Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 46

સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 46

07 July, 2019 09:08 AM IST | મુંબઈ
ગીતા માણેક

સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 46

સરદાર: ધ ગેમ-ચેન્જર

સરદાર: ધ ગેમ-ચેન્જર


24મી ઑક્ટોબરે રાવલપિંડીના 1704 નંબરના ટેલિફોન પરથી પાકિસ્તાનના મેજર જનરલ ડગ્લાસ ગ્રેસીએ નવી દિલ્હીના 3017 નંબર પર હિન્દુસ્તાનના બ્રિટિશ સરસેનાપતિ લેફ્ટનન્ટ જનરલ સર રૉબ લોકહાર્ટને જે માહિતી આપી એનાથી તેમને આંચકો લાગ્યો. આ માહિતી લોર્ડ માઉન્ટબેટનને તાત્કાલિક પહોંચાડવી જરૂરી હતી. લેફ્ટનન્ટ જનરલ લોકહાર્ટ પોતાના ઉપરી સુપ્રીમ કમાન્ડર ઓચિનલેકે સાથે સીધા દિલ્હીના તીન મૂર્તિ ભવન પહોંચ્યા.  એ વખતે માઉન્ટબેટન વડા પ્રધાન નેહરુએ સિયામ (થાઇલૅન્ડ)ના વિદેશપ્રધાન માટે યોજેલા ભોજન સમારંભમાં છે એની તેમને ખબર હતી.

“સર, પાકિસ્તાનના ઘૂસણખોરો કાશ્મીરમાં પહોંચી ગયા છે. તેમની પાસે હથિયારો છે. તે લોકો હજારોની સંખ્યામાં છે.” હિન્દુસ્તાનની લશ્કરના બ્રિટિશ સરસેનાપતિ લેફ્ટનન્ટ જનરલ લોકહાર્ટ અને આચિનલેકેએ તીન મૂર્તિ ભવનના ખંડના એક ખૂણામાં માઉન્ટબેટનને બોલાવીને આ ગુપ્ત માહિતી આપી. માઉન્ટબેટન બે ઘડી સ્તબ્ધ થઈ ગયા.



‘હું આપણા બ્રિટિશ અધિકારીઓનું એક યુનિટ શ્રીનગરમાંના આપણા નાગરિકોને ઉગારવા મોકલી રહ્યો છું. જો તેમને બચાવવામાં નહીં આવે તો તેમની પણ કતલ થશે અને સ્ત્રીઓ પર બળાત્કાર થશે’ સુપ્રીમ કમાન્ડરે કહ્યું. અનેક નિવૃત્ત બ્રિટિશરો શ્રીનગરમાં પાછલી જિંદગી ગાળી રહ્યા હતા. ઓચિનલેકેને પોતાના દેશવાસી ભાઈઓનું લાગી આવ્યું હતું.


‘આવું કંઈ જ કરવાની હું સમંતિ આપતો નથી. ગમે તે પરિણામો આવે, સ્વતંત્ર થયેલા આ દેશમાં બ્રિટિશ સૈનિકોનો ઉપયોગ થાય એને હું મંજૂરી નહીં આપું. જો કાશ્મીર પર પગલાં ભરવાના આવે તો એ ભારતીય લશ્કરે ભરવા જોઈએ, બ્રિટિશ લશ્કરે નહીં.’ માઉન્ટબેટને સત્તાવાહી સૂરમાં કહ્યું.

‘પણ ત્યાં રહેતા બ્રિટિશરોની કતલ થશે તો તેમના લોહીથી તમારા હાથ ખરડાશે’ અચિનલેકે ગુસ્સાથી કહ્યું.


‘મારે એ જવાબદારી લેવી પડશે. જે ખુરશી પર હું છું એના પર બેસવાની એ કિંમત છે, પરંતુ જો બ્રિટિશ લશ્કર એમાં ભાગ લે તો એનાથી જે થશે એનો જવાબ આપવાની મારી તૈયારી નથી’ માઉન્ટબેટને આખરનો નિર્ણય આપી દીધો.

તેમણે લોકહાર્ટ પાસે જેટલી વિગતો હતી એ જાણી લીધી અને તરત જ જવાહરલાલ નેહરુ પાસે પહોંચ્યા. તેમણે નેહરુને આખી ઘટનાથી માહિતગાર કર્યા. બીજા દિવસે સંરક્ષણ ખાતાની ઇમર્જન્સી મિટિંગ બોલાવવાનું આ બંને મિત્રોએ નક્કી કર્યું.

‘જો મહારાજા હરિસિંઘ માની ગયા હોત તો કદાચ આ દિવસ જ ન આવ્યો હોત. તમે બધા જાણો જ છો કે ખાસ કાશ્મીર જઈને મેં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે આટલી વિકટ સ્થિતિ થયા બાદ હરિસિંઘ ભારત પાસે મદદ માગી રહ્યા છે’ કાશ્મીરમાં પાકિસ્તાની ઘૂસણખોરો અંગે માહિતી આપ્યા બાદ માઉન્ટબેટને ખેદ વ્યક્ત કર્યો. પાકિસ્તાનના આ અણધાર્યા આક્રમણમાં સપડાયેલા મહારાજાએ હિન્દુસ્તાન પાસે મદદ માગતો પત્ર મોકલ્યો હતો એનો તેમણે ઉલ્લેખ કર્યો.

‘સૉરી મિ. માઉન્ટબેટન તમે સ્વીકારો કે ન સ્વીકારો, હકીકત એ છે કે તમે બ્રિટિશરોએ જ આ રાજાઓ, નવાબો અને નિઝામોને માથે ચડાવ્યા હતા’ કાશ્મીરની ઘટનાથી નેહરુ પોતાની બધી જ ધીરજ ગુમાવી બેઠા હતા.

‘મને નથી લાગતું કે આ બધું સ્થાનિક લોકોએ કર્યું હોય’ સંરક્ષણ પ્રધાન બલદેવ સિંઘે પોતાનો મત વ્યક્ત કર્યો.

‘એ તો દીવા જેવું સ્પષ્ટ છે. આ પાકિસ્તાનનું જ કાવતરું છે. શેખ અબદુલ્લાનો સહયોગ લીધા વિના મહારાજા માટે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું શક્ય જ નથી. અત્યારે કાશ્મીરના જોડાણની વાત કરવાનો મતલબ જ નથી’ નેહરુએ પોતાના મિત્ર શેખ અબદુલ્લા જ તારણહાર બની શકે એવી રેકૉર્ડ વગાડવા માંડી.

‘એ હકીકત છે કે આ સંજોગોમાં લોકમત લેવો પણ સંભવ નથી. મને લાગે છે કે આ તબક્કે કાશ્મીર હંગામી ધોરણે હિન્દુસ્તાનમાં જોડાઈ જાય અને પછીથી આપણે ત્યાં લોકમત લઈ શકીએ’ માઉન્ટબેટને કહ્યું.

‘કાશ્મીર હિન્દુસ્તાનમાં જોડાય કે ન જોડાય, મહારાજાને લશ્કરી મદદ મોકલતા આપણને કોઈ રોકી ન શકે’ સરદારે પોતાનો મત આપ્યો. તેઓ માનતા હતા કે એક વાર શ્રીનગર પર પાકિસ્તાની લશ્કરનો કબજો થઈ ગયો પછી આપણે કાશ્મીરને ભૂલી જવું પડશે.

‘કાશ્મીરમાં લશ્કરી દરમ્યાનગીરીની શક્યતાઓ સર્જાઈ છે, પણ આ મદદ કાયદેસરની હોવી જોઈએ. હું એવો આગ્રહ રાખું છું કે મહારાજા હિન્દુસ્તાન સાથેનું જોડાણ સ્વીકારે પછી જ કોઈ પણ લશ્કરી પગલાં લેવા જોઈએ’ જૂનાગઢની જેમ જ માઉન્ટબેટને કાશ્મીરમાં લશ્કરી કાર્યવાહી કરવા સામે વિરોધ નોંધાવવા માંડ્યો.

આ મિટિંગમાં એ નિષ્કર્ષ આવ્યો કે કાશ્મીરને મદદ પહોંચાડવા માટે લશ્કર અને અૅરફોર્સને તહેનાત રાખવા અને હથિયારો ભેગા કરી લેવા. માઉન્ટબેટને સંરક્ષણપ્રધાનને સૂચન કર્યું હતું કે બધી જ આંતરદેશીય વિમાનસેવાનાં વિમાનો દિલ્હી બોલાવી લેવા જેથી જરૂર પડ્યે ભારતીય લશ્કરને એ વિમાનોમાં કાશ્મીર પહોંચાડી શકાય. આ તબક્કે પરિસ્થિતિનો ક્યાસ મેળવવા વી.પી. મેનનને શ્રીનગર મોકલવા.

**‘તમારો પહેલો પ્રયાસ મહારાજા હરિસિંઘ જોડાણખત પર સહી કરે એ મુજબનો જ હોવો જોઈએ’ મેનન કાશ્મીર જવા રવાના થાય એ પહેલાં સરદાર તેમને ખાનગીમાં મળ્યા અને સૂચના આપી.

‘પણ પંડિતજી કદાચ આ સ્વીકારશે નહીં...’ મેનને આશંકા વ્યક્ત કરી.

‘મને ખબર છે કે જવાહર પોતાના મિત્ર શેખ અબદુલ્લાને આમાં સંડોવવાની કોશિશ કર્યા વિના નહીં રહે. એટલે જ અત્યારે આ અંગે કોઈ સાથે ચર્ચા કરીને ચોળીને ચીકણું કરવાનો મતલબ નથી. મહારાજા ભેરવાયેલા છે ત્યારે જો તે સહી કરી આપતા હોય તો ટાઢે પાણીએ ખસ જશે’ સરદારે પોતાનો વ્યૂહ સમજાવ્યો.

સરદારના સૂચન અનુસાર મેનને પોતાના સામાનમાં જોડાણખતના દસ્તાવેજો મૂકી દીધા. એ દિવસે શ્રીનગરના ધૂળિયા રનવે પર ઇન્ડિયન એરફોર્સનું ડકોટા વિમાન ઊતર્યું, જેમાં વી.પી. મેનન, ભારતીય લશ્કરના કર્નલ માણેકશા અને હવાઈદળના વિંગ કમાન્ડર હતા.

આ ત્રણેય જણ તરત જ ગુલાબ ભવન પહોંચ્યા. મહારાજા હરિસિંઘ ગુલાબ ભવનના ઓરડાઓમાં રઘવાયા થઈને દોડાદોડ કરી રહ્યા હતા. તેમના વિશ્વાસુ નોકરો પાસે બધી જ કીમતી વસ્તુઓ ટ્રંકમાં ભરાવડાવી રહ્યા હતા. જીવ બચાવવા માટે વહેલામાં વહેલી તકે શ્રીનગર અને પોતાનો આ ભવ્ય મહેલ તેમણે છોડવો પડશે એ અંગે મહારાજા હરિસિંઘના મનમાં હવે કોઈ આશંકા રહી નહોતી.

મેનન જ્યારે મહારાજાને સધિયારો આપવા અને શાંત પાડવા વાતચીત કરવા બેઠા ત્યારે મહેલના બીજા ખૂણે કર્નલ માણેકશા તેમ જ હવાઈદળના વિંગ કમાન્ડરે કાશ્મીરના લશ્કરી વડાઓ સાથે વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવવા માંડ્યો.

‘તમે ચિંતા ન કરો. અમે દિલ્હી પાછા જઈને બધી માહિતી આપીશું અને વહેલામાં વહેલી તકે તમને મદદ પહોંચાડવાનો પ્રયાસ કરીશું. અત્યારે મારી તમને સલાહ છે કે તમે તમારા જમ્મુના મહેલમાં રહેવા ચાલ્યા જાવ, કારણ કે ઘૂસણખોરો શ્રીનગર પહોંચે એવી સંભાવના છે.’ મેનને સલાહ આપી. થોડીક મિનિટો મહારાજા સાથે વાતચીત કર્યા પછી કર્નલ માણેકશાને બૂમ પાડીને મેનને બોલાવ્યા, ‘સેમ, વી હેવ ગોટ ઇટ.’

કર્નલ માણેકશાને સમજતા વાર ન લાગી કે મહારાજા પાસે મેનને જોડાણખત પર સહી કરાવી લીધી છે. તરત જ આ ત્રિપુટી જે ડાકોટા પ્લેનમાં આવી હતી એમાં જ દિલ્હી જવા રવાના થઈ ગઈ. આ ત્રણેયની સાથે વધુ એક વ્યક્તિ જોડાઈ હતી- કાશ્મીરના દીવાન મહેરચંદ મહાજન પણ હતા.

આ તરફ મેનનની સલાહ મુજબ મહારાજા હરિસિંઘ જેટલો સમેટાઈ શકે એટલો ખજાનો સમેટીને જમ્મુના તેમના શિયાળુ મહેલ ‘હરિનિવાસ’ જવા રવાના થયા. લગભગ સત્તર કલાકની મજલ કાપીને મહારાજા જમ્મુ પહોંચ્યા ત્યારે થાકીને ચૂર થઈ ગયા હતા. બધા જ સામાનોના ખડકલામાંથી તેમણે માત્ર એક ચામડાની પેટી ઉઠાવી અને શયનખંડ ભણી જવા માંડ્યા. તે ચામડાની પેટીમાં ભૂરી-કાળી નળીવાળી ‘શૉટગનો’ની જોડ હતી. જતા-જતા તેમણે પોતાના અંગત મદદનીશને હુકમ આપ્યો, ‘જો વી.પી. મેનન કાલે દિલ્હીથી પાછા ફરે તો જ મને ઊંઘમાંથી ઉઠાડજો, કારણ કે તે પાછા ફરશે તો એનો અર્થ એ હશે કે ભારત સરકારે મારી મદદે આવવાનો નિર્ણય કર્યો છે. જો તે સવાર પડતાં પાછા ન આવે તો મને મારી પિસ્તોલથી જ ઊંઘમાં ઠાર મારી દેજો, કારણ કે તે પાછા નહીં ફરે તો સમજવાનું કે મેં બધું ગુમાવ્યું છે.’

***‘મહારાજાએ જોડાણખત પર સહી કરી આપી છે’ દિલ્હી પહોંચ્યા બાદ મેનન, કર્નલ માણેકશા, સરદાર અને માઉન્ટબેટનની એક ખાનગી મિટિંગમાં મેનને કહ્યું.

‘આ જોડાણખતની જાણ હમણાં જવાહરને ન કરતા. તે એવી જીદ લઈને બેઠા છે કે કાશ્મીરની સરકારમાં શેખ અબદુલ્લાને સામેલ કરવા એવું આપણે મહારાજા પાસે લખાવી લેવું.’ સરદારે આ જોડાણખત મેનનને પોતાની પાસે રાખવાની અને આના વિશે કોઈને જાણ ન કરવાની તાકીદ કરી.

‘મિ. મેનન, તમે મિ. નેહરુની ઇચ્છા મુજબનું જોડાણખત તૈયાર કરો. જેમાં એવી શરત હોય કે શેખ અબદુલ્લાને સરકારમાં સામેલ કરવા. આ ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ એક્સેશન (જોડાણખત) લઈને તમારે કદાચ ફરીવાર કાશ્મીર જવું પડશે. મહારાજાની સહી લેવા.’ માઉન્ટબેટને સૂચન કર્યું.

એ દિવસે બપોરે નેહરુના બંગલા ત્રિમૂર્તિ ભવન ખાતે એક બેઠક યોજાઈ. આ બેઠકમાં નેહરુ, સંરક્ષણપ્રધાન બલદેવ સિંઘ, શેખ અબદુલ્લા, કાશ્મીરના નાયબ વડા પ્રધાન બાત્રા, મેનન અને સરદાર હાજર હતા.

‘કાશ્મીરને ભારતીય સૈન્યની મદદની આ ઘડીએ અત્યંત આવશ્યકતા છે’ કાશ્મીરના દીવાન મહાજને પરિસ્થિતિની ગંભીરતા સમજાવતા કહ્યું.

‘એમ કંઈ ઘડીના છઠ્ઠા ભાગમાં તમે કહો એટલે લશ્કર મોકલવું સહેલું નથી’ કાશ્મીર માટે મમત હોવા છતાં વિકટ પરિસ્થિતિમાં મુકાયા હોવાને કારણે નેહરુ વિચાર્યા વિના બોલી પડ્યા.

‘ઠીક છે, હિંદુસ્તાન સહાય આપવા તૈયાર ન હોય તો મારે નછૂટકે જિન્નાહની મદદ લેવા જવું પડશે’ નેહરુના જવાબથી ઉશ્કેરાયેલા મહાજને પોતે કટ્ટર હિન્દુ હોવા છતાં કહ્યું.

વાત વણસી રહી હતી. સરદારે તરત કહ્યું, ‘મહાજન, તમારે પાકિસ્તાન પાસે જવાની જરૂર નથી. હિન્દુસ્તાન જ તમને મદદ પહોંચાડશે.’

સરદારની લોખંડી મક્કમતા, શેખ અબદુલ્લાની સમજાવટથી કાશ્મીરનું વળગણ ધરાવતા નેહરુ ટાઢા પડ્યા. લશ્કર પાકિસ્તાન મોકલવાનું નક્કી થયું.

ત્યારબાદ તરત જ બોલાવવામાં આવેલી કૅબિનેટ મિટિંગમાં કર્નલ માણેકશાએ લશ્કરી સ્થિતિનો અહેવાલ આપતા કહ્યું, ‘પાકિસ્તાની ઘૂસણખોરો શ્રીનગરથી 35 માઇલ જ દૂર છે. ગમે ત્યારે તે લોકો શ્રીનગરના હવાઈમથકનો કબજો લઈ લેશે. કાશ્મીરમાં લશ્કર ઉતારવા માટે એ એક જ જગ્યા છે. જો એ તેમના કબજામાં હશે તો આપણે કંઈ નહીં કરી શકીએ.’

પોતાના સંવેગો પર કાબૂ ગુમાવી બેઠેલા જવાહરલાલ નેહરુ આ મિટિંગમાં ધડમાથાં વિનાની વાતો કરવા લાગ્યા. ઘડીક યુનાઇટેડ નેશન્સ તો વળી રશિયા પાસે જવાનું સૂચન કરવા માંડ્યા. થોડી વાર આ બધું સાંભળ્યા પછી સરદારે તેમના ઘેરા અવાજમાં કહ્યું, ‘જવાહરલાલ, તમને કાશ્મીર જોઈએ છે કે પાકિસ્તાનને આપી દેવું છે?’

આ પણ વાંચો : વડલાના ટેટા અને તરબૂચના વેલા - અદલાબદલી થાય ખરી?

 ‘કાશ્મીર મને ગમે તે કિંમતે જોઈએ છે’ નેહરુએ જવાબ આપ્યો.

‘તો વડા પ્રધાન તરીકે તાબડતોબ લશ્કરને આદેશ આપો’ સરદારે તેમના મક્કમ અવાજમાં કહ્યું અને જવાહરલાલ કંઈ પણ કહે એ પહેલાં કર્નલ માણેકશા તરફ ફરીને કહ્યું, ‘તમને તમારા ઑર્ડર મળી ગયા છે. કાર્યવાહી શરૂ કરો.’

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2019 09:08 AM IST | મુંબઈ | ગીતા માણેક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK