ઈશ્વરોલૉજી - પ્રકરણ - 23

Published: Sep 15, 2019, 16:06 IST | નવલકથા - ડૉ. હા‌ર્દિક ‌નિકુંજ યા‌‌જ્ઞિક | મુંબઈ

ઈશ્વર દરેકનાં હૃદયમાં રહેલો છે અને એની કૃપા અવિરત આપણી સાથે હોય જ છે, એ વાતની સાબિત કરવા સંજય ઈશ્વરને એક પથારીવશ માણસ આત્મારામ બંસરીને સાજા કરવાની ચૅલેન્જ આપે છે.

ઈશ્વરોલૉજી
ઈશ્વરોલૉજી

ઈશ્વર દરેકનાં હૃદયમાં રહેલો છે અને એની કૃપા અવિરત આપણી સાથે હોય જ છે, એ વાતની સાબિત કરવા સંજય ઈશ્વરને એક પથારીવશ માણસ આત્મારામ બંસરીને સાજા કરવાની ચૅલેન્જ આપે છે. ભગવાને એ ધ્યાન રાખવાનું છે કે ક્યાંય તેમણે કોઈ પણ પ્રકારનો ચમત્કાર કરી એ માણસને સાજો કરવાનો નથી. બન્ને જણ એ માણસના ઘરે પહોંચે છે. કોઈ પણ રોગ વગર જીવનથી નિરાશ થઈ ગયેલા આત્મારામ છેલ્લા ઘણા વખતથી પથારીવશ થઈ પડેલા છે. ઈશ્વર એની પાસે જઈ એ મહાન વાંસળીવાદકની પથારીની બાજુમાં જઈને તદ્દન બેસૂરી રીતે જોરજોરથી વાંસળી વગાડવાનું શરૂ કરે છે.

હવે આગળ...

ભાષાના એક અતિ વિદ્વાન તજ્જ્ઞની પત્નીએ કોઈ કારણસર એમને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું. પિયર જઈ પોતાના પતિને છૂટાછેડા લેવાની પોતાની ઇચ્છા દર્શાવતો પત્ર લખ્યો. એ વિદ્વાન પતિએ આખો પત્ર વાંચ્યો અને પેન્સિલ લઈ વ્યાકરણની ૧૨ ભૂલ એમાંથી કાઢી.

દુનિયામાં પોતાની સાધનાને સમર્પિત ઘણા લોકો હોય છે જેમને મન પોતાની કળા કે આવડત પ્રત્યેનું સમર્પણ જ સર્વોપરી હોય છે. આત્મારામ બંસરીનું પણ કંઈક એવું જ હતું.

એક તરફ સંજય અને આત્મારામનો દીકરો આશ્ચર્યચક્તિ હતા તો બીજી તરફ ભગવાન આંખ બંધ કરીને બેફામ રીતે વાંસળી વગાડવામાં મગ્ન હતા... એ વાત ચોક્કસ હતી કે જેમ શાસ્ત્રોમાં વર્ણવેલું છે અને આપણે સૌએ સાંભળેલું છે તેમ દુનિયાનો મોહ ભૂલી જવાય અને એના સૂરમાં ખોવાઈ જવાય, એવું જરાય એ વગાડતા ન હતા. ઊલટાનું એ વાંસળીમાંથી આવતો તીણો અવાજ માથું દુખાડે તેવો હતો.

રીતેશે ઇશારો કરીને સંજયને પૂછ્યું કે આ બધું શું છે? સંજયને પણ થયું કે આ જરા વધારે પડતું જ થઈ રહ્યું છે પણ ભગવાન તો આંખ બંધ કરીને મંડેલા... હવે એમને રોકવા તો રોકવા કઈ રીતે?

પણ ત્યાં તો આત્મારામનો હાથ ધ્રૂજયો અને એક ઝાટકે એમણે ઈશ્વરના હાથમાંથી વાંસળી ખેંચી. રીતેશ અને સંજય બન્ને ચમક્યા. ઈશ્વરે ધીમેથી આંખ ખોલી. માંદગી હોવા છતાંય થઈ શકે એટલી મોટી આંખ કરીને આત્મારામ આ અજાણ્યા માણસની સામે જોઈ રહ્યા હતા. મ્હોં ઉપર ગુસ્સો હતો અને બસ હાથ ઉપાડવાનું બાકી હતું.

બાપને આટલા વખતે હલનચલન કરતાં જોઈ રીતેશ દોડીને એમની પાસે આવ્યો. એણે ઓશીકાનો ટેકો કરીને આત્મારામને બેસાડ્યા. આત્મારામ હજી પણ ગુસ્સામાં બેસૂરા માણસ તરફ જોઈ રહ્યા હતા. ઈશ્વરનું સ્મિત એટલું મોહક હતું કે એમને ગુસ્સો હોવા છતાંય એ ગુસ્સો અનુભવી શકતા ન હતા... રીતેશે એમને પાણી પીવડાવ્યું.. પાણી પીતાંની સાથે જ આત્મારામે સામે બેઠેલા ઈશ્વરની બરોબર જમણા કાનની પાછળ રહેલા કૃષ્ણ કનૈયાના ફોટા તરફ જોયું. ખબર નહીં કેમ પણ બન્ને ચહેરામાં કોઈ સામ્યતા અને અજબની શાંતિ અનુભવી.

ઈશ્વરે આંખનો ઇશારો કર્યો. આત્મારામે ધ્રૂજતા હાથે બંસરી મ્હોંએ અડાડી અને બીજી જ ક્ષણે એમાંથી સૂરીલી આરાધના પ્રગટ થઈ... આટલા વખત પછી બંસરીનો નાદ એમણે છેડ્યો હતો. જાણે ઘણા વખતથી રહી ગયેલી એમની ઈશ્વરની આરાધનાનું આ સમાપન હતું... એમની આંખ આપોઆપ બંધ થઈ અને વાંસળીમાંથી ગજબના સૂર રેલાવા માંડ્યા... હાંફતાં શરીરે અચાનક ક્યાંથી આ તાકાત આપી, એ રીતેશ અને સંજય ન જાણી શક્યા.

સંજયને સ્વભાવગત શંકા થઈ. એણે મનોમન જ પ્રશ્ન કર્યો કે બૉસ કોઈ ચમત્કાર નથી કર્યો ને...?

અને ઈશ્વરે મનોમન જવાબ આપ્યો, ‘‘હું કશું જ નથી કરતો, પ્રોમીસ... જે થઈ રહ્યું છે તે તેની સાધના કરાવે છે...’’

રોજ સવારે મંદિરમાં જેમ આંખ મીંચીને પોતાના ગીરધરની મૂર્તિ આગળ બેસી આત્મારામ વાંસળી વગાડતા હતા, એ જ રીતે એમનું વાંસળીવાદન શરૂ થયું... અને થાય જ ને, આજે તો સ્વયં બંસીધર એમને સાંભળતા હતા...

આટલા દિવસોની માનસિક બીમારીએ એમને થોડી જ વારમાં થકવ્યા... હાંફ ચડી... પણ આજે ઘણા વખતે પોતાની આરાધનાને પાછી શરૂ કરી બંધ કરવાનું મન માનતું ન હતું... સૂર તૂટતા હતા પણ ઇચ્છા નહીં! જાણે સામે બેઠેલા પેલા બેસૂરાને બતાવી દેવું હતું કે સાચું વાદન કોને કહેવાય? અને સૂરની આરાધના એટલે શું?

અચાનક બાજુમાં પડેલા બગલથેલામાં રહેલી બીજી વાંસળીઓમાંથી એક ખેંચી ઈશ્વરે વગાડવાની શરૂ કરી. આ વખતે રાગ કેદારનું અનુસંધાન થયું. મોહકતા ખૂદ મોહિત થઈ જાય એવું વાતાવરણ નિર્માણ થયું.

હજી હમણા જ સાવ બેસૂરું વગાડતો માણસ અત્યારે એવા સૂરનું અનુસંધાન કરી રહ્યો હતો, જે આ પહેલાં કોઈએ અનુભવ્યા ન હતા... સંજય અને આત્મારામનો દીકરો સ્તબ્ધ બનીને એમને જોઈ રહ્યા. બે ક્ષણ માટે જાણે આખી પૃથ્વીની વ્યવસ્થા જ અટકી પડી... વાંસળીના એ સૂર એવા અદ્ભુત હતા કે કોઈને કંઈ વિચાર જ ન આવ્યો! ઘરની બહાર જયાં સુધી એ અવાજ સંભળાતો હતો ત્યાં સુધીનું બધું જ જાણે સ્થિર થઈ ગયું.

બાજુના ઝાડ ઉપર રહેલા માળાના પક્ષીઓથી લઈને ઘરની પાછળથી પસાર થતાં ગાય અને કૂતરાં જેવાં પશુઓ પણ ત્યાં ના ત્યાં જ ઈભા રહી ગયા. ખાલી બે જણ જ આ અવસ્થામાં જાગ્રત હતા... આત્મારામ બંસરી અને સ્વયં ભગવાન...

બે આંખ બંધ કરીને સૂરની આ માધુરી ઉત્પન્ન કરી રહેલા એ માણસના મૂખ ઉપર એમને ગજબનું તેજ અનુભવાયું... બીજી જ ક્ષણે એ માણસમાં એમને પોતાના પૂજનીય શ્રી કૃષ્ણ દેખાયા... ધ્રૂજતા હાથે બે હાથની વચ્ચે વાંસળી રાખી આત્મારામે હાથ જોડયા... એમના ચેહરા ઉપરનું સ્મિત અદ્ભુત હતું. કરચલીવાળી ચામડીમાં પણ આજે અનોખું તેજ આવ્યું હતું. જાણે શેર લોહી ચઢ્યું હોય... પલકારો મારો તો એટલી ક્ષણ પણ માણવાની જતી રહે, તેવા વિચારે ભાવભીની આંખે એ વાંસળી વગાડી રહેલા ઈશ્વરને જોવા લાગ્યા... એક તરફ અશ્રુની ધાર અને બીજી તરફ એમનો ચહેરો જીવનને જીતી ગયાના સંતોષથી છલોછલ બન્યો હતો..

થોડી જ વારમાં ઈશ્વરે વાંસળી વગાડવાનું બંધ કર્યું. કોઈક અલૌકિક અવસ્થામાં ખોવાઈ ગયેલા રીતેશ અને સંજયને કશી જ ન ખબર પડી... આત્મારામે દીકરાને પાસે બોલાવ્યો. એના માથે હાથ ફેરવી કહ્યું, ‘‘ખુશ રહો... હું જાઉં છું... અને આમને પ્રણામ કર... એમનો હાથ પકડજે, જીવન તરી જઈશ...’’

આમ બોલતાંબોલતાં એમણે ઈશ્વર તરફ ઇશારો કર્યો. ભગવાન બહુ જ સિફતતાથી બાજુમાં ખસી ગયા અને ઇશારો દીવાલ ઉપર લટકેલા ફોટો તરફ કર્યો. સંજયને ઈશ્વરના આ વર્તનથી થોડું હસવું આવ્યું પણ નજર પાછળ પડી ત્યાં તો આત્મારામનો ઊઠેલો હાથ અચાનક જ ઢળી પડ્યો.

ઈશ્વરે આત્મારામની બે આંખ બંધ કરી અને એ વખતે એ કશું મનમાં બબડ્યા, ખાલી હોઠ ધ્રૂજયા. સંજયે આ જોયું પણ એને કશી ખબર ન પડી. રીતેશે તેમના નાક પાસે આગળ આંગળી કરી શ્વાસ ચાલે છે કે નહીં-ની ખાતરી કરી અને પપ્પા રહ્યા નથી-નો એને ખ્યાલ આવ્યો.

થોડી વારમાં સૌ સગાંસબંધીઓ ભેગા થયા અને આત્મારામજીના દેહને સ્મશાને લઈ ગયા. ત્યાંથી પાછા ફરતા સુધી સંજય સ્તબ્ધ જ હતો. એને પૂછવું હતું કે ઈશ્વરે શું કર્યું અને કેમ? પણ કંઈ બોલી ન શક્યો.

ઘર સુધી કોઈ કંઈ પણ ન બોલ્યું! આખરે ઈશ્વરે મૌન તોડ્યું... ‘‘તો તને પ્રશ્ન છે કે આવું કેમ?’’

સંજયે કહ્યુ ‘‘હા...’’

ભગવાને એની સામે ટગરટગર જોતાં પૂછ્યું, ‘‘...તો શું તને એમ લાગે છે કે તું મને ચૅલેન્જ આપીને એક પથારીવશ માણસને સાજો કરવા તારી મરજીથી લઈ ગયેલો?’’

‘‘હાસ્તો... મારા મનમાં હતું કે એ બહાને એ સાજા પણ થઈ જશે અને તમે ચમત્કાર વગર પણ કોઈને સાજા કેવી રીતે કરો છો, તે મારાથી જોવાઈ પણ જશે... પણ એ તો....’’

‘‘એ સાજા તો થયા જ ને? અને એ પણ ચમત્કાર વગર... એ તો તારે માનવું જ પડશે કે એ સાવ હલનચલન વગર પથારીવશ હતા અને સ્વબળે ઊભા પણ થયા અને મન મૂકીને પોતાની મનગમતી વાંસળી પણ વગાડી! ત્યાં સુધી મેં કોઈ પણ ચમત્કાર કર્યો ન હતો.’’

‘‘ચાલો માન્યું કે એ પોતાને મનગમતી વસ્તુના પ્રેમને કારણે કે પછી પોતાનામાં રહેલ અદ્ભુત મનોબળને કારણે ઊભા થયા... પણ તો પછી તરત જ એમનો અંત કેમ? અને એ સમયે તમે મનમાં ને મનમાં કંઈ બબડી રહ્યા હતા, એ શું હતું?’’

‘‘એ બધું તારે જાણવાની જરૂર નથી... અને એ જો હું તને જણાવું તો પછી મારે...’’ ભગવાન અતિ અગત્યની વાત કહેવા જતા હતા પણ સંજય એમનાથી ગુસ્સે થઈ, કશું જ આગળ સાંભળ્યા વગર ઘરમાં દાખલ થઈ સીધો અગાશીમાં જઈ બેસી ગયો.

લગભગ એક કલાક સુધી એ ત્યાં એમનો એમ જ બેસી રહ્યો. એને થયું કે પોતે ત્યાં હોવા છતાંય ભગવાને એ ભલા માણસને મરવા કેમ દીધો? શું એ ધારત તો એમને જીવનદાન આપી ન શક્યા હોત?

‘‘...પણ એ આત્મારામની જ ઇચ્છા હતી તો હું શું કરુ?’’ એક હાથમાં કૉફીનો મગ અને બીજા હાથમાં દૂધનો ગ્લાસ લઈ પાછળથી આવેલા ઈશ્વર બોલ્યા.

સંજયે એમની સામે પ્રશ્નાર્થભરી આંખે જોયું. કૉફીવાળો મગ એની સામે ધરી પોતના પ્યાલામાંથી દૂધનો ઘૂંટડો ભરતાં ભગવાને કહ્યું કે ‘‘એમની જ ઇચ્છા હતી એ...’’

‘‘પણ એ કેવી રીતે?’’

ઈશ્વર બોલ્યા, ‘‘લગભગ ૮ વર્ષની ઉંમરથી એમણે એમના પિતાજી પાસેથી વાંસળી શીખવાનું શરૂ કરેલું. લગભગ ૧૩ વર્ષની નાની ઉમંરથી છેક ઘડપણ સુધી એમણે વહેલી સવારે મારા મંદિરમાં આવી, મને વાંસળી સંભળાવવાનો નિત્યક્રમ જાળવ્યો હતો. એ માણસે આજ સુધી મારી જોડે ક્યારેય કશું માંગ્યું નથી, ખાલી એક વસ્તુ સિવાય. વર્ષોથી એમના મનમાં એક ભાવ હતો કે મારા અંતિમ સમયે પણ હું તમારી સામે મારી કળા સમર્પિત કરું અને મારા છેલ્લા શ્વાસ પહેલાં મને તમારી વાંસળી સાંભળવાનો મોકો મળે... હવે તું જ કહે આવા દિવ્યાત્માની અરજ હું ન સ્વીકારું, એમ બને ખરું?’’

આ પણ વાંચો : ઈશ્વરોલૉજી - પ્રકરણ - 22

પોતાની ચેલેન્જ તો નિમિત્તમાત્ર હતી પણ આ તો ઈશ્વરની અનોખી ઈશ્વરોલૉજી હતી, એની ખરેખર પ્રતીતિ સંજયને થઈ... હાથમાં રહેલો કૉફીનો મગ બાજુમાં મૂકીને એ ઈશ્વરને ભેટી પડવા ગયો. પણ ત્યાં જ એના હાથ હવામાં હતા... જોયું તો ત્યાં ઈશ્વર હતા જ નહીં ને....!

(વધુ આવતા અંકે...)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK