર સાથે આયંગર વિશે કોઈ ચોખવટ કરી ન હોવાથી ગેરસમજ થઈ. કાશ્મીર વિશેના કેટલાક નિર્ણય આયંગરે લીધા એનાથી સરદારને માઠું લાગ્યું અને તેમણે આયંગરને પત્ર દ્વારા પોતાનો વિરોધ નોંધાવ્યો. આ પત્ર જ્યારે નેહરુ પાસે પહોંચ્યો ત્યારે તેમણે લખ્યું...
‘માય ડિયર વલ્લભભાઈ,
ગોપાલસ્વામી આયંગરને કાશ્મીરને લગતી બાબતોમાં મદદ કરવા માટે ખાસ કહેવામાં આવ્યું છે. આ કારણસર અને કાશ્મીર વિશેની તેમની ઊંડી જાણકારી અને અનુભવને કારણે તેમને પૂરો અવકાશ મળવો જોઈએ. આ બધું મારા કહેવાથી થયું છે અને જે બાબતોમાં મારી જવાબદારી હોવાનું સમજું છું એ બાબતોમાં મારાં કામ છોડી દેવાની મારી તૈયારી નથી... ગોપાલસ્વામી સાથે જે રીતે વહેવાર કરવામાં આવ્યો એ આપણા સાથી તરફના યોગ્ય વિવેકને અનુરૂપ નહોતો એવું હું કહેવા માગું છું.
આપનો
જવાહર.’
સરદારે આનો તરત પ્રત્યુત્તર આપ્યો...
‘માય ડિયર જવાહરલાલ,
તમારો આજનો પત્ર મને હમણાં જ મળ્યો... આ પત્રથી મને ઘણું દુઃખ થયું છે... તમારા પત્રથી સ્પષ્ટ થાય છે કે મારે સરકારમાં પ્રધાન તરીકે રહેવું ન જોઈએ અથવા હું રહી શકું નહીં એથી મારું રાજીનામું મોકલી આપું છું. હોદ્દામાં રહ્યો એ સમય અત્યંત તંગદિલીનો હતો અને એ દરમ્યાન તમે મારા પ્રત્યે જે વિવેક અને મમતા દાખવ્યાં એ બદલ હું તમારો આભારી છું.
તમારો
વલ્લભભાઈ.’
નેહરુ અને સરદાર વચ્ચેના મતભેદ અને તેમની વચ્ચેનું અંતર વધવા માંડ્યું હતું. સરદારના આ પત્રના જવાબમાં નેહરુએ વડા પ્રધાન તરીકેની પોતાની સ્વતંત્રતા પર કાપ મુકાય છે એવો આક્ષેપ કર્યો અને રાજીનામું આપવાની ધમકી આપી.
સરદારે આ પત્રના જવાબમાં લખ્યું, ‘તમારે રાજીનામું આપવાનો અથવા તમારાં કામ છોડી દેવાનો સવાલ જ ઊભો થતો નથી. જે નિર્ણય લઈએ એ સદ્ભાવના અને ગૌરવભેર કરીએ એ બાબતમાં હું તમારી સાથે સંપૂર્ણતઃ સહમત છું. આવું કરવામાં હું મારો જીવ તોડીને પણ તમને મદદ કરીશ, પણ નકામા સાથી તરીકે તમારી સાથે લાંબો વખત ચાલુ રહું એવું તો તમે પણ નહીં ઇચ્છો એવી મારી ખાતરી છે.’
સરદાર અને નેહરુ વચ્ચેના મતભેદનો આ મામલો એ વખતે છેવટે ગાંધીજી પાસે પહોંચ્યો હતો.
***
કાશ્મીરમાં છમકલાં ચાલુ જ હતાં. છેવટે ડિસેમ્બર મહિનામાં પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાન અને હિન્દુસ્તાનના વડા પ્રધાન જવાહલાલ નેહરુ વચ્ચે એક મીટિંગનું દિલ્હી ખાતે આયોજન થયું. આ બેઠકમાં નક્કી થયું કે પાકિસ્તાન પોતાની વગ વાપરીને આઝાદ કાશ્મીરના સ્થાનિક હિમાયતીઓને પીછેહઠ કરવાનું કહેશે. એની સામે હિન્દુસ્તાને પણ બાંયધારી આપી કે કાશ્મીરમાં પોતાના સૈન્યની હાજરી ઓછી કરશે. આ મીટિંગમાં કાશ્મીરમાં લોકમત કરવા વિશે યુએન પાસે જવાનું નક્કી થયું.
પાકિસ્તાને વારંવાર ઘૂસણખોરોને પાછા બોલાવી લેવાની ખાતરી આપ્યા છતાં એ વચન નિભાવ્યું નહીં. કાશ્મીરની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નહોતો ત્યારે માઉન્ટબેટને પોતાના મિત્ર જવાહરલાલ નેહરુ અને ગાંધીજીને સૂચન કર્યું કે ‘તમે પાકિસ્તાનની વિરુદ્ધ યુનાઇટેડ નેશન્સમાં ફરિયાદ કરવા જાઓ.’ પહેલાં તો નેહરુએ આ સૂચનનો વિરોધ કર્યો અને કહ્યું, ‘આવું કઈ કલમ હેઠળ કરી શકાય? આ આખા મામલામાં પાકિસ્તાન તો ક્યાંય છે જ નહીં, કારણ કે મહારાજા હરિ સિંઘે તો આપણી સાથે જોડાણ કરી જ લીધું છે.’ જોકે માઉન્ટબેટને તેમને સમજાવવા માટે જે દલીલો કરી એનાથી નેહરુ તો તેમની સાથે સંમત થઈ ગયા અને ગાંધીજીએ કમને મંજૂરી આપી દીધી.



એમ છતાં સરદાર પટેલની ગેરહાજરીમાં ગાંધીજીની નામંજૂરી હોવા છતાં નેહરુએ ૧૯૪૭ની ૩૧મી ડિસેમ્બરે યુનાઇટેડ નેશન્સની ન્યુ યૉર્ક ખાતેની કચેરીમાં ફરિયાદ કરતો પત્ર મોકલી આપ્યો, જેમાં હિન્દુસ્તાનના વડા પ્રધાન તરીકે જવાહરલાલ નેહરુએ લખ્યું કે પાકિસ્તાની ઘૂસણખોરોએ કાશ્મીરમાં હુમલો કર્યો જે હકીકતમાં ભારતની હદમાં આવે છે. આ પત્રમાં તેમણે યુએનની સિક્યૉરિટી કાઉન્સિલને વિનંતી કરી કે પાકિસ્તાનને આવી પ્રવૃત્તિઓ કરતાં રોકો. ભારત સાથે કાશ્મીરનું કાયદેસરનું જોડાણ થયું છે છતાં એ કાશ્મીરમાં લોકમત લેવા તૈયાર છે.


આ પણ વાંચો : પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

જ્યારે સરદારને આ વિશે જાણ થઈ ત્યારે તેમને લાગ્યું કે જવાહરલાલ નેહરુએ બહુ મોટી ભૂલ કરી છે. બૅરિસ્ટર તરીકેનો અને આટલાંબધાં રાજ્યોનું વિલીનીકરણ કરવાનો તેમનો અનુભવ કહેતો હતો કે કોઈ પણ કેસમાં જ્યારે તમે સામે ચાલીને ફરિયાદ કરવા જાઓ છો ત્યારે તમે પ્રતિવાદીના એ વસ્તુ માટેના માલિકી દાવાને સ્વીકારો છો. તેમણે કહ્યું, ‘જિલ્લા કોર્ટમાં પ્રૅક્ટિસ કરતો વકીલ પણ આવા કેસમાં ફરિયાદી તરીકે જાય નહીં!’
(ક્રમશઃ)


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2019 12:59 PM IST | મુંબઈ ડેસ્ક | ગીતા માણેક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK