ઈશ્વરોલૉજી - પ્રકરણ - 19

Published: Aug 18, 2019, 10:36 IST | ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક - કથા સપ્તાહ | મુંબઈ ડેસ્ક

ત્રણમાંથી જે વ્યક્તિ પહેલો એમાંથી બહાર નીકળે તેને આ બિઝનેસ મળવાનો છે.

ઈશ્વરોલૉજી
ઈશ્વરોલૉજી

નવલકથા

ગતાંક...

સંજય નામના પૃથ્વીના મનુષ્યની ચૅલેન્જથી ભગવાન પોતે એક સામાન્ય માણસ તરીકે તેની સાથે આવીને રહે છે. આ દરમ્યાન ઈશ્વર અનેકવિધ પરિસ્થિતિઓનું નિર્માણ કરી સંજયને જીવન જીવવાની સાચી ફિલસૂફી સમજાવી રહ્યા છે. સંજયના જૂના બૉસ સાહુસાહેબની કરોડો રૂપિયાનો બિઝનેસ તેમના ત્રણમાંથી એક જમાઈને સોંપવાની પરીક્ષામાં ઈશ્વરે એક પ્રૅક્ટિકલ પરીક્ષાનું આયોજન કર્યું છે, જેમાં ત્રણે જમાઈઓને એક રૂમમાં લાવવામાં આવ્યા છે અને રૂમને એક ડિજિટલ લૉક મારવામાં આવ્યું છે. ત્રણમાંથી જે વ્યક્તિ પહેલો એમાંથી બહાર નીકળે તેને આ બિઝનેસ મળવાનો છે.
હવે આગળ...

પરીક્ષા હંમેશાં પોતાનામાં અનેક તકને સંઘરીને બેઠી હોય છે, છોને પછી એ પરીક્ષા શાળાની હોય કે જીવનની. ક્યારેક આ પરીક્ષા દરમ્યાન કોઈના પગ ઢીલા થઈ જાય તો એ જ ક્ષણે એ જ પરીક્ષા આપનાર કોઈ માણસ શાંતિથી પોતાની જાત પર વિશ્વાસ કરી, તેનો સામનો કરવા વધારે ને વધારે એ અવળી પરિસ્થિતિને માણતો હોય છે.
બંધ રૂમમાં દાખલ થયેલા ત્રણમાંથી બે જણની હાલત ગંભીર હતી. જે સમયથી આ પરીક્ષા વિશે જાણ્યું હતું એ ક્ષણથી જ એ જીતવાની ચાનક તેમને લાગી હતી. જીતવાની ધગશ અને ઇચ્છા રાખવામાં કંઈ જ ખોટું નથી, પણ તૈયારી આંધળી ન હોય એનું ધ્યાન રાખવાની જવાબદારી પણ માણસની પોતાની છે એ માણસ ભૂલી જાય છે.
ભારતની ગણનાપાત્ર કહી શકાય એવી કંપનીના કૉર્પોરેટ હાઉસના છેક ઉપરના માળમાં આવેલી કૉન્ફરન્સ-રૂમમાં ત્રણે જણને દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણેય જમાઈમાંથી બેને ખાતરી હતી કે કૉમ્પિટિશન એ બન્ને વચ્ચે જ છે, કારણ કે ત્રીજા જમાઈના વર્તને એ સાબિત કરી દીધું છે કે રેસમાંથી તો તે ક્યારનોય બહાર નીકળી ગયો છે.  મોટા જમાઈએ તો તેને સંભળાવ્યું પણ ખરું કે કમસે કમ તૈયારી કરવાની કોશિશ તો કરવી હતી. આટલું સાંભળી પેલા ત્રીજા જમાઈએ હસીને કહ્યું, ‘તમે લોકોએ આટલી કરી એ ઓછી છે. આટલા ઓછા સમયમાં આટલીબધી આંકડાકીય માહિતી યાદ રાખવી એ મારા માટે અશક્ય છે એ હું જાણું છું અને એટલે જ મારી મેન્ટલ પીસને બગાડવાનું યોગ્ય ન લાગ્યું. રહી વાત આજની પરીક્ષાની, તો જોઈએ તમને કેટલું યાદ છે. ઍની વે ઑલ ધ બેસ્ટ.’
બાકીના બન્ને જમાઈઓને આનો ઍટિટ્યુડ યોગ્ય ન લાગ્યો. તેમના મગજમાં જૂની રૂઢિચુસ્ત માન્યતાઓ રમવા લાગી કે પ્રયત્ન કર્યા વગર છોડી દેવું એ તો હારેલાની નિશાની છે અને માણસે પૉઝિટિવ અભિગમ રાખવો જોઈએ અને પ્રયત્ન કરવા જોઈએ.
કર્મનો સિદ્ધાંત સાચી રીતે ન સમજી શકતા લોકોની તકલીફ જ એ છે કે અધૂરું સમજેલું જ્ઞાન તેમને મન સર્વોપરી હોય છે. પ્રયત્ન કરવા અને યોગ્ય સમય, યોગ્ય સ્થળ અને યોગ્ય સંજોગોમાં પ્રયત્ન કરવાની વચ્ચેનો ફરક સામાન્ય રીતે આવા માણસોને સમજાતો નથી અને એટલે જ મોટા ભાગે દીવાલ તોડવા આ માણસો પોતાના માથાનો ઉપયોગ કરતા હોય છે, જ્યારે એને તોડવા માટેનો મોટો હથોડો તેની આસપાસ જ ક્યાંક પડેલો હોય છે, પણ એના પર આવા માણસોની નજર ક્યારેય નથી જતી.
ખરેખર તો ત્રીજા જમાઈની આ બેફિકરી અંદરથી તો બાકીના બે જમાઈઓને સંતોષ આપી રહી હતી. આખર તો તેમની કૉમ્પિટિશન સારીએવી ઓછી થઈ ગઈ હતી.
તેમણે અંદર જોયું તો વિશાળ ટેબલના ત્રણ ખૂણે ત્રણ પેપર મૂકવામાં આવ્યાં હતાં. એને જોતાંની સાથે જ બે જણે પેપર તરફની ખુરસીઓ તરફ દોટ લગાવી. ત્રીજા જમાઈએ ઊંડો શ્વાસ લઈને એક શાંત નજર આખા રૂમમાં ફેરવી લીધી.
પેલા બે જણના પેપરને જોતાં જ મોતિયા મરી ગયા હતા. બધા જ પ્રશ્નો વિશે છેલ્લા બે દિવસમાં ખૂબ વાંચ્યું હતું, પણ એ દરમ્યાન વાંચેલા અને ગોખેલા હજારો આંકડામાંથી પર્ફેક્ટ આંકડો યાદ કરવો લગભગ અશક્ય હતું. ઍરકન્ડિશન્ડ રૂમમાં બન્નેને પરસેવો ચાલુ થઈ ગયો હતો. ઉજાગરા કરેલી આંખો જેટલી વખત ઝીણી થઈ પ્રશ્નને વાંચતી એટલી વખત ઝોકું આવી જતું.
આ તરફ ત્રીજા જમાઈએ કશું જ આવડવાનું નથી એની જાણ સાથે પેપર હાથમાં લઈને એક નજર કરી પાછું મૂકી દીધું. સામે રહેલા બન્ને જણની હાલત જોવાની તેને મજા આવતી હતી.
ત્રીજા જમાઈના મનમાં પ્રશ્ન હતો કે આ શરત આપવામાં ન આવી હોત તો આપણે સૌ ખુશ જ હતા. એક સરસમજાનું સ્ટેટસ અને પોતપોતાની કંપની સંભાળી રહ્યા હતા, પણ જે ક્ષણે આ મોટી કંપની મળવાનો લોભ જાગ્યો ત્યારથી સઘળું ભૂલીને તેઓ રેસમાં લાગી ગયા. આમ જોવા જઈએ તો અહીં ચોક્કસ મેળવવાનું ઘણું હતું, પણ ગુમાવવાનું કશું જ નહોતું.
સાહુસાહેબની કૅબિનમાં બેઠેલા સાહુસાહેબ અને સંજય બન્ને એકીટશે પેલી રૂમમાં લાગેલા કૅમેરા દ્વારા ત્રણે જમાઈઓને જોઈ રહ્યા હતા. ઈશ્વર બાજુના સોફા પર બન્ને હાથ માથાની પાછળ રાખીને બિન્દાસ બેઠાં-બેઠાં આ ખેલ જોઈ રહ્યા હતા.
પહેલા બન્ને જમાઈઓ ફક્ત એક જ પ્રશ્નનો જવાબ આપી શક્યા હતા અને એ આંકડો પણ સાચો હતો કે નહીં એ બાબતે તેઓ ચોક્કસ નહોતા. જેટલું તેઓ યાદ કરી રહ્યા હતા એટલું જ તેમને ભુલાતું જતું હતું.
ત્રીજો જમાઈ આમ સાવ પેપર પર નજર નાખ્યા સિવાય બેઠો હતો. સાહુસાહેબનું ધ્યાન થોડી વાર માટે આ ત્રણ જમાઈઓ પર અને થોડી વાર માટે સાવ વિચિત્ર ઉપાય સૂચવી નચિંત થઈને બેઠેલા મૅનેજમેન્ટ-કન્સલ્ટન્ટ પર હતું. અચાનક રૂમમાં હિલચાલ થઈ.
ક્યારનોય દરવાજાને ધારી-ધારીને જોઈ રહેલો સૌથી નાનો જમાઈ અચાનક ઊભો થયો. બે ક્ષણ માટે બાકીના બન્ને જણે તેની સામું જોયું, પણ ટાઇમ બગાડવો નથી એમ માનીને પાછું પ્રશ્નોમાં ધ્યાન પરોવ્યું.
નાનો જમાઈ દરવાજા પાસે આવ્યો.
તેના એક-એક પગલે સાહુસાહેબ અને સંજય પણ ઊંચા-નીચા થતા હતા અને ઈશ્વરના ચહેરા પર સ્મિત વધતું હતું. સૌથી નાના જમાઈએ આવીને દરવાજાના હૅન્ડલ પકડીને હલાવ્યું. દરવાજો લૉક હતો જ નહીં અને એ ખૂલી ગયો.
બહાર સાહુસાહેબ અને અંદર બાકીના બન્ને જમાઈઓને ધ્રાસકો પડ્યો.

અને ઈશ્વરે ઊભા થઈને સાહુસાહેબના ખભે હાથ મૂકીને જણાવ્યું, ‘આ રહ્યો તમારો ઉત્તરાધિકારી. કંપની તેને જ સોંપાય.’  
સંજયનું મન ફરી સંશયથી ભરાઈ ગયું. તેને થયું કે ટેવ મુજબ આ કાનુડાએ કંઈક તો અંચઈ કરી જ છે. આવું થોડું હોતું હશે!
સાહુસાહેબ અને બન્ને જમાઈને તો શું થઈ રહ્યું છે એ જ ન સમજાયું.

અને ઈશ્વરે સમજાવવાનું શરૂ કર્યું, ‘લીડરશિપનો સૌથી મોટો ગુણ છે ધીરજ. કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની અંદરની સ્થિરતા ન ગુમાવનાર વ્યક્તિ જ સાચો નિર્ણય લઈ શકે છે.  વગર વિચારીને દોટ મૂકનારા કે પછી ટાર્ગેટ સમયે હાંફળાફાંફળા થઈ જનાર વ્યક્તિ લીડર બનવાને લાયક નથી હોતી.

લીડરનો સૌથી મોટો ગુણ હોવો જોઈએ પ્રૉબ્લેમનું ઍનૅલિસિસ. ડિજિટલ લૉક ખોલવાનો પાસવર્ડ પરીક્ષાના જવાબમાં છે, પણ ડિજિટલ લૉક બંધ હશે એવું ક્યાં કહ્યું હતું? મેં કહ્યું હતું કે તમારા ત્રણેયમાંથી જેકોઈ પણ વ્યક્તિ સૌથી પહેલાં એ ડોર ખોલીને રૂમની બહાર આવી જશે તેને આ બિઝનેસનો માલિક બનાવવામાં આવશે.

સૌથી નાના જમાઈ સિવાય કોઈએ એ ચેક કરવાનો પ્રયત્ન ન કર્યો કે ખરેખર જે પ્રૉબ્લેમ છે એ પ્રૉબ્લેમ જ છે કે પછી એ પ્રૉબ્લેમ ત્યાં છે જ નહીં, જેને આપણે પ્રૉબ્લેમ માનીને સૉલ્યુશનની દોટમાં લાગ્યા છીએ.

અને ત્રીજી અને ખાસ વાત તૈયારી કરવાની પણ રીત હોય. જે રીતે આ બન્ને જણ તૈયારીમાં પડ્યા હતા એમાં જરાય પ્રૅક્ટિકલ અપ્રોચ હતો જ નહીં. તેમની સઘળી તૈયારી વખત પડ્યે સાવ નકામી બની ગઈ હતી. આ રીતની વિચારસરણીવાળો લીડર તેના દરેક એમ્પ્લૉઈને થકવી નાખશે.’

સાહુસાહેબ આ અદ્ભુત ઍનૅલિસિસથી ખુશ હતા. પ્રૅક્ટિકલ છતાં પર્ફેક્ટ સૉલ્યુશન આપનાર આ કન્સલ્ટન્ટ તેમને ગમ્યા. સંજયને પણ ઈશ્વરની આ રીત ગમી ગઈ.

પાછા વળતાં તેણે ઈશ્વરને પૂછ્યું કે આનો મતલબ કે કશું મેળવવા ખાલી સ્માર્ટનેસ જ જોઈએ? પ્રયત્ન કરવાનો જ નહીં?
ઈશ્વરે વળતો જવાબ આપ્યો, ‘પ્રયત્ન વગર તો કશું જ ન મળે, પણ પ્રયત્ન સ્માર્ટનેસવાળો હોવો જોઈએ. પેલ્લા બન્ને જણ વિચાર વગરની મહેનત કરતા હતા અને ત્રીજાએ મહેનત કરતાં પહેલાં એનો પ્રકાર સાચો છે કે નહીં? એ મહેનતનું કોઈ પરિણામ આવવાનું છે કે નહીં એ વિશે વિચાર્યા પછી એને તરછોડી.

માણસની સૌથી મોટી તકલીફ જ આ છે કે તે સમજ્યા વગરની ઉતાવળ કરીને મહેનત કરતો રહે છે. હું મારા દ્વારા ઉત્પન્ન સર્વે સંતતિ માટે સઘળું આયોજન કરી જ રાખું છું, પણ મારી એ સગવડને સમજ્યા વગર કે પછી મારામાં વિશ્વાસ રાખ્યા વગર અમુક લોકો ખોટી દિશામાં મહેનત કરતા હોય છે અને ધાર્યું પરિણામ ન મળે એટલે ફરિયાદ પણ પાછી મને જ કર્યા કરે છે.’

ઈશ્વરની વાતને પકડતાં જ સંજયે કહ્યું, ‘અને તમે તો ક્યાં કોઈને મળો જ છો. ક્યાંક ફોટો બનીને તો પછી ક્યાંક મૃર્તિ બનીને ઊભા છો. ગમેએટલી ફરિયાદ કોઈ કરે, તમે ક્યાં જવાબ જ આપો છો?’

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

ઈશ્વરે સંજયને પૂછ્યું, ‘શું ખરેખર તને એમ લાગે છે કે હું તમારા પ્રશ્નોના જવાબ નથી આપતો?’
સંજયે વળતો પ્રશ્ન પૂછ્યો, ‘તો શું તમને એમ લાગે છે કે તમે અમારા પ્રશ્નોના જવાબ આપો છો?’
ભગવાનને થયું કે હવે આ માણસને બતાવવું જ પડશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK