સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 47

Published: Jul 14, 2019, 14:01 IST | ગીતા માણેક | મુંબઈ

લોહી રેડ્યા વિના હિન્દુસ્તાનને છિન્નભિન્ન થતું રોકવાનો જંગ આલેખતી ડૉક્યુ-નૉવેલ

સરદાર: ધ ગેમ-ચેન્જર
સરદાર: ધ ગેમ-ચેન્જર

‘નામદાર, વી. પી. મેનનસાહેબ આવ્યા છે.’ મહારાજા હરિસિંહના અંગત મદદનીશે કહ્યું. હવે માલિકને પોતાના જ હાથે ગોળીએ નહીં દેવા પડે એની રાહત તેના ચહેરા પર હતી.
તેની આ વાત સાંભળીને પથારીમાં જાગતા પડેલા મહારાજા તરત જ રજાઈ હટાવીને બહાર આવ્યા. મેનનની ખાતરદારી કરવાની સૂચના આપી તેઓ થોડી જ ક્ષણોમાં જમ્મુના તેમના હરિ નિવાસના દીવાનખંડમાં હાજર થયા.
‘ભારત સરકાર તમને બધી મદદ કરવા તૈયાર છે, પણ એ પહેલાં તમારે આના પર સહી કરી આપવી પડશે,’ મેનને જોડાણખત સામે ધરતાં કહ્યું.
‘પણ હું ગઈ કાલે એક વાર તો જોડાણખત પર સહી કરી ચૂક્યો છું.’ મહારાજાને નવાઈ લાગી.
‘હા, પણ આમાં કેટલીક કલમો ઉમેરવામાં આવી છે.’ મેનને થૂંક ગળે ઉતારતાં કહ્યું. ‘આ શરતી જોડાણખત છે. એક વાર સ્થિતિ સામાન્ય થઈ જાય પછી કાશ્મીરમાં જનમત લેવો પડશે એવી બાંયધરી ભારત સરકાર આપે છે. ઉપરાંત આ જોડાણખત અન્ય રાજ્યો સાથે કરવામાં આવેલા જોડાણખતથી અલગ છે.’ મેનને સ્પષ્ટતા કરી.
મહારાજાએ ઝડપભેર નવું જોડાણખત વાંચ્યું. તેમના ચેહરા પરના ભાવ પરથી મેનન કળી શક્યા કે શેખ અબદુલ્લાને સરકારમાં સામેલ કરવાની કલમો તેમને માન્ય નહોતી. મહારાજાએ ઘડીભર માટે આંખ બંધ કરી અને પછી આ નવી કલમો વિશે એક પણ હરફ ઉચ્ચાર્યા વિના ઇન્ડિપેન વડે જોડાણખત પર સહી કરી આપી. તેઓ જાણતા હતા કે તેમની પાસે સહી કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો. પાકિસ્તાન સામે કાશ્મીરને મદદ કરવાની માઉન્ટબેટનને અભિપ્રેત હતી એ કાયદેસરની પરવાનગી હિન્દુસ્તાનને મળી ગઈ.
***
મહારાજા હરિસિંહ પાસે સહી કરી આપવા સિવાય કોઈ વિકલ્પ નથી એની માઉન્ટબેટન, નેહરુ, સરદાર અને જનરલ માણેકશા સહિત બધાને ખબર હતી. કાશ્મીરમાં લશ્કરી દળ મોકલવાના છે એ નિશ્ચિત હતું. ૨૬મી ઑક્ટોબરે સાંજે જ મહારાજા હરિસિંહની સહીવાળું જોડાણખત લઈને મેનન દિલ્હી પહોંચી ગયા. યુદ્ધની તૈયારીઓનો આરંભ થઈ ચૂક્યો હતો.
દિલ્હીના વિલિંગ્ડન હવાઈમથકે વિમાનો તહેનાત હતાં. સરદાર ત્યાં પહોંચી ગયા અને આખી રાત બધી કાર્યવાહી પર દેખરેખ રાખતા રહ્યા. ૧૯૪૭ની ૨૭ ઑક્ટોબરના સૂર્યોદય પૂર્વે જ ભારતીય હવાઈ દળનું પહેલું વિમાન ઊડ્યું. એ વિમાનમાં લેફ્ટેનન્ટ કર્નલ દીવાન રણજિતરાયની આગેવાનીમાં સિખ બટૅલ્યનના સૈનિકો શ્રીનગર ભણી રવાના થયા. ત્યાર બાદ ભારતીય ઍરફોર્સના ડી.સી.-૩ પ્રકારનાં વધુ આઠ વિમાનોનો એક કાફલો શ્રીનગરન વિમાનમથકે ઊતર્યો. આ સિખ રેજિમેન્ટમાં ૩૨૯ સૈનિકો અને ૮ ટન જેટલી સાધનસામગ્રી હતી. એ પછી લગભગ ૧૦૦ મુલકી (સિવિલ) અને ભારતીય ઍરફોર્સનાં વિમાનો એક પછી એક શ્રીનગરના રનવે પર ઊતરવા માંડ્યાં. ભારતીય લશ્કરે શ્રીનગરના હવાઈમથકનો સંપૂર્ણ કબજો લઈ લીધો. શ્રીનગર હવાઈમથક પહોંચેલાં દળોને આદેશ આપવામાં આવ્યો કે જ્યાં સુધી ભૂમિમાર્ગે લશ્કરી દળો પહોંચે નહીં ત્યાં સુધી કોઈ પણ હાલતમાં શ્રીનગરના વિમાનમથક પર કબજો જાળવી રાખવો.
જે રીતે આ કામગીરી થઈ રહી હતી એ જોઈને અગાઉ યુદ્ધમાં ભાગીદાર થઈ ચૂકેલા માઉન્ટબેટન પણ મોંમાં આંગળાં નાખી ગયા. તેમણે કહ્યું, ‘મારા આટલા વર્ષોના યુદ્ધના અનુભવોમાં મેં ક્યારેય આટલી ઝડપથી ઍરલિફ્ટ થતાં નથી જોયું!’
બીજી તરફ દેશમાં વાહનવ્યવહારના જેકોઈ સાધનો ઉપલબ્ધ હતાં એને કામે લગાડવામાં આવ્યાં. માઉન્ટબેટને સિફતપૂર્વક રેડક્લિફ પાસે લીટી ખેંચાવીને ગુરદાસપુર ભારતને અપાવી દીધું હતું એ અત્યારે કામ લાગી રહ્યું હતું. ગુરદાસપુર ભારત પાસે હોવાને કારણે લશ્કરી દળોને જમ્મુ સુધી પહોંચવામાં આસાની થવાની હતી. આંતઃસ્ફુરણાથી કે પછી ગણતરીપૂર્વક સરદારે ગુરદાસપુરથી જમ્મુ સુધી તાત્કાલિક ધોરણે જે રસ્તો બનાવડાવ્યો હતો એ અતિશય મદદરૂપ પુરવાર થઈ રહ્યો હતો. આ રસ્તે લગભગ એક લાખ સૈનિકો વાહનની જે વ્યવસ્થા થઈ એમાં કાશ્મીરના બરફીલા પહાડો ભણી રવાના થયા.
***
બારામુલ્લાથી નીકળી ગયેલા પાકિસ્તાની પઠાણ ઘૂસણખોરોનું જૂથ ૩૫ કિલોમીટરનો પ્રવાસ કરીને ક્યારનુંય શ્રીનગર પહોંચી જવું જોઈતું હતું. જો એવું થયું હોત તો ભારતીય લશ્કર પહોંચે એ પહેલાં તેમણે શ્રીનગર કબજે કરી લીધું હોત, પરંતુ આ પઠાણો ૨૭મી ઑક્ટોબર સુધી ન પહોંચ્યા એ માટે ૧૪ ખ્રિસ્તી સાધ્વીઓ કારણભૂત બની.
ભૂખ્યા અને ભુરાંટા થયેલા વરુઓ જેવા પાકિસ્તાની પઠાણો બારામુલ્લામાં લૂંટ મચાવવામાં વ્યસ્ત થઈ ગયા. થોડા પઠાણોની નજર બારામુલ્લામાં આવેલી ‘ફ્રાન્સિસ્કન મિશનરીઝ ઑફ મૅરી’ નામના બોર્ડ પર પડી. આ ખ્રિસ્તી મઠના પ્રાંગણમાં સફેદ વસ્ત્રોમાં ઈસુ ખ્રિસ્તની દૂત જેવી ફ્રેન્ચ, સ્કૉટિશ, સ્પૅનિશ, ઇટાલિયન અને પોર્ટુગીઝ નન્સ (સાધ્વીઓ) ફરી રહી હતી. ગોરી ત્વચા તરફ આકર્ષણ ધરાવતા આ પઠાણોની અંદર આ કુંવારી રૂપાળી સાધ્વીઓને જોઈને શેતાન જાગ્રત થયો. પઠાણોનું ટોળું મઠના લોખંડના ગેટને ધકેલીને માતેલા સાંઢના ધણની જેમ અંદર પ્રવેશ્યું. સાધ્વીઓએ ચીસાચીસ કરી મૂકી, પરંતુ આ ચીસો પાકિસ્તાની પઠાણોને વધુ ઉત્તેજિત કરી રહી હતી.
એ આખો દિવસ એક પછી એક પઠાણો આ સાધ્વીઓનાં શિયળ લૂંટતા રહ્યા. આ એન્જલ સમી સાધ્વીઓના ચિત્કાર સાંભળીને ન તો દ્રૌપદીનાં ચીર પૂરનારા કૃષ્ણ, રહેમદિલ અલ્લાહ કે ન કરુણામૂર્તિ ક્રાઇસ્ટ આવ્યા. ઈસુના વધસ્થંભની નાનકડી પ્રતિમાને હાથમાં લઈને મઠની બેલ્જિયન મધર સુપીરિયર સિસ્ટર મૅરી એદલત્રુદ પણ પઠાણોની હેવાનિયતભરી વાસનાને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ. તેના ઇષ્ટ ઈસુ ખ્રિસ્તને યાદ કરતી-કરતી તે મૃત્યુને શરણ ગઈ. પઠાણોએ એટલી હદનો સિતમ ગુજાર્યો હતો કે આ મઠની તમામ ૧૪ સાધ્વીઓએ પોતાના જીવ ગુમાવ્યા.
આ સાધ્વીઓનાં બલિદાન હિન્દુસ્તાન માટે અતિશય કીમતી પુરવાર થયાં. પાકિસ્તાની ઘૂસણખોરો જ્યારે આ બધી લૂંટફાટ અને હેવાનિયતમાં વ્યસ્ત હતા એ દરમ્યાન ભારતીય લશ્કર કાશ્મીર પહોંચી ગયું હતું. શ્રીનગર તરફ કૂચ કરી રહેલા આ પાકિસ્તાની ઘૂસણખોરોને ભારતીય જવાનોએ ખદેડવાનું શરૂ કર્યું. સિખ બટૅલ્યનના લેફ્ટેનન્ટ કર્નલ રણજિતરાય જ્યારે બારામુલ્લા તરફ આગળ વધતા ગયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે આ હુમલાખોરો સાદાસીધા આદિવાસીઓ કે પઠાણો નથી. તેમની પાસે અદ્યતન હથિયાર છે અને તેમની સંખ્યા પણ મોટી છે. આ ઘૂસણખોરોનો સામનો કરતા લેફ્ટેનન્ટ કર્નલ રણજિતરાય શહીદ થઈ ગયા. શ્રીનગરમાં આ ઘૂસપેઠિયાઓ પ્રવેશે એ પહેલાં જ શહેરની બહાર ઘમસાણ લડાઈ થઈ. ભારતીય જવાનોના જોશ સામે દુશ્મનોની માત થઈ. પાકિસ્તાની ઘૂસણખોરોએ પૂંછડી દબાવીને પાછા ભાગવું પડ્યું. ઝીણાએ કાશ્મીર મોકલાવેલા તેમના અંગત સેક્રેટરી ખુરશીદ અહેમદની ભારતીય લશ્કરે ધરપકડ કરી અને તેમણે વીલા મોડઢે પાકિસ્તાન પાછા ફરવું પડ્યું. કપટ કરીને કાશ્મીર મેળવી લેવાની ઝીણાની ચાલ ઊંધી પડવા માંડી હતી.
***
પાકિસ્તાની ઘૂસણખોરો કાશ્મીરનો કબજો લઈ જ લેશે એવા આત્મવિશ્વાસ સાથે ઝીણા લાહોરમાં અડિંગો જમાવીને બેઠા હતા. ઘૂસણખોરો જેવો શ્રીનગર પર બીજના ચંદ્રમાવાળો લીલો ધ્વજ લહેરાવે એટલે બાબા-ઈ-કોમ (રાષ્ટ્રપિતા) ઝીણા ત્યાં પહોંચી જવા માટે લાહોરમાં રાહ જોઈ રહ્યા હતા. કરાંચી કરતાં લાહોર કાશ્મીરથી વધુ નજીક હતું.
મહારાજા હરિસિંહે હિન્દુસ્તાન સાથેના જોડાણખત પર સહી કરી આપી છે, ભારતીય લશ્કરે શ્રીનગરનો કબજો લઈ લીધો છે અને પાકિસ્તાની ઘૂસણખોરો પરાજિત થયા છે. આવા મોંકાણના સમાચાર સાથે ખુરશીદ અહેમદ ૨૭મી ઑક્ટોબરે લાહોર પહોંચ્યા.
‘પાકિસ્તાની લશ્કરની ટુકડીઓ તાબડતોબ શ્રીનગર મોકલો.’ ગુસ્સામાં લાલપીળા થયેલા ઝીણાએ ઍક્ટિંગ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ગ્રેસીને આદેશ આપ્યો.
‘સૉરી મિ. ઝીણા, હું સુપ્રીમ કમાન્ડરની મંજૂરી વિના લશ્કરને આવો આદેશ ન આપી શકું.’ જનરલ ગ્રેસીએ ઘસીને ના પાડી દીધી.
ધૂંધવાયેલા ઝીણાએ સુપ્રીમ કમાન્ડર ફીલ્ડ માર્શલ ઓચિનલેકને દિલ્હીથી લાહોર બોલાવ્યા. ઓચિનલેક હિન્દુસ્તાન અને પાકિસ્તાનમાંના બ્રિટિશ સૈનિકોના સુપ્રીમ કમાન્ડર હતા. ઝીણાએ પાકિસ્તાન લશ્કર કાશ્મીર મોકલવાની જીદ પકડી ત્યારે ઓચિનલેકે કહ્યું, ‘મહારાજા હરિસિંહે જોડાણખત પર સહી કર્યા પછી કાશ્મીર કાયદેસર રીતે ભારતનો હિસ્સો છે. કાશ્મીરમાં પ્રવેશવાનો મતલબ હિન્દુસ્તાન પર આક્રમણ કર્યું કહેવાશે. જો તમે આગ્રહ રાખશો કે પાકિસ્તાની લશ્કરે કાશ્મીર જવું જ જોઈએ તો પાકિસ્તાની લશ્કરમાં કામ કરતો દરેક બ્રિટિશ સૈનિક આ આદેશ નહીં સ્વીકારે.’
સીધું યુદ્ધ શક્ય નહોતું એટલે ઝીણાએ બીજી ચાલ માંડી. પાકિસ્તાન સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે એવી જાહેરાત કરી કે હિન્દુસ્તાને હિંસા અને કપટનો આશરો લઈને કાશ્મીરને બળજબરીથી જોડાણ કરવા મજબૂર કર્યું છે. તેણે જગતના ચોરે એવાં રોદણાં રડવા માંડ્યાં કે કાશ્મીરના મુસ્લિમોના જીવ જોખમમાં છે. મહારાજા હરિસિંહના સૈનિકોએ મુસ્લિમ પ્રજા પર અમાનુષી અત્યાચાર કર્યા એટલે સરહદ પરના પઠાણો આ મુસ્લિમ પ્રજાને બચાવવા માટે ગયા હતા. હિન્દુસ્તાન તેમને ઘૂસણખોરો કહીને બદનામ કરી રહ્યું છે.
એક તરફ પાકિસ્તાને જગતમાં આવો ખોટો પ્રચાર શરૂ કર્યો તો બીજી તરફ ઝીણાએ માઉન્ટબેટન અને જવાહરલાલ નેહરુને લાહોર આવવાનું આમંત્રણ પાઠવ્યું. તેમણે એવો સંદેશો મોકલ્યો કે સાથે બેસીને કાશ્મીર પર ચર્ચા કરીએ.
***
‘મને લાગે છે કે મિસ્ટર ઝીણા જો કાશ્મીરની સમસ્યાનો ઉકેલ શાંતિથી લાવવા માગતા હોય તો મિસ્ટર નેહરુ અને હું તેમના આમંત્રણને માન આપીને લાહોર જઈ આવીએ.’ ઝીણાએ કાશ્મીર સંદર્ભે વાતચીત કરવા માટે મોકલાવેલું આમંત્રણ સ્વીકારવું કે નહીં એ વિશે હજી કોઈ નિર્ણય પર પહોંચી શકાયું નહોતું.
આ આખો મામલો ગાંધીજી પાસે લઈ જવામાં આવ્યો. બિરલા હાઉસના દીવાનખંડમાં બેઠેલા ગાંધીજીએ જવાહરલાલ નેહરુ તરફ જોયું.
‘કાશ્મીરમાં આપણે જે લશ્કરી પગલાં લીધાં એ લેવાં જ પડે એમ હતાં. મહારાજાએ જોડાણખત સહી કર્યા પછી તેમને આપણે મદદ કરી એની સામે કોઈ વાંધો લઈ જ ન શકે. હવે જ્યારે ઝીણાએ આમંત્રણ મોકલ્યું છે તો આપણે અહંકાર બાજુએ મૂકીને તેમની સાથે વાત કરવી જોઈએ. હું અને માઉન્ટબેટન લાહોર જઈ આવીએ’ નેહરુએ કહ્યું. લાહોર જવામાં વડા પ્રધાન જવાહરલાલ નેહરુને કોઈ આપત્તિ જણાતી નહોતી.
જોકે સરદારનો મત અલગ હતો. તેમણે મક્કમતાથી કહ્યું, ‘ભૂલ પાકિસ્તાનની છે તો આપણે શું કામ પૂંછડી પટપટાવતા જવું જોઈએ? જો ઝીણાને ગરજ હોય તો તેઓ દિલ્હી આવે.’
(ક્રમશઃ)

આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK