Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સંવત્સરી રેઝોલ્યુશન લીધું કે નહીં?

સંવત્સરી રેઝોલ્યુશન લીધું કે નહીં?

01 September, 2019 02:56 PM IST | મુંબઈ
રુચિતા શાહ

સંવત્સરી રેઝોલ્યુશન લીધું કે નહીં?

મિચ્છા મિ દુક્કડં

મિચ્છા મિ દુક્કડં


મિચ્છા મિ દુક્કડંનો સીધો ભાવાર્થ છે માફી માગું છું હું, એ તમામ બાબતો માટે જેના થકી મારા દ્વારા આપને કોઈ પણ કષ્ટ પહોંચ્યું હોય, દિલગીર છું હું એ તમામ બાબતો માટે જેણે ક્યારેય પણ તમારા હૃદયને ઠેસ પહોંચાડી હોય, ક્ષમા ચાહું છું હું મારાં એ તમામ કરતૂતો માટે જે ક્યારેય પણ તમારા માટે હાનિનું કારણ બન્યાં હોય. હૃદયના પરિશુદ્ધ ભાવોથી મગાતી આવી માફી પછી આપણે લેશમાત્ર ન બદલાઈએ તો ચાલે? ચાલોને, આ વખતની સંવત્સરીને થોડી જુદી બનાવીએ અને ખરેખર મનમાં રહેલા દોષોને દૂર કરવાનો સંકલ્પ કરીએ.

બદલાતાં વર્ષોની સાથે દર વર્ષે પર્વો, તહેવારો અને ઉત્સવોની આવન-જાવન ચાલતી રહેતી હોય છે. જોકે થોડો સમય કાઢીને નિરાંત લઈ વિચારશો તો સમજાશે કે દર વખતે એની યથાયોગ્ય ઉજવણી કરીને એક રૂટીન નિભાવતા હોઈએ એમ એ અવસર પૂરો થઈ જાય છે, પણ આપણે તો હતા ત્યાંના ત્યાં જ રહીએ છીએ. પર્વ પર્યુષણના દિવસો ચાલી રહ્યા છે. દેરાવાસી સંપ્રદાયની આવતી કાલે સંવત્સરી અને સ્થાનકવાસી સંપ્રદાયની મંગળવારે. દિગંબર સંપ્રદાયનાં પર્યુષણ હવે શરૂ થશે. જોકે દિવસો ભલે જુદા-જુદા હોય, પરંતુ દરેકમાં એક કૉમન વાત આવશે અને એ છે ક્ષમાપનાની. પર્યુષણ પર્વ ક્ષમાપના પર્વ તરીકે પણ ઓળખાય છે. પર્યુષણ આચરણનો ઉત્સવ છે. ક્ષમા માગવી અને ક્ષમા આપવી એ વ્યવહાર નહીં, આચરણમાંથી ઉદ્ભવતી બાબત છે. પર્યુષણ મનની શુદ્ધિનો, મનના પ્રદૂષણને દૂર કરવાના પર્વ તરીકે પણ પ્રચલિત છે. સંવત્સરીનું પ્રતિક્રમણ પત્યું એટલે હાશ છુટ્ટા એવી લાગણી સાથે આ વાર્ષિક પર્વ પૂરું કરવું છે કે મનના દોષોને દૂર કરવાના સંકલ્પ સાથે આગળ વધવું છે. જો દર નવા વર્ષે આપણે ન્યુ યર રેઝોલ્યુશન લેતા હોઈએ તો સંવત્સરીને દિવસે પણ રેઝોલ્યુશનનો વિચાર કેમ ન કરી શકાય? જૈન મહારાજસાહેબ શ્રી સંયમચન્દ્રવિજયજી દ્વારા આપવામાં આવેલા કેટલાક રસપ્રદ સંવત્સરી સંકલ્પ તરફ એક નજર કરી લો. ભૂતકાળમાં થયેલા મનના દોષો ફરી ન થાય એટલા માટે આમાંથી તમે શું જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરશો એ તમારે જાતે નક્કી કરવાનું છે. 



સવંત્સરી ક્ષમાપના થયા બાદ, મૈત્રી અને પ્રતિક્રમણ થયા બાદ જીવનશુદ્ધિની ઉપાસના થવી જોઈએ. જીવનશુદ્ધિ માટે કેટલાક નિયમો હું સ્વીકારી શકું.


કોઈએ  ઉછીના આપેલા પૈસા ચૂકવું નહીં ત્યાં સુધી મારી પ્રિય ચીજનો ત્યાગ કરીશ.

અન્યના પૈસે સુખી થવું, પોતાનું ઘર ભરી લઈને દેવાળું જાહેર કરવું એ આજના સમયની ફૅશન બની ગઈ છે. જૈન શાસ્ત્રો કહે છે કે જે કોઈનું દેવું ચૂકવ્યા વિના મરે છે એ ભવોભવ નોકર કે ઢોર થઈને ચૂકવશે, નહીં તો તેની સંપત્તિ કોઈ પડાવી લે એવાં કર્મ ભોગવશે.


હું નોકર, પટાવાળા, ગરીબ કે ભિખારી કોઈની પણ સાથે સન્માનપૂર્વક વાત કરીશ.

કોઈને પણ અપમાન ગમતું નથી. સૌને પ્રીતિ અને સૌજન્યભર્યો વ્યવહાર જ ગમે છે. પ્રભુ વીરની આજ્ઞા છે કે ‘જે તને નથી ગમતો એવો વ્યવહાર કોઈ સાથે ન કરીશ’ શાંતિથી વિચાર કરશો તો ખ્યાલ આવશે કે તમારા જીવનની મહત્તમ સગવડ આ નાના માણસોના આધાર પર જ સચવાય છે. જે તમને સાચવે છે તેના પર મોટાઈનો રોફ મારવો એ સજ્જનને શોભતું નથી. ભગવાન મહાવીરના પિતાને ત્યાં જેટલા કર્મચારીઓ હતા તેમને માટે કલ્પસૂત્રમાં શબ્દ વપરાયો છે ‘કૌટુંબિક પુરુષો.’ કેટલો બહુમાનભાવ વર્તાય છે આ પ્રયોગમાં.

હું રોજ ૨૦ મિનિટ તત્વજ્ઞાન ભણીશ-સાંભળીશ.

હું રોજ મોબાઇલ પર કલાકો બગાડું. રાજકારણ અને દુનિયાના સમાચારો જોઉં-સાંભળું, જાતજાતનાં પિક્ચર-સિરિયલ જોઉં એનાથી માહિતી વધે, લાગણીઓ અકળાય અને ઉશ્કેરાય. મન પર વિના કારણની વાતોનો કચરો જાય અને મારું મનોબળ વધવાને બદલે ગુસ્સો, સ્ટ્રેસ, અનિર્ણાયકતા જ વધતી જાય. મારી શક્તિ ન હોય એવી ઇચ્છા વધતી જાય. એના કરતાં રોજ માત્ર ૨૦ મિનિટ હું મારા ધર્મનું જીવનલક્ષી તત્વજ્ઞાન ભણીશ. ધર્મગુરુઓ તો ભગવાનના દલાલ હોય, નકામી વાતો કરે, પોતાનો પ્રભાવ જમાવે... આવી વાતોથી ભરમાયા વિના કોઈ ઉત્તમ ગુરુજન પાસે રોજ થોડી વાર પણ જીવનશુદ્ધિના પાઠ શીખીશ.

હું કોઈને તેની નબળાઈઓ વારંવાર સંભળાવીશ નહીં.

દુનિયામાં બધા જ અધૂરા છે. થોડી મારામાં તો થોડી બીજામાં ખામી છે જ. બીજો કદાચ મારા કરતાં ઊતરતો હોય, અજ્ઞાન હોય, અણઘડ હોય એટલામાત્રથી બધાની વચ્ચે તેને ઉતારી પાડવો, વારંવાર મશ્કરી કરવી, તેને સતત લઘુતાગ્રંથિનો અનુભવ કરાવવો એ મને શોભતું નથી. જૈન ગ્રંથો જ નહીં, તમામ ધર્મો કહે છે કે બીજાની જે નબળાઈ પર હસો છો, એ જ ૧૦૦ ગણી થઈને તમને પીડવાની છે.

નબળી વાતો, નબળાં દૃશ્યો, નબળી વૃત્તિવાળા લોકોથી હું મારી જાતને દૂર રાખીશ.

મન બહુ વિચિત્ર છે. મહાન સંત બનવાની સંભાવના પણ તેની પાસે છે અને માફિયા ડૉન બનવાની તૈયારી પણ તેની પાસે છે. મનને જો ગીત ગાવાની ટેવ પડી તો આખો દિવસ ગીત ગાશે અને જો ગાળો બોલવાની ટેવ પડી તો વાક્યે-વાક્યે ગાળ બોલશે. નાનું જીવન, નબળું મન... એવા સમયે આપણી જાતને નબળી કડીઓ આપી આપીને શું મેળવીશું? મને અંગ પર મેલાં કપડાં નથી ગમતાં તો અંતરમાં મેલા વિચાર કેમ ગમે છે? પગમાં ધૂળ ચોંટે તોય ખંખેરી નાખું અને પ્રાણમાં ધિક્કાર ભરાઈ ગયો હોય તો પરવા પણ કરું એવું મને કેમ શોભે?

હું મારી આવડતશક્તિ કે પ્રતિભાને દેશના કે અન્યના હિત માટે વાપરીશ, માત્ર મારા માટે જ નહીં.

પોતાને મળેલી રોટલી બીજાને ન આપવી એ સ્વભાવ કૂતરાનો છે. આપણે તો વિચારશક્તિવાળા અને વિકસિત જીવો છીએ. સ્વાર્થબુદ્ધિને ગૌણ કરીને આપણી શક્તિ બીજા માટે ન વાપરીએ... અર્થાત્ આપણી બુદ્ધિ કે પૈસાથી મૂંગા જીવોનું, અન્ય મનુષ્યોનું જીવન સુખદાયી ન બનાવીએ તો આપણે પણ શ્વાનવૃત્તિવાળા જ ગણાઈએ. સંસ્કૃતમાં ઉક્તિ છે, પરોપકારાય સતાં વિભૃતય:। અર્થાત્ સજ્જનોનો વૈભવ પરોપકાર માટે જ હોય છે.

રોજ સાંજે હું મારી જાતનો હિસાબ માંડીશ. 

આજે કેટલો ક્રોધ કર્યો? આજે કેટલી આળસ કરી? કોની સાથે અન્યાય કર્યો? કેટલી વાર ખોટું બોલ્યો? વિનાકારણ ક્યાં-ક્યાં કેવું-કેવું બોલ્યો? મારી ફરજ નિભાવી કે છાનીછપની ગરબડ કરી? કેટલી નિંદા-ટીકા કરી? કેટલી વાર કોઈનું અપમાન કર્યું? કોની સાથે વેર બાંધ્યું? કોનું ખરાબ કર્યું? અન્યનું હિત શું કર્યું? અન્યની પ્રશંસા કેટલી કરી? ચિત્ત શાંત થાય એવું શું કામ કર્યું? દિવસમાં શુભ નિમિત્તનું સેવન કેટલું કર્યું? ગઈ કાલ કરતાં આજે હું પ્રસન્ન છું કે ઉદ્વેગમાં છું? ગઈ કાલ કરતાં આજે નિર્મળ છું કે મલિન? મને મારા આજના દિવસનો સંતોષ છે કે નથી? મારું જીવન માત્ર બાહ્ય પ્રાપ્તિ માટે જ વીતે છે કે આધ્યાત્મિક પ્રગતિ માટે? મેં જીવનમાં કોનો-કોનો દ્રોહ કર્યો છે? હું મારી ભૂલોની માફી માગું છું કે બચાવ કરું છું? જીવનની પ્રત્યેક ક્ષણને બચાવું છું કે વેડફું છું? મારો કયો દોષ સૌથી મોટો છે? મને કયા ગુણની જરૂર સૌથી વધુ છે? 

પોતાની જાતને આવા સવાલ પૂછી-પૂછીને પ્રામાણિકપણે જવાબ વિચારીને વારંવાર નોંધ કરીશ. યાદ રાખજો કે જેની પાસે હિસાબ પાક્કા હોય છે તે ક્યારેય દેવાળિયો નથી બનતો.  

પૂરક માહિતી : અલ્પા નિર્મલ

ક્ષમા કેટલા પ્રકારની છે? કઈ ક્ષમા શ્રેષ્ઠ ગણાય?

ક્ષમાના કેટલા પ્રકાર છે અને કઈ શ્રેષ્ઠ ગણાય એ વિશે આચાર્ય શ્રી વિજય નંદીઘોષસૂરિ કહે છે, ‘પર્યુષણ પર્વની આરાધનામાં પાંચ મુખ્ય કર્તવ્ય બતાવ્યાં છે જેમાં ક્ષમાપના કેન્દ્રસ્થાને છે. ક્ષમાપના વિશે મુનિ શ્રી અમરેન્દ્રવિજયજી મહારાજસાહેબે ‘આપણે આત્મનિરીક્ષણ કરીશું?’ નામના પુસ્તકમાં વિગતવાર વિવરણ આપ્યું છે એ જ રીતે ‘યતિ ધર્મ બત્રીસી’ નામના ગ્રંથમાં આચાર્યશ્રી યશોવિજયજી મહારાજસાહેબે પણ ક્ષમાના પ્રકારનો ઉલ્લેખ કર્યો છે. એના કુલ પાંચ પ્રકાર છે જે આ મુજબ છે ઃ

ઉપકાર ક્ષમા : જેણે ક્યારેય આપણા પર કોઈ પણ જાતનો ઉપકાર કર્યો છે અથવા ભવિષ્યમાં કરવાની સંભાવના છે એવા પ્રકારના ફાયદાઓનો વિચાર કરીને આપવામાં આવતી ક્ષમા ઉપકાર ક્ષમા કહેવાય. આ પ્રકારની ક્ષમામાં કૃતજ્ઞતાનો અથવા ઋણ અદા કરવાનો ભાવ પણ હોઈ શકે છે.

અપકાર ક્ષમા : જે આપણા કરતાં પદમાં શક્તિવાળી છે અને જે ભવિષ્યમાં આપણને હાનિ પહોંચાડી શકે એવા પણ છે તેમની સાથે પંગો લેવામાં સાર નથી એવું વિચારીને મજબૂરીવશ ક્ષમા આપવાની વૃત્તિ જાગે એને અપકાર ક્ષમા કહેવાય છે. 

વિપાક ક્ષમા : વેરભાવ રાખવાથી ભવિષ્યમાં આવતા જન્મમાં મારે દુઃખનો સામનો કરવો પડશે એવા ભયથી, એની ચિંતાથી આપવામાં આવતી ક્ષમા એ વિપાક ક્ષમા.

વચન ક્ષમા: ભગવાને કહ્યું છે, આગમોમાં લખ્યું છે કે આ મારું કર્તવ્ય છે એમ વિચારીને ક્ષમા આપવાની વૃત્તિ જાગે એને વચન અથવા ધર્મ ક્ષમા કહેવાય.

આ પણ વાંચો : મિચ્છા મિ દુક્કડં

સ્વભાવ ક્ષમા : વચન ક્ષમાના આચરણથી ધીમે-ધીમે વ્યક્તિનો સ્વભાવ જ ક્ષમા આપનારો થઈ જાય. કોઈ ગમે એવું કરે; કોઈએ તમને પીડા આપી હોય; કોઈએ ગમે એટલું દુઃખ આપ્યું હોય તો પણ સ્વભાવગત ક્ષમા આપવાની ઇચ્છા જાગે એને સ્વભાવ ક્ષમા કહેવાય. જેમ ચંદનને બાળો કે કાપો તો પણ એ સુગંધ જ આપે એમ સ્વભાવ ક્ષમા ધરાવતી વ્યક્તિ ગમે તે સંજોગોમાં ક્ષમા આપનારી જ હોય છે અને અન્ય તમામ પ્રકારની ક્ષમાઓમાં સ્વભાવ ક્ષમાને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2019 02:56 PM IST | મુંબઈ | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK