સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 48

Published: Jul 21, 2019, 11:30 IST | ગીતા માણેક | મુંબઈ ડેસ્ક

લોહી રેડ્યા વિના હિન્દુસ્તાનને છિન્નભિન્ન થતું રોકવાનો જંગ આલેખતી ડૉક્યુ-નૉવેલ

સરદાર: ધ ગેમ-ચેન્જર
સરદાર: ધ ગેમ-ચેન્જર

‘આઇ સ્ટ્રૉન્ગ્લી ઑબ્જેક્ટ ટુ વૉટ ઇન્ડિયા હેઝ ડન ઇન કશ્મીર’ (હિન્દુસ્તાને કાશ્મીરમાં જે કર્યું એનો હું સખત રીતે નિષેધ કરું છું.) ચહેરા પર કરડાકીભર્યા ભાવ સાથે ઝીણાએ બ્રિટિશ ઉચ્ચારોવાળી અંગ્રેજીમાં કહ્યું. 

‘આઇ ડોન્ટ થિન્ક ઇન્ડિયા હેઝ ડન ઍનીથિંગ ઇમ્પ્રૉપર (મને નથી લાગતું કે ભારતે કોઈ અયોગ્ય પગલાં લીધાં છે) એમ જોવા જાઓ તો જૂનાગઢને પાકિસ્તાનમાં જોડવાની વાત પણ અયોગ્ય ગણાય. જૂનાગઢમાં બહુમતી પ્રજા હિન્દુ અને શાસક મુસ્લિમ તો કાશ્મીરમાં બહુમતી મુસ્લિમ અને શાસક હિન્દુ હતા.’ કાશ્મીર પર ચર્ચા કરવાના ઝીણાના નિમંત્રણને માન આપીને એકલા માઉન્ટબેટન જ લાહોર ગયા. સરદારની નામરજી છતાં નેહરુ જવાના હતા, પણ તેમની તબિયત અચાનક કથળી એટલે જઈ શક્યા નહોતા. લાહોરના ગવર્નમેન્ટ હાઉસમાં માઉન્ટબેટનને પાકિસ્તાનના કાયદે-આઝમે આવકાર્યા અને કાશ્મીરના મુદ્દે પોતાની ફરિયાદો રજૂ કરી.
‘સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઇટેડ નેશન્સ)ની દેખરેખમાં કાશ્મીરમાં લોકમત લઈએ. જે ચુકાદો આવે એ બન્ને દેશ માન્ય રાખે. મિસ્ટર નેહરુને પણ મેં આ જ સૂચન કર્યું છે.’ માઉન્ટબેટને ભાર દઈને પોતાનો મત વ્યક્ત કર્યો.
‘યુનાઇટેડ નેશન્સમાં જવા કે આ રીતે લોકમત લેવા અમે હરગિજ તૈયાર નથી. ભારતીય લશ્કર ત્યાં અડિંગો જમાવીને બેઠું છે. બીજી તરફ શેખ અબદુલ્લા મુસ્લિમોને પાકિસ્તાન તરફ ભડકાવે છે. આ રીતે તો લોકો ડરી જઈને ભારતતરફી મત જ આપશે. એ તટસ્થ લોકમત નહીં હોય.’ ઝીણાએ સખત વિરોધ નોંધાવ્યો. તેઓ જાણતા હતા કે કાશ્મીરીઓ પાકિસ્તાનથી ગિન્નાયેલા છે. પઠાણ ઘૂસણખોરોએ જ્યારે હુમલો કર્યો ત્યારે કાશ્મીરની પ્રજા પર બહુ અત્યાચાર કર્યા હતા. આ સંજોગોમાં જો લોકમત લેવામાં આવે તો એ પાકિસ્તાનના વિરોધમાં અને હિન્દુસ્તાનના લાભમાં સાબિત થાય.
‘જો લોકમત લેવો જ હોય તો એ પાકિસ્તાનના ગવર્નર જનરલ (ઝીણા પોતે) અને હિન્દુસ્તાનના ગવર્નર જનરલ (માઉન્ટબેટન)ની દેખરેખ હેઠળ લેવો જોઈએ.’
‘મિસ્ટર ઝીણા, તમારો પાકિસ્તાનમાં જેવો દબદબો છે એવો મારો હિન્દુસ્તાનમાં નથી.’ માઉન્ટબેટને હસતાં-હસતાં તેમની ઑફર નકારી કાઢી.
‘ખરેખર તો લોકમત લેવાની કોઈ જરૂર નથી. કાશ્મીરમાં સ્થિતિ બહુ સ્પષ્ટ છે. મુસ્લિમોની બહુમતી છે એટલે અમારા મુસ્લિમ રાષ્ટ્રનો જ એના પર અધિકાર છે.’
‘તો આ જ અભિગમ તમે જૂનાગઢમાં કેમ ન દાખવ્યો?’ માઉન્ટબેટને તેમના મોહક સ્મિત સાથે કહ્યું, ‘ત્યાં સુધ્ધાં બહુમતી હિન્દુઓની છે.’
‘મિસ્ટર માઉન્ટબેટન, બ્રિટિશરોએ જ રજવાડાંઓને પાકિસ્તાન કે હિન્દુસ્તાનમાં જોડાવું કે સ્વતંત્ર રહેવું એ નિર્ણય કરવાની પરવાનગી આપી હતી. એ મુજબ જ જૂનાગઢના નવાબે પોતાની મરજીથી પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. અમે અમારી ફોજ મોકલીને કોઈ બળજબરી નહોતી કરી. જ્યારે કાશ્મીરમાં તો હિન્દુસ્તાને મુસ્લિમો પર અત્યાચાર કરીને અને સૈન્ય મોકલીને મહારાજા હરિસિંઘને જોડાવા માટે ફરજ પાડી છતાં જો હિન્દુસ્તાન અમને કાશ્મીર આપી દે તો અમે જૂનાગઢને કહીશું કે ભારતમાં જોડાઈ જાઓ.’ ઝીણાએ જાણે જૂનાગઢ પાકિસ્તાનની માલિકીનું હોય એ રીતે કાશ્મીર સાટે જૂનાગઢનો સોદો કરવાની વાત કરી.
‘તો પછી આ જ નિયમ કાશ્મીરને લાગુ થવો જોઈએ. તમે જ કહો કે કાશ્મીરના મહારાજા હરિસિંઘે જ્યારે હિન્દુસ્તાન સાથેના જોડાણખત પર સહી કરી આપી છે ત્યારે હિન્દુસ્તાન તેમને કઈ રીતે કહી શકે કે હવે તમે પાકિસ્તાનમાં જોડાઈ જાઓ. આ તો તમે અસંભવ વાત કરી રહ્યા છો. કાશ્મીરમાં લોકમત લેવામાં આવે અને જો એ પાકિસ્તાનતરફી આવે તો જ કાશ્મીર તમને મળી શકે. બીજો કોઈ ઉપાય જ નથી.’ માઉન્ટબેટને કહ્યું.
‘મિસ્ટર ઝીણા મને લાગે છે કે આ રીતે ચર્ચાઓનો તો કંઈ અંત જ નહીં આવે. હવે આમાંથી તમારી દૃષ્ટિએ ઉકેલ શું હોઈ શકે એ કહો.’ ચર્ચા કોઈ નિષ્કર્ષ પર પહોંચતી નહોતી એટલે માઉન્ટબેટનના સ્ટાફના વરિષ્ઠ અધિકારી લૉર્ડ હેસ્ટિંગ્સ ઇસમેએ દરમ્યાનગીરી કરી.
‘અત્યારે તો હિન્દુસ્તાન અને પાકિસ્તાન બન્નેએ કાશ્મીરમાં એકસાથે પીછેહઠ કરવી જોઈએ.’ ઝીણાએ સૂચન કર્યું.
‘એ કેવી રીતે શક્ય છે? કારણ કે તમે તો કહો છો કે કાશ્મીરમાં સ્થાનિક પ્રજાએ બળવો કર્યો છે. હિન્દુસ્તાની લશ્કર જો પીછેહઠ કરે તો બળવાખોર સ્થાનિક પ્રજા શ્રીનગરનો કબજો લઈ લે.’
આ ક્ષણે ઝીણાને ખ્યાલ આવ્યો કે
પોતે ભાંગરો વાટ્યો છે એટલે તેમણે તરત ફેરવી તોળ્યું.
‘એ સ્થાનિક પ્રજા પર મારો એટલો પ્રભાવ છે કે તેઓ મારા શબ્દનો અનાદર નહીં કરે. જો કદાચ તેઓ એવું કરશે તો તેમના પર કાબૂ મેળવવા હું પાકિસ્તાની લશ્કર મોકલી આપીશ. જરૂર પડ્યે હું પોતે શ્રીનગર જઈશ અને પાકિસ્તાન તરફથી આખો મામલો ૨૪ કલાકમાં સમેટાઈ જાય એની તકેદારી લઈશ.’
‘ઓહ રિયલી! તમારું સ્થાનિક બળવાખોરો પર આટલુંબધું આધિપત્ય છે!’ માઉન્ટબેટન કટાક્ષમાં બોલ્યા કે પછી નિર્દોષતાથી એ ઝીણા સમજી ન શક્યા.
‘મિસ્ટર માઉન્ટબેટન, તમારા એકલા સાથે આ બધી ચર્ચાઓ કરીને શું મતલબ છે? કાશ્મીર મુદ્દે હિન્દુસ્તાનના અને પાકિસ્તાનના વડાઓ વચ્ચે વાતચીત થવી જરૂરી છે. તમારા વડા પ્રધાન મિસ્ટર નેહરુ કે પછી મિસ્ટર પટેલ કેમ નથી આવ્યા?’ ઝીણાએ વાતને આડે પાટે ચડાવવાની શરૂઆત કરી.
‘મિ. ઝીણા, તમે પણ તો દિલ્હી આવી શકો છો. હિન્દુસ્તાનના ગવર્નર જનરલ તરીકે હું તમને ભાવભીનું નિમંત્રણ આપું છું. હિન્દુસ્તાનમાં તમે મારા મહેમાન હશો. હું તમને ખાતરી આપું છું કે મિસ્ટર નેહરુ સાથે બેસીને આનો ઉકેલ કાઢી શકાશે.’
‘એ શક્ય નથી. હું દિલ્હી ન આવી શકું. અત્યારે અમારા વડા પ્રધાન લિયાકત અલી બીમાર છે અને આખા દેશની જવાબદારી મારા પર છે.’ ઝીણાએ બહાનું ધરી દીધું.
‘પાકિસ્તાન માટે કાશ્મીર કરતાં વધુ અગત્યની કોઈ સમસ્યા છે? મને લાગે છે કે વ્યક્તિએ કઈ બાબતને અગ્રતાક્રમ આપવો એ નક્કી કરવું જોઈએ.’ માઉન્ટબેટને ચિડાઈને કહ્યું.
‘મિસ્ટર ઝીણા, તમારે હિન્દુસ્તાન આવવું જોઈએ. એ રીતે વિશ્વઆખાની નજરમાં તમે પાકિસ્તાનની છાપ સુધારી શકશો.’
લૉર્ડ ઇસમેએ પણ ઝીણાને સમજાવવાની કોશિશ કરી.
‘વિશ્વ જાય ભાડમાં. આમ પણ બ્રિટિશ કૉમનવેલ્થ પાસે અમે જ્યારે મદદ માગી ત્યારે તેણે તો અમને પૂંઠ જ દેખાડી દીધી.’ ઝીણાનો પારો ચડી રહ્યો હતો.
આ તબક્કે માઉન્ટબેટને લૉર્ડ ઇસમે તરફ જોઈને કહ્યું, ‘સૉરી મિસ્ટર ઇસમે, બટ કૅન યુ પ્લીઝ ગિવ અસ અ મિનિટ... (સૉરી મિસ્ટર ઇસમે તમે થોડી વાર માટે બહાર જશો...)’ પોતાના ઉપરીની વિનંતીને માન આપીને લૉર્ડ ઇસમે તરત જ એ ખંડમાંથી બહાર ચાલ્યા ગયા. હવે માઉન્ટબેટન અને ઝીણા એકલા પડ્યા.
‘કાશ્મીર સંદર્ભે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રકારનાં નિવેદન કરી રહ્યું છે એ તમારા જેવા સ્ટેટ્સમેન (રાજનેતા)ને શોભતું નથી. આવું કર્યા પછી તમે હિન્દુસ્તાન સાથે શાંતિપૂર્ણ વાટાઘાટોની વાત કરો તો એ શક્ય નથી. મને તો લાગે છે કે સારું થયું મિસ્ટર નેહરુ આવ્યા નહીં. તેમને તાવ ન આવ્યો હોત અને તેઓ અહીં આવ્યા પણ હોત તોય તમારી અપમાનજનક વાતો સાંભળીને તેમનું તાપમાન વધી જ ગયું હોત. તમે એ વાત કેમ સમજતા નથી કે પાકિસ્તાનની સ્થિતિ હિન્દુસ્તનાની સરખામણીમાં બહુ નબળી છે. ફક્ત સૈન્યની દૃષ્ટિએ જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે
પણ હિન્દુસ્તાનની આબરૂ વધારે છે.’ લૉર્ડ ઇસમે ગયા બાદ માઉન્ટબેટને ઝીણાને
આડેહાથ લીધા.
‘જ્યારથી આઝાદી મળી છે ત્યારથી હિન્દુસ્તાન અમારું નાક દબાવવાની કોશિશ કરી રહ્યું છે. જો આ જ રીતે ચાલતું રહ્યું તો તેમણે પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે.’ ઝીણા ઘાયલ વાઘની જેમ ઘૂરક્યા.
‘યુદ્ધથી હિન્દુસ્તાનને બહુ નુકસાન થશે, પણ તમે અને પાકિસ્તાન તો ખતમ થઈ જશો.’ માઉન્ટબેટને ઝીણાને વાસ્તવિકતાનું ભાન કરાવ્યું અને ત્યાંથી નીકળી ગયા. લાહોરમાં થયેલી આ સાડાત્રણ કલાકની મીટિંગનો કોઈ નિષ્કર્ષ ન નીકળ્યો.

આ પણ વાંચો : સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 47

‘નમસ્કાર, યે ઑલ ઇન્ડિયા રેડિયો કા દિલ્હી સ્ટેશન હૈ. અભી કુછ હી દેર મેં ભારત કે પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નેહરુજી દેશ કો સંબોધિત કરેંગે.’ બીજી નવેમ્બરની સાંજે ઑલ ઇન્ડિયા રેડિયોની પ્રવક્તાએ દિલ્હી રેડિયો સ્ટેશન પરથી જાહેરાત કરી.
‘આજે મારે તમારી સાથે કાશ્મીર વિશે વાત કરવી છે, કાશ્મીરના સૌંદર્ય વિશેની નહીં, પણ તાજેતરમાં ત્યાં લોકોએ જે આતંકનો સામનો કરવો પડ્યો છે એની. કાશ્મીર સંદર્ભે દરેક પગલાં સમજીવિચારીને લેવાયાં છે. જો આપણે કાશ્મીરની સહાયતા ન કરી હોત તો એ તેમનો વિશ્વાસઘાત ગણાત. જો આપણે ઘૂસણખોરો સામે કાશ્મીરની સહાયતા માટે સૈન્ય ન મોકલ્યું હોત તો આપણે તેમના આક્રમણ સામે કાયર છીએ એવું સાબિત થાત. કાશ્મીરના મહાન નેતા શેખ અબદુલ્લાની મદદથી કાશ્મીરના હિન્દુ, મુસ્લિમ અને સિખ લોકો પોતાના દેશનો બચાવ કરવા એકત્રિત થયા. તેમના સહયોગથી આપણા સૈન્યને પણ મદદ મળી છે. કાશ્મીરના મહારાજા પણ અભિનંદનને પાત્ર છે. તેમણે આ કટોકટીભર્યા સમયમાં શેખ અબદુલ્લાને વહીવટતંત્રના વડા બનાવ્યા છે. કાશ્મીરની નિયતિ હવે પ્રજાએ નક્કી કરવાની છે. અમે આ વચન ફક્ત મહારાજાને જ નહીં, પણ કાશ્મીરના લોકો અને આખી દુનિયાને આપીએ છીએ કે જ્યારે શાંતિ અને વ્યવસ્થા સામાન્ય થશે ત્યારે અમે લોકમત લઈશું. આ લોકમત સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે યુએનની દેખરેખમાં લઈશું. પ્રજા જેકંઈ ચુકાદો આપે એને અમે શિરોમાન્ય માનીશું.’ રેડયો પર જવાહરલાલ નેહરુનું રાષ્ટ્રજોગ નિવેદન સાંભળી રહેલા સરદારે બટન ફેરવીને રેડિયો બંધ કર્યો. મણિબહેન તરફ જોઈને સરદારે કહ્યું, ‘જવાહરને ખબર નથી, પણ તેણે બહુ મોટી ભૂલ કરી છે. તેણે પસ્તાવું પડશે.’ (ક્રમશઃ)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK