ઈશ્વરોલૉજી - પ્રકરણ - 14

Published: Jul 14, 2019, 13:56 IST | નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક | મુંબઈ

ઈશ્વર તેને આપેલા વચન મુજબ કોઈ અઘરા શ્લોક કે વાત કર્યા વગર પ્રૅક્ટિકલ બનીને તેને જીવનસંદેશ શીખવાડવાનું શરૂ કરે છે.

ઈશ્વરોલૉજી
ઈશ્વરોલૉજી

નવલકથા

સંજય નામની વ્યક્તિની ચૅલેન્જ સ્વીકારીને ઈશ્વર એક સામાન્ય માણસ બનીને પૃથ્વી પર આવ્યા. થોડા જ સમય અને પ્રસંગોમાં સંજયને એ વાત સમજાઈ કે જ્યાં સુધી હું ઈશ્વરને શરણ નહીં થાઉં મને એ જ્ઞાન નહીં મળે જે પરમ સત્ય છે. અર્જુન જેવા સમર્પણથી એ ઈશ્વરને શરણે જાય છે. ઈશ્વર તેને આપેલા વચન મુજબ કોઈ અઘરા શ્લોક કે વાત કર્યા વગર પ્રૅક્ટિકલ બનીને તેને જીવનસંદેશ શીખવાડવાનું શરૂ કરે છે.
હવે આગળ...
નાનકડું ખાબોચિયું કોઈ દિવસ દરિયાની વિશાળતાને જોઈ જાય ત્યારે એને ખબર પડે કે પોતે કેટલું વામણું છે. દરિયાની મસ્તી જોઈને ઘૂઘવવાનો અને મોજાં બની છલકાવાનો આનંદ લેવાનું મન એને થાય પણ સૌથી પહેલાં એણે પોતાનું ખાબોચિયાપણું સ્વીકારવું પડે.
પોતાની મર્યાદાઓનો સ્વીકાર અને પરિવર્તનની ભાવના ન જન્મે ત્યાં સુધી કશું જ શક્ય નથી. સંજયના મનમાં અત્યારે એ જ ચાલી રહ્યું છે. સ્વર્ગમાં જઈને ઈશ્વર સામે નીડરતાથી કરેલી બેફામ વાતો હોય કે પછી ઈશ્વરભાઈ ગગનવાસી સાથેના સંગાથથી ઊભો થયેલો સમર્પણનો ભાવ, સંજયની સત્યની શોધ અદ્ભુત રીતે આગળ વધી રહી હતી. તેના મનમાં અનેક નવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા અને જવાબ મળતા હતા. આ સઘળી યાત્રામાં ભગવાનની ભણાવવાની સ્ટાઇલ પણ અનોખી અને અદ્ભુત હતી.
ભગવાનને પણ કદાચ આ રીત ગમી ગઈ હશે, કારણ કે ગીતા કહેતી વખતે તેમની સામે જે પાત્ર હતું એ વિષાદમાં ચોક્કસ હતું, પણ જ્ઞાની હતું એટલે એને ગહન ભાષામાં પણ સમજાવી શકાય એમ હતું. અહીં વાર્તા તદ્દન જુદી હતી. અહીં વાત સહેજ અઘરી હતી. શીખનાર સંપૂર્ણપણે નબળો હતો. ખાલી એક ફાયદો હતો કે અર્જુન અને સંજય બન્નેમાં સમર્પણ હવે એકસરખું હતું.
હા, એક વાત સ્પષ્ટ હતી કે ઈશ્વરને પામવાની સૌથી અગત્યની ડિગ્રી આ બન્નેએ મેળવી લીધી હતી અને એ સર્વોચ્ચ ડિગ્રી હતી શુદ્ધ ૧૦૦ ટકા સમર્પણની. અર્જુનથી લઈને સંજય સુધી પહોંચતા સુધીમાં અનેકાનેક સંતો અને મહાપુરુષો થઈ ગયા જેમણે આ ડિગ્રી મેળવી હતી, પણ આ બધામાં સંજયની વાત નિરાળી હતી. સામાન્ય રીતે સંજય સિવાયના બાકીના સઘળા ઈશ્વરના સત્યને સમજવા પોતાની અંતરઆત્માથી તૈયાર હતા, પણ અહીં તો ઈશ્વરે સંજયને તૈયાર કરવાનો હતો અને એ પણ તેણે કહેલી શરતો મુજબ.
સ્કૂલ પાસેથી નીકળ્યા પછી અચાનક રસ્તામાં તેમને ભીડ નડી. જોયું તો પાસે એક બહુ જ મોટું મંદિર હમણાં જ પ્રાણપ્રતિષ્ઠા થઈ હોવાથી ભક્તોથી ભરપૂર હતું. સ્કૂટર આગળ જઈ શકે એમ નહોતું. ભગવાને રસ્તાની એક બાજુએ સ્કૂટર પાર્ક કર્યું. બન્ને જણ સ્કૂટરને ટેકો દઈને ઊભા રહ્યા. સંજયને આ જોઈને મજા આવી અને થયું કે લાવ ભગવાનને પૂછું કે આટલી બધી ભીડ થાય છે તો આટલાબધાનું સાંભળો છો કેમનું?
અને તે પૂછવા જાય એ પહેલાં ભગવાને કહ્યું કે હું બધાનું સાંભળું છું અને કોઈનું પણ નહીં.
 સંજયે કહ્યું, ‘જો પાછા તમે ન સમજાય એવું બોલવા લાગ્યા.’
 જવાબમાં ભગવાન કશું બોલ્યા નહીં.તેમણે ખાલી એક સુંદરમજાની સ્માઇલ આપી.  
તેમણે ઇશારો કર્યો અને ત્યાં દૂર એક ભિખારી બેઠો હતો. જોતાંની સાથે જ દયા ઊપજે તેવો એ માણસ રસ્તાની એક તરફ બેઠો-બેઠો મંદિર તરફ આવતા-જતાની સામે ભીખ માગી રહ્યો હતો.
સંજયને થયું કે વળી ઈશ્વર મને કશુંક સમજાવવા માગે છે એટલે ધ્યાનપૂર્વક એ ભિખારીને જોવા માંડ્યું. ત્યાં એક ગાડીમાંથી ઊતરેલો માણસ તેની પાસેથી પસાર થયો. તેણે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા, જેમાંથી પહેલાં ૫૦ રૂપિયાની નોટ કાઢીને પેલા ભિખારી સામે ધરી, પછી શું થયું કે તેને પાછી મૂકીને ૧૦૦ રૂપિયાની નોટ કાઢી. પેલા ભિખારીને દેખાડી અને પછી તેના દાનપાત્રમાં ફેંકીને તે આગળ વધ્યો. ભિખારીના ચહેરા પર આવેલા આનંદને જોઈ સંજય ખુશ થયો. તે કશું કહેવા જાય એ પહેલાં ભગવાને હાથનો ઇશારો કરીને જે થાય છે એ જોયા કરવાનો ઇશારો કર્યો.
ત્યાં આગળ એક ભિખારણ બેઠી હતી, જેની હાલત પણ ખૂબ ખરાબ હતી. એક ઘરડાં માજી થોડે દૂર બાંકડા પર બેઠાં-બેઠાં તેને એકનજરે જોયા કરતાં હતાં. માજીને એ માણસ પર ખૂબ જ દયા આવી હતી. એ તેમના ચહેરાને જોઈને સ્પષ્ટ હતું. લાકડીના સહારે માજી તેની પાસે આવ્યાં અને સાડીના છેડે બાંધી રાખેલા ૧૦ રૂપિયા ધીરે રહીને તે ભિખારણને આપીને ચાલી નીકળ્યાં.
ઈશ્વરને શું સમજાઈ રહ્યું છે એ સમજવાનો પ્રયત્ન સંજય કરી રહ્યો હતો ત્યાં તો સામે રહેલી રમકડાની દુકાન પાસે ઊભા રહેલા એક પિતા અને તેમની નાનકડી દીકરી પર તેનું ધ્યાન ગયું. લગભગ ત્રીસેક જાતનાં રમકડાં જોયા પછી એ દીકરીએ એક રમકડું પસંદ કર્યું. તેના ચહેરા પર ખુશી સમાતી નહોતી. પિતાજીએ પૈસા ચૂકવ્યા અને ત્યાં તેમને કોઈ મળ્યું એટલે તેઓ વાતે વળગ્યા. આ તરફ દીકરી હાથમાં રહેલા રમકડાને જોઈને ખુશ થતી હતી ત્યારે તેની નજર પેલી ભિખારણની બાજુમાં બેસીને પોતાને ટગર-ટગર જોતા છોકરા પર પડી. સાવ ફાટેલાં કપડાંમાં લઘરવઘર દેખાતો છોકરો એકીટશે તેના હાથના રમકડાને જોતો હતો.
પેલી દીકરીની નજર અને પેલા છોકરાની નજર એક થઈ. પેલો છોકરો નીચું મોં કરીને ધૂળમાં રમવા માંડ્યો, પણ વચ્ચે-વચ્ચે સહેજ નજર ઊંચી કરીને તે પેલા રમકડાને જોઈ લેતો. દીકરીને શું થયું કે તે દોડી અને પેલા છોકરા પાસે પહોંચી ગઈ. સરસમજાની સ્માઇલ સાથે તેણે એ રમકડું પેલા છોકરાને આપી દીધું. દૂરથી તેના પિતાએ પણ એ જોયું અને ગુસ્સે થવાને બદલે હસી પડ્યા.
આ તરફ ઈશ્વર પણ આ જોઈને હસી રહ્યા હતા. સંજય તરફ જોઈને તેમણે પૂછ્યું, શું સમજ્યો?’
સંજય બોલ્યો, ‘જે દેખાયું તે સમજ્યો, પણ તમે શું સમજાવા માગો છો એનો ફોડ પાડો તો ખબર પડે.’
તેમણે કહ્યું, ‘અહીં તને જે દેખાયું એ લગભગ રોજનું છે. હું કોનું સાંભળું છું અને કોનું નહીં? એનો જવાબ આ વાતને સમજીશ તો મળી જશે.’
સંજય કહે, ‘ઊભા રહો બૉસ... આમ જુઓ તો દાન તો અહીં પેલા પૈસાદાર માણસે, પેલાં માજીએ અને પેલી છોકરી ત્રણે જણે કર્યું છે એટલે તમારી જવાબદારી છે એ બધાનું સાંભળવાની.’
ઈશ્વરે તેના ખભે હાથ મૂક્યો અને કહ્યું, ‘કાન સુધી પહોંચતી બધી જ વાત સાંભળવી એવું જરૂરી નથી.  તારી વાત ૧૦૦ ટકા સાચી છે. એ ત્રણે જણે દાન કર્યું છે, પણ પેલા માણસના દાનમાં દાન કરતાં વધારે દેખાડો હતો. તેણે ૫૦ની નોટ બતાવ્યા પછી ૧૦૦ રૂપિયાની નોટ બતાવીને આપી એની પાછળ પોતે કેટલાબધા આપી શકે છે એ બતાવવાની ભાવના હતી. ત્યાં કોઈને મદદ કરવાની ભાવના નહોતી, કારણ કે ત્યાંથી અંદર ગયા પછી તેણે પોતે ગરીબ ભિખારીને દાન કર્યું છે એના બદલામાં પોતાની ૫૦ કરોડ રૂપિયાની જમીનનો કેસ જીતી જવાય એવી ભીખ મારી મૂર્તિ આગળ માગી. બોલ, હવે એ હું સાંભળું ખરો?’
‘પેલાં માજીના દાનમાં મદદની ભાવના હતી. તેના દાનમાં કરુણા હતી, પણ અંદર -અંદર ક્યાંક તેની દુવા મેળવીને પોતે ખુશ રહેશેની ઇચ્છા પણ હતી, જ્યારે પેલી નાનકડી દીકરીના દાનમાં નિઃસ્વાર્થ ભાવ હતો. પોતાને મનગમતી વસ્તુ પણ કોઈને આપી દેવાની વૃ‌ત્ત‌િ બહુ ઓછા લોકોમાં હોય છે. મેળવવા કરતાં આપવાનો આનંદ આવી વ્યક્તિઓને જ આવે છે. આ દીકરી મને દિલથી કોઈ પણ પ્રાર્થના કરે તો એ મારે સાંભળવી જ પડે.’
આ સાંભળતાંની સાથે જ સંજયની આંખો સામે એવા કેટલાય ચહેરા આવી ગયા જે સતત કહેતા હતા કે જવા દોને, ભગવાન તો મારું સાંભળતા જ નથી. એ વખતે સતત મનમાં થયા કરતું કે આ ભગવાન કેમ અમુકનું જ સાંભળે છે અને અમુકનું નહીં!  પણ ઈશ્વરનું ગણિત અદ્ભુત હતું એ છેક આજે જઈને સમજાયું.
ભગવાને સંજયને કહ્યું કે ‘અહીં સુધી આવી ગયા છીએ, અંદર આંટો મારીશું?’
સંજયે તક ઝડપી, ‘તો શું તમે અંદર ગયા જ નથી? અંદર તમે છો જ નહીં?’
ભગવાને ફરી કન્ફ્યુઝ કર્યો, ‘મેં ક્યાં એમ કહ્યું જ છે, ચાલ.’
બન્ને જણ ભીડમાં થઈને મંદિરમાં પેઠા. સંજય વધારે કન્ફ્યુઝ થયો કે મારે દર્શન કોનાં કરવાનાં? પેલી મૂર્તિમાં વાંસળી વગાડે છે એનાં કે પછી આ ભીડમાં ચરણસ્પર્શની લાઇનમાં મારી આગળ ઊભા છે તેમનાં! 
આ સાથે જ ઈશ્વરે પાછળ ફરીને કહ્યું કે ‘આસ્થા અને વિશ્વાસ સાથે ઇચ્છા હોય તો બન્નેનાં અને ન હોય તો કોઈનાં પણ નહીં. મને પગે નહીં લાગો તો ચાલશે, પણ મારું ગમતું કરો તો મને વધારે ગમો. હું લક્ષ્મીપતિ છું મને પૈસા ન ચડાવો તો ચાલે, પણ કોઈ જરૂરિયાતમંદનું કામ ન અટકે એ પહેલાં જુઓ તો પણ હું ખુશ જ છું. હવે જોને મને અન્નકૂટ ચડાવાની પાછળ રહેલી લાગણીઓ અને પ્રેમ મને ખૂબ ગમે, પણ એ પ્રસાદ વહેંચાવાની જગ્યાએ વેચાય ત્યારે મને ન ગમે.’
સંજયને ઈશ્વરની થિયરી યોગ્ય લાગી. ઊંડે-ઊંડે થયું કે હું જે વિચારતો હતો એવું જ તો ભગવાન વિચારે છે.
ઈશ્વરે ત્યાં ફરી કહ્યું, ‘હું તો એ સિવાય પણ ઘણુંબધું વિચારું છું.’
સંજયે પૂછ્યું, ‘જેમ કે...?’
ઈશ્વરે પોતાની મૂર્તિની આગળ હમણાં જ કોઈ કરોડપતિએ ધરાવેલાં હીરાજડિત સોનાનાં કડાં તરફ આંગળી બતાવીને કહ્યું, ‘જેમ કે પેલાં કડાં ત્યાંથી લઈ લેવાં છે.’
સંજય ગભરાયો, ‘માન્યું ભગવાન કે આ તમને જ ધરાવ્યાં છે અને તમારાં જ છે, પણ તમે અત્યારે ભગવાન તરીકે અહીં નથી. તમે ઈશ્વરભાઈ ગગનવાસી તરીકે છો. જોજો, કશું કરતાં લોચો પડી જશે.’
ભગવાન કહે, ‘એ તો જોઈએ હવે...’
ચરણસ્પર્શની લાઇન ગર્ભગૃહમાં પ્રવેશી. મૂર્તિ આગળ નમન કરીને સંજય બહાર આવ્યો, પણ ભીડમાં આગળ જ ઊભેલા ભગવાન દેખાયા નહીં. તે કશું સમજે એ પહેલાં તો અંદરથી પૂજારીની ચીસ સંભળાઈ, ‘ભગવાનનાં કડાં ગાયબ છે...’
ચોતરફ સાઇરન વાગવા માંડી અને સંજયની નજર ભગવાનને શોધવા લાગી.

આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK