Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ખુદી કો કર બુલંદ ઇતના, કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે પૂછે, કે બતા..

ખુદી કો કર બુલંદ ઇતના, કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે પૂછે, કે બતા..

27 October, 2019 04:18 PM IST | મુંબઈ
વો જબ યાદ આએ - રજની મહેતા

ખુદી કો કર બુલંદ ઇતના, કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે પૂછે, કે બતા..

‘ફૂટપાથ’

‘ફૂટપાથ’


સંગીતકાર તરીકે ખય્યામ અને રહેમાન વર્માની જોડીએ ‘શર્માજી વર્માજી’ના નામે કામ શરૂ કર્યું. એક જ ફિલ્મમાં સાથે કામ કર્યા બાદ રહેમાન વર્મા પાકિસ્તાન ગયા એટલે ‘શર્માજી વર્માજી’ની જોડીમાં કેવળ શર્માજી ખય્યામ બાકી રહી ગયા અને આ નામે  તેમણે આગળ વધવાનું નક્કી કર્યું. ધીમેધીમે તેમની ઓળખાણ ફિલ્મના પ્રોડ્યુસર્સ સાથે વધતી ગઈ. રતિલાલ વોરા નામના એક ગુજરાતી પ્રોડ્યુસરે તેમની ફિલ્મ ‘પરદા’ ૧૯૪૯નાં ચાર ગીત કમ્પોઝ કરવા માટે ખય્યામને કહ્યું. આ ફિલ્મનાં બાકીનાં નવ  ગીતોના સંગીતકાર હતા અનવર હુસૈન અને નંદરામ આ ફિલ્મ માટે મોહમ્મદ રફી અને આશા ભોસલે સાથે કામ કરવાનો તેમને પહેલો મોકો મળ્યો. ત્યાર બાદ વલી સા’બની ફિલ્મ ‘બીવી’ ૧૯૫૦માં તેમને મોકો મળ્યો. આ ફિલ્મમાં ખય્યામનાં છ ગીત અને બીજા સંગીતકાર અઝીઝ હૈદીનાં સાત ગીત હતાં. આ ફિલ્મનું મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલું ‘અકેલેમેં વો ઘબરાતે તો હોંગે, મિટાકે મુઝકો પછતાતે તો હોંગે’ અત્યંત લોકપ્રિય બન્યું. આ ફિલ્મમાં ખય્યામે પોતાની રીતે નવા પ્રયોગ કર્યા અને તેમની એક આગવી સ્ટાઇલ ઊભી કરી.

એ દિવસોને યાદ કરતાં ખય્યામ કહે છે, ‘તે સમય સુધી મેં જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું, તે દરેક ફિલ્મોમાં બીજા સંગીતકારે પણ ગીતો કમ્પોઝ કર્યાં હતાં, પરંતુ ફિલ્મ ‘બીવી’ની સફળતા બાદ પ્રોડ્યુસર વલી સા’બે પહેલી વાર તેમની નવી ફિલ્મ માટે મને સાઇન કર્યો. હું ખુશ હતો. મારા મનમાં અનેક નવી ટૅક્નિક અને નવતર પ્રયોગ કરવાની ઇચ્છા હતી. આથી વધુ સારો બીજો મોકો નહીં મળે, એમ માની મેં કામ શરૂ કર્યું. એક ગીતના રીહર્સલ પર મેં તેમને બોલાવ્યા. જોકે રીહર્સલ પૂરું થયું ત્યારે તેમના ચહેરાના હાવભાવ જોઈ હું વિચારમાં પડી ગયો. ચુપચાપ બોલ્યા વિના તે ઊઠીને ચાલતા થયા. થોડી વારમાં તેમને મળવા હું કૅબીનમાં ગયો. મને જોઈને એકદમ સખ્ત અવાજમાં તે બોલ્યા, ‘તારું કમ્પોઝીશન એકદમ બકવાસ છે. નવા અખતરા કરવાનું છોડીને અત્યારે જે ટાઇપનું મ્યુઝિક ચાલે છે, તેવાં ગીતો મારે જોઈએ છે. મારી સલાહ છે કે તારે ગુલામ મહમદ અને નૌશાદ જેવા લોકપ્રિય સંગીતકારો જેવું સંગીત આપવું જોઈએ, જે લોકોને બેહદ પસંદ છે.’



‘તેમની આ વાત સાંભળી હું નિરાશ થઈ ગયો. એક સંગીતકાર તરીકે હું મારી અલગ ઓળખાણ બનાવવા માંગતો હતો. મારે નવી દિશાઓ અને નવા આસમાનમાં, મારી રીતે ઊડવું હતું અને અહીં વલી સા’બ મારી પાંખો કાપવાની વાત કરતા હતા. તેમની આ વાત મારે માટે અસ્વીકાર્ય હતી. કબૂલ કે હું હજી ફાયનાન્શિયલી સેટલ નહોતો થયો; પરંતુ તે માટે હું મારા સિદ્ધાંતોમાં બાંધછોડ કરવા તૈયાર નહોતો. હું મારા કામમાં કોઈની દખલઅંદાઝી સહન ન કરી શકું. મેં તેમને કહ્યું, ‘આ રીતે હું કામ નહીં કરી શકું. હું મહેનત કરવા તૈયાર છું પણ મારે સંગીતકાર તરીકે મારી પોતાની કાબેલિયતના જોર ઉપર નામ કમાવું છે. હવે નિર્ણય તમારે કરવાનો છે.’ તેમણે તેમના એકાઉન્ટન્ટને બોલાવ્યો અને મારો હિસાબ ચૂકતે કરવાનું કહ્યું. સાચું કહું તો જ્યારે તેમની ઑફિસમાંથી હું બહાર નીકળ્યો ત્યારે મને એહસાસ થયો કે હું એક પિંજરામાંથી બહાર નીકળ્યો છું.’


સંગીતકાર ખય્યામના જીવનમાં જે સિચુએશન આવી તે આપણા સૌના જીવનમાં કોઈ ને કોઈ સ્વરૂપે આવતી હોય છે. અલ્લામા ઈકબાલનો એક શેર યાદ આવે છે, ‘ખુદી કો કર બુલંદ ઇતના, કી હર તકદીર સે પહેલે, ખુદા બંદે સે પૂછે કે બતા તેરી રઝા ક્યા હૈ.’ જેને ખુદ પર ભરોસો હોય તેને મદદ કરવામાં ખુદા કદી પાછું વળીને જોતા નથી. જીવનમાં આવતા અનેક વળાંક આપણી ક્ષમતા અને ધીરજની કસોટી કરતા હોય છે. ચીલાચાલુ રસ્તે જવા કરતાં વણખેડી કેડી પર જવાનો રોમાંચ અને રોમાન્સ અલગ જ હોય છે. જિંદગી એક એવી રમત છે કે જે રોદણા રડીને નહીં પરંતુ હસતાંગાતાં રમવાની છે. આવું માનીને ખય્યામ ફરી એક વાર પોતાની ખુદ્દારીના સહારે આગળ વધવાનું નક્કી કરે છે.’

કલકત્તામાં ખય્યામની તલત મહેમૂદ સાથે ઓળખાણ થઈ હતી. મુંબઈ આવ્યા પછી અવારનવાર બંને મળતા. ખય્યામે અમુક ગીતોની ધૂન તેમને ધ્યાનમાં રાખીને બનાવી હતી. બંનેએ  નક્કી કર્યું કે એચ.એમ.વ્હી. પાસે જઈએ અને આ ગીતોને રેકોર્ડ કરવાની પ્રપોઝલ આપીએ. તે દિવસોમાં તલત મહેમૂદનું નામ હતું. કંપનીએ તરત હા પાડી. એ રેકોર્ડમાં તલત મહેમૂદના મખમલી સ્વરમાં જે દર્દીલાં ગીતો રેકોર્ડ થયાં તે આજે પણ સંગીતપ્રેમીઓને રડાવે છે. યાદ છે ને, ‘આ ગઈ ફિર સે બહારેં આ ગઈ, ‘રો રો બીતા જીવન સારા’ અને બીજાં ગીતો ખય્યામની આગવી શૈલી અને તલત મહેમૂદની સંવેદનાથી ભરપૂર ગાયકીના આ બાદ બીજાં આલ્બમ પણ આવ્યાં. ફિલ્મોની સિચુએશનના દાયરાની બહાર જઈને, પોતાની મરજી મુજબનાં કમ્પોઝીશન કરવાનો આવો મોકો મળવાને કારણે ખય્યામ એક નોખા-અનોખા સંગીતકાર તરીકે જાણીતા થયા.


૧૯૫૧માં જદ્દ્નબાઈ નરગીસની માતા નરગીસ આર્ટ્સ બેનર નીચે એક ફિલ્મ ‘પ્યાર કી બાતેં’ બનાવતા હતા.  ખય્યામ પંડિત હુસ્નલાલ સાથે કામ કરતા હતા, તે દિવસોમાં તેમની ઓળખાણ જદ્દનબાઈ સાથે થઈ હતી. જદ્દનબાઈ પોતે સારા ક્લાસિકલ સિંગર હતાં. તે ખય્યામને દીકરાની જેમ પ્રેમ કરતાં અને પ્રોત્સાહન આપતાં. આ ફિલ્મના સંગીતકાર બુલો સી. રાની માંદાં પડ્યાં એટલે બાકી રહેલાં પાંચ ગીતો કમ્પોઝ કરવાની જવાબદારી જદ્દનબાઈએ ખય્યામને આપી. આ ફિલ્મમાં ખય્યામને લતા મંગેશકર સાથે કામ કરવાનો મોકો મળ્યો. જદ્દનબાઈને ખય્યામનું કામ પસંદ આવ્યું એટલે એક દિવસ તે ખય્યામને લઈ રણજિત મુવીટોનના માલિક સરદાર ચંદુલાલ શાહ પાસે ગયાં અને ઓળખાણ કરાવતાં કહ્યું, ‘આ છોકરાની ઉંમર ન જોતા. સંગીતની જે સૂઝબૂઝ તેનામાં છે, તેવી ભાગ્યે જ કોઈનામાં હશે. તેને ચાન્સ આપવા જેવો છે.’

એ દિવસોમાં ખય્યામ એચ.એમ.વ્હી. સાથે મળીને પ્રાઇવેટ આલ્બમ બનાવતા હતા. શેરો-શાયરી અને સાહિત્યનો શોખ હોવાને કારણે શાયરો અને લેખકો સાથે તેમની મુલાકાત થતી. તે સમયે કોમ્યુનિસ્ટ પાર્ટીની ઑફિસ ખેતવાડીમાં રેડ ફ્લેગ હોલમાં હતી જ્યાં દર રવિવારે સાંજે નવી વિચારધારાવાળા સર્જકોની મીટિંગ થતી. એ દરેક આઝાદીની લડતમાં અને ત્યાર  બાદ ગરીબોના ઉદ્ધાર માટેની લડતમાં શામિલ હતા. અહીં ખય્યામની મુલાકાત સાહિર લુધિયાનવી, મજરૂહ સુલતાનપુરી, અલી સરદાર જાફરી, કૈફી આઝમી, રમેશ સૈગલ, ઝીયા સરહદી, ચેતન આનંદ અને બીજા અનેક નવયુવાનો સાથે થઈ. ખય્યામ આ દરેકના વિચારોથી ખાસ્સા પ્રભાવિત થયા હતા.

૧૯૫૨માં રણજિત મુવીટોન માટે સરદાર ચંદુલાલ શાહ  ફિલ્મ ‘ફૂટપાથ’ બનાવતા હતા. નરગીસના ભાઈ અનવર હુસૈન ખય્યામને ત્યાં લઈ ગયા અને જૂની મુલાકાત યાદ કરાવીને ખય્યામની ભલામણ કરી. તે મુલાકાતને યાદ કરતાં ખય્યામ કહે છે, ‘અનવર હુસૈને ભાર દઈને કહ્યું કે આ ફિલ્મ મને જ મળવી જોઈએ ત્યારે ચંદુલાલ શાહે જવાબ આપ્યો કે આ ફિલ્મ માટે તેમના મનમાં ચાર-પાંચ સંગીતકાર છે. એટલે તે દરેકની ટેસ્ટ લઈને પછી જ નિર્ણય કરશે. એ દિવસોમાં તેમનું અને રણજિત મુવીટોનનું બહુ મોટું નામ હતું એટલે તેમની સાથે કામ કરવા  માટે નાના-મોટા સૌ તૈયાર હતા.’

‘ચંદુલાલ શાહે આ ફિલ્મના સંગીતકાર પસંદ કરવા જે નિર્ણય લીધો એવો નિર્ણય આજ સુધી કોઈ પ્રોડ્યુસરે લીધો નથી કે ભવિષ્યમાં પણ કોઈ લઈ શકશે કે કેમ, તે વિષે શંકા છે... આ માટે તેમણે અલી સરદાર જાફરી અને મજરૂહ સુલતાનપુરીએ લખેલું હાજી, બે શાયરોએ લખેલું એક ગીત પાંચ સંગીતકારોને ધૂન તૈયાર કરવા માટે આપ્યું. આ ફિલ્મનાં સાતેય ગીતો આ બે શાયરોએ લખ્યાં છે મારી પાસે વલી સા’બે રીજેક્ટ કરેલી ધૂન તૈયાર જ હતી એટલે મેં એ ધૂન પર આ ગીત કમ્પોઝ કર્યું. મારી ધૂન ઐયુબ ખાન ફિલ્મના હીરો દિલીપ કુમારના ભાઈ, અનવર હુસૈન અને ચંદુલાલ શાહને તરત પસંદ આવી અને ત્યાં ને ત્યાં મેં આ ફિલ્મનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો. આ ગીત તલત મહેમૂદના અવાજમાં રેકોર્ડ થયું અને પછી તો કહે છે ને કે Rest is History. આજની તારીખમાં પણ આ ગીત એટલું જ લોકપ્રિય છે અને ઑલટાઇમ ક્લાસિકમાં તેનું સ્થાન રહ્યું છે; જેના શબ્દો હતા, ‘શામેં  ગમ કી કસમ, આજ ગમગીં હૈ હમ, આ ભી જા, આ ભી જા, આજ મેરે સનમ’

‘ફૂટપાથ’ના એક ગીતની સફળતાને કારણે મને અનેક જાણીતા બેનર્સ તરફથી ઑફર્સ આવી પરંતુ રણજિત મુવીટોન સાથેના કોન્ટ્રાક્ટની શરતો મુજબ મારે એ દરેકનો અસ્વીકાર કરવો  પડ્યો. ફિલ્મ ‘ફૂટપાથ’ની ક્રેડિટ લાઇનમાં ‘મ્યુઝિક બાય શર્માજી’ એમ  લખવામાં આવ્યું. જોકે ઝિયા સરહદી અને ચંદુલાલ શાહ આ નામથી ખુશ નહોતા. મને પૂછ્યું કે તારું પૂરું નામ શું છે? મારું લાંબું નામ સાંભળી તે વિચારમાં પડી ગયા અને એમ નક્કી કર્યું કે મારે સંગીતકાર તરીકે ખય્યામ નામ રાખવાનું છે અને હવે  પછીની ફિલ્મોમાં એ જ નામ ક્રેડિટ લાઇનમાં આવશે. એક રીતે એમ કહી શકાય કે ‘ફૂટપાથ’ ખય્યામ સ્કૂલ ઓફ મ્યુઝિકને એસ્ટાબ્લીશ કરવામાં નિમિત્ત બની. ‘ફૂટપાથ’ના સંગીતના આધારે મને આત્મવિશ્વાસ મળ્યો; એક નવી ઓળખ મળી.’

‘ફૂટપાથ’માં મીના કુમારી હિરોઇન હતી, જેના માટે મેં આશા ભોસલે પાસે પ્લેબેક સિંગિંગ કરાવ્યું. એ દિવસોમાં આશા ભોસલે મોટે ભાગે સાઇડ હિરોઇન અથવા ડાન્સર્સ માટે પ્લેબેક આપતી હતી. મને હમેશા એવું લાગ્યું છે કે તેના અવાજમાં જે  રણકો છે, તેની વાત જ કૈંક અલગ છે. આ ફિલ્મમાં મેં તેની રેન્જનો બરાબર ઉપયોગ કરીને, અલગ અલગ મૂડનાં ગીતો રેકોર્ડ કર્યાં. તલત મહેમૂદ અને આશા ભોસલે, આ બન્ને કલાકારોએ મારા સંગીતની જે અલગ શૈલી હતી તેને બખૂબી નિભાવી, એ કેમ ભૂલાય. ‘ફૂટપાથ’ના સંગીતની સફળતામાં મારી સાથે, આ બંને સરખા ભાગીદાર હતા.

‘ફૂટપાથ’ની સફળતા બાદ એ ટાઇપનું સંગીત એક ટ્રેન્ડ બની ગયું. ફિલ્મ પૂરી થઈ અને હું કોન્ટ્રાક્ટમાંથી મુક્ત થયો એટલે બીજા પ્રોડ્યુસર મારી પાસે આ જ પ્રકારની સ્ટોરી લઈને આવ્યા અને એવા જ સંગીતની માંગણી કરવા લાગ્યા. મેં તેમને સ્પષ્ટ કહ્યું કે હું નવા વિષયોની તલાશમાં છું જે મારે માટે એક નવી ચેલેન્જ લઈને આવે. મેં છેવટ સુધી આ બાબતે કોઈ પણ બાંધછોડ કરી નથી. જીવનભર મેં જેટલી ફિલ્મો કરી છે, તેના કરતાં વધારે ફિલ્મો રીજેક્ટ કરી છે, તેનું મુખ્ય કારણ એ જ કે મારે ચીલાચાલુ કોઈ કામ કરવું નહોતું.’

મેં એક પ્રશ્ન પૂછ્યો, ‘એવી કોઈ ફિલ્મ યાદ આવે છે, જે છોડ્યા પછી મનમાં એમ થયું હોય કે કાશ, આ ફિલ્મમાં સંગીત આપવાનો મોકો મળ્યો હોત.’ જવાબમાં ખય્યામ આજ સુધી ન સાંભળેલી વાત કરે છે.                                                                                                                             

‘વિખ્યાત અભિનેતા ભારત ભુષણના ભાઈ પ્રોડ્યુસર  આર. ચંદ્રા ફિલ્મ ‘બરસાત કી રાત’ના સંગીત માટે મારી પાસે આવ્યા. સ્ટોરી સાંભળી હું રાજી થયો અને હા પાડી. એ પછી પ્રોડ્યુસરે કહ્યું કે કવ્વાલી પર આધારિત આ ફિલ્મનાં ગીતો માટે હું પાકિસ્તાનના મશહુર કવ્વાલોની કેસેટ્સ સાથે લાવ્યો છું. મારે  એ સ્ટાઇલથી આ ફિલ્મનાં ગીતો જોઈએ છે. મેં કહ્યું કે મારે એની જરૂર નથી; હું મારી સ્ટાઇલથી ગીતો કમ્પોઝ કરીશ. પ્રોડ્યુસરે સમજાવતાં કહ્યું કે આ કવ્વાલીઓ હિટ છે, તમારે મહેનત કરવાની જરૂર નથી પરંતુ મેં કહ્યું કે હું મારી રીતે જ આ કામ કરીશ, મને કોઈની મદદની જરૂર નથી. માશાલ્લાહ, ઇસ  ફિલ્મમેં  રોશનને ક્યા લાજવાબ ગાને બનાયે.’ આ વાત વાંચીને કોઈને મનમાં એવો વિચાર આવે કે ‘બરસાત કી રાત’ના સંગીતમાં સંગીતકાર રોશનનું ઝાઝું યોગદાન નથી; તો એ તેમને મોટો અન્યાય થશે. એ પૂરી શક્યતા છે કે તેમણે પ્રોડ્યુસરની વાત નહિ માની હોય અને પોતાની રીતે આ ગીતો કમ્પોઝ કર્યાં હોય. આ દરેક સંગીતકારો એટલા જિનિયસ હતા કે તેમના કામમાં તેમનો અલગ સ્ટેમ્પ આંખે ઊડીને વળગતો હતો.

આ પણ વાંચો : અંતરના ઑડિટરનું સ્મરણ કરીને પહેલો અક્ષર માંડો!

‘એક સંગીતકાર તરીકે વ્યસ્ત હોવા છતાં ખય્યામ સમય કાઢીને કિરાના ઘરાનાના ઉસ્તાદ નિયાઝ અહમદ ખાન અને ફૈયાઝ અહમદ ખાન પાસે તાલીમ લેવા જતા. તે માનતા રાગ-રાગિણીની બારીકીઓ અને ગાયકીના નવા આયામોનું જ્ઞાન જેટલું વધશે, એટલો જ તેમના સંગીતમાં વધુ નિખાર આવશે.’ ‘ફૂટપાથ’ ૧૯૫૩ બાદ તેમની જે ફિલ્મો આવી તે હતી, ‘ગુલ સનોબર’ ૧૯૫3, ‘ધોબી ડૉક્ટર’ ૧૯૫૪, ‘ગુલ બહાર’ ૧૯૫૪, ‘તાતાર કા ચોર’ ૧૯૫૫ અને ‘લાલા રુખ’ ૧૯૫૮. આ ફિલ્મો બોક્સ ઑફિસ પર ખાસ ચાલી નહીં. જોકે ખય્યામના  સંગીતનું સ્તર ઊંચું હતું પણ અપવાદરૂપ એક-બે ગીતો સિવાય  ‘હૈ કલી કલી કે લબ પર, તેરે હુસ્ન કા ફસાના’ મોહમ્મદ રફી અને ‘પ્યાસ કુછ ઔર ભી ભડકા દી ઝલક દિખલા કે’ તલત મહેમૂદ અને આશા ભોસલે ફિલ્મ ‘લાલા રુખ’નું તેમનું સંગીત  ખાસ લોકપ્રિય ન થયું. વિવેચકોએ ખય્યામની આવડત વિષે શંકા કરવાનું શરૂ કર્યું. આવી પરિસ્થિતિમાં ઑસ્કાર વાઇલ્ડનું વાક્ય યાદ આવે છે, ‘Art should never be a popularity contest. Everything popular is wrong.’ લોકપ્રિયતા એ ગુણવત્તાનો માપદંડ ન હોઈ શકે. આ સમય દરમ્યાન તેમને એક એવી ફિલ્મમાં સંગીત આપવાનો મોકો મળ્યો, જેના કારણે તેમની ગણના ટોચના સંગીતકાર તરીકે થવા લાગી, એ ફિલ્મ હતી ‘ફિર સુબહ હોગી’. એ ફિલ્મ તેમને કયા સંજોગોમાં મળી તે વાતો આવતા રવિવારે.

Whatsapp-channel Whatsapp-channel

27 October, 2019 04:18 PM IST | મુંબઈ | વો જબ યાદ આએ - રજની મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK