Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સહુનો લાડકવાયો – યશવંત દોશી

સહુનો લાડકવાયો – યશવંત દોશી

13 October, 2019 05:01 PM IST | મુંબઈ
ઉઘાડી બારી - ડૉ. દિનકર જોષી

સહુનો લાડકવાયો – યશવંત દોશી

યશવંત દોશી

યશવંત દોશી


સાહિત્ય નામના પદાર્થ સાથે સંકળાયેલાં હોય એવાં મુંબઈસ્થિત સંખ્યાબંધ નામો આજે યાદ આવે છે. ૧૯૫૯થી આવા પરિચય વધતાઓછા અંશે થતા રહ્યા છે. આ બધા પૈકી અલગ તારવવા હોય તો બે નામ એવાં છે જેઓ સાહિત્ય સાથે માત્ર સંકળાયેલાં નહોતાં, આજીવન સમર્પિત રહ્યાં હતાં. આવા બે વિદ્યાપુરુષો એટલે ભૃગુરાય અંજારિયા અને યશવંત દોશી. ભૃગુરાય સાથે સાહિત્યિક નાતો જોડાયો હતો, પણ એ નાતો ગાઢ કે અંગત બને એ પહેલાં તેમણે વિદાય લઈ લીધી. સદ્ભાગ્યે યશવંતભાઈ સાથે આ અવસર મને મળ્યો. યશવંતભાઈની જન્મશતાબ્દીનું આ વર્ષ છે એટલે આજે આપણે તેમને સ્મૃતિવંદના કરીએ.

શ્રી યશવંત દોશીના નામ અને કામથી જેમના કાન સરવા થવા જોઈએ એવા સંખ્યાની દૃષ્ટિએ મુંબઈમાં અને કદાચ સમગ્ર ગુજરાતમાં બહુ ઓછા માણસો હશે. વ્યાપાર-ઉદ્યોગના લક્ષ્મીક્ષેત્રે ધીરુભાઈ અંબાણીએ જે કામ કર્યું છે એની સાથે સરખામણી કરી શકાય એવું, સરસ્વતીક્ષેત્રે જો કોઈ નામ અને કામ સંભારવું હોય તો એ છે યશવંત દોશી. ભાવનગરની ઘરશાળામાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરનાર યશવંતભાઈ મુંબઈ આવીને અમેરિકાના માહિતી ખાતામાં જોડાયેલા. એ દિવસોમાં વિદેશી એલચી કચેરીઓનાં માહિતી ખાતાંઓ સ્થાનિક ભાષાના જાણકારો મારફત બહુ કાર્યરત હતાં. આવી નોકરી પણ બહુ કસદાર ગણાતી. યશવંતભાઈએ આવી કસદાર નોકરી ૧૯૫૪થી ૧૯૬૪ સુધી કરી હતી. એ સમયગાળામાં પરિચય ટ્રસ્ટની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હતી. આ પ્રવૃત્તિ એટલે દર પખવાડિયે જ્ઞાન સાથે સંબંધિત કોઈ પણ એક વિષય પર સાવ સરળ ભાષામાં પ્રકાશિત થતી એક પુસ્તિકા. યશવંતભાઈએ અમેરિકન માહિતી ખાતાની મોભાદાર નોકરી છોડીને પરિચય પુસ્તિકાના પ્રકાશનની જવાબદારી ૧૯૬૪માં સંભાળી. જીવનના અંતિમ શ્વાસ સુધી એટલે કે ૧૯૯૯ સુધી તેમણે આ જવાબદારી નિભાવી (તેમના સહસંપાદક વાડીલાલ ડગલી હતા).



દેહત્યાગ કરવા માટે પિતામહ ભીષ્મે ઉત્તરાયણના જે ઉત્તમ દિવસની ૫૮ દિવસ પ્રતીક્ષા કરી હતી એ ઉત્તમ દિવસની પ્રતીક્ષા યશવંતભાઈએ નહોતી કરવી પડી. ૧૯૯૯ના ઉત્તરાયણને દિવસે જ તેમનો દેહત્યાગ થયો હતો. ૮૦ વર્ષની ઉંમરે વસવસો દેહત્યાગનો ન હોય, પણ એને કારણે આપણી ભાષા અને શિક્ષણ બેય રંક બન્યાં એનો જ હોય.


પરિચય પુસ્તિકાની સંખ્યા આજે ૧૪૫૪ના આંકડાને આંબી ગઈ છે. દર પખવાડિયે એક નવો જ વિષય પસંદ કરવો અને એ વિષય પર સંબંધિત જાણકાર પાસેથી પુસ્તિકા લખાવવી એ કામ વિશ્વકોશ જેટલું જ અઘરું છે. યશવંતભાઈએ આ કામ ઓટલે ચીપિયો ખોડીને બેઠેલા મહંતની જેમ નિરાસક્ત ભાવે અને નિષ્ઠાપૂર્વક કર્યું. કોઈ પણ ભારતીય ભાષામાં આવું કામ કોઈ વ્યક્તિએ તો ઠીક, કોઈ સંસ્થાએ પણ કર્યું હોય એવું ધ્યાનમાં નથી.

લગભગ પાંચ વર્ષ સુધી યશવંતભાઈ સાથે ઉપનગરની લોકલ ટ્રેનમાં ચર્ચગેટથી કાંદિવલી સુધી દરરોજ સાંજે પ્રવાસ કરવાનું સદ્ભાગ્ય મને મળ્યું હતું. યશવંતભાઈ ચર્ની રોડથી ચર્ચગેટ જતી ગાડીમાં રિટર્ન જર્ની કરે. ભીડના સમયે બેઠક મેળવવા લાખો મુંબઈગરાઓ કરે છે એમ જ. ડબ્બો અને બેઠકની દિશા નક્કી જ હોય એટલે હું તેમની સાથે ચર્ચગેટથી જોડાઈ જાઉં. પૂરો એક કલાક અમારી વાતો ચાલતી રહે. આ ગાળામાં તેમની પાસેથી પુસ્તકો વિશે પુષ્કળ માહિતી મને મળી છે. તેમણે પોતે પોતાના વિશે આમ કહ્યું છે - ‘આ માણસને (એટલે કે પોતાને) પુસ્તકો વિશે જાણવામાં ખૂબ રસ છે. એ પુસ્તકોનો પ્રેમી છે.’


યશવંતભાઈની બીજી એક વિશિષ્ટતાની મેં નોંધ કરી છે. ઉપનગરની ગાડીઓની અપાર ભીડ અને કોલાહલ વચ્ચે યશવંતભાઈ સ્થિતપ્રજ્ઞની જેમ પુસ્તક વાંચવામાં તલ્લીન હોય. તેમને કોઈ બાહ્ય ઉપકરણો આ સાધનાપંથથી વિચલિત કરી શકે નહીં. ગીતાના બીજા અધ્યાય સાંખ્યયોગમાં શ્રીકૃષ્ણે સ્થિતપ્રજ્ઞની જે ઓળખ આપી છે એ તમામ લક્ષણો યશવંતભાઈ જ્યારે ધ્યાનસ્થ મુદ્રામાં પુસ્તક વાંચતા હોય ત્યારે દેખાઈ આવે.

આ વર્ષો દરમ્યાન સાહિત્યિક સામયિક ‘ગ્રંથ’નું સંપાદન પણ તેમણે સંભાળ્યું. આ ‘ગ્રંથ’ એક એવું આગવું સામયિક હતું જેની અમે એ દિવસોમાં કાગના ડોળે રાહ જોતા. ગુજરાતી ભાષાની સાહિત્યિક ગંગા આ ‘ગ્રંથ’ સામયિકમાં વહેતી. વચ્ચે થોડો સમય બધી સંસ્થાઓમાં બને છે એમ પરિચય ટ્રસ્ટમાં પણ ગ્રહણનો ઓછાયો લાગ્યો અને યશવંતભાઈએ ગૌરવભેર ‘ગ્રંથ’નું સંપાદન છોડી દીધું, પણ યશવંતભાઈ વિના ‘ગ્રંથ’ ચાલ્યું નહીં. યશવંતભાઈ એવા જ ગૌરવભેર પાછા આવ્યા અને ‘ગ્રંથ’નું પુનઃ પ્રકાશન શરૂ થયું.

યશવંતભાઈ શુદ્ધ સાહિત્યના માણસ, તેમને કોઈ જૂથ કે વાદવિવાદ નહીં. તેમની વિશુદ્ધ સાહિત્યિક દૃષ્ટિ કોઈ પણ કૃતિના એંધાણને કેવી સોંસરવી પારખી જતી એનો મને પ્રત્યક્ષ અનુભવ થયો છે. મારી ‘પ્રકાશનો પડછાયો’ નવલકથા એ ગાળામાં જ ધારાવાહિક સ્વરૂપે ‘સમકાલીન’ દૈનિકની સાપ્તાહિક આવૃત્તિમાં પ્રગટ થવા માંડી હતી. હજી તો માંડ ત્રણ-ચાર પ્રકરણ પ્રગટ થયાં હતાં ત્યાં જ યશવંતભાઈએ ‘ડાયરી’ નામની પોતાની કૉલમમાં એની નોંધ લીધી અને લખ્યું – ‘આ દિશામાં એક નવું જ કામ થઈ રહ્યું છે. આ નવલકથા ગુજરાતી ભાષાને નવી દિશા આપશે એમ લાગે છે.’

‘સાચી જોડણી અઘરી નથી’ એ યશવંતભાઈનું સૌથી મૂલ્યવાન પ્રકાશન. કોઈ પણ લેખક, પત્રકાર કે શિક્ષકે વાંચવા જેવું અને વાંચ્યા પછી સતત સ્મરણમાં રાખવા જેવું આ પુસ્તક છે. શ્રી ચુનીલાલ મડિયાએ આ પુસ્તક વિશે એક હળવી મજાક કરતો લેખ ‘સંદેશ’ દૈનિકના પોતાના સાહિત્ય વિભાગમાં લખ્યો હતો. આ લેખનું શીર્ષક હતું – ‘ખોટિ જોડણિ સહેલિ નથિ’. 

જીવનચરિત્રો અને સંપાદનો તો તેમણે ઘણાં કર્યાં છે. ડૉ. કોટનીસ, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, ચુનીલાલ મડિયા, બ. ક. ઠાકોર અને મોરારજી દેસાઈ આ બધા વિશે તેમણે લખ્યું છે. બે ભાગમાં લખાયેલું ‘સરદારનું જીવન ચરિત્ર’ સરદાર વિશેનો અધિકૃત ગ્રંથ ગણાય છે.     

ગુજરાતી જોડણીના સુધાર માટે કેટલીક ચળવળ એ વર્ષોમાં થઈ હતી. મુંબઈમાં પણ શ્રી ગુલાબ ભેડાએ જોડણી સુધાર મંચ નામે આ વિચારણાને આગળ ચલાવી. આ માટે એક સમિતિની રચના થઈ. યશવંતભાઈની આ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. પહેલી જ બેઠકમાં યશવંતભાઈએ કહ્યું, ‘આ સમિતિનું નામ જોડણી સુધાર મંચ એવું રાખીએ તો એનો અર્થ એવો થાય કે વર્તમાન જોડણી બરાબર નથી અને આપણે એમાં સુધારા કરવા માટે આગ્રહ કરી રહ્યા છીએ. ખરી વાત એ છે કે આપણે સુધારણાના આંદોલન વિશે વિચારણા કરવા માગીએ છીએ. મંચને સુધાર મંચ કહીશું તો પહેલેથી જ આપણે એક પક્ષે થઈ જઈશું અને આપણી બધી જ વિચારણા એ દિશામાં થવા માંડશે. આ મંચનું નામ જોડણી વિચાર મંચ એવું રાખીને પછી જ એ દિશામાં આપણે કામગીરી કરવી જોઈએ. એ પછી જોડણી વિચાર મંચ નામકરણ થયું અને યશવંતભાઈ પ્રમુખ બન્યા. જોકે આ દિશામાં આ મંચ દ્વારા ઝાઝી કામગીરી થઈ શકી નહોતી. કોઈ પણ વિવાદાસ્પદ બૌદ્ધિક વિચારણા માટે યશવંતભાઈ હંમેશાં તૈયાર રહેતા, પણ આવી વિચારણાનો પ્રારંભ એકપક્ષી નિર્ણય બાંધ્યા વગર જ કરવો જોઈએ એવું માનતા. તેમના આગ્રહો સ્પષ્ટ અને તાર્કિક હોય પણ એમાં દુરાગ્રહો ક્યારેય ન હોય.

છેલ્લા દિવસોમાં ‘મહાભારતમાં માતૃવંદના’ અને ‘મહાભારતમાં પિતૃવંદના’ નામનાં મારાં આ બે પુસ્તકોની સમીક્ષા તેઓ લખી રહ્યા હતા. આની જાણકારી તેમના અવસાન પછી બે-ત્રણ મહિને તેમનાં પત્ની વસંતબહેને મને ફોન પર આપી. ત્રણ-ચાર પૃષ્ઠોમાં તેમના હસ્તાક્ષરમાં લખાયેલી નોંધ તેમણે મને આપી. આ પૃષ્ઠો અધૂરી સમીક્ષાનાં છે, પણ મોંઘી મૂડીની જેમ મેં સાચવ્યાં છે. કદાચ યશવંતભાઈએ લખેલી આ છેલ્લી સમીક્ષા પણ હોઈ શકે.

૧૯૪૭માં યશવંતભાળએ સદ્ગત મેઘાણીભાઈ માટે જે લેખ લખ્યો એનું શીર્ષક હતું – ‘સહુનો લાડકવાયો’. એ જ શીર્ષક આપણે આજે યશવંતભાઈ માટે પ્રયોજીએ.

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2019 05:01 PM IST | મુંબઈ | ઉઘાડી બારી - ડૉ. દિનકર જોષી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK